આર્થિક કટોકટી : ભારતે સંકટગ્રસ્ત શ્રીલંકાની મદદ કરીને ચીન કરી રીતે પછાડી દીધું?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, કોલંબોથી
છેલ્લાં 15 વર્ષથી ભારત અને ચીન હિંદ મહાસાગરમાં તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે શ્રીલંકા સાથે અનુકૂળ રાજદ્વારી અને વેપાર સંબંધો માટે સ્પર્ધા કરી રહ્યા છે.
લોકમત દર્શાવે છે કે ચીને ભારતને પાછળ છોડી દીધું છે, ત્યારે શ્રીલંકામાં તાજેતરની આર્થિક અને રાજકીય ઊથલપાથલથી એવું લાગે છે કે ભારતની વિદેશનીતિથી શ્રીલંકામાં નવો પ્રાણવાયું મળ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. દેશ વિરોધપ્રદર્શનોથી હચમચી ગયો છે, કારણ કે વધતી કિંમતો અને ખાદ્યપદાર્થો અને ઇંધણની અછતને કારણે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
ગયા અઠવાડિયે મહિંદા રાજપક્ષેએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું, તેમના સમર્થકો અને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે અથડામણ થઈ હતી અને તેને પગલે 9 મેના રોજ દેશભરમાં વ્યાપક હિંસા ફાટી નીકળી હતી.
વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર રનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે દેશની આર્થિક સમસ્યાઓ સુધરતા પહેલાં વધુ ખરાબ થશે.
તેમણે ભારત સહિતના દેશોને આર્થિક મદદ માટે અપીલ કરી હતી.
2019ના અંત સુધી ભારત ક્યારેય શ્રીલંકાને મુખ્ય ધિરાણકર્તા રહ્યું નથી. જ્યારે શ્રીલંકાના કુલ વિદેશી દેવામાં ચીનનો હિસ્સો 10% કરતાં વધારે હતો.
2021ની શરૂઆતમાં આર્થિક સંકટ સાથે શ્રીલંકાની સરકારે તેની વિદેશી હૂંડિયામણની અછતને પહોંચી વળવા ચીન પાસેથી 10 બિલિયન યુઆન (148 મિલિયન ડૉલર, 119 મિલિયન પાઉન્ડ) કરન્સીની સ્વેપ સુવિધા પણ મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ હવે, ભારત ધીમે ધીમે શ્રીલંકાને સૌથી વધુ સહાય આપનાર દેશ તરીકે ઊભરી રહ્યો છે.
શ્રીલંકાનું કુલ વિદેશી દેવું 51 અબજ ડૉલરનું છે. આ વર્ષે આ દેવા પેટે 7 અબજ ડૉલર ચૂકવવા પડશે, આગામી વર્ષોમાં પણ આટલી રકમ ચૂકવવી પડશે.
શ્રીલંકા ઇંધણ જેવી આવશ્યક વસ્તુઓની આયાત માટે નાણાં ચૂકવવા માટે 3 અબજ ડૉલરની તત્કાલ લોન પણ માગી રહ્યો છે.
વિશ્વ બૅન્ક તેને 600 મિલિયન ડૉલરનું ધિરાણ આપવા સંમત થઈ છે, તેની સામે ભારતે 1.9 અબજ ડૉલરની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને આયાત માટે વધારાના 1.5 અબજ ડૉલરનું ધિરાણ આપી શકે છે.
ભારતે 65,000 ટન ખાતર અને 4,00,000 ટન ઇંધણ પણ મોકલ્યું છે, જેમાં મે મહિનામાં વધુ ઇંધણના શિપમેન્ટની અપેક્ષા છે. ભારત વધુ તબીબી પુરવઠો મોકલવા માટે પણ પ્રતિબદ્ધ છે.
બદલામાં ભારતે એક કરાર મેળવ્યો છે, જે અંતર્ગત ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનને બ્રિટિશનિર્મિત ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મમાં પ્રવેશની મંજૂરી મળી છે.
ભારતની ત્રિંકોમાલી નજીક 100 મેગાવોટ પાવર પ્લાન્ટ વિકસાવવાની નેમ છે.

ભારતીય મદદ અંગે મિશ્ર લાગણી

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA
શ્રીલંકામાં ઘણાને લાગે છે કે શ્રીલંકામાં ભારતનો વધુ પડતા ચંચૂપાતનો અર્થ "સાર્વભૌમત્વને નબળુ પાડવું" થઈ શકે છે.
ફ્રન્ટલાઈન સોશિયાલિસ્ટ પાર્ટીના પબુદા જયગોડાએ કહ્યું, "છેલ્લા દોઢ વર્ષથી શ્રીલંકામાં કટોકટી છે અને અમારું માનવું છે કે ભારતે તેનો ઉપયોગ પોતાનાં હિત માટે કર્યો છે. હા, તેઓએ થોડી ક્રેડિટ, કેટલીક દવાઓ અને ખોરાક આપ્યો પરંતુ (તેઓ) મિત્ર નથી. તેમનો છુપો રાજકીય એજન્ડા છે."
પરંતુ અન્ય લોકો ભારતીય મદદને આવકારે છે.
કોલંબોમાં ડુંગળીના આયાતકાર વી રત્નાસિંઘમ કહે છે, "અમે અમારી તકલીફો માટે ભારતને દોષિત ન ઠેરવી શકીએ."
તેઓ ઉમેરે છે, "અમને આજે પણ ભારતમાંથી વાજબી ભાવે ડુંગળી મળી રહી છે અને તેઓ સંકટના સમયે અમને ક્રેડિટ આપી રહ્યા છે. ડુંગળીના ભાવ ત્રણ ગણા વધી ગયા તે શ્રીલંકાની સરકારની નિષ્ફળતા છે."
શ્રીલંકાના ચીન સાથેના સંબંધોની પૃષ્ઠભૂમિ સાથે અત્યારે ભારતના ઈરાદાઓ પર શંકાઓ ઊઠી છે.

ઇમેજ સ્રોત, TWITTER/@PMOINDIA
મહિંદા રાજપક્ષેએ 2005માં પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પછી શ્રીલંકાના ચીન સાથેના વલણને "ઘરેલુ આર્થિક વિકાસને સક્ષમ કરતાં વધુ વિશ્વસનીય ભાગીદાર" તરીકે ગણવામાં આવતું હતું.
વધુ ને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચીનને આપવામાં આવ્યા હતા. જેમાં અબજો ડૉલરના હમ્બનટોટા બંદર અને કોલંબો-ગાલે એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે.
2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કોલંબોની પ્રથમ મુલાકાત પણ દિલ્હી માટે સ્પષ્ટ રાજદ્વારી સંકેત હતી.
હમ્બનટોટાને આજકાલ "સફેદ હાથી" ગણાવાઈ રહ્યો છે જેણે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને ભાંગી નાખી છે. આવા જ અન્ય કેટલાક ખર્ચાળ પ્રોજેક્ટ્સ પણ છે જેણે શ્રીલંકાને દેવાના ડુંગર તળે દબાવી દીધો છે.
કોલંબોના ગાલે ફેસ ગ્રીન ખાતેના ઘણા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ માને છે કે ઝડપી આધુનિકીકરણના આ દબાણને પગલે શ્રીલંકામાં વર્તમાન પરિસ્થિતિ સર્જાઈ છે.
શ્રીલંકા ઉપર ચીનનું 6.5 અબજ ડૉલરનું દેવું છે અને દેવાના રિ-સ્ટ્રક્ચર અંગે વાતચીત ચાલી રહી છે.
ચીને અગાઉ યુઆન સામે રૂપિયામાં લેવડદેવડ કરીને શ્રીલંકાના વિદેશી ચલણના ભંડારને મજબૂત કરવા સંમતિ આપી હતી, પરંતુ શ્રીલંકાની મદદ માટે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ)નો સંપર્ક કરવા પર નારાજગી દર્શાવી છે.
44 વર્ષીય નૂરા નૂર તેના પરિવાર સાથે ગાલે ફેસ ખાતે પ્રદર્શન કરી રહ્યાં છે અને મહિંદાના નાના ભાઈ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગ કરી રહ્યાં છે.
તેઓ કહે છે, "ચીન પાસેથી મેળવેલાં નાણાંનો હિસાબ ક્યારેય અપાયો નથી, ખરું? નહિતર મારો દેશ ચુકવણી કરવામાં નાદારી કેમ નોંધાવે? હવે તમામ પુરવઠો ભારતમાંથી આવી રહ્યો છે, તો મારો પ્રશ્ન એ છે કે આપણે કોના પર વિશ્વાસ કરવો જોઈએ - ચીન કે ભારત?"
કેટલાક આશાવાદીઓ માને છે કે મુત્સદ્દીગીરી મદદ કરશે.
ભારતમાં શ્રીલંકાના ભૂતપૂર્વ હાઈ કમિશનર ઓસ્ટિન ફર્નાન્ડોએ ધ આઇલૅન્ડ અખબારમાં લખ્યું હતું, "શું શ્રીલંકાને ચીન સાથે ઘર્ષણના માર્ગ પર મૂકવામાં આવી રહ્યું છે? જો એમ હોય તો આપણે ઊભી થતી અન્ય નકારાત્મક પરિસ્થિતિઓને કારણે આવી ઘટનાને ટાળવાની જરૂર છે. સંબંધોને સંતુલિત કરવા આવશ્યક છે."

ભારતના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે તેના પડોશી ચીનના વધતા જતા દબદબાને ખાળવાના સખત પ્રયાસ કર્યા છે.
2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે પછીના વર્ષે શ્રીલંકા પ્રવાસ કર્યો હતો અને શ્રીલંકાની સંસદને સંબોધિત કરતી વખતે "સૌથી શ્રેષ્ઠ મિત્રો" હોવાનો દાવો પણ કર્યો હતો.
ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર અને ભૂતપૂર્વ કૅબિનેટમંત્રી અર્જુન રણતુંગા તેમના કાર્યકાળમાં ભારત ઉદાર હોવાનું યાદ કરે છે.
તેઓ કહે છે, "હું 2015માં પેટ્રોલિયમ અને બંદર મંત્રાલય બંને સંભાળતો હતો અને અમે ભંડોળના અભાવે જાફના ઍરપૉર્ટ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. હું મદદ માગવા માટે દિલ્હી ગયો હતો. પીએમ મોદીની સરકારે સબસિડીવાળી લોન ઑફર કરી હતી અને પછીથી તેને ગ્રાન્ટમાં ફેરવી હતી. એક પાડોશી પાસેથી આનાથી વધુ શું તમારે જોઈએ?"
2019માં રાજપક્ષેની સત્તામાં વાપસી સાથે અને ગોટાબાયા રાષ્ટ્રપતિ અને મહિંદા વડા પ્રધાન બનવા સાથે ભારત દ્વારા તેની વિદેશનીતિને નવેસરથી સ્થાપિત કરવા અને તેલ અને ખાદ્ય ચીજવસ્તુઓ પરના નવા કરારો પર ઉતાવળે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કોલંબો અને દિલ્હી વચ્ચે ચીન તરફથી ખાસ પ્રતિભાવ વિના બંને દેશો વચ્ચે મુલાકાતો થઈ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શ્રીલંકાના તમિલ લઘુમતીઓનો પ્રશ્ન અને તેમના અધિકારોની માગ ભારત સાથેની રાજદ્વારી વાટાઘાટમાં મોખરે રહી છે.
2009માં ગૃહયુદ્ધ સમાપ્ત થયા પછી ભારતે શ્રીલંકાની સરકારને ટેકો આપ્યો હતો.
જોકે શ્રીલંકાએ 1987ની ભારત-શ્રીલંકા શાંતિ સમજૂતીનો અમલ કરવાનું બાકી છે, જેમાં તમિલોની બહુમતી ધરાવતા તમામ પ્રાંતોને સત્તા સોંપવાનું વચન આપવામાં આવ્યું હતું.
જોકે વર્તમાન આર્થિક કટોકટીમાં બંને રાષ્ટ્રો વચ્ચેની તમામ સમસ્યાઓ પાછળ ધકેલાઈ ગઈ છે.
ભારત તરફથી આવશ્યક ચીજવસ્તુઓના સતત પુરવઠાને કારણે ભારતવિરોધી અને ચીન તરફી તરીકે જોવામાં આવતી શ્રીલંકાની જાહેર ધારણામાં પરિવર્તન આવ્યું છે.
કોલંબોમાં સેન્ટર ફૉર પૉલિસી ઓલ્ટરનેટિવ્સના વરિષ્ઠ સંશોધક ભવાની ફોન્સેકા કહે છે, "ભારત લગભગ 15 વર્ષ પહેલાં ચીનની સરખામણીએ પાછળ પડી ગયું હતું પરંતુ આજે પુનરાગમન કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે."
તેઓ ઉમેરે છે, "શ્રીલંકામાં વંશીય લઘુમતીઓએ સમાન અધિકારો માટેની તેમની માગણીઓ માટે હંમેશાં ભારત તરફ મીટ માંડી છે, જ્યારે સિંહાલી બહુમતી હજુ પણ મિશ્ર ધારણા ધરાવે છે."
અંતમાં તેઓ કહે છે, "કેટલીક આંતરિક બાબતોમાં ભારતની દખલગીરીને લઈને પણ ચિંતિત છે. પરંતુ મને લાગે છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












