તાલિબાને મઝાર-એ-શરીફ 23 વર્ષ પહેલાં કબજે કર્યું ત્યારે શું થયું હતું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુર્તઝાના પિતાએ વચન આપ્યું હતું કે એ દિવસે બપોરના ભોજનમાં તેમનો પસંદગીનો કાબુલી પુલાવ ખવડાવશે- પ્રતીકાત્મક તસવીર

તાલિબાને 2021ની 15 ઑગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ કબજે કરી અને રાષ્ટ્રપતિ અબ્દુલ ગની અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા.

તાલિબાન આ અગાઉ 1990ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સત્તા પર હતું. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીબીસીએ અફઘાનિસ્તાનમાંના તાલિબાનના શાસનકાળને આવરી લેતા લેખોની શ્રેણી શરૂ કરી છે.

એ શ્રેણીનો બીજો અહેવાલ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. આ લેખ અફઘાન પત્રકાર મુર્તઝા બાલ્ખીના નામે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.

એ 1998ની આઠમી ઑગસ્ટ હતી.

મારે સ્કૂલમાં વૅકેશન હતું. મેં એ દિવસે પિતા પાસે મને તેમની દુકાને લઈ જવા કેવી જીદ કરી હતી એ આજે પણ મને યાદ છે.

મારા પિતા ઈલેક્ટ્રૉનિક્સ અને કૉમ્યુનિકેશન્શ એન્જિનિયર હતા. મઝાર-એ-શરીફની મધ્યમાં તેમની દુકાન હતી, જેમાં તેઓ ઈલેક્ટ્રિકલ ઉપકરણો રિપૅર કરતા હતા.

ઈશાન અફઘાનિસ્તાનમાં આવેલા મઝાર-એ-શરીફ શહેર પર એ સમયે તાલિબાનનો જોરદાર વિરોધ કરતા આદિવાસી લડવૈયાઓના સંગઠન નોર્ધન અલાયન્સનો અંકુશ હતો.

મારા પિતા મને લઈને દુકાને પહોંચ્યા હતા અને તેમણે મને વચન આપ્યું હતું કે એ દિવસે બપોરના ભોજનમાં અમે મારો પસંદગીનો કાબુલી પુલાવ ખાઈશું.

જોકે, એ પછીના કેટલાક કલાકોમાં શું થવાનું હતું એ કોઈ જાણતું નહોતું.

line

તાલિબાનનો શહેરમાં પ્રવેશ

અમે શહેરના કેન્દ્રમાં દરવાઝા બલ્ખ નજીકની એક માર્કેટમાં હતા અને તાલિબાન એ માર્ગે જ શહેરમાં પ્રવેશ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમે શહેરના કેન્દ્રમાં દરવાઝા બલ્ખ નજીકની એક માર્કેટમાં હતા અને તાલિબાન એ માર્ગે જ શહેરમાં પ્રવેશ્યા હતા

સવારના નવ વાગ્યા ત્યારથી અમને ગોળીબારના અવાજ સંભળાવા લાગ્યા હતા.

હું આઠ વર્ષનો હતો અને દેખીતી રીતે ભયભીત હતો. મેં મારા પિતાને સવાલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે નોર્ધન અલાયન્સનાં જૂથો વચ્ચે લડાઈ થઈ હશે.

તાલિબાન શહેરમાં પ્રવેશી ચૂક્યા છે તે કોઈ જાણતું ન હતું. માર્ગો પર દોડતી મોટરકારોમાં સફેદ ધ્વજો અને કાળી પાઘડીઓ જોવા મળતી થઈ ત્યારે અમને સમજાયું હતું કે શું થઈ રહ્યું છે.

બપોરના એક વાગ્યે તાલિબાને શહેર સંપૂર્ણપણે કબજે કર્યું ત્યાં સુધી ગોળીબાર સતત ચાલતો રહ્યો હતો.

એ અગાઉ અમે શહેરના કેન્દ્રમાં દરવાઝા બલ્ખ નજીકની એક માર્કેટમાં હતા અને તાલિબાન એ માર્ગે જ શહેરમાં પ્રવેશ્યા હતા.

વીડિયો કૅપ્શન, તાલિબાનના કબજા બાદ ભાગીને ઍરપોર્ટ પહોંચ્યા લોકો, પ્લેનમાં ચડવા ધક્કામુક્કી

માર્કેટમાં અમે માત્ર પાંચ જણ જ બાકી રહ્યા હતા. બાકીના દુકાનદારો અને ગ્રાહકો કાં તો ભાગી રહ્યા હતા અથવા તો ગોળી લાગવાના ડરથી ભાગી છૂટ્યા હતા, પરંતુ અમે જ્યાં હતા ત્યાં જ રોકાઈ જવાનો મારા પિતાનો આગ્રહ હતો.

અમે માર્કેટના દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા. માર્કેટમાં એક એવી જગ્યા હતી, જ્યાંથી અમે બિલ્ડિંગની પૂર્વ દિશામાં બહાર જોઈ શકતા હતા.

અમે ત્યાંથી જોયું ત્યારે બહાર ચારે તરફ ધુમાડો ફેલાયેલો હતો. વિવિધ દિશામાંથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો.

લોકો રસ્તા પર ભાગી રહ્યા હતા અને વાહનો સાથે અથડાઈ રહ્યા હતા. તાલિબાનથી બચવા માટે ભાગી રહેલા લોકોની વાહનોના માલિકોને કોઈ દરકાર ન હતી.

માર્કેટ બહારની દુકાનો તથા રેંકડીઓ વેરવિખેર થઈ ગઈ હતી. રસ્તાઓ પર અને ડેટ્સનનાં વાહનોના કાફલામાં સર્વત્ર તાલિબાન જ દેખાતા હતા. એ લોકો અંધાધૂંધ ગોળીબાર કરતા હતા.

line

ભય અને ફફડાટ

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાલિબાન મુખ્યત્વે હાઝરા સમુદાયના સભ્યો અથવા શસ્ત્રોને શોધતા હતા

એ પછીનાં દૃશ્યો હું જોઈ શક્યો ન હતો, કારણ મૃતકો તથા ઘાયલોની ચીસોથી હું ખળભળી ઊઠ્યો હતો અને ભયથી ફફડી રહ્યો હતો.

એ તબક્કે મારા પિતાએ મને દુકાનની અંદર જવા જણાવ્યું હતું, પણ હું અત્યંત ડરેલો હતો એટલે દુકાનમાં જતાંની સાથે જ રડવા લાગ્યો હતો. તેથી મારા પિતા દુકાનમાં આવ્યા હતા. તેમણે મને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

બપોરના ત્રણ વાગ્યા હતા. મને બહુ ભૂખ લાગી હતી. મેં મારા પિતાને થોડું ખાવાનું આપવા પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "થોડી રાહ જોવી પડશે. પછી આપણે ઘરે જઈશું અને પેટ ભરીને ભોજન કરીશું."

હું નાનો હતો, પણ એટલું સમજી શકતો હતો કે મારા પિતા એ બધું મને ધરપત આપવા માટે કહી રહ્યા હતા.

હું થોડો સમય ચૂપ રહ્યો, પણ પછી મારી નજર સામેની શેરીમાં આવેલી એક બેકરી પર પડી હતી. બેકરીના દરવાજા ખુલ્લા હતા, પણ તેની અંદર કોઈ નહોતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મેં મારા પિતાને કહ્યું, "આપણે એ બેકરી પર જઈ શકીએ?"

મારા પિતાએ કહ્યું, "આપણે આ માર્કેટ છોડીને બેકરી પર જઈશું તો તાલિબાન આપણને ફૂંકી મારશે."

