You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં પૂરનો પ્રકોપ અને અમેરિકામાં આગની આફત, હજારો લોકો બેઘર
મધ્ય ચીનમાં ભારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પૂર આવ્યું છે.
પૂરને પગલે અત્યાર સુધી ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને હજારો લોકોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થાને આશરો લેવો પડ્યો છે.
કેટલાંય સ્ટેશનો અને માર્ગો પર પાણી ફરી વળ્યાં છે.
હેનન પ્રાંતમાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા પડ્યા છે.
ઝેંગ્ઝાઉ પ્રાંતમાં પૂરને લીધે અત્યાર સુધી ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે.
સૌથી ગંભીર ચેતવણી
દેશમાં પૂરને પગલે 12થી વધારે શહેર પ્રભાવિત થયાં છે. માર્ગો પર પાણી ફરી વળતાં તેને બંધ કરવા પડ્યા છે. કેટલાંય ઍરપૉર્ટ પણ બંધ કરી દેવા પડ્યાં છે.
લગભગ સાડા નવ કરોડ લોકોની વસતી ધરાવતા હેનન પ્રાંતમાં અસામાન્ય વરસાદને પગલે સૌથી ગંભીર ચેતવણી અપાઈ છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પૂર માટે કેટલાંય કારણો જવાબદાર હોઈ શકે છે પણ સૌથી મોટું કારણ જળવાયુમાં પરિવર્તનથી તાપમાનમાં થયેલો વધારો માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં આગની આફત
અમેરિકાના ઑરેગોન રાજ્યના જંગલમાં લાગેલી આગનો વ્યાપ તાજેતરમાં લાગેલી આગની તુલનામાં સૌધી વધુ છે.
દાવાનળ અત્યાર સુધી 3,64,000 ઍકર કરતાં વધારે વિસ્તારમાં પ્રસરી ચૂક્યો છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો છે.
નજીકમાં આવેલા 'બૂટલેગ સ્પ્રિંગ' નામના વિસ્તાર પરથી આ આગને 'બૂટલેગ ફાયર' નામ આપવામાં આવ્યું છે. દાવાનળને ઓલવવામાં બે હજાર કરતાં વધારે ફાયર-ફાઇટરો જોતરાયા છે.
6 જુલાઈએ લાગેલા આ દાવાનળે અત્યાર સુધીમાં લૉસ ઍન્જલસ શહેર કરતાં મોટા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો છે.
હિટ વૅવ અને ભારે પવનોને પગલે અમેરિકાનાં 13 રાજ્યોમાં લાગેલા 80 દાવાનળ પૈકી 'બુટલેગ ફાયર' એક છે.
જાણકારોનું માનવું છે કે જળવાયુમાં આવેલા પરિવર્તને ગરમ, શુષ્ક હવામાનનું જોખમ વધારી દીધું છે અને તેને પગલે દાવાનળ જેવી ઘટનાઓની સંખ્યા વધી શકે છે.
ઔદ્યોગિક યુગની શરૂઆત થયા બાદથી વિશ્વનું તાપમાન 1.2C વધી ગયું છે.
જળવાયુ પરિવર્તન કારણભૂત?
અમેરિકાએ તાજેતરમાં ભારે ગરમીનો પ્રકોપ સહન કર્યો છે. નેવાડા રાજ્યમાં 47.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ ચૂક્યું છે.
આ પહેલાં અમેરિકામાં આવેલી ખતરનાક હિટ વૅવને લીધે કેટલાય લોકો માર્યા ગયા હતા.
વિશેષજ્ઞોનું માનવું છે કે જળવાયુ પરિવર્તનને લીધે આ પ્રકારની મોસમી ઘટનાઓનું પ્રમાણ વધી શકે છે, પણ કોઈ એક ઘટના પાછળ જળવાયુ પરિવર્તનને જોડી દેવું જટિલ પ્રક્રિયા છે.
જોકે, જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરનારા લોકોનું માનવામાં આવે તો જળવાયુ પરિવર્તન વગર જૂન મહિનાના અંતમાં પશ્ચિમ કૅનેડા કે અમેરિકામાં આટલી ભારે ગરમી પડવી શક્ય નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો