મ્યાનમાર : જ્યારે 'રંગૂનના કસાઈ'એ નોટબંધી લાદી બર્માને દુનિયાથી અલગ કરી દીધું

ઇમેજ સ્રોત, Science Photo Library
- લેેખક, જોનાથન હેડ
- પદ, દક્ષિણ પૂર્વ એશિયાના સંવાદદાતા
મ્યાનમારમાં વિદ્યાર્થી આંદોલનકારીઓએ અત્યંત અપ્રિય સૈન્ય સરકારને ખતમ કરવા માટે મોરચો માંડ્યો છે.
આખા દેશમાં આ વિદ્યાર્થી આંદોલન ફેલાઈ ગયું છે. લોકો જેટલા જુસ્સા સાથે હડતાળ પાડે છે, એટલી જ બેરહેમીથી સૈન્ય તેમને કચડવામાં લાગી ગયું છે. પરંતુ આ સમગ્ર પરિદૃશ્ય ક્યારનું છે? વર્ષ 2021નું કે પછી વર્ષ 1988નું?
વર્ષ 1988નો બળવો આધુનિક મ્યાનમારના ઇતિહાસમાં એક નિર્ણાયક સમય હતો. સત્તા પર પોતાનો કબજો ટકાવી રાખવા માટે બેફામ હિંસાનો ઉપયોગ કરનારા શાસકોને અચાનક ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.
સૈન્યશાસનના કારણે દેશનું અર્થતંત્ર બહુ ખરાબ રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જનતામાં તેની વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
વર્ષ 1988 સુધીમાં બર્મા (તે સમયે દક્ષિણ પૂર્વ એશિયાનો આ દેશ તે નામે ઓળખાતો હતો)માં અત્યંત ગુપ્ત રસ્તા અપનાવનારા અંધવિશ્વાસી જનરલ ને વિનના સૈનિકશાસનનાં 26 વર્ષ થઈ ગયાં હતાં.
જનરલ વિને 1962માં બળવો કરીને સત્તાપલટા દ્વારા દેશ પર કબજો જમાવ્યો હતો.
જનરલ સેનાના કમાન્ડર હતા. મ્યાનમારની સેનાને તામદૌ કહેવામાં આવે છે.
બર્માને 1948માં આઝાદી મળી હતી અને ત્યારથી જ દેશના ઘણા ભાગોમાં સેના બળવાખોરોને કચડી નાખવા માટે કામ કરતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેનાનું માનવું હતું કે નાગરિક શાસનમાં એટલી ક્ષમતા નથી કે દેશને સંગઠિત રાખી શકે.
જનરલ ને વિને બાકીના વિશ્વ સાથેનો બર્માનો સંપર્ક કાપી નાખ્યો. તે સમયે શીતયુદ્ધના કારણે વિશ્વ બે ભાગોમાં વહેંચાયેલું હતું. પરંતુ જનરલે બેમાંથી કોઈ પણ પક્ષમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો.
તેના બદલે તેમણે વિચિત્ર નિર્ણયો લેતી એક પાર્ટીની વ્યવસ્થા શરૂ કરી. આ પાર્ટી પર સેનાનું વર્ચસ્વ હતું. થોડા જ સમયમાં વિનની બર્મા સોશિયાલિસ્ટ પ્રોગ્રામ પાર્ટીના નિર્ણયોના કારણે બર્મા વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ થઈ ગયું.
વર્ષ 1988માં ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં બર્માનું રાજકીય આંદોલન ચરમસીમાએ પહોંચી ગયું. આ દરમિયાન સામાન્ય લોકો મોટી મોટી રેલીમાં ભાગ લેવા માંડ્યા હતા.
વાસ્તવમાં આ રાજકીય આંદોલનની શરૂઆત એક વર્ષ અગાઉ થઈ ગઈ હતી, જ્યારે વિને દેશમાં અચાનક નોટબંધી જાહેર કરી હતી. બૅન્કોમાં જમા તમામ ચલણી નોટ ડિમોનેટાઇઝેશન હેઠળ આવી ગઈ હતી.
બર્માના અર્થતંત્રને તેના કારણે મરણતોલ ફટકો પડ્યો. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને બહુ અસર થઈ જેમણે પોતાની ટ્યુશન ફી ચૂકવવા માટે બચાવેલાં નાણાં બૅન્કોમાં રાખ્યાં હતાં.

1988ની પેઢી

ઇમેજ સ્રોત, Science Photo Library
તે જ સમયે સૈન્ય અને નાગરિકો વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો. સૈનિકોએ જરાય દયા રાખ્યા વગર લોકો સામે એટલાં ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો કે 1988ના અંતિમ મહિનાઓ સુધીમાં મૃત્યુઆંક હજારોમાં પહોંચી ગયો હતો.
ગયા મહિને સૈન્ય દ્વારા સત્તાપલટાએ પણ લોકોને હચમચાવી નાખ્યા છે. જોકે નાગરિકોના આંદોલનને કચડવા માટે સેનાએ જે હિંસા કરી છે તેની સરખામણી 1988ની સાથે કરી ન શકાય.
1988માં જે વિદ્યાર્થીઓએ સૈન્યશાસન સામે લડાઈ શરૂ કરી હતી તેમને 88ની પેઢી તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી ઘણાએ ભારે અત્યાચાર સહન કરીને જેલમાં બે દાયકા કાઢ્યા હતા.
તેમને અનેક ચીજોથી વંચિત રાખવામાં આવ્યા હતા.
ઘણા આંદોલનકારીઓ કાયમ માટે બીમાર પડી ગયા, છતાં તેમનો જુસ્સો યથાવત્ હતો. તેમાંથી ઘણા લોકો હવે ફરી એક વખત સૈન્યશાસન સામે લડવા માટે રસ્તા પર ઊતરી આવ્યા છે.
પરંતુ આ આંદોલનકારીઓ હવે યુવાન નથી રહ્યા. 88ની પેઢીના સૌથી વિખ્યાત આંદોલનકારી હતા 58 વર્ષના મિન કો નાઇંગ. તે એક અલગ યુગ હતો. પરંતુ હવે ટેકનોલૉજીના ઉપયોગના કારણે આંદોલનનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. હવે દરેક અથડામણનું ફિલ્માંકન કરવું શક્ય છે. તેને તરત અપલોડ કરી શકાય છે અને આ રીતે સેનાના બળપ્રયોગના કોઈ પણ કૃત્યનું રેકૉર્ડિંગ કરી શકાય છે.

સોશિયલ મીડિયા વિરુદ્ધ ચોપાનિયાંનો યુગ

ઇમેજ સ્રોત, EPA
ટેકનોલૉજીના કારણે મ્યાનમારમાં દૂરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને પણ આંદોલનના લૅટેસ્ટ અહેવાલ મળતા રહે છે.
દેશમાં ક્યાં શું ચાલી રહ્યું છે તેની તેમને ખબર છે. ફેસબુક અને ટ્વિટર પર આંદોલનકારીઓનાં વિરોધપ્રદર્શન તથા સૈન્ય સાથે ટક્કરના અહેવાલ શૅર થાય છે. મોટાં શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં દરેક સમાચાર એકસાથે પહોંચી જાય છે.
1988માં સૈન્યશાસન સામે રસ્તા પર ઊતરી આવેલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે હાથેથી લખાયેલાં ચોપાનિયાંનો ઉપયોગ કરતા હતા. અથવા તેઓ અંદરોઅંદર સંવાદ કરીને લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડતા હતા.
તે સમયે બહુ ઓછા લોકોના ઘરે ટીવી હતું. લેન્ડલાઇન ફોન ધરાવતા ઘરની સંખ્યા પણ બહુ ઓછી હતી. તે સમયે શોર્ટવેવ પર માત્ર બીબીસી વર્લ્ડ સર્વિસ જ લોકોનો એકમાત્ર સહારો હતી. બર્માના લોકો અને અંગ્રેજીભાષી લોકો, બંને આ સર્વિસ પર આધારિત હતા.
તે સમયે ક્રિસ્ટોફર ગનનેસ બીબીસીના યુવા રિપોર્ટર હતા. તેઓ એવા મુઠ્ઠીભર વિદેશીઓમાં સામેલ હતા, જેઓ થોડા સમય માટે બર્માની ઊથલપાથલભરી ઘટનાઓનું રિપોર્ટિંગ કરવામાં સફળ રહ્યા હતા.
પોતાના અહેવાલોના કારણે ક્રિસ્ટોફર જનતાના હીરો બની ચૂક્યા હતા. બર્માની જનતા અને દુનિયાના લોકોને ક્રિસ્ટોફરના અહેવાલોના કારણે જ 8.8.88 તરીકે ઓળખાતી હડતાળ વિશે ખબર પડી હતી.

ઇમેજ સ્રોત, EPA
હડતાળ દરમિયાન હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. ત્યારપછી સૈન્યે ભયંકર અત્યાચાર શરૂ કર્યા હતા.
વાસ્તવમાં 1988માં બર્માની પ્રજા 26 વર્ષના આર્થિક અલગાવ અને દારુણ ગરીબીથી પરેશાન થઈને રસ્તા પર ઊતરી આવી હતી. દશ વર્ષના લોકતાંત્રિક શાસન બાદ સેનાએ અત્યારે અચાનક સત્તા હસ્તગત કરી લીધી છે તેના કરતાં 1988ની સ્થિતિ અલગ હતી.
2021માં સૈન્ય વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરતા લોકો આર્થિક સંભાવનાઓ અને બહારના વિશ્વ સાથે પોતાની પહોંચ જાળવી રાખવા માગે છે. તેઓ આનું મૂલ્ય સમજે છે, કારણ કે તેમનાં માતાપિતાના યુગની સરખામણીમાં અત્યારની પેઢી પાસે ઘણી તક ઉપલબ્ધ છે.
એક સમયે બ્યૂરોક્રેટ રહી ચૂકેલા અને નાગરિક આજ્ઞાભંગ આંદોલનમાં સક્રિય રહેલા લોંગ ઓંગ કહે છે, "1988ના આંદોલને એટલા માટે વેગ પકડ્યો હતો, કારણ કે તે મ્યાનમારની સમાજવાદી વ્યવસ્થાથી પેદા થયેલી નારાજગીનું પરિણામ હતું."
તેઓ કહે છે, "પરંતુ આ વ્યવસ્થા જ્યારે ધ્વસ્ત થઈ ગઈ ત્યારે દેશ પર સૈન્ય શાસકે કબજો જમાવી દીધો. પરંતુ 2021માં સૈન્યે નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસીની સરકાર પાસેથી બળપૂર્વક સત્તા છીનવી લીધી. તે સમય અને અત્યારના સમયમાં આ બહુ મોટો તફાવત છે."
"અમે નાગરિક આજ્ઞાભંગ આંદોલનમાં એટલા માટે સામેલ થયા છીએ, કારણ કે અમે માત્ર નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસીની ચૂંટાયેલી સરકારને જ માન્યતા આપીએ છીએ."
"1988માં બ્યૂરોક્રેટ્સે સામાન્ય રીતે કામ પર જવાનું એટલા માટે બંધ કરી દીધું હતું કે જનતામાં અરાજકતા ફેલાયેલી હતી અને હિંસા થઈ રહી હતી. પરંતુ આજે અમે સત્તાપલટો કરનારી સરકારનો હિસ્સો બનવા નથી માગતા. તેથી તેઓ પોતાની નોકરી પર જવા નથી માગતા."

એક આંગ સાન સૂ ચી વિરુદ્ધ હજારો નેતાઓ
1988ના બળવા દરમિયાન આંગ સાન સૂ ચી સ્પષ્ટ રીતે વિરોધપક્ષના નેતા તરીકે ઊભરી આવ્યા. તે સમયે તેઓ માત્ર પોતાની બીમાર માતાની સારસંભાળ રાખવા માટે દેશમાં આવ્યા હતા.
પરંતુ સૈન્ય વિરુદ્ધ બળવાને દિશા આપવા માટે તેમણે સૈન્યના વરિષ્ઠ અધિકારી આંગ ગેઈ અને તિન ઓ સાથે મળીને નેશનલ લિગ ફૉર ડેમૉક્રેસીનો પાયો નાખ્યો જે એક કેન્દ્રીય સંગઠન હતું. આ સંગઠન પર તેના મોટા નેતાઓનું નિયંત્રણ હતું.
બીજી તરફ દેશમાં અત્યારે ચાલી રહેલા સંઘર્ષને લોકો "નેતાવિહીન આંદોલન" કહે છે. અત્યારે તેના હજારો નેતા છે. બધા લોકો સ્થાનિક સ્તરે આ ઢીલા અને લવચિક આંદોલનને સંગઠિત કરવાનું કામ કરે છે.

ભૂતકાળમાંથી મળેલા પાઠ

ઇમેજ સ્રોત, Reuters
આજના સમયના આંદોલનકારીઓ 1988ના યુગને એક સંદર્ભબિંદુ તરીકે ઉપયોગ કરી શકે છે. 1988ના આંદોલનમાંથી તેઓ ઘણા બોધપાઠ શીખી શકે છે.
1988માં વિરોધપ્રદર્શન કરતા આંદોલનકારીઓએ પ્રતીકાત્મક રીતે એક નાગરિક નેતાને સ્થાપિત કરવાની ઉજવણીમાં વધુ પડતી ઉતાવળ દર્શાવી હતી. સાથે સાથે તેમણે એક એકીકૃત આંદોલન હેઠળ પોતાને સંગઠિત કરવામાં પણ ઘણો સમય લગાવ્યો હતો.
ને વિને જુલાઈમાં રાજીનામું આપી દીધું હતું. તેમના પછી સત્તા પર આવેલા જનરલ સીન લ્વિનનું શાસન માત્ર 17 દિવસ સુધી ચાલ્યું.
8.8.88ના આંદોલનકારીઓના ક્રૂર દમન માટે ઘણી વખત તેમને "રંગૂનના કસાઈ" તરીકે ઓળખવામાં આવતા હતા.
આ દરમિયાન આંદોલનની દિશાને લગતા મતભેદ સર્જાયા. ગભરાયેલી જનતામાં અરાજકતા વધવા લાગી, કારણ કે સર્વોચ્ચ સત્તા ન હોવાના કારણે સ્થાનિક વહીવટીતંત્ર વેરવિખેર થઈ ગયું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સ્થિતિમાં સેનાને તક મળી ગઈ અને 18 સપ્ટેમ્બર (1988)ના રોજ એક સત્તાપલટા દ્વારા તેમણે સત્તા પર કબજો જમાવ્યો. ત્યારપછી 20 વર્ષ કરતાં વધુ સમય સુધી એક સખત નિરંકુશ શાસન રહ્યું.
આ દરમિયાન તે સમયની પેઢી માટે આંગ સાન સૂ ચી એકમાત્ર આશાનાં કિરણ સમાન હતાં. સૂ ચી એ સૈન્યશાસન દરમિયાન બે દાયકા સુધી નજરકેદમાં રહેવું પડ્યું હતું.
1988માં વિદ્યાર્થી આંદોલનકારીઓ અને કેન્દ્રનાં હળવાં નિયંત્રણો અને મજબૂત સંઘીય વ્યવસ્થા માટે લડી રહેલા અનેક વંશીય લઘુમતી નેતાઓ વચ્ચે બહુ ઓછો સમન્વય અને સંવાદ થતો હતો. બર્મામાં આજે પણ વંશીય બહુમતી અને લઘુમતી વચ્ચે અવિશ્વાસનો માહોલ છે.
જોકે નાગરિક આજ્ઞાભંગ આંદોલનના યુવા કાર્યકર્તાઓ આજે વધુ સમાવેશક અને પ્રતિનિધિત્વ સાથેની રાજનીતિની માગણી કરી રહ્યા છે.
તેઓ કરેન, કચિન અને રોહિંગ્યા જેવા વંશીય લઘુમતી સમુદાયો પર થયેલા ભયંકર અત્યાચાર અને તેમની ઉપેક્ષા બદલ માફી માગી રહ્યા છે.
નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોરમાં સોશિયોલૉજી/ઍન્થ્રોપૉલૉજીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને મ્યાનમાર અંગે અનેક લેખ લખી ચૂકેલા ઇલિયટ-પ્રાસ-ફ્રીમેન કહે છે, "બધા લોકો એક વાતમાં સહમત છે કે સૈન્ય જ તેમનું દુશ્મન છે. પરંતુ તેઓ એ બાબતે પણ સજાગ છે કે માત્ર પોતાના મતાધિકારનું સન્માન કરવા માટે મત આપીને આંગ સાન સૂ ચીને ફરીથી સૈન્યની સાથે ભાગીદારીમાં શાસનમાં લાવવા યોગ્ય નહીં ગણાય."
"સેનાએ જે રીતે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારમાં દબાણપૂર્વક પોતાને ભાગીદાર બનાવી તેના કારણે મુખ્યધારાના ઉદારવાદીઓને તે વાસ્તવિકતાનો અનુભવ થવા લાગ્યો હતો જેને કથિત રીતે લોકતંત્ર કહેવામાં આવતું હતું. વાસ્તવમાં તે કથિત લોકતંત્ર જ હતું."
1988ના જનવિદ્રોહ પછી પેદા થયેલા રાજકીય શૂન્યાવકાશમાં સત્તા સંભાળનાર સૈન્યશાસનનો અનુભવ મ્યાનમાર માટે બહુ સારો નથી રહ્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ભ્રષ્ટ વ્યાપારી સોદા કરીને જનરલોએ અઢળક સંપત્તિ એકત્ર કરી હતી. સૈન્યશાસનની આ લાલચના કારણે જ લોકો દેશની અખંડિતતાના રક્ષક તરીકે સૈન્યને જે સન્માન આપતા હતા, તે પણ ખતમ થઈ ગયું.
1988માં દેશને લોકશાહી તરફ આગળ વધારવા માટે તેમણે જે વચનો આપ્યાં હતાં (અલબત્ત, આ વચનો સેનાએ પોતાના સમય અને શરતોના આધારે જ આપ્યાં હતાં), તેને ફરી એક વખત તોડી નાખ્યાં છે.
દેશના લોકોને સૈન્યે એ વાતનો અહેસાસ કરાવી દીધો છે કે તે ભલે ગમે તે કહે, લોકોએ એક વાત યાદ રાખવી જોઈએ કે સ્વતંત્ર મ્યાનમારનાં 73 વર્ષના ઇતિહાસમાં મોટા ભાગનો સમય રહેલી પોતાની પકડ નરમ કરવાનો તેનો કોઈ ઇરાદો નથી.
લોકો પર તેની કેવી ઊંડી અસર પડી છે તેની ખબર એ વાત પરથી પડે છે કે આ વખતે તેઓ સૈન્યને સત્તા પરથી હઠાવવા માટે પોતાના જીવ આપવા પણ તૈયાર છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગયા વખતથી વિપરીત આ વખતે તેઓ સત્તાપલટાને સફળ થતો અટકાવવા માટે જીવ સટોસટની બાજી લગાવી રહ્યા છે.
ઇલિયટ પ્રાસ-ફ્રીમેન કહે છે, "અગાઉ સેનાના જનરલો એવું કહી શકતા હતા કે, ભલે બનાવટી હોય તો પણ 1988 પછી દેશને લોકશાહીની દિશામાં આગળ લઈ જવાનું વચન તેમણે પાળ્યું છે."
"પરંતુ આ વખતે જનરલો આવી વાત નહીં કરી શકે. મોટા ભાગના લોકોની નજરમાં તેમની રીતભાત કોઈ આતંકવાદી સંગઠન જેવી જ છે. અંગ્રેજી અને બર્મીઝ ભાષા બંનેમાં તેને અક્યાન પેટ થામા (akyan-pet thama) કહેવામાં આવે છે."
"દિવસ દરમિયાન પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહેલા લોકોને મારે છે. ગોળીબાર કરીને તેમની હત્યા કરે છે. સર્ક્યુલેટ કરવામાં વીડિયોમાં તેઓ રાતના સમયે કારોને નુકસાન પહોંચાડતા જોવા મળે છે. ક્યાંક તેઓ તોડફોડ કરે છે, તો ક્યાંક નાગરિકો પર બેફામ ગોળીઓ છોડે છે."
ઇલિયન પ્રાસ-ફ્રીમેન કહે છે, "સૈન્ય લાંબા સમયથી નાગરિકોને પોતાના દુશ્મન તરીકે જોતું આવ્યું છે. પરંતુ સૈન્યની આ કાર્યવાહી અત્યંત ઉગ્ર અને અમાનવીય છે. તેમની આ કરતૂતોના કારણે સૈન્ય અને નાગરિકો વચ્ચેની ખાઈ વધારે પહોળી થઈ ગઈ છે."

મ્યાનમાર - પ્રોફાઈલ
મ્યાનમારને અગાઉ બર્માના નામે ઓળખવામાં આવતું હતું. તેને 1948માં બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. મ્યાનમારે પોતાના આધુનિક ઇતિહાસનો એક મોટો હિસ્સો સૈન્યશાસન હેઠળ ગાળ્યો છે.
2010 પછી અહીં સૈન્યની પકડ થોડી ઢીલી પડી. 2015માં અહીં સ્વતંત્ર ચૂંટણી થઈ અને ત્યારપછીના વર્ષે આંગ સાન સૂ ચીની સરકાર રચાઈ.
2017માં મ્યાનમારની સેનાએ રોહિંગ્યા કટ્ટરપંથીઓ દ્વારા પોલીસ પર કરાયેલા હુમલાનો જવાબ આપ્યો. આ કાર્યવાહીમાં રોહિંગ્યા મુસ્લિમો સામે આકરા પગલાં લેવામાં આવ્યાં.
આ કાર્યવાદી દરમિયાન લગભગ પાંચ લાખ રોહિંગ્યા મુસ્લિમોએ ભાગીને બાંગ્લાદેશમાં શરણ લેવી પડી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રએ તેને "વંશીય નરસંહાર"નું સચોટ ઉદાહરણ ગણાવ્યું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