સાંજ થઈ રહી હતી અને ગોળીબારના અવાજ શમી ગયા હતા. હવે સમયાંતરે ગોળીબારનો છૂટાછવાયો અવાજ સાંભળવા મળતો હતો. શહેરના મોટા ભાગમાં શાંતિ પથરાઈ ગઈ હતી.

line

'તાલિબાને પૂછ્યું કોઈ હાઝરા છે કે નહીં'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક કિસ્સામાં તેઓ ઘરના મુખ્ય પુરુષને તેમની સાથે લઈ ગયા હતા- પ્રતીકાત્મક તસવીર

એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મારા પિતાએ નક્કી કર્યું હતું કે અમારે ઘરે જવા રવાના થવું જોઈએ. તેમણે કહેલું કે "અત્યારે નીકળી જઈએ તો આપણે પરિવાર પાસે સાજાનરવા પહોંચીએ તે શક્ય છે."

અમે માર્કેટમાંથી નીકળ્યા ત્યારે ચાર વાગ્યા હતા. ચારેય તરફ ભેંકાર શાંતિ હતી. વચ્ચે-વચ્ચે અચાનક ગોળીબાર અને ચીસોના અવાજ સંભળાતા હતા.

માર્કેટ બહારની શેરીઓમાં મડદાં અને લોહી પડેલાં હતાં. અમે દરવાઝા બલ્ખથી શહેરની શાકભાજીની મુખ્ય માર્કેટ તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. શાકભાજીની માર્કેટ રોઝા મુબારક એટલે કે મઝાર-એ-શરીફ વચ્ચેની દરગાહની નજીક આવેલી છે.

અચાનક અમારી નજર શેરીમાં એક વ્યક્તિને ત્રાસ આપી રહેલા કેટલાક તાલિબાનો પર પડી હતી.

તેમણે અમને જોયા કે તરત જ અમારી તરફ ગોળીબાર શરૂ કર્યો હતો. ગોળીબાર શરૂ થતાંની સાથે જ અમે છુપાઈ ગયા હતા. મારા પિતાએ પશ્તો ભાષામાં બૂમ પાડીને તેમને જણાવ્યું હતું કે "અમારા પર ગોળીબાર ન કરો. અમે સામાન્ય નાગરિકો છીએ."

ગોળીબાર બંધ થયો પછી મારા પિતા તાલિબાનને એવું સમજાવવામાં સફળ થયા હતા કે અમે અમારા ઘરે પાછા જઈ રહ્યા છીએ. તાલિબાનોએ સવાલ કર્યો હતો કે અમારામાંથી કોઈ "હાઝરા" છે કે કેમ.

મારા પિતાએ તેમને પશ્તો ભાષામાં પ્રત્યુતર આપ્યો હતો કે "અમારા પૈકીનું કોઈ હાઝરા નથી. અમે પશ્તૂન છીએ."

line

રાહતનો શ્વાસ

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજા દિવસે તાલિબાને ઘરેઘરે તલાશી લેવાનું શરૂ કર્યું હતું.

અમે સિદ્દીક યાર ચોકમાં પહોંચ્યા ત્યારે અમારો ભેટો બીજા એક તાલિબાન જૂથ સાથે થયો હતો. તેઓ પણ સફેદ ધ્વજવાળી ટેન્કો પર સવાર હતા. અમારા પર નજર પડી એટલે તેમણે અમારી તરફ બંદૂકો તાકી હતી.

એ વખતે પણ મારા પિતાએ તેમની સાથે પશ્તોમાં વાત કરીને અમારી જિંદગી બચાવી લીધી હતી.

અમે ચોકમાંથી આગળ ધપી રહ્યા હતા ત્યારે અમારી નજર રસ્તાની એક બાજુએ લોહીથી લથબથ પડેલા મૃતદેહો પર પડી હતી.

એ જોઈને મારા પિતાએ તેના સાથીને કહ્યું હતું, "જો, આ નદીમ છે."

નદીમ માર્કેટમાં બીજા માળે ઈલેક્ટ્રોનિક સ્ટોર ચલાવતો હતો અને થોડા કલાક પહેલાં તાલિબાન શહેરમાં પ્રવેશ્યા ત્યારે તે માર્કેટમાંથી રવાના થયો હતો. હવે તેનો મૃતદેહ રસ્તાની બાજુમાં પડ્યો હતો.

હું એ દૃશ્ય જોઈ શકતો ન હતો. હું મારી જાતને પૂછતો હતો, "એક માણસ બીજા માણસ સાથે આવું કઈ રીતે કરી શકે?"

આખરે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારી મમ્મી અને નાની બહેને રાહતનો શ્વાસ લીધો હતો. અમે ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ડરેલાં હતાં, પણ અમને હેમખેમ જોઈને તેઓ બહુ રાજી થયાં હતાં.

મઝાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાલિબાનો પાડોશના બધા લોકોને ઉઠાવી ગયા હતા અને એ પૈકીના જે લોકો પશ્તો જાણતા હતા અથવા હાઝરાને પસંદ ન કરતા હતા તેઓ જીવતા પાછા ફર્યા હતા.

બીજા દિવસે તાલિબાને ઘરેઘરે તલાશી લેવાનું શરૂ કર્યું હતું. તેઓ મુખ્યત્વે હાઝરા સમુદાયના સભ્યો અથવા શસ્ત્રોને શોધતા હતા. કેટલાક કિસ્સામાં તેઓ ઘરના મુખ્ય પુરુષને તેમની સાથે લઈ ગયા હતા.

માર્કેટથી ઘરે પાછા ફર્યા બાદ હું આખો દિવસ પથારીમાં જ પડ્યો રહ્યો હતો. મારી જાતને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવાનું મારે માટે બહુ મુશ્કેલ હતું.

મેં આંખો ખોલી ત્યારે રાતના આઠેક વાગ્યા હતા. હું ઊઠીને મારી મમ્મી પાસે ગયો હતો અને તેમને પૂછ્યું હતું, "અબ્બુ (પિતાજી) ક્યાં છે?"

મને બરાબર યાદ છે કે મારી મમ્મી રડતી હતી. તેમણે મને જણાવ્યું હતું કે તાલિબાન આવ્યા હતા અને મારા પિતાને તેમની સાથે લઈ ગયા હતા. એ સાંભળીને મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. એ પછી શું બન્યું હતું એ મને યાદ નથી.

line

'નવજીવન મળ્યું હોય એવું લાગ્યું'

તાલિબાન

ઇમેજ સ્રોત, Robert Nickelsberg

બીજા દિવસે હું જાગ્યો ત્યારે મારા પિતા મારી બાજુમાં બેઠા હતા. તેઓ પાછા આવ્યાનું જાણીને મને નવજીવન મળ્યું હતું.

મેં તેમના પર સવાલોનો મારો કર્યો હતો.

મારા પિતાએ જણાવ્યું હતું કે તાલિબાનો પાડોશના બધા લોકોને ઉઠાવી ગયા હતા અને એ પૈકીના જે લોકો પશ્તો જાણતા હતા અથવા હાઝરાને પસંદ ન કરતા હતા તેઓ જીવતા પાછા ફર્યા હતા.

મારા પિતા જીવતા પાછા ફર્યા તેનાથી મને આનંદ થયો હતો, પરંતુ અમારા સગાંસબંધી, દોસ્તો અને પાડોશી સાથે ભયાનક વ્યવહાર થયો હતો.

ક્યારેક મને લાગે છે કે અમે બચી ગયા તે એક ચમત્કારથી કમ ન હતું. અમે એ અંધારિયા કાળના પાશમાંથી બચી ગયેલા જૂજ સદનસીબો પૈકીના એક છીએ, પરંતુ તે એક દુખદ કથાની શરૂઆત માત્ર હતી અને એ પછીના દિવસોમાં અમારે અનેક ભયાનક ઘટનાઓના સાક્ષી બનવાનું હતું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો