પેગાસસ જાસૂસી કાંડના મામલે સોફ્ટવૅર બનાવનારી કંપનીએ પોતાનો બચાવ કરતાં શું કહ્યું?

એનએસઓ ગ્રૂપની ઑફિસ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, એનએસઓ ગ્રૂપની ઑફિસ
    • લેેખક, જો ટાઇડી
    • પદ, સાયબર રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

પેગાસસ સ્પાયવૅરની નિર્માતા કંપનીનું કહેવું છે કે હૅકિંગ માટે "અમારા ગ્રાહકોને દોષ આપવામાં આવે, અમને નહીં."

કંપનીએ કહ્યું કે હૅકિંગ માટે એને દોષ આપવો એ કોઈ ડ્રાઇવર નશો કરીને ગાડી ચલાવે અને અકસ્માત નોતરે ત્યારે કાર બનાવનાર કંપનીને દોષ આપવા જેવી વાત છે.

પેગાસસના કથિત જાસૂસી કાંડ બદલ ઇઝરાયલની સર્વેલન્સ કંપની એનએસઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકા થઈ રહી છે.

અમુક મીડિયા સંસ્થાઓએ એક અહેવાલ પ્રકાશિત કરીને એ દાવો કર્યો છે કે પેગાસસની મદદથી અનેક માનવાધિકાર કર્મશીલો, પત્રકારો અને રાજનેતાઓ સમેત નામાંકિત વ્યક્તિઓની જાસૂસી કરવામાં આવી છે.

અંદાજે 50 હજાર ફોન નંબરોની એક યાદી લીક થયાં બાદ આ મામલે તપાસની શરૂઆત થઈ હતી.

નિષ્ણાતો અનુસાર પેગાસસ આઈફોન કે ઍન્ડ્રોઇડ કોઈ પણ પ્રકારના ફોનની જાસૂસી કરવા માટે સક્ષમ છે.

પ્રતીકાત્મક તસવીર

આરોપ છે છે કે સોફ્ટવૅર પેગાસસ આઇફોન અને ઍન્ડ્રોઇડ ડિવાઇસને અસર કરે છે અને તેનું સંચાલન કરનાર જે તે ફોનના મૅસેજિસ, ફોટો, ઇમેલ, કૉલ રેકૉર્ડ તમામ વિગતો લઈ શકે છે તથા એક ગુપ્ત માઇક્રોફોન પણ ઍક્ટિવ થઈ જાય છે.

આ જાસૂસી ઇઝરાયલની સર્વેલન્સ કંપની એનએસઓ દ્વારા સરમુખત્યાર સરકારોને વેચવામાં આવેલી તકનીકથી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, કંપની આનો ઇનકાર કરે છે.

એનએસઓનું કહેવું છે કે આ સ્પાયવૅરનું નિર્માણ ચરમપંથીઓ અને અપરાધીઓની જાસૂસી માટે કરવામાં આવ્યું છે.

કંપનીનો દાવો રહ્યો છે કે તે આ પ્રોગ્રામ માત્ર માન્યતા પ્રાપ્ત સરકારી એજન્સીઓને જ વેચે છે અને તેનો ઉદ્દેશ 'આતંકવાદ અને અપરાધ વિરુદ્ધ લડવાનો' છે. તાજેતરના આરોપો વિશે પણ એનએસઓ દ્વારા આવો જ દાવો કરવામાં આવ્યો છે.

જોકે, ફ્રાન્સના મીડિયા સંસ્થાનના વડપણ હેઠળના એક મીડિયા સમૂહે એવા ડઝનેક સમાચારો પ્રકાશિત કર્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાસૂસી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ત્યાં સુધી કે ફ્રાન્સના મીડિયાએ પોતાના અહેવાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોંના નંબરની પણ જાસૂસી થઈ હોવાનું કહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

એનએસઓ ગ્રૂપનું કહેવું છે કે એમને એમ કહેવામાં આવ્યું હતું કે આ યાદી કંપનીના સાયપ્રસના સર્વરને હૅક કરીને મેળવવામાં આવી છે.

જોકે, કંપનીના પ્રવક્તાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "પહેલી વાત તો એ કે સાયપ્રસમાં અમારું કોઈ સર્વર જ નથી અને બીજી વાત એ કે અમારી પાસે ગ્રાહકોનો કોઈ ડેટા નથી રહેતો."

આ પછી એમણે કહ્યું કે, "એ સમજવું જરૂરી છે કે તમામ ગ્રાહકો એકબીજા સાથે જોડાયેલા નથી. દરેક ગ્રાહકનો પોતપોતાનો ડેટાબેઝ છે તો આ પ્રકારની કોઈ યાદી હોવાની સંભાવના જ નથી. "

એમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, જેટલી સંખ્યામાં નંબરો દર્શાવવામાં આવ્યા છે એ રીતે પેગાસસ કામ નથી કરતું.

એમણે કહ્યું, "અમારી જાણકારી મુજબ અમારા ગ્રાહકોના નિશાના પર જાસૂસી માટે દર વર્ષે સોએક જેટલા ટાર્ગેટ જ હોય છે."

કંપનીના પ્રવક્તાએ કહ્યું "કંપની શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી પણ અમારા કુલ ટાર્ગેટ 50 હજાર નથી હોય."

line

સુરક્ષા સેવાઓ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પાછલાં અમુક વર્ષોમાં અનેક વાર આ કંપની પર જાસૂસી કરવામાં મદદગારીનો આરોપ લાગ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ અમુક દમનકારી સરકારોને પેગાસસ સ્પાયવૅર વેચ્યું અને તેની મદદથી એમણે સામાન્ય અને નિદોર્ષ લોકોની જાસૂસી કરી. કંપની આ આરોપોને નકારે છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું, તેઓ કોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે તેની નિયમિત તપાસ નથી કરતા પરંતુ કંપની પાસે એવું કરવાની સિસ્ટિમ છે.

આ મહિનાની શરૂઆતમાં એનએસઓ ગ્રૂપે પોતાનો પારદર્શિતા અહેવાલ લૉન્ચ કર્યો હતો અને કહ્યું હતું કે "આપણે પોતાની માટે ઉચ્ચ માપદંડો સ્થાપિત કરવા જોઈએ. સાથે જ માનવાધિકાર તેમજ પ્રાઇવસીને જાળવીને સાર્વજનિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે નેતૃત્વ અને પારદર્શિતા સાથે કામ કરવું જોઈએ."

જોકે, કંપનીના પ્રવક્તાએ બુધવારે કહ્યું કે "જો હું એક કારનિર્માતા છું અને તમે મારી પાસેથી કાર ખરીદો છો, એ પછી તમે નશો કરીને ગાડી ચલાવો છો અને કોઈને મારી દો છો કે દુર્ઘટના કરો છો તો તમે કારનિર્માતા પાસે નહીં જાવ પરંતુ ડ્રાઇવરને પકડશો."

એમણે કહ્યું, "અમે સરકારોને પેગાસસ વેચીએ છીએ અને આ કામ પૂર્ણ જવાબદારી સાથે કાનૂની રીતે કરવામાં આવે છે."

કંપનીના પ્રવક્તાએ કહ્યું, "જો અમને ખબર પડે કે કોઈ ગ્રાહક પેગાસસનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે તો તે અમારો ગ્રાહક નહીં રહે પરંતુ પેગાસસના દુરુપયોગને લઈને આંગળી ગ્રાહક પર ઉઠવી જોઈએ, તમામ આરોપ ગ્રાહક પર લાગવા જોઈએ."

line

એક સંયોગ

પેગાસસથઈ ફોનમાં રહેલી તમામ માહિતી ગુપ્ત રીતે બીજે પહોંચી જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેગાસસથઈ ફોનમાં રહેલી તમામ માહિતી ગુપ્ત રીતે બીજે પહોંચી જાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોના મોબાઇલ નંબરો આ યાદીમાં છે એ પૈકી 67 લોકો પોતાનો ફોન ફ્રાન્સની મીડિયા સંસ્થા 'ફૉરબિડન સ્ટૉરીઝ'ને ફૉરેન્સિક તપાસ માટે આપવા સહમત થયા હતા.

આ પૈકી 37 લોકોના ફોનમાં 'ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ'ની સિક્યૉરિટી લૅબને તે સંભવિત રીતે ટાર્ગેટ હોય તેના પુરાવા મળ્યા છે.

જોકે, એનએસઓ ગ્રૂપનું કહેવું છે કે યાદીમાં સામેલ અમુક ફોનમાં સ્પાયવૅરના અવશેષો કેમ છે એ અંગે એમને જાણકારી નથી.

કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે આ "કેવળ એક સંજોગ હોઈ શકે છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો