You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આફ્રિકાના દેશમાં લોહિયાળ સૈન્યબળવાનો પ્રયાસ? કેટલાંય મૃત્યુ
પશ્ચિમ આફ્રિકાના દેશ ગિની બિસાઉના રાષ્ટ્રપતિ ઉમારો સિસ્કો ઍમ્બલોના કહેવા પ્રમાણે, દેશમાં તખતાપલટનો પ્રયાસ થયો હતો, પરંતુ તેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો.
મંગળવારે રાષ્ટ્રપતિ ઍમ્બલો રાજધાની બિસાઉના એક સરકારી મહેલમાં કૅબિનેટની બેઠક કરી રહ્યા હતા, ત્યારે નજીકમાં ગોળીબાર થયો હતો.
સાદાં કપડાંમાં ભારે હથિયારોથી સજ્જ અજ્ઞાત શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાક્રમ સમયે વડા પ્રધાન નૂનો ગૉમ્સ નાબિમ પણ સાથે જ હતા.
રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે, આ કાર્યવાહીમાં સુરક્ષાબળોના અનેક સૈનિક મૃત્યુ પામ્યાં છે.
પશ્ચિમ આફ્રિકાના નેતાઓએ આ ઘટનાક્રમને બળવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે અને સૈનિકોને તેમની છાવણીઓમાં પરત ફરવા આગ્રહ કર્યો છે.
આમ છતાં હજુ સુધી શું થયું તે પૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા હુમલાખોર કોણ હતા તથા કેટલા લોકો માર્યા ગયા છે, તેના વિશે નક્કર વિગતો આપવામાં આવી નથી.
દાવો કરાયો છે કે સ્થિતિ હવે કાબુમાં છે.
આમ છતાં રાષ્ટ્રપતિએ ક્હ્યું હતું કે "પૂરેપૂરી તૈયારી સાથેના પૂર્વાયોજિત" હુમલા પાછળ ડ્રગ્સની તસ્કરીની સાથે સંકળાયેલા લોકો હોઈ શકે છે. આ સાથે જ એને "લોકશાહી પરનો નિષ્ફળ હુમલો" ઠેરવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આફ્રિકાનું પહેલું નાર્કો સ્ટેટ
ગિની બિસાઉ અગાઉ પૉર્ટુગલના તાબા હેઠળનો દેશ હતો. તેની ગણતરી વિશ્વના સૌથી ગરીબ દેશોમાં થાય છે.
વર્ષ 1980થી અત્યાર સુધીમાં દેશમાં બળવાના નવ પ્રયાસ થઈ ચૂક્યા છે.
દેશ પર ભારે દેવું છે અને તે મોટા પાયે વિદેશી સહાય ઉપર આધાર રાખે છે.
લૅટિન અમેરિકામાંથી આવતા ડ્રગ માટે ગિની બિસાઉ ટ્રાન્ઝિટ પૉઇન્ટ છે, એટલે જ કેટલાક દ્વારા તેને આફ્રિકાના 'પહેલા નાર્કો સ્ટેટ' તરીકે ઓળખાવવામાં આવે છે.
પશ્ચિમ આફ્રિકામાં બીબીસી સંવાદદાતા માયેની જોન્સના કહેવા પ્રમાણે, "પશ્ચિમ તથા મધ્ય આફ્રિકામાં બળવાના પ્રયાસો સામાન્ય બનતાં જઈ રહ્યા છે. ગત બે વર્ષ દરમિયાન માલી, ચાડ, બુરકીના ફાસો અને ગ્યુએના તથા સુદાનમાં બળવા થયા છે."
પ્રાદેશિક આર્થિક અને રાજકીય સગઠન તથા અમેરિકા દ્વારા ઘટનાક્રમને વખોડી કાઢવામાં આવ્યો છે.
નિયંત્રણો છતાં માલી બુરકીના ફાસો તથા ગિની બિસાઉમાં સૈન્યબળવા ટાળી નથી શકાયા અને "સૈન્યબળવાપટ્ટી" તરીકે પંકાયેલો આ વિસ્તાર ફરી એક વખત તે દિશામાં જ આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો