મ્યાનમાર તખ્તાપલટ : એ હિંસક લડાઈઓ, જેણે મ્યાનમારને ગૃહયુદ્ધ તરફ ધકેલી દીધું

    • લેેખક, સો વીન, કો કો ઑંગ અને નાસોસ સ્ટેલિયનો
    • પદ, બીબીસી બર્મીઝ અને બીબીસી ડેટા જર્નલિઝમ

મ્યાનમારમાં સેના અને નાગરિકોનાં સશસ્ત્ર જૂથો વચ્ચે અથડામણો વધી રહી છે અને તેવું આંકડા દર્શાવી રહ્યા છે. સેના સામે મોટા ભાગે યુવાનો લડાઈ આપી રહ્યા છે અને પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે.

એક વર્ષ પહેલાં લશ્કરે સત્તા કબજે કરી ત્યારથી ઘર્ષણ વધી રહ્યું છે. હિંસાની તીવ્રતા વધી રહી છે અને વિરોધીઓ તરફથી સંયુક્ત રીતે હુમલાઓ થઈ રહ્યા છે તેના કારણે ઘર્ષણની સ્થિતિ બદલી રહી છે.

મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં સેના અને નાગરિકોનાં સશસ્ત્ર જૂથો વચ્ચે અથડામણો વધી રહી છે

બળવાની જગ્યાએ હવે ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી થઈ રહી છે.

Acled (Armed Conflict Location and Event Data Project) સંસ્થાના આંકડા અનુસાર હિંસા હવે સમગ્ર દેશમાં ફેલાઈ છે. સ્થળ પરથી મળતા અહેવાલો અનુસાર હવે સંકલન સાથે ઘર્ષણ થઈ રહ્યું છે અને અત્યાર સુધી સેના સામે ના પડેલા શહેરી વિસ્તારોમાં પણ હિંસા થવા લાગી છે.

ચોક્કસ કેટલા લોકો માર્યા ગયા તેના આંકડા નક્કી કરવા મુશ્કેલ છે, પરંતુ સ્થાનિક અખબારોના અને અન્યના અહેવાલોના આધારે Acled તરફથી નોંધાયેલા આંકડામાં 12,000 લોકોનાં મોત દર્શાવાયાં છે.

પહેલી ફેબ્રુઆરી 2021ના રોજ સેનાએ સત્તા કબજે કરી ત્યારથી અત્યાર સુધીની હિંસા આ આંકડા છે. ઑગસ્ટ પછી વધારે લોહિયાળ અથડામણો થઈ રહી છે.

સેનાએ સત્તા કબજે કરી તે પછી તેની વિરુદ્ધ દેશભરમાં દેખાવો થયા તેની વિરુદ્ધની સેનાની કામગીરીને કારણે પ્રારંભમાં નાગરિકોનાં મોત થયાં હતાં.

line

સત્તા સામે નાગરિકોએ હથિયાર ઉપાડ્યાં

મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેનાએ સત્તા કબજે કરી તે પછી તેની વિરુદ્ધ દેશભરમાં દેખાવો થયા તેની વિરુદ્ધની સેનાની કામગીરીને કારણે પ્રારંભમાં નાગરિકોનાં મોત થયાં હતાં.

હવે નાગરિકોએ પણ શસ્ત્રો હાથમાં ઉપાડ્યાં છે તેના કારણે હવે જે મોત થઈ રહ્યાં છે તે ઘર્ષણને કારણે છે એમ Acledના આંકડા દર્શાવે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકારનાં વડાં મિશેલ બેશલેટે બીબીસીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મ્યાનમારમાં હવે જે ઘર્ષણ થઈ રહ્યું છે તેને ગૃહયુદ્ધની સ્થિતિ ગણવી પડે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિને વિનંતી કરી હતી કે સેના પર લોકશાહીની પુનઃ સ્થાપના પર દબાણ લાવે તે પ્રકારનાં કડક પગલાં લેવા જોઈએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે આ સંકટ સામે આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ "તાકિદનો રહ્યો નથી". આ સ્થિતિને સંકટમય જણાવીને કહ્યું કે આનાથી રાષ્ટ્રીય સ્થિરતા સામે જોખમ ઊભું થશે.

