અમેરિકા : ન્યૂયૉર્કના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકોનાં મૃત્યુ

અમેરિકાના ન્યૂયૉર્કમાં 'બફેલો સુપરમાર્કેટ'માં એક યુવકે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકોનાં મોત થયાં છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.

આ હુમલા બાદ યુવકે આત્મસમર્પણ કર્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ અધિકારીઓએ કહ્યું કે એક 18 વર્ષીય યુવકે સૈનિક જેવી વર્દી અને કવચ પહેર્યાં હતાં.

હુમલાખોરે હેલમેટ પહેર્યો હતો, જેમાં કૅમેરા ફિક્સ હતો અને તે આ હુમલાનું લાઇવ સ્ટ્રિમિંગ કરતો હતો.

શહેરના પોલીસ કમિશનર જોસેફ ગ્રૅમાગલિયાએ કહ્યું કે યુવકે સ્ટોરની બહાર ચાર લોકોને ગોળી મારી હતી.

તેમણે કહ્યું કે સ્ટોરની અંદર ઘૂસ્યા બાદ ગાર્ડે કિશોર પર પહેલી ગોળી ચલાવી હતી, પણ બુલેટ પ્રૂફ જૅકેટ પહેર્યું હોવાને કારણે તેને કોઈ અસર થઈ નહોતી.

કમિશનરે કહ્યું કે ત્યાર બાદ બંદૂકધારી યુવકે ગાર્ડની પણ હત્યા કરી દીધી.

પોલીસે જણાવ્યું કે હુમલાના ભોગ બનેલા 11 પીડિતો કાળા હતા અને બે ગોરા હતા.

ઘટનાને નજરે જોનારાઓએ શું કહ્યું?

પોલીસ આ ઘટનાને "વંશીય રૂપથી પ્રેરિત હિંસક ઉગ્રવાદી" હુમલો માનીને તપાસ કરી રહી છે.

હુમલાખોર કલાકો સુધી ડ્રાઇવ કરીને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ વિસ્તારમાં કાળા લોકોની બહુમતી છે.

સુપરમાર્કેટમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક નિવૃત પોલીસકર્મીએ હુમલાખોરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનું પણ મૃત્યુ થઈ ગયું છે.

ઘટનાને નજરે જોનારા ગ્રેડી લ્યુઇસે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેણે હુમલાખોરને ગોળીબાર કરતા જોયો હતો.

તેમણે કહ્યું, "મેં યુવકને અંદર જતા અને ગોળીબાર કરતા જોયો હતો."

અહીં કામ કરતાં શૉનેલ હેરિસે બફેલો ન્યૂઝને જણાવ્યું કે તેમણે 70 કરતાં વધારે ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ બચવા માટે પાછળના દરવાજામાંથી નીકળી ગયાં હતાં.

તેમણે કહ્યું, "રજાના દિવસો હોવાથી સ્ટોર લોકોથી ભરેલો હતો. આ કોઈ દુખદ સપના જેવું લાગે છે. "

સીબીએસ ન્યૂઝ સાથે વાત કરતાં પોલીસના એક સૂત્રે જણાવ્યું હતું કે હુમલાખોર હુમલો કરતી વખતે વંશીય ગાળો બોલી રહ્યો હતો.

તેમણે કહ્યું, "કોઈ પણ સમુદાય માટે આ એક દુઃસ્વપ્ન જેવી ઘટના છે. અમે આ નફરતથી ભરેલી વ્યક્તિને અમારા સમુદાય કે અમાર દેશના ભાગલા પાડવા નહીં દઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો