You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું છે બ્રાઝિલની ઊડતી નદીઓ જે હાલમાં 100 લોકોને ભરખી જનાર પૂર લાવી, કેવી રીતે હવામાં વહેતી થાય છે?
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
દક્ષિણ અમેરિકાના વિશાળ પ્રદેશોમાં અત્યારે નદીઓ તોફાની બની છે અને મોટા પાયે ભેજને લઈને વહી રહી છે. પણ આ કંઈ સામાન્ય નદીઓ નથી, આ "ઊડતી નદીઓ" છે.
લોકો તેને પાણીનો ભારે પવન એવી રીતે ઓળખે છે. ભૂમધ્ય ઍટલાન્ટિક મહાસાગર પરથી ભેજ લઈને વાદળો આવે અને તેમાં પછી ભળે મહાકાય નદી એમેઝોનમાંથી થતું બાષ્પીભવન.
તેના કારણે ઊપલા પડમાં ભેજ જમા થવા લાગે, વાદળો બંધાય અને વાદળો ઊડતાં ઊડતાં 3000 કિલોમિટર દૂર એન્ડિઝ પર્વતમાળા તરફ આગળ વધે.
પર્વતો આડા આવે એટલે વળાંક લઈને દક્ષિણ તરફ બ્રાઝિલ, ઉરુગ્વે, પેરાગ્વે અને ઉત્તર આર્જેન્ટિનાના પ્રદેશો સુધી પહોંચે.
આ રીતે ઉપર હવામાં જળબિંદુઓનું વાતાવરણ જામે તે અંદાજે બે કિલોમિટર જેટલું પહોળું હોય છે અને તેમાં આખી એમેઝોન નદી જેટલું જળ ભરેલું હોય છે.
આ વાદળાં પર જ જોકે લેટિન અમેરિકાના કરોડો લોકો નભે છે, કેમ કે સારો વરસાદ આવે અને સારો પાક પણ થાય.
પરંતુ આ જ વાદળો તોફાની બને ત્યારે ભારે વાવાઝોડું ફૂંકાય છે, પૂર આવે છે અને તબાહી પણ મચી જાય છે. હાલમાં બ્રાઝિલના પ્રાચીન સામ્રાજ્યના કેન્દ્રસમા પેટ્રૉપોલિસ નગર પર આવી જ રીતે વાદળો વરસી પડ્યાં છે.
રિયો દ જનેરો રાજ્યમાં એક અઠવાડિયાથી ભારે પૂરની સ્થિતિ છે અને અનેક જગ્યાએ વિનાશ વેરાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારે વરસાદને કારણે 200 જેટલી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને 100થી વધુ લોકો દટાઈને મૃત્યુ પામ્યા છે. બચાવ દળ રાતદિવસ કામ કરી રહ્યાં છે અને દટાયેલા લોકોને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. કાદવ અને કાટમાળમાં અનેક લોકો ફસાયેલા છે.
બીબીસી મુન્ડો આ લેખમાં એ સમજાવવા પ્રયત્ન કરાયો છે કે કેવી રીતે આકાશમાં ઊડતી નદીઓ તૈયાર થાય છે, તેના કારણે દક્ષિણ અમેરિકામાં કેવી રીતે ભારે પૂર આવે છે. જંગલોનું નિકંદન અને જળવાયુ પરિવર્તન આ સ્થિતિ માટે કેટલું જવાબદાર તેની પણ ચર્ચા કરવામાં આવશે.
કેવી રીતે સર્જાય છે ઊડતી નદીઓ?
બ્રાઝિલના નેશનલ સેન્ટર ફૉર મૉનિટરિંગ ઍન્ડ વૉર્નિંગ ઑફ નેચરલ ડિઝાસ્ટરના હવામાનશાસ્ત્રી હોઝે મરેન્ગો જણાવે છે કે ભૂમધ્ય ઍટલાન્ટિક સમુદ્રમાં ભારે ગરમી પડતી હોય છે અને બહુ મોટા પાયે બાષ્પીભવન થાય છે. અહીંનો ભેજ એમેઝોનનાં જંગલો પર (થોડા વરસાદરૂપે પણ) આવી ચડે. સાથે જ એમેઝોન જંગલમાંથી પણ બાષ્પીભવન થાય અને ભેજ પેદા થાય તે ફરી ઉપર ચડે અને સમુદ્ર પરથી આવેલાં વાદળોને વધારે ગાઢ બનાવે.
મરેન્ગો કહે છે, "સમુદ્ર પરના વેપારી પવનો વહે, જોરથી હવા ફૂંકાય એટલે એ બધો જ ભેજ વાતાવરણમાં નીચેની તરફ આવે અને જમીન તરફ આવે, તે પછી તેમાં વરસીને પડેલો ભેજ વળી પાછો એમેઝોનમાંથી બાષ્પીભવન થઈને ઉપર પહોંચે."
તેઓ વધુમાં સમજાવે છે, "દરેક નદી અમુક જગ્યાએ શાંત વહેતી હોય છે, જ્યારે કેટલીક જગ્યાએ ઝડપથી વહે જેને આપણે રિવર જેટ કહેતા હોઈએ છીએ".
ભેજ એકઠું થવા સાથે ઊડતી નદી બને, "તે ઍન્ડીઝના પર્વતો સાથે અથડાય ત્યારે તેની વચ્ચેની ગતિ તેજ બની જાય. તેની તેજ ગતિને કારણે હળવા દબાણનું જેટ બને, અને તેના કારણે જ નીચેની તરફનો ભેજ સૌથી વધારે પ્રમાણમાં ઉપરની તરફ ખેંચાઈ જાય છે."
આ રીતે ઉપર વાદળાના થર બની જાય છે અને તે પછી પર્વતો આડે આવે એટલે "વળાંક લઈને દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ તરફ વળે છે. બ્રાઝિલના અને રિયો દ લા પ્લેટા પ્રદેશ સુધી પહોંચે છે, જ્યાં ભારે વરસાદ પડે છે."
બ્રાઝિલની મેત્સૂલ મિટિયોરોલૉજીના એસ્ટલ સિઆસ સમજાવતાં કહે છે કે દેશનો ઉત્તર તરફનો હિસ્સો બહુ "ભેજવાળો હોય છે, કેમ કે ત્યાં સતત ગરમી પડે છે. ગરમીને કારણે એમેઝોન નદીમાંથી જ બહુ બાષ્પીભવન થાય છે અને ભેજ ઉપર પહોંચે છે."
બીબીસીના પત્રકાર રાફેલ બેરિફોસેને તેમણે જણાવ્યું કે "આ ભેજ સાથેનાં વાદળો પશ્ચિમ તરફ જાય, પરંતુ ત્યાં એન્ડીઝ પર્વતમાળા આડી આવે અને વાદળોને ખંડ છોડીને જવા દેતી નથી. તેના બદલે આ ઊડતી નદીઓને (વાદળોને) નીચેની તરફ ઉતારે છે."
એમેઝોનનાં જંગલોની ભૂમિકા કેટલી?
ઍટલાન્ટિક મહાસાગરમાંથી આવતાં ભેજ ઉપરાંત એમેઝોનનાં જંગલોમાં વૃક્ષોમાંથી ભેજ છૂટે તેના કારણે પણ ઊડતી નદીઓ તૈયાર થાય છે.
બ્રાઝિલના વિજ્ઞાની એન્ટોનિયો નોબ્રેએ પોતાનાં વક્તવ્યોમાં જણાવેલું છે કે કેવી રીતે આ વૃક્ષો અનોખી ભૂમિકા ભજવે છે.
બ્રાઝિલની સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અર્થ સિસ્ટિમના પ્રોફેસર તરીકે કામ કરતાં નોબ્રે કહે છે, "અમે જંગલમાંથી થતાં બાષ્પીભવનને મિલિમિટરમાં માપીએ છીએ, એવી રીતે કે જમીન પર પાણીનું પાતળું સ્તર પથરાયું હોય તો કેટલું હોય તે રીતે."
20 મિટર જેટલું પહોળું ગાઢ પાંદડાં સાથેનું વૃક્ષ એક દિવસમાં હજારથી વધુ લિટર જળ હવામાં છોડે છે એમ નોબ્રે કહે છે.
"આજે પણ એમેઝોનમાં 55 લાખ ચોરસ કિલોમિટરમાં ગાઢ જંગલો ફેલાયેલાં છે, જેમાં જુદાં જુદાં જાતનાં 400 અબજથી પણ વધારે વૃક્ષો હશે."
"અમે એક ગણતરી કરી હતી અને અલગ રીતે તપાસમાં પણ તે સાચી પડી હતી. એમેઝોનનાં વૃક્ષો દરરોજ 20 અબજ ટન (અથવા 20 ટ્રિલિયન લિટર) પાણીનું બાષ્પીભવન કરે છે."
પેટ્રૉપોલિસમાં આવ્યું તેવું પૂર ઊડતી નદીઓ કેવી રીતે લાવે છે?
ક્લાઇમેટેમ્પોના હવામાનશાસ્ત્રી જોસિલેયા પેગોરિમે પત્રકાર બેરિફોસેને જણાવ્યું કે પેટ્રૉપોલિસમાં આવ્યું તેવું પૂર, અને તે પહેલાંના મહિનામાં આવેલા પૂર સાઉથ ઍટલાન્ટિક કન્વર્જન્સ ઝોન તરીકે ઓળખાતી હવામાનની પ્રવૃત્તિને કારણે આવે છે.
ઊડતી નદીઓ સાથે પાણી ભરેલાં વાદળાં આવે અને દક્ષિણમાંથી આવતો ઠંડો પવન જ્યાં સામસામે ભેગાં થઈ જાય તે ઝોનને કન્વર્જન્સ ઝોન કહે છે.
પેગોરિમ કહે છે, "દર વર્ષે આ પ્રકારનો ઓછી કે વધારે તીવ્રતા સાથેનો કન્વર્જન્સ ઝોન બનતો હોય છે. આ કોઈ નવી વાત નથી. ક્લાઇમેટ ચેન્જને કારણે આવું થાય છે તેવું કહેવાનો અર્થ નથી."
ઊડતી નદી જેવા વાદળો સામે દક્ષિણના પવનો આવી જાય એટલે અમુક જ પ્રદેશોમાં કેટલાક દિવસો સુધી વાદળાં ઘેરાતાં રહે છે.
આ પ્રદેશોમાં સાઉથ ઍટલાન્ટિક કન્વર્જન્સ ઝોન દર વર્ષે ઉનાળામાં સર્જાય છે અને તેના કારણે ભારે વરસાદ આવતો રહે છે.
ગયા વર્ષના અંતે બેહિયાના દક્ષિણમાં અને ગયા મહિને મિનાસ ગેસિયાસમાં પણ આવી જ રીતે ભારે વરસાદ પડ્યો હતો.
તે પછી સાઓ પાઉલોમાં અને હવે પેટ્રૉપોલિસમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યું છે.
કેટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેના આધારે તથા હવામાનની બીજી સ્થિતિને આધારે ઊડતી નદીઓની સ્થિતિ પલટાતી રહેતી હોય છે એમ સિઆસ કહે છે.
આ નિષ્ણાત કહે છે, "શિયાળામાં ઊંચુ દબાણ હોય એટલે ઠંડા પવનો દક્ષિણ પૂર્વ કે મધ્ય પૂર્વ તરફ આગળ વધી શકતા નથી. તે દરમિયાન આ પ્રદેશોમાં સૂકું હવામાન રહે છે અને તેના કારણે વાદળો પશ્ચિમમાં અને દક્ષિણમાં બહુ દૂર સુધી જઈ શકતાં હોય છે."
"ઉનાળામાં હવાનો આવો અવરોધ જમીનના બદલે દૂર મહાસાગરમાં સર્જાય છે અને ઠંડા પવનો આગળ વધી શકે છે. આ પવનો આવે ત્યારે તેની સાથે એમેઝોનનો ભેજ પણ આવે છે."
"બંને હવે સાથે મળીને બ્રાઝિલના દક્ષિણ પૂર્વ અને ઉત્તર પૂર્વ તરફ જઈ શકે છે અને તેની સાથે વરસાદ અને વાવાઝોડાં આવે છે."
સિઆસ કહે છે કે ગત અઠવાડિયે ઊડતી નદીઓ ફેલાયેલી હતી, પરંતુ આ અઠવાડિયે ઠંડા અને સૂકા દક્ષિણમાં પવનો સામે આવ્યા અને વાદળોને આગળ વધતાં અટકાવી દીધાં હતાં.
આ રીતે વાદળો ગાઢ થવા લાગ્યાં અને પછી વાદળ ફાટે તે રીતે પેટ્રૉપોલિસ પર વરસી પડ્યાં હતાં.
ક્લાઇમેટ ચેન્જની શી અસર થાય છે?
ઘણાને લાગે છે કે પેટ્રૉપોલિસમાં પડેલો ભારે વરસાદ અપવાદરૂપ છે, પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિટિયોરોલૉજીના ફ્રાન્ચેસ્કો દે આસિસ કહે છે કે ઉનાળામાં દક્ષિણ અમેરિકામાં કન્વર્જન્સ ઝોન બનતા જ રહે છે.
આસિસે બીબીસી ન્યૂઝ બ્રાઝિલને જણાવ્યું કે "અમુક વખતે તે વધારે દક્ષિણ તરફ થાય છે, ક્યારેય વધારે ઉત્તર તરફ થાય છે."
વર્ષના આ સમયગાળામાં એમેઝોનમાંથી ભેજ આવે તે એકઠો થવા લાગે છે. તેઓ કહે છે, "ભારે ગરમીને કારણે એમેઝોનમાંથી બહુ જ બાષ્પીભવન થાય છે."
સાથે જ ગરમીને કારણે પ્રશાંત અને ઍટલાન્ટિક મહાસાગરમાંથી પણ વધારે ભેજ હવામાં ભળે છે, જેના કારણે આવું વરસાદી વાતાવરણ ઊભું થાય છે એમ તેઓ સમજાવે છે.
જોકે પેરોગિમ ચેતવણી આપતાં કહે છે કે મિનાસ, સાઓ પાઉલો અને બહિયામાં આવેલાં પૂર બરાબર હતાં, પરંતુ પેટ્રૉપોલિસમાં આવેલું પૂર અલગ પ્રકારનું હતું.
"અન્ય જગ્યાએ થોડા દિવસ માટે ભારે પ્રમાણમાં વાદળાં એકઠાં થયાં એટલે ભારે વરસાદ આવ્યો હતો, પરંતુ એક જ અઠવાડિયા દરમિયાન એક જ પ્રદેશમાં વારંવાર કન્વર્જન્સ ઝોન સર્જાયા હતા. પેટ્રૉપોલિસમાં ઐતિહાસિક સરેરાશ કરતાં સમગ્ર મહિના દરમિયાન વધુ ત્રણ કલાક સુધી વરસાદ પડતો રહ્યો હતો."
તેઓ કહે છે કે રિયો દ જનેરોમાં વરસાદી માહોલ જામવા માટે જરૂરી બધાં જ પરિબળો બરાબર તૈયાર થઈ ગયાં હતાં.
હવામાં ભારે ભેજ હતો અને તેમાં સમુદ્ર પરના પવનોથી વધારે ભેજ આવ્યો.
તે બંને ભેગા થયા એટલે પર્વતીય પ્રદેશમાં ગાઢ વાદળો સર્જાયાં.
પર્વતોને કારણે ભેજવાળા પવનો ઉપરની તરફ ચડવા લાગ્યા અને તેની સાથે વધારે ભેજ પણ ગ્રહણ કરતા ગયા.
ક્લાઇમેટ બાબતોના નિષ્ણાત કાર્લોસ નોબ્રે બીબીસી ન્યૂઝ બ્રાઝિલને જણાવે છે કે અગાઉ ક્યારેય જોવા મળ્યું હોય તેવું હવામાન સર્જાય તેવું ક્લાઇમેટ ચેન્જમાં ક્યારેક જ જોવા મળે છે.
મોટા ભાગે એવું બનતું હોય છે કે જે હવામાન હોય તે વધારે નિયમિત બને કે વધારે તીવ્ર બને.
નોબ્રે કહે છે, "તમે વૈજ્ઞાનિક અહેવાલો જુઓ તો ખ્યાલ આવશે કે 150 વર્ષ પહેલાં હીટ વેવ આવતા હતા તેના કરતાં ત્રણથી ચાર ગણા વધારે હીટ વેવ આવે છે, એટલો જ વધારે વરસાદ પડે છે અને હવે વધારે વાર નુકસાન થઈ રહ્યું છે. જંગલમાં દવ પણ વધારે લાગે છે અને દુકાળો પણણ વધારે પડે છે. તાપમાનના રેકર્ડ પણ તૂટી ગયા છે. આ બધું ગ્લૉબલ વોર્મિંગને કારણે થઈ રહ્યું છે."
ઊડતી નદીઓનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે?
બ્રાઝિલમાં એમેઝોનના જંગલનું નિકંદન જાન્યુઆરીમાં સૌથી વધારે પ્રમાણમાં થયું અને એક નવો વિક્રમ બન્યો. એક જ મહિનામાં 430 ચોરસ કિલોમિટર જંગલોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું.
ગયા વર્ષે આ મહિને જ કરાયું હતું તેના કરતાં પાંચ ગણું વધારે નિકંદન. 2016થી ઉપગ્રહથી નજર રાખવામાં આવી રહી છે તે પછી જાન્યુઆરીના મહિનામાં આ સૌથી વ્યાપક પ્રમાણમાં થયેલું નિકંદન છે.
સત્તાવાર આંકડા અનુસાર ઑગસ્ટ 2020થી જુલાઈ 2021 સુધીમાં બ્રાઝિલના એમેઝોનના 13,235 ચોરસ કિલોમિટરનો નાશ થઈ ગયો છે. છેલ્લાં 15 વર્ષમાં એક વર્ષમાં થયેલો આ સૌથી વધારે વિનાશ છે.
કપાતાં જંગલોને કારણે ઊડતી નદીઓ પર શું અસર થાય તે અગત્યનો સવાલ છે.
મરેન્ગોએ બીબીસી મુન્ડોને જણાવ્યું કે "જંગલના વિનાશને કારણે હજી સુધી તો ઊડતી નદીઓ પર કોઈ અસર પડી નથી."
"એવું જોવા મળ્યું છે કે 2022ના ઉનાળામાં પણ જંગલમાંથી મોટા પ્રમાણમાં બાષ્પીભવન થયું છે અને તેના કારણે ભારે વરસાદ પડ્યો છે. અમુક વખતે ભારે વરસાદ પડ્યો છે એનો અર્થ કે છેલ્લા થોડા દિવસો દરમિયાન નદીમાં ભારે પાણી હતું, પણ તે પછી તેમાં પાણી ઓછું થઈ ગયું હતું."
આ નદીઓ પર ક્લાઇમેટ ચેન્જની શી અસર પડી રહી છે?
મરેન્ગો કહે છે, "અત્યાર સુધી ઊડતી નદીઓ પર કોઈ અસર જોવા મળી નથી. પરંતુ ભવિષ્યમાં બદલાતા જળવાયુથી નદીઓ વધારે ગાઢ બનશે, થોડા સમયમાં જ વધારે વરસી પડશે અને પછી કેટલાય દિવસ વરસાદ ના હોય તેવું બની શકે છે."
કાર્લોસ નોબ્રે કહે છે કે ભારે વરસાદ આવે તેના કારણે તબાહી થાય છે એવું નથી, પણ એટલા માટે થાય છે કે લોકો ભારે વરસાદના સ્થળે જ જઈને વસે છે. તબાહી થતી હોય તો પણ ત્યાં જ રહે છે. દાખલા તરીકે જાન્યુઆરી 2011માં પણ આવી જ ભારે તબાહી પેટ્રૉપોલિસ, નોવા ફ્રિબર્ગો અને ટેરેસોપોલિસમાં થઈ હતી, પણ હજીય ત્યાં લોકો વસે છે."
નોબ્રેના જણાવ્યા અનુસાર અત્યારે પણ બ્રાઝિલના 50 લાખ લોકો જોખમી વિસ્તારોમાં વસેલા છે.
"અત્યારે પૃથ્વીના તાપમાનમાં સરેરાશ એક ડિગ્રીનો વધારો થયો છે ત્યારે આ બધું થતા આપણે જોઈ રહ્યા છીએ. આપણે પર્યાવરણની કાળજી રાખીશું તો પણ આટલું નુકસાન તો થતું રહેવાનું છે. એટલે કુદરતી આપત્તિનો સામનો કરવા માટે આપણે વધારે તૈયારી કરવી પડશે. તેના માટે જરૂરી એ છે કે જોખમી વિસ્તારોમાં વસાહતો થવા દેવી નહીં.
મરેન્ગો કહે છે કે દક્ષિણપૂર્વ બ્રાઝિલમાં આ વખતે દક્ષિણનો વરસાદ બહુ ભારે પડ્યો હતો અને થોડા જ દિવસો અને થોડા જ કલાકોમાં એક સાથે વરસી પડ્યો હતો.
"દાખલા તરીકે, પેટ્રૉપોલિસમાં આ અઠવાડિયે ત્રણ જ કલાકમાં 240 એમએમ વરસાદ પડ્યો, જે ફેબ્રુઆરીમાં સામાન્ય રીતે પડતો હોય છે 180 મિલિમિટર વરસાદ તેના કરતાં ઘણો વધારે છે. એક સાથે ભાર વરસાદ તૂટી પડે તેના કારણે કુદરતી આફત આવે છે અને ગીચ વસ્તી હોય ત્યાં વધારે નુકસાન થાય છે."
આવા જોખમી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વધારે તબાહી થાય છે. ખાસ કરીને નદીના તટપ્રદેશમાં, કૅનાલોની આસપાસ અને ઢોળાવવાળા વિસ્તારમાં અને વૃક્ષો ના હોય તેવા ખુલ્લા મેદાનમાં વધારે નુકસાન થાય છે.
હવામાનની આગાહીઓ વધારે સચોટ થાય તેવું કરવાની જરૂર છે અને વસાહતો પર ક્યાં કેટલું જોખમ છે તે વધારે સારી રીતે સમજી લેવાની જરૂર છે. તેમ થાય ત્યારે આપત્તિ આવે તે પહેલાં ચેતવણી આપી શકાય છે.
"તમારી પાસે હવામાનની સચોટ આગાહી આવી પણ જાય, પણ પછી કોઈ પગલાં લેવામાં ના આવે ત્યારે ભારે વરસાદને કારણે લોકોના જીવ જવાના જ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો