શા માટે ચીન, રશિયા અને પાકિસ્તાન પાછાં પડે છે તાલિબાનને માન્યતા આપવામાં?
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
“જો તેમણે બધાં જૂથોને સામેલ ન કર્યાં તો, આજે નહીં તો કાલે, ત્યાં આંતરસંઘર્ષ થશે. એનો મતલબ કે અસ્થિર અને અરાજક અફઘાનિસ્તાન.” – ઇમરાન ખાન, પાકિસ્તાનના વડા પ્રધાન
“ચીન આશા રાખે છે કે અફઘાનિસ્તાનમાંનાં બધાં પક્ષો, ત્યાંના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષા અનુસાર નિર્ણયો લેશે. સ્વતંત્ર અને બધાંને સાથે લઈ ચાલનારું રાજનીતિક માળખું તૈયાર કરશે.” – ચીનનું વિદેશ મંત્રાલય
“સૌથી વધુ મહત્ત્વપૂર્ણ તો એ નિશ્ચિત કરવાનું છે કે જે વાયદા એમણે સાર્વજનિકરૂપે કર્યા છે એને પૂરા કરવામાં આવે અને અમારા માટે આ જ સર્વોચ્ચ પ્રાથિમકતા છે.” – સર્ગેઈ લવરોફ, રશિયાના વિદેશમંત્રી

ઇમેજ સ્રોત, GETTY IMAGES/REUTERS
આ નિવેદનો એ ત્રણ દેશોનાં છે જેમની અફઘાન–તાલિબાન શાંતિમંત્રણામાં, તાલિબાનની વચગાળાની સરકારની રચનામાં અને તાલિબાનને સમર્થન આપવામાં મહત્ત્વની ભૂમિકા રહી છે.
પરંતુ, તાલિબાનને ખુલ્લું સમર્થન અને દુનિયાને નવા તાલિબાન પર ભરોસો કરવાનું આશ્વાસન આપ્યું તેમ છતાં આ ત્રણે દેશોએ તાલિબાનને માન્યતા નથી આપી.
પાકિસ્તાન, ચીન અને રશિયા તાલિબાન સરકારને માન્યતા આપવાના મુદ્દે સમાવેશી સરકારનું નિર્માણ, આંતરરાષ્ટ્રીય સમુદાયોની આશાઓ, ચરમપંથી સંગઠનોથી અંતર અને શાસનમાં ઉદારતાની વાતો કરે છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં આ ત્રણે દેશોનાં હિત પણ છે. પાકિસ્તાન ભારત સાથેની પ્રતિસ્પર્ધાના સંદર્ભમાં આને એક તક રૂપે જુએ છે. આની પહેલાંની સરકારનો પણ ભારત તરફ એક પ્રકારનો ઝુકાવ હતો, પરંતુ પાકિસ્તાનની સાથે તાલિબાનના સંબંધો સારા છે.
ચીન અને રશિયા, બંને અફઘાનિસ્તાનમાં અમેરિકાના વર્ચસ્વથી ખુશ નહોતા. અમેરિકા ત્યાંથી નીકળી જાય એવા તેમના પ્રયાસો હતા. અને પછી જે જગ્યા ખાલી પડે તેમાં તેઓ પોતાનો પ્રભાવ સ્થાપી શકે. ચીનની નજર તો અફઘાનિસ્તાનનાં સંસાધનો પર પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો, રશિયા ઇચ્છે છે કે મધ્ય એશિયાના દેશોમાં કોઈ પણ રીતે ઇસ્લામિક કટ્ટરતા ન પ્રવેશે અને અહીં અમેરિકાનું પ્રભુત્વ ઓછું થઈ જાય, જેનાથી રશિયા માટે તકોનાં દ્વાર ખૂલી જાય.
તો પણ ત્રણેય દેશ તાલિબાન સરકારને માન્યતા આપવામાં ખચકાટ કેમ અનુભવે છે? તાલિબાન સાથેના પોતપોતાના સંબંધોને તેઓ કઈ રીતે આગળ વધારવા ધારે છે?

માન્યતા માટેનું દબાણ પૂરું

ઇમેજ સ્રોત, Alamy
જાણકારો કહે છે કે માન્યતા આપવી એક એવી સમસ્યા છે જેનાથી અફઘાનિસ્તાનમાંની સરકારને દાબમાં રાખી શકાય એમ છે. ચીન, રશિયા અને પાકિસ્તાન આ તકને ગુમાવવા નથી ઇચ્છતા, આ ઉપરાંત તેઓ કોઈ જોખમ લેવા પણ નથી માગતા.
લંડનની કિંગ્સ કૉલેજમાં વિદેશી બાબતોના વિભાગાધ્યક્ષ પ્રોફેસર હર્ષ વી. પંત જણાવે છે કે, “ત્રણેત્રણ દેશ જો માન્યતા આપી દે તો એમની પાસે કશું નહીં બચે. અત્યારે જો તાલિબાન પાસે કોઈ નક્કર પ્રતિબદ્ધતા કરાવવી હોય તો તેને માટે માન્યતા પ્રાપ્ત કરવાની એમની તીવ્ર જરૂરિયાતનો ઉપયોગ કરી શકાય એમ છે.”
“પરંતુ, જો એક વાર માન્યતા આપી દીધી તો એને પાછી નહીં ખેંચી શકાય. પછી, પાછળથી પોતાના નિર્ણય અંગે બચાવ રજૂ કરવા પડશે. હાલમાં તો રાહ જોવાની નીતિ જ આ ત્રણેય દેશો માટે વધારે યોગ્ય છે. આમ કરીને તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાયની વિરુદ્ધ પણ નથી જતા.”
ઉપરાંત, તાલિબાન નેતૃત્વની કટ્ટરતા પણ આ ત્રણે દેશોના હાથ બાંધી રાખે છે. જે રીતે આ તાલિબાનને 1996ના તાલિબાન કરતાં જુદું બતાવાયું હતું, સમાવેશી અને ઉદાર સરકારની વાતો કરાઈ હતી, એવું કંઈ થતું તો દેખાતું નથી.
બીજી તરફ તાલિબાન સરકારને એક મહિના જેટલો સમય થઈ ગયો પરંતુ હજી સુધી એક પણ સકારાત્મક સંકેત મળ્યા નથી.
મહિલાઓના અધિકારોની બાબતમાં હજુ પણ આશંકા એવી જ પ્રકટી રહી છે. છોકરા–છોકરીઓના સહ-શિક્ષણ પર નિયંત્રણ લાદી દેવાયું છે. એટલે સુધી કે, એવા અહેવાલો પણ મળ્યા છે કે ત્યાંના નાઈઓને લોકોની દાઢી ન કાપવાના આદેશ અપાયા છે.
ઉપરાંત, શરિયા કાનૂન લાગુ કરવાની વાતો જોરશોરમાં થતી રહી છે. ચોકમાં ખુલ્લેઆમ લોકોનાં મૃતદેહોને ટીંગાડી દેવાયાં છે અને દેશમાંથી લોકોનું પલાયન ચાલુ છે.
આ બધાં ઉપરાંત, તાલિબાન સરકારમાં કટ્ટરતા ઘટવાને બદલે વધતી જોવા મળી રહી છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય નથી. આના કારણે, બીજી તરફ ચરમપંથીઓનો જુસ્સો વધવાની શક્યતાનો ડર પણ વધે છે.
પ્રોફેસર પંત જણાવે છે કે, “તાલિબાન વિશે નકારાત્મક રિપૉર્ટ્સ મળી રહ્યા છે. એ કારણે જ વિશ્વના શક્તિશાળી દેશો તાલિબાનને માન્યતા આપવામાં ઉતાવળ કરવાના મતના નથી. એમાં જો ચીન, પાકિસ્તાન અને રશિયા તેને માન્યતા આપી દે તો આંતરરાષ્ટ્રીય સમુદાયની આંતરિક સંમતિની વિરુદ્ધનો ફેંસલો ગણાશે.”
“એટલા માટે જ આ ત્રણે દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે તાલિબાનની સરકારને સમર્થન આપવાનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો કરે છે. ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હમણાં જે ભાષણ આપ્યું એમાં મુખ્ય એજન્ડા આ જ છે કે તાલિબાનને માન્યતા આપવા દુનિયાને રાજી કરી શકાય. જેટલા વધુ દેશો આ દિશામાં આગળ આવશે તેટલી જ તાલિબાન માટેની પાકિસ્તાની નીતિ મજબૂત થશે.”

ઇસ્લામિક કટ્ટરતા વધવાનો ભય

ઇમેજ સ્રોત, REUTERS
રશિયા, ચીન અને પાકિસ્તાન શરૂઆતથી જ, અફઘાનની ધરતીનો તાલિબાન સરકાર દ્વારા તેમની વિરુદ્ધ ઉપયોગ ન કરાય તે મુદ્દાને આગળ ધરી રહ્યા છે.
પાકિસ્તાન તહરિક–એ–તાલિબાન અંગેની ચિંતા પ્રકટ કરતું રહ્યું છે, ચીનને બીક છે કે તેમના શિનજિયાંગ પ્રાંતમાં પૂર્વી તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ મજબૂત ન બને; અને રશિયા, પોતાના પાડોશી દેશોમાં શાંતિ સ્થાપાયેલી રહે એવું ઇચ્છે છે.
જે રીતે તાલિબાને પંજશીર ઘાટીમાં રાજકીય વિરોધીઓને મારી નાખ્યા એ જોઈને તાઝિકો અને ઉઝબેકીઓ સખત નારાજ થયા છે. કઝાકિસ્તાન, તાઝીકિસ્તાન અને ઉઝબેકિસ્તાન રશિયા અને અફઘાનિસ્તાનના પાડોશી છે. ત્યાં વધતી નારાજગી અને કટ્ટરતાથી બચવું રશિયા માટે મુશ્કેલીભર્યું રહેશે.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર સંજય કે. ભારદ્વાજ જણાવે છે કે, “તાલિબાન સરકારમાં જેટલી કટ્ટરતા હશે તેમાં આગળ જતાં વધારો થશે. ઇસ્લામિક કટ્ટરવાદ કોઈ એક દેશમાં સીમિત નથી રહેતો, એ પોતાનો વિસ્તાર વધારતો રહે છે. રશિયા, ચીન અને પાકિસ્તાનને આ બીક જ પરેશાન કરી રહી છે.”
તેઓ જણાવે છે કે, વધુ મહત્ત્વની એક વાત એ પણ છે કે તાલિબાન સરકારમાં હક્કાની સમૂહનું વર્ચસ્વ છે, જેની કટ્ટરતા વિશે આખી દુનિયા જાણે છે. ત્યારે જ આ ત્રણેય દેશો સમાવેશી સરકારની વાતો કરે છે, જેથી એક ઉદાર તાલિબાન સરકાર એમની વિરુદ્ધ ઊભી ન થાય.

પાકિસ્તાનની સમસ્યાઓ કંઈક જુદી જ છે

ઇમેજ સ્રોત, JAVED TANVEER/GETTYIMAGES
દરમિયાનમાં પાકિસ્તાન માટેની મુસીબતો ચીન અને રશિયાથી અલગ છે. પાકિસ્તાનને તો માત્ર આતંકી ગતિવિધિઓ વધી જવાની જ બીક એકલી નથી, બલકે, એમની આર્થિક હાલત પણ ડામાડોળ છે.
હાલના દિવસોમાં, પાકિસ્તાન ફાઇનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સના ગ્રે લિસ્ટમાં આવી ગયું છે. તેના પર આર્થિક પ્રતિબંધો લદાયા છે. એવામાં પાકિસ્તાન જો તાલિબાનની સરકારને સમર્થન આપે છે તો તે તેની આંતરરાષ્ટ્રીય છબિને નુકસાન કરે એમ છે.
પ્રોફેસર સંજય ભારદ્વાજ જણાવે છે કે, “1996 કરતાં સંજોગો વધુ બદલાયા છે. પહેલાં તો, અફઘાનિસ્તાનમાં શું ચાલી રહ્યું છે એ વાતે દુનિયાને કોઈ ફરક નહોતો પડતો. હવે દુનિયા આખીમાં માનવ અધિકારોની વાતો ચર્ચાય છે. ત્યારે તહરિક–એ–તાલિબાન નહોતું અને પાકિસ્તાનમાં એટલો આતંકવાદ પણ નહોતો. તાલિબાનને પહેલાં માન્યતા આપનાર સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત પણ ચુપ છે. પાકિસ્તાન એકલું આવડું મોટું પગલું ન ભરી શકે.”

શું સમાવેશી સરકારની સંભાવના છે?

ઇમેજ સ્રોત, Reuters
અફઘાનિસ્તાનમાં જે સમાવેશી સરકારની સ્થાપના માટેની વાતો થઈ રહી છે, તેના માટે તાલિબાનની કેટલી તૈયારી છે?
અમેરિકા, ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન બધા દેશ પોતપોતાની રીતની સમાવેશી સરકાર ઇચ્છે છે. તો, શું તાલિબાન આ બધાનો વિશ્વાસ જીતી શકવા સક્ષમ છે?
હર્ષ પંત માને છે કે તાલિબાન શાસનમાં હમણાં તો સમાવેશી સરકાર બનાવવી મુશ્કેલ છે. જો તેઓ એવું ઇચ્છતા હોત તો પંજશીર ઘાટીમાં હિંસા ન આચરવામાં આવી હોત, બલકે રાજનીતિક સમાધાનની પેરવી કરી હોત. હજી તો આંતરિક કલહો જ સમાપ્ત નથી થયા.
પરંતુ, આંતરરાષ્ટ્રીય સમુદાય સમાવેશી સરકાર પર ભાર મૂકી રહ્યો છે. કેમ કે, સમાવેશી સરકાર વગર તો તાલિબાન પણ અફઘાનિસ્તાનને નિયંત્રિત નહીં રાખી શકે.
આ બધાં વચ્ચે તાલિબાનમાં આંતરિક સંઘર્ષ જેમનો તેમ રહેશે અને આર્થિક વિકાસ નહીં થાય. અફઘાનિસ્તાનમાંનાં ચીનનાં આર્થિક હિતો આનાથી પ્રભાવિત થઈ શકે એમ છે.

તાલિબાન સામેના પડકારો

ઇમેજ સ્રોત, AAMIR QURESHI
તાલિબાન સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે એને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન / માન્યતા મળી જાય. તાજેતરમાં જ તેણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અફઘાનિસ્તાન તરફથી તાલિબાનના પ્રતિનિધિને સંબોધન કરવાની તક આપવાની માગણી કરી હતી.
તાલિબાન સરકારે, શરૂઆતમાં મહિલાઓના અધિકારો અને સૌના સાથસહકારની વાતો કરી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ એવા કશા સંકેતો નથી આપતી.
તાલિબાનનો આંતરિક ડખો હવે જગજાહેર થઈ ચૂક્યો છે. કાબુલ કબજે કર્યાના થોડા જ દિવસો પછી મુલ્લા બરાદર અને હક્કાની જૂથ વચ્ચે સરકારની રચના કરવાના મુદ્દે રાષ્ટ્રપતિ ભવનમાં હિંસક અથડામણ થયેલી એના પરથી સ્થિતિનો અંદાજ આવી શકે એમ છે.
બીજી તરફ, અમેરિકા સાથેના વાર્તાલાપમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુલ્લા બરાદર એકાએક ગાયબ થઈ ગયા છે. તાલિબાનના નેતા મુલ્લા હિબ્તુલ્લાહ અખુંદજાદા પણ લાંબા અરસાથી ગુમ છે. એના લીધે સમૂહની સમસ્યાઓ વધી છે.

ઇમેજ સ્રોત, Getty Images
એવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે, તેઓ જીવતા છે કે નહીં.
આ ઉપરાંત, પારંપરિક વંશીય અને કબીલાઓમાં પરસ્પર ખેંચતાણ પણ થઈ રહી છે. પૂર્વમાં રહેતા પશ્તૂન સક્ષમ બનીને ઊભર્યા છે અને તેઓ દક્ષિણી કબીલાઓના વિરોધમાં ઊભા થયા છે.
એમાં, પંજશીર ઘાટીમાં થયેલી હિંસા પછી હજારા સમુદાયની નારાજગી એક અલગ પ્રકરણ છે.
હાલની સરકારના 33 મંત્રીઓમાંથી માત્ર ત્રણ મંત્રીઓ જ લઘુમતી સમૂહના છે. એમાંના બે તાઝિક મૂળના છે અને એક ઉઝબેક મૂળના. સરકારમાં, ના તો સૌથી મોટાં વંશીય જૂથોમાંના એક શિયા હજારા સમુદાયના કોઈ મંત્રી છે કે ના તો કોઈ મહિલા મંત્રી સામેલ છે.
પ્રોફેસર સંજય ભારદ્વાજ જણાવે છે કે આંતરિક વિખવાદોને શાંત પાડવાની સાથે જ તાલિબાન સરકારે પોતાના કટ્ટર વલણને પણ છોડવું પડશે, જે એટલું આસાન નથી.
તેઓ જણાવે છે કે, “આ સમૂહો બનવાનો મુખ્ય આધાર જ કટ્ટરતા છે. જો તેઓ એ જ છોડી દે તો એમનું અસ્તિત્વ જ ન રહે. જો તેઓ ઉદાર વલણ અપનાવે છે તો એમની અંદરથી જ કોઈ જૂથ વિરોધ કરીને સામે પડશે.”
જાણકારો માને છે કે પહેલાં આ ચરમપંથી સંગઠનોનું માત્ર એક જ દુશ્મન હતું, અમેરિકા અને અફઘાન સરકાર, પણ હવે તો તેઓ જતા રહ્યા છે. હવે તેઓની અંદરોઅંદરની સત્તા માટેની લડાઈઓ થશે, જે સ્પષ્ટ દેખાય છે. એવામાં જો સ્થિરતા નહીં સ્થપાય તો, તાલિબાન સરકારને માન્યતા મળવી મુશ્કેલ છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