સેના સામે સંઘર્ષમાં ઊતરેલાં જૂથો હવે સંયુક્ત રીતે પિપલ્સ ડિફેન્સ ફૉર્સ (PDF) તરીકે ઓળખવા લાગ્યા છે, જેમાં મોટા ભાગે યુવાનોના બનેલાં નાગરિક લડાયક જૂથોનો સમાવેશ થાય છે.

મ્યાનમાર

18 વર્ષીય હેરા (સાચું નામ નથી) હાલમાં જ શાળાનું ભણવાનું પૂરું કરીને સરકારવિરોધી પ્રદર્શનોમાં જોડાયાં છે. તેમણે મધ્ય મ્યાનમારમાં PDFની પ્લાટૂન કમાન્ડર બનવા માટે કૉલેજ જવાનો વિચાર પડતો મૂક્યો છે.

મ્યા થ્વે થ્વે કાઇંગ નામના વિદ્યાર્થીને ફેબ્રુઆરી 2021માં વિરોધપ્રદર્શન વખતે ગોળી મારી દેવામાં આવી તે પછી તેમને વિચાર આવ્યો હતો કે તેમણે પણ PDFમાં જોડાઈ જવું જોઈએ.

હેરાએ લડત માટેની તાલીમ લેવાનું શરૂ કર્યું ત્યારે તેમનાં માતાપિતાને ચિંતા હતી, પણ તે લડાઈ લડવા ગંભીર છે તેવું લાગ્યું તે પછી તેમણે છૂટ આપી હતી.

હેરા કહે છે, "તેમણે મને કહ્યું કે તારે ખરેખર લડાઈ લડવી છે, તો પછી છેક સુધી લડી લેજે.' એટલે મેં પાંચ દિવસ તાલીમ લીધી અને તે પછી ક્રાંતિમાં પૂર્ણપણે જોડાઈ ગઈ છું."

સેનાએ બળવો કર્યો તે પહેલાં વચ્ચેના સમયમાં હેરા જેવા યુવાનોને થોડી લોકશાહીનો અનુભવ થયો હતો. તેમને સેના ફરી શાસનમાં આવી તે ગમ્યું નથી.

આ યુવાનોને હવે સરહદી વિસ્તારોમાં રહેતાં વંશીય જૂથો અને દાયકાથી સેના સામે લડતા આવેલાં લડાયક જૂથો તરફથી તાલીમ આપવામાં આવી રહી છે.

line

મ્યાનમારમાં ગૃહયુદ્ધ - કેવી રીતે એકઠી થઈ માહિતી

મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવે નાગરિકોએ પણ શસ્ત્રો હાથમાં ઉપાડ્યાં છે તેના કારણે હવે જે મોત થઈ રહ્યાં છે તે ઘર્ષણને કારણે છે એમ Acledના આંકડા દર્શાવે છે.

બીબીસીએ Acledના આંકડાનો આધાર લીધો છે. આ સંસ્થા વિશ્વભરમાં રાજકીય સંઘર્ષ ચાલતો હોય ત્યાંની માહિતી અને આંકડા એકઠા કરે છે.

અખબારી અહેવાલો, નાગરિક જૂથોનાં પ્રકાશનો, માનવ અધિકાર સંસ્થાના અહેવાલો એકઠા કરીને આ સંસ્થા માહિતી એકત્ર કરે છે.

આ બધા અહેવાલોની Acled સ્વતંત્ર રીતે ખરાઈ કરી શકતી નથી, પરંતુ નવી નવી માહિતી આવી જાય તેની સાથે જૂની માહિતીને અપડેટ પણ કરાય છે અને મોતના આંકડા મળે ત્યારે તેને નોંધે છે.

મ્યાનમાર

ઘર્ષણ ચાલતું હોય તે વિસ્તારમાંથી પાકી માહિતી મેળવવી મુશ્કેલ હોય છે. અહીંથી મળતા અહેવાલો પણ પક્ષપાતી અને અધૂરા હોઈ શકે છે. Acled દાવા થતા હોય તેમાંથી સૌથી ઓછો આંક હોય તેને જ ધ્યાનમાં લેતી હોય છે.

બંને પક્ષો તરફથી જોરદાર પ્રચાર થતો હોય છે તે સંજોગોમાં સંપૂર્ણ સાચું ચિત્ર મેળવવું મુશ્કેલ હોય છે. પત્રકારોને પણ મોકળાશથી કામ કરવાની તક મળતી હોતી નથી.

બીબીસી બર્મીસ સર્વિસ તરફથી પણ મેથી જૂન 2021 દરમિયાન સેના અને PDF વચ્ચેની અથડામણમાં થયેલા મોતના આંકડા મેળવ્યા હતા. આ આંકડા Acledના આંકડા સાથે મળતા આવતા હતા.

PDFમાં ખેડૂતો, ગૃહિણીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો એમ દરેક વર્ગના લોકો જોડાયાં છે. આ લોકો સેનાને સત્તામાંથી ઊથલાવી નાખવાના હેતુ સાથે એકઠાં થયાં છે.

line

સેનાનો થઈ રહ્યો છે વિરોધ

મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મધ્યના સપાટ વિસ્તારોમાં વસેલા બામર કુળના યુવાનો પણ હવે બીજાં વંશીય જૂથોના લોકો સાથે મળીને વિરોધ કરવા લાગ્યા છે.

દેશભરમાં આવાં જૂથો બન્યાં છે, પણ મહત્ત્વની વાત એ છે કે મધ્યના સપાટ વિસ્તારોમાં વસેલા બામર કુળના યુવાનો પણ હવે બીજાં વંશીય જૂથોના લોકો સાથે મળીને વિરોધ કરવા લાગ્યા છે. યુવા બામર તરફથી સેનાનો વિરોધ થયો હોય તેવું આ પ્રથમ વાર બની રહ્યું છે.

બેશેલેટ બીબીસીને જણાવ્યું કે "ઘણા (નાગરિકો) આ લડાયક જૂથોમાં જોડાયા છે અને પિપલ્સ ડિફેન્સ ફૉર્સિસની રચના કરી છે. તેથી જ હું ઘણા વખતથી કહેતી આવી છું કે આપણે કશુંક નક્કર નહીં કરીએ તો પછી સીરિયા જેવી સ્થિતિ ઊભી થશે."

મધ્ય મ્યાનમારના સેગેઇંગ પ્રદેશમાં PDF જૂથોની આગેવાની સંભાળનારા નેગરે બીબીસીને જણાવ્યું કે આ સમાન પ્રકારની લડાઈ નથી. PDF પાસે હથિયારો નહોતાં અને હવે છેક પોતાની રીતે મસ્કેટ કે બૉમ્બ બનાવ્યા છે. સેના પાસે વધારે શસ્ત્રો અને હવાઈ તાકાત છે અને હાલમાં તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. રશિયા અને ચીન જેવાં આપખુદ શાસનોને ટેકો આપનારા દેશો પાસેથી ખુલ્લેઆમ તે શસ્ત્રો પણ મેળવી શકે છે.

line

PDF સાથે કેટલા લોકો જોડાયા હશે તેનો આંકડો મેળવવો મુશ્કેલ

મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જુલાઈમાં જ 40 લોકોનાં મોત થયાં હતાં. ડિસેમ્બરમાં પણ 35થી વધુનાં મોત થયાં હતાં.

મ્યાનમાર વિટનેસ નામની સંસ્થાએ સ્વતંત્ર રીતે તપાસ કરી તેનો અહેવાલ બીબીસીને આપ્યો છે. તેમાં જણાવાયું છે કે થોડાં અઠવાડિયાં પહેલાં યાંગોંગમાં રશિયાની બખ્તરબંધ ગાડીઓ ઊતરી હતી.

તેની સામે PDFની તાકાત જનસમર્થનને કારણે વધી રહી છે. છૂટક વિરોધ ચાલતો હતો તે હવે સંગઠિત થઈને મજબૂત બન્યો છે અને હિંમત સાથે લડી રહ્યો છે. નેશનલ યુનિટી ગર્વન્મેન્ટની રચના કરવામાં આવી છે અને તેના દ્વારા PDFનાં કેટલાંક જૂથો તૈયાર કરાયાં છે અને બીજાં જૂથો સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

સરકારી તંત્રના નબળા અડ્ડા હોય, પોલીસ સ્ટેશન અથવા દૂરના વિસ્તારમાં જ્યાં સ્ટાફ ઓછો હોય તેના પર PDF હુમલા કરી રહ્યા છે. આ ટુકડીઓએ શસ્ત્રો કબજે કરી લીધાં છે અને ટેલિકૉમ ટાવરો તથા બૅન્કો જેવી જગ્યાએ પણ બૉમ્બમારો કરીને નુકસાન કર્યું છે

નેગર કહે છે કે PDF પાસે દેશનું ભવિષ્ય પોતાના હાથમાં લઈ લીધા સિવાય કોઈ વિકલ્પ નથી. "વાટાઘાટના મેજ પર સમસ્યાનો ઉકેલ હવે આવે તેમ નથી. દુનિયા અમારા દેશને કોરાણ મૂકી રહ્યું છે. એટલે મારે શસ્ત્રસજ્જ થવું પડશે."

પોતાની મોટી બહેન સાથે હેરા PDFમાં જોડાઈ ગયાં છે. તેઓ કહે છે કે તેઓનો ઇરાદો "લશ્કરી ડિક્ટેટરશિપને ઉખાડી ફેંકવાનો છે".

"સેનાએ નિર્દોષ લોકોને માર્યા છે. લોકોના જીવન બરબાદ કરી દેવાયા છે, મિલકતો અને વસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. લોકોને ત્રાસ વર્તાવામાં આવી રહ્યા છે તે હું ચલાવી લઈ શકું તેમ નથી."

વીડિયો કૅપ્શન, લશ્કરી બળવાના 8 મહિના બાદ ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે મ્યાનમાર

સેનાએ નાગરિકોની સામૂહિક હત્યા કરી હોય તેવા પણ ઘણા બનાવો બન્યા છે. જુલાઈમાં જ 40 લોકોનાં મોત થયાં હતાં. ડિસેમ્બરમાં પણ 35થી વધુનાં મોત થયાં હતાં.

ડિસેમ્બરમાં અને અન્ય એક હુમલામાં પોતે મરી ગયો છે તેવો દેખાવ કરીને બચી ગયેલા એક જણ સાથે બીબીસીએ વાતચીત કરી હતી. મધ્ય મ્યાનમારના નેગાટવિન ગામમાં સેના પ્રવેશી ત્યારે છ જણ નાસી શક્યા નહીં અને તેમને મારી નખાયા. તેમાંથી ત્રણ વૃદ્ધો હતા અને બે જણ માનસિક રીતે અસ્થિર હતા. એક જ જણ બચી ગયો, તે કહે છે કે સૈનિકો વિરોધ કરી રહેલા લોકોને શોધવા માટે ગામમાં ઘૂસ્યા હતા.

મૃત્યુ પામનારા એકનાં વિધવાએ કહ્યું કે તેમના પતિના શરીર પર ત્રાસના નિશાન હતા. "સારી રીતે વાત પણ ના કરી શકનારા એક વૃદ્ધને તે લોકોએ મારી નાખ્યો. હું આ ક્યારેય નહીં ભૂલું. મને યાદ આવી જાય ત્યારે રડી પડું છું."

સેના કોઈને ઇન્ટરવ્યૂ આપતી નથી, પરંતુ 2021ના અંત ભાગમાં બીબીસીને પ્રવક્તા ઝો મિન તુને કહ્યું હતું કે PDF એક ત્રાસવાદી સંગઠન છે અને તેથી તેની સામે પગલાં લેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે "અમને હુકમ છે કે અમારા પર તે લોકો હુમલો કરે ત્યારે પ્રતિસાદ આપવો. અમે દેશને સુરક્ષિત બનાવી રહ્યા છીએ અને તે માટે જરૂરી હોય તે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરી રહ્યા છીએ."

બંને પક્ષે કેટલા લોકો લડી રહ્યા છે તે સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. સત્તાવાર રીતે મ્યાનમારની સેનામાં 370,000 સૈનિકો છે. જોકે સૈનિકોની સંખ્યા ઓછી હોઈ શકે છે. હાલના સમયમાં બહુ ઓછી ભરતી થઈ છે.

બળવો થયો તે પછી ઘણા સૈનિકોએ સેના છોડી પણ દીધી છે. એ જ રીતે PDF સાથે કેટલા લોકો જોડાયા હશે તેનો પાકો આંકડો મેળવવો મુશ્કેલ છે.

નેશનલ યુનિટી ગવર્ન્મેન્ટ તરફથી PDFના કેટલાક સભ્યોને તાલીમ આપવામાં આવી રહી છે, તે રીતે સરહદી વિસ્તારોમાં રહેતા વંશીય જૂથો પણ ઘણાને તૈયાર કરી રહ્યા છે. તેમાંથી કેટલાંક જૂથોએ ભૂતકાળમાં સેના સાથે શસ્ત્રવિરામ કર્યો હતો, પણ હાલમાં તે તૂટી ગયો છે.

આ વંશીય જૂથો દેશના ટુકડા કરવા માગે છે તેવો પ્રચાર સેના કરતી હતી અને તે પ્રચારથી પોતે ભરમાઈ ગયા હતા એમ કહીને PDFનાં કેટલાંક જૂથોએ આ જૂથોની માફી પણ માગી છે.

line

શિક્ષણ, આરોગ્ય, આર્થિક સ્થિતિ કથળી

મ્યાનમાર

ઇમેજ સ્રોત, MYITKYINAR NEWS JOURNAL VIA REUTERS

ઇમેજ કૅપ્શન, માર્ચ 2021માં સેના તરફથી કાર્યવાહીમાંથી દેખાવકારોને બચાવવા માટે એક નન ગોઠણિયે થઈને આડા ઊભાં રહ્યાં હતાં.

PDF હવે કહી રહ્યું છે કે ભવિષ્યમાં કેન્દ્રીય સરકાર બનશે અને તેમાં સૌ કોઈને સમાન અધિકાર મળશે.

માર્ચ 2021માં સેના તરફથી કાર્યવાહીમાંથી દેખાવકારોને બચાવવા માટે એક નન ગોઠણિયે થઈને આડાં ઊભાં રહ્યાં હતાં. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સેનાએ સત્તા કબજે કરી તે પછી રાજકીય હલચલ મચી છે અને તેના કારણે નાગરિકોનો જીવન દોહ્યલું બની ગયું છે.

સેના સામે ઊભાં રહી ગયેલાં સિસ્ટર એન રોઝ નૂ ત્વાંગ કહે છે, "બાળકો શાળાએ જઈ શકતાં નથી. શિક્ષણ, આરોગ્ય, સામાજિક અને આર્થિક સ્થિતિ, રોજગારી બધું પાછળ જતું રહ્યું છે."

"ગરીબાઈ વચ્ચે પાલન થઈ શકે તેમ નથી એટલે ઘણી મહિલાએ ગર્ભપાત કરાવી લીધો છે. રોજગારીની સમસ્યાને કારણે વાલીઓ પોતાનાં સંતાનોને સાચવી શકે તેમ નથી."

નન કહે છે કે યુવાનો આ લડતમાં જોડાયા છે તેને તેઓ બિરદાવે છે.

"તે લોકો બહાદુર છે. તેઓ બલિદાન આપવા ખચકાતા નથી અને લોકશાહી માટે પોતાનો જીવ દેવા તૈયાર થયા છે. દેશની ભલાઈ માટે, શાંતિ માટે, પોતાના દેશને મુક્ત કરવા તેઓ લડી રહ્યા છે એટલે હું તેમની પ્રસંશા કરું છે. મને તેમના પર ગર્વ છે અને હું તેમનું સન્માન કરું છું."

(પૂરક રિપોર્ટિંગ રેબેકા હેન્સ્કે અને બેકી જેલ. ડિઝાઇન જેના તોશિન્સ્કી)

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો