કમલા હૅરિસને 85 મિનિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિની સત્તા સોંપાઈ
ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ અમેરિકાનાં પ્રથમ એવાં મહિલા બન્યાં છે, જેમને ટૂંકા ગાળા માટે રાષ્ટ્રપતિનો કાર્યભાર સોંપવામાં આવ્યો હોય. આ પાછળનું કારણ હતું, રાષ્ટ્રપતિ જો બાઇડનનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ.
57 વર્ષીય હૅરિસને 85 મિનિટ માટે રાષ્ટ્રપતિનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો, એ સમયે શુક્રવારે બાઇડન રૂટિન કોલોનોસ્કૉપી (આંતરડાની તપાસ) માટે ઍનેસ્થેસિયાની અસર હેઠળ હતા.

ઇમેજ સ્રોત, Getty Images
વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, ડેમૉક્રેટ નેતા બાઇડને સંસદના સભ્યોને સ્થાનિક સમયાનુસાર સવારે 10:10 કલાકે કાર્યભારના હસ્તાંતરણ માટે સૂચિત કર્યા હતા અને 11:35 કલાકે કાર્યભાર પરત મેળવી લીધો હતો.
બાઇડનના ડૉક્ટરે ઑપરેશન બાદ નિવેદન જાહેર કર્યું હતું અને કહ્યું કે તેઓ હવે સ્વસ્થ છે અને પોતાનો કાર્યભાર સંભાળવા માટે સક્ષમ છે.
આ મેડિકલ તપાસ રાષ્ટ્રપતિના 79મા જન્મદિવસની સાંજે વૉશિંગટનની બહાર વૉલ્ટર રીડ સૈન્ય હોસ્પિટલમાં થઈ હતી.

કમલા હૅરિસે સંભાળી જવાબદારી

ઇમેજ સ્રોત, EPA
અધિકારીઓના જણવ્યા પ્રમાણે, આ દરમિયાન હૅરિસે વ્હાઇટ હાઉસના વૅસ્ટ વિંગમાં આવેલા પોતાના કાર્યાલયમાંથી તમામ કામ કર્યાં હતાં.
તેઓ એવાં પ્રથમ મહિલા અને દક્ષિણ એશિયાઈ અમેરિકી મહિલા છે, જેમની ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે. અમેરિકી લોકતંત્રનાં 250 વર્ષના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ મહિલા રાષ્ટ્રપતિ બની શક્યાં નથી.
અમેરિકી બંધારણના 25મા સંશોધનમાં રાષ્ટ્રપતિની સત્તાઓના હસ્તાંતરણની પ્રક્રિયા સામેલ છે જે ત્યારે જ થઈ શકે છે, જ્યારે રાષ્ટ્રપતિ પોતાની જવાબદારીઓ પૂરી કરવા માટે સક્ષમ ન હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જૅન સાકીએ કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં કાર્યભારનું અસ્થાયી હસ્તાંતરણ અમેરિકી બંધારણ પ્રમાણે પ્રક્રિયાનો એક ભાગ છે.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "વર્ષ 2002 અને 2007માં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે જ્યૉર્જ ડબલ્યુ બુશ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા."
રાષ્ટ્રપતિ જ્યારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેઓ ખુશ હતા. આ દરમિયાન તેમણે કહ્યું, "હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું"
રાષ્ટ્રપતિ બાઇડનના ડૉક્ટર કૅવિન ઓ'કૉનરે કહ્યું કે, "રાષ્ટ્રપતિ બાઇડન સ્વસ્થ અને ઊર્જાવાન છે. 78 વર્ષીય બાઇડન રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળવા માટે સક્ષમ છે."

બાઇડનની મેડિકલ તપાસમાં શું મળ્યું?

ઇમેજ સ્રોત, EPA
રાષ્ટ્રપતિના ડૉક્ટરે કહ્યું કે, કોલોનોસ્કૉપી દરમિયાન એક 'બિનાઇન પૉલિપ' મળી આવી, જેને સરળતાથી કાઢવામાં આવી હતી.
ઓ'કૉનરે કહ્યું કે, રાષ્ટ્રપતિની ચાલમાં પહેલાંની સરખામણીએ થોડો ફેરફાર છે. જે તેમની વધતી જતી ઉંમરના કારણે છે.
બાઇડન અમેરિકાના સૌથી ઉંમરવાન રાષ્ટ્રપતિ છે અને તેમણે છેલ્લે ડિસેમ્બર 2019માં પોતાનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવ્યું હતું.
અનુમાન લગાવાઈ રહ્યું છે કે, ઉંમર હોવા છતાં પણ બાઇડન 2024માં રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળ માટે ચૂંટણી લડશે, જેના માટે તેઓ ખુદ આશા વ્યક્ત કરી ચૂક્યા છે.
બાઇડને દેશના લોકોને વાયદો કર્યો હતો કે, તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની તુલનામાં પોતાના સ્વાસ્થ્યની જાણકારીને લઈને વધુ પારદર્શક રહેશે.
વર્ષ 2019માં રિપબ્લિકન નેતા ટ્રમ્પ વૉલ્ટર રીડ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને તે સમયે વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સ્ટૅફની ગ્રીશમે કહ્યું હતું કે, તેઓ અજ્ઞાત કારણસર હૉસ્પિટલ ગયા છે. જોકે, બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ટ્રમ્પ કોલોનોસ્કૉપી માટે ગયા હતા.
ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્યને લઈને જ્યારે સવાલો ઊભા થયા તો તેમના ડૉક્ટરે જવાબ આપ્યા હતા.
રાષ્ટ્રપતિ બાઇડનના ડૉક્ટરે તેમનો મેડિકલ રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ સ્વસ્થ અને ઊર્જાવાન છે અને પોતાનો પદભાર સંભાળવા માટે સંપૂર્ણ સક્ષમ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












