કૅનેડામાં ટ્રકચાલકોનો વિરોધ: દિલ્હીમાં ખેડૂત આંદોલનને ટેકો આપનાર જસ્ટિન ટ્રુડો કૅનેડામાં ટ્રકચાલકોના વિરોધ સામે કડક કેમ? પાંચ મુદ્દામાં સમજો

કૅનેડામાં લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલા વૅક્સિનવિરોધી દેખાવો સામે સરકારે કડકહાથે કામ લેવાનું નક્કી કર્યું છે .

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિર્ણય કર્યો છે કે વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા લોકોના બૅન્કના ખાતા કોર્ટના આદેશ વગર ફ્રીઝ કરી દેવાશે તથા તેમને ઝડપી લેવા માટે પોલીસને વધુ સાધનો આપવામાં આવશે.

ટ્રક ડ્રાઇવર

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલા વૅક્સિનવિરોધી દેખાવો સામે સરકારે કડકહાથે કામ લેવાનું નક્કી કર્યું છે .

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું કહેવું છે કે દેશના નાગરિકોને સલામત રાખવા તથા તેમની નોકરીઓને બચાવવા માટે કોરોનાસંબંધિત આદેશ આપવામાં આવ્યા છે.

ટ્રુડોએ કટોકટીસંબંધિત પ્રસ્તાવને સંસદ તથા સેનેટમાં પસાર કરાવવો પડશે. બીજી બાજુ, હજુ પણ સેંકડો દેખાવકારો તથા ટ્રકચાલકો રાજધાનીમાં ધામા નાખી બેઠા છે.

આ પહેલાં રવિવારે કૅનેડાનાં સુરક્ષાબળોએ અમેરિકા સાથેના વેપાર માટે ધોરીનસ સમાન વિન્ડસરના ઍમ્બેસેડર બ્રીજ ઉપરથી દેખાવકારોને બળજબરીપૂર્વક હઠાવી દીધા હતા.

line

શા માટે દેખાવો?

કૅનેડા

ઇમેજ સ્રોત, Spencer Platt/Getty Images

ઇમેજ કૅપ્શન, એક તબક્કે તેઓ ટ્રકોમાં સંસદભવન સુધી પહોંચી ગયા હતા અને ત્યાંની દિવાલો પર સ્વતંત્રતાસંબંધિત તથા વૅક્સિનવિરોધી સૂત્રો લખ્યા હતા.

અમેરિકા-કૅનેડાની સરહદ પર અવરજવર કરતા તમામ ટ્રકચાલકો માટે વૅક્સિન ફરજિયાત બનાવવામાં આવી હતી. જેના કારણે એક વર્ગ નારાજ થઈ ગયો હતો. જો કોઈએ રસી ન લીધી હોય તો તેમણે પરત ફરીને ક્વૉરેન્ટિનનું પાલન કરવું, એવા મતલબના નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.

તેમની સાથે વૅક્સિન-માસ્ક તથા કોવિડ પાસપૉર્ટવિરોધીઓ તથા વડા પ્રધાનની કાર્યપદ્ધતિ સાથે સહમત ન હોય તેવા લોકો પણ જોડાયા હતા. સંયુક્ત રીતે આ દેખાવોને ' Freedom Convoy' (સ્વતંત્રતાનો કાફલો) એવું નામ આપવામાં આવ્યું હતું.

દેખાવકારોના સમર્થનમાં હજારો લોકો અન્યત્રથી ઑટ્ટાવા આવ્યા હતા. તેમણે હૉર્ન વગાડીને તથા ફટાકડા ફોડીને તથા ઊંચા અવાજે સ્ટિરિયો સિસ્ટમ દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક કોર્ટના આદેશ બાદ આ ઘોંઘાટ બંધ થયો હતો.

એક તબક્કે તેઓ ટ્રકોમાં સંસદભવન સુધી પહોંચી ગયા હતા અને ત્યાંની દિવાલો પર સ્વતંત્રતાસંબંધિત તથા વૅક્સિનવિરોધી સૂત્રો લખ્યા હતા.

આ દેખાવો જોતજોતામાં ટૉરેન્ટો અને ક્યુબેક સિટી તથા આલ્બર્ટા, માનીટોબા તથા બ્રિટિશ આઇલૅન્ડમાં પણ ફેલાઈ ગયા હતા.

કૅનેડાના ટ્રકચાલકોને મળેલી સફળતા બાદ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ તથા ફ્રાન્સમાં પણ સમાન પ્રકારના દેખાવ જોવા મળ્યા હતા અને ઑનલાઇન સમૂહોમાં વૉશિંગ્ટન ડીસી ખાતે પણ સમાન પ્રકારના દેખાવ હાથ ધરવાની ચર્ચા છેડાઈ છે.

line

કૅનેડાના બ્રિજનું મહત્ત્વ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કૅનેડાના ઑન્ટારિયોમાં વિન્ડસર ખાતે આવેલો ઍમ્બેસેડર બ્રિજ અમેરિકાના મિશિગનના ડેટ્રોઇટને જોડે છે. બંને દેશના વેપારમાં આ પુલ ધોરીનસ જેવી ભૂમિકા ભજવે છે.

સપ્તાહના સામાન્ય દિવસે દરરોજ અહીંથી લગભગ 10 હજારથી વધુ વાહન પસાર થાય છે.

દૈનિક લગભગ 40 હજાર લોકો આ પુલનો ઉપયોગ કરે છે. મહત્ત્વપૂર્ણ માર્ગ બંધ થઈ જવાથી દૈનિક 30 કરોડ ડૉલરના આર્થિક નુકસાનનું અનુમાન મૂકવામાં આવે છે.

અમેરિકામાં કાર ઉત્પાદનનું હબ ગણાતા ડેટ્રોઇટ ખાતે ફોર્ડ, જનરલ મોટર્સ તથા ટોયેટાએ કહ્યું હતું કે ટ્રકચાલકોના દેખાવોને કારણે તેમની ઉત્પાદનપ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થયો હતો. અગાઉ જ સેમિકન્ડક્ટરના અભાવનો સામનો કરી રહેલી ઑટો ઇન્ડસ્ટ્રી માટે આ દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ હતી.

ખરાબ વાતાવરણ, મહામારીને કારણે ખોરવાઈ ગયેલી સપ્લાય ચેન તથા શ્રમિકોના અભાવે કૅનેડામાં મોંઘવારી વધી જવા પામી છે.

શરૂઆતમાં ટ્રુડોએ દેખાવકારોને 'અમુક તોફાની તત્વો' ગણાવીને તેમને ઓછા આંક્યા હતા, પરંતુ બાદમાં કડક હાથે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ટ્રુડોએ દેખાવકારોને મળ્યા ન હતા કે તેમની માગણીઓને સાંભળી પણ ન હતી.

line

સરકાર બની સખત

દિલ્હીમાં લાલ કિલ્લા પર તિરંગાના સ્થાને શીખોનો ધાર્મિક નિશાન જ્યારે ફરકાવવામાં આવ્યો

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN

ઇમેજ કૅપ્શન, ટ્રુડો દ્વારા દિલ્હીના દેખાવકારોનું સમર્થન, પણ ટ્રકચાલકો સામે કાર્યવાહીથી વિરોધીઓ આક્રોશમાં

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વૅક્સિનવિરોધી દેખાવોને નાથવા કડક હાથે પગલા લીધા છે. ઇમર્જન્સી ઍક્ટ હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરતા ટ્રુડોએ દેખાવકારોનાં વ્યક્તિગત બૅન્કખાતાને સ્થગિત કરવાના આદેશ આપ્યા છે.

આ કાર્યવાહી માટે કટોકટી કાયદાનો ઉપયોગ થયો હોય, સરકારી તંત્રને કોર્ટની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. આ સિવાય તેમના વાહનોની વીમા પોલિસીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

સાથે જ ટ્રુડોએ જાહેરાત કરી છે કે આ પગલાં "અમુક સમય માટે, વ્યાજબી તથા સપ્રમાણ" હશે. ટ્રુડોનું કહેવું હતું કે 'કૅનેડાવાસીઓને સલામત રાખવા તથા તેમની નોકરીઓ બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે.'

દેખાવકારોને ઝડપી લેવા તથા તેમને દંડિત કરવા માટે પોલીસને વધુ સાધનો આપવામાં આવશે. જોકે, દેખાવકારોની સામે કૅનેડાની સેનાને ઉતારવાની સંભાવનાને હાલ પૂરતી નકારી કાઢવામાં આવી છે.

વિપક્ષનું કહેવું છે કે ટ્રુડો સરકારનું પગલું 'નાગરિક અધિકાર તથા લોકશાહી પર તરાપ' સમાન છે.

ટ્રુડોના વિરોધીઓનું કહેવું છે કે દિલ્હીમાં જ્યારે ખેડૂતોએ આવી જ રીતે રસ્તા બંધ કર્યા હતા ત્યારે ટ્રુડોએ "કૅનેડા હંમેશા શાંતિપૂર્ણ દેખાવોની પડખે રહેશે" કહીને તેનું સમર્થન કર્યું હતું,જ્યારે ઘરઆંગણે દેખાવોને ડામી દેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કૅનેડાના નાયબ વડાં પ્રધાન ક્રિસ્ટિયા ફ્રિલૅન્ડના કહેવા પ્રમાણે, "આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ"ના નિયમોને વધુ વ્યાપક બનાવવામાં આવશે અને ક્રાઉડસૉર્સિંગ પ્લૅટફૉર્મ તથા ક્રિપ્ટોકરન્સીને પણ તેના હેઠળ આવરી લેવામાં આવશે.

ટ્રુડોએ એક અઠવાડિયામાં કટોકટી માટે સંસદ તથા સેનેટની મંજૂરી લેવી પડશે અન્યથા તે પાછી ખેંચાયેલી માનવામાં આવશે. ભારતીય મૂળના જગમીતસિંહની પાર્ટી એનડીપીના સમર્થનથી કટોકટીનો પ્રસ્તાવ સંસદમાં તો પસાર થઈ જશે, પરંતુ તેને સેનેટમાં મંજૂર કરાવવો ટ્રુડો માટે પડકારજનક બની રહેશે.

line

ક્યારે અને કેવી રીતે ખુલ્લો થયો બ્રિજ

પોલીસ

ઇમેજ સ્રોત, GEOFF ROBINS

ઇમેજ કૅપ્શન, ગત શુક્રવારે કૅનેડાના બ્રીજમાં અવરોધ મુદ્દે ટ્રુડો તથા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે ચર્ચા થઈ હતી, તે પછી રવિવારે બ્રીજને ખુલ્લો કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લગભગ 100 જેટલા પિક-અપ ટ્રક્સ, એસયુવી તથા મોટા ટ્રકોએ ઍમ્બેસેડર બ્રિજને બ્લૉક કરી દીધો હતો અને તેની ઉપર કૅનેડાના ઝંડા તથા 'સ્વતંત્રતા'સંબંધિત સ્લૉગન અને વાક્યો લખેલા હતા.

ગત શુક્રવારે કૅનેડાના બ્રીજમાં અવરોધ મુદ્દે ટ્રુડો તથા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે ચર્ચા થઈ હતી, તે પછી રવિવારે બ્રીજને ખુલ્લો કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઑન્ટારિયોની સરકાર દ્વારા કટોકટી લાદી દેવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની માલસામાનની અવરજવરને કડકહાથે ડામી દેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારથી જ માનવામાં આવતું હતું કે 'ફ્રીડમ'ના નારા સાથે દેખાવ કરી રહેલા ટ્રકચાલકોએ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

પોલીસ દ્વારા દેખાવકારોને પહોંચાડવા માટેનું હજારો લીટર ઇંધણ, દેખાવકારો માટેના ગૅસની બૉટલો તથા ભોજન જપ્ત કર્યું હતું.

આ સિવાય 100થી વધુ કેસ દાખલ કરવમાં આવ્યા છે. ડઝનબંધ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે કે તેમની ધરપકડ કરવમાં આવી છે.

પોલીસનો દાવો છે કે કેટલાક દેખાવકારો પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે.

ક્રાઉડસૉર્સિંગ પ્લૅટફૉર્મ ' GoFundMe' પર લાખેક લોકોએ લગભગ લાખો કૅનેડિયન ડૉલરનો ફાળો આપ્યો હતો. તેમાંથી અમુક રકમ છૂટી કરવામાં આવી હતી, બાકીની રકમ કથિત રીતે 'દાતાઓ પ્રતિસાદ' બાદ અટકાવી દેવામાં આવી હતી અને દાન આપનારાઓને સાતથી 10 દિવસમાં પરત કરી દેવાશે.

છતાં હજુ સેંકડો 'સ્વચ્છંદી' અને 'ઉદ્ધત' દેખાવકારો કૅનેડાની રાજધાનીમાં હોવાનું સરકારીતંત્રનું માનવું છે. જેઓ 400-500 ટ્રકમાં સવાર છે.

line

હવે શું?

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

જસ્ટિન ટ્રુડોએ વર્ષ ઇમરજન્સી ઍક્ટ-1988 હેઠળ જાહેર કરાયેલા પગલાને એક અઠવાડિયામાં સંસદ તથા સેનેટમાં મંજૂર કરાવવાના રહેશે.

ટ્રકચાલકો મુદ્દે ટ્રુડો સરકારના પ્રતિસાદને ભારતીય મૂળના જગમીતસિંહ નકારી ચૂક્યા છે, છતાં સંસદમાં આ મુદ્દે પ્રસ્તાવ આવે ત્યારે એનડીપી તેનું સમર્થન કરી શકે છે. જગમીત એનડીપીના વડા છે.

બીજી બાજુ, 400-500 ટ્રકચાલક હજુ પણ ઓટ્ટાવામાં ધામા નાખી બેઠાક છે. તેમની સંખ્યામાં સેંકડોમાં છે તથા સપ્તાહના અંતભાગમાં દેશભરમાંથી તેમને સમર્થન આપનારા એકઠા થાય છે અને તેમની સંખ્યા હજારોમાં પહોંચી જાય છે.

પોલીસનું કહેવું છેકે કેટલાક ઉદ્ધત અને નિરંકુશ લોકો ભીડમાં છે. વાતાવરણમાં તણાવભરી શાંતિ પ્રવર્તી રહી છે.

કૅનેડાની જેમ અમેરિકામાં પણ ટ્રકચાલકોમાં ફરજિયાત વૅક્સિન મુદ્દે આક્રોશ પ્રવર્તે છે. જો બાઇડનના રાષ્ટ્રીય સંબોધન પહેલાં તે કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ટેસ્લાના એલન મસ્ક સહિત દેશના અનેક નેતા અને સેલિબ્રિટી સમર્થન જાહેર કરી ચૂક્યા છે. ત્યારે આ આગ પાડોશી દેશમાં પણ પહોંચે તેવી શક્યતાને નકારાતી નથી.

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો