એ દેશ, જ્યાં સેક્સ સરોગેટ્સ ઘાયલ સૈનિકોની સારવાર કરે છે

ટીકાકારો આ ઉપચાર પદ્ધતિને વેશ્યાગીરી સાથે સરખાવે છે

ઇમેજ સ્રોત, રેખાંકનઃ કેટી હોર્વિચ

ઇમેજ કૅપ્શન, ટીકાકારો આ ઉપચાર પદ્ધતિને વેશ્યાગીરી સાથે સરખાવે છે
    • લેેખક, યોલાન્ડે નેલ અને ફિલ માર્ઝૌક
    • પદ, બીબીસી ન્યૂઝ, તેલ અવિવ

વિશ્વના ઘણા દેશોમાં સરોગેટ સેક્સ થેરપી વિવાદસ્પદ ગણાય છે (જેમાં દર્દીના સેક્સ પાર્ટનર તરીકે કોઈ વ્યક્તિની સેવા નાણાં ચૂકવીને લેવામાં આવે છે) અને તેનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં આવતો નથી. અલબત, ઇઝરાયલમાં ખરાબ રીતે ઘવાયેલા અને જેમનો લૈંગિક ઉપચાર જરૂરી હોય એવા સૈનિકો માટે આ થેરપી સરકારના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ઇઝરાયલનાં સેક્સ થેરપિસ્ટ રોનિન અલોનીનો તેલ અવિવમાં આવેલો કન્સલ્ટેશન રૂમ અપેક્ષા અનુસારનો જ દેખાય છે.

એ રૂમમાં રોનિતના ક્લાયન્ટ માટે એક નાનકડો આરામદાયક કાઉચ અને પુરુષ તથા સ્ત્રીના જનનાંગોની જૈવિક આકૃતિઓ છે. રોનિત એ જૈવિક આકૃતિઓનો ઉપયોગ તેમના ક્લાયન્ટને વસ્તુસ્થિતિ સમજાવવા માટે કરે છે.

એ રૂમની બાજુમાં આવેલા રૂમમાં એક સોફાબેડ તથા મીણબત્તીઓ છે અને એ રૂમમાં આકાર પામતી ઘટનાઓ વધુ આશ્ચર્યજનક છે.

એ રૂમમાં પૈસા લઈને સેવા આપતા સરોગેટ પાર્ટનર્સ, ડૉ. અલોનીના કેટલાક ક્લાયન્ટ્સને ઘનિષ્ઠ સંબંધ કઈ રીતે બાંધવો અને આખરે સંભોગ કઈ રીતે કરવો તે શીખવવામાં મદદ કરે છે.

અલોની કહે છે, "એ રૂમ હોટલ જેવો નથી લાગતો. એ ઘર જેવો, એક ઍપાર્ટમૅન્ટ જેવો વધારે લાગે છે."

તેમાં પલંગ છે, એક સીડી પ્લેયર છે, શાવરની વ્યવસ્થા છે અને રૂમની દિવાલોને શણગારતાં શૃંગારિક આર્ટવર્ક છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અલોની કહે છે, "સેક્સ થેરપી ઘણી રીતે કપલ થેરપી એટલે યુગલ ઉપચાર પદ્ધતિ છે. કોઈ પાસે પાર્ટનર ન હોય તો તેની પ્રક્રિયા પૂર્ણ કરી શકાતી નથી. પુરુષ કે સ્ત્રી સરોગેટનું કામ એક દંપતીમાં પાર્ટનર તરીકે ભૂમિકા ભજવવાનું હોય છે."

ટીકાકારો આ ઉપચાર પદ્ધતિને વેશ્યાગીરી સાથે સરખાવે છે, પણ ઇઝરાયલમાં આ ઉપચારપદ્ધતિ એટલી હદે સ્વીકાર્ય બની ગઈ છે કે ઈજાને કારણે સેક્સ માણવા અસમર્થ થઈ ગયેલા સૈનિકો માટે આ થેરપીનો ખર્ચ સરકાર ચૂકવે છે.

સેક્સ્યુઅલ રિહેબિલિટેશનમાં ડૉક્ટરેટની પદવી ધરાવતાં અલોની કહે છે, "પોતે કોઈને મજા કરાવી શકે છે અને અન્ય પાસેથી મજા માણી પણ શકે છે, એવી અનુભૂતિ લોકોને થવી જોઈએ."

અલોની ભારપૂર્વક ઉમેરે છે, "લોકો અહીં ઉપચાર માટે આવે છે. તેઓ અહીં મોજ માણવા આવતા નથી. અહીં વેશ્યાગીરી જેવું કશું જ નથી."

"85 ટકા જેટલાં ઉપચારનાં સત્ર આત્મીયતા, સ્પર્શ, આદાન-પ્રદાન અને સંભાષણ વિશેનાં હોય છે. તેમાં સારી વ્યક્તિ બનવાનું અને અન્ય વ્યક્તિ સાથે સંબંધ કેળવતા શીખવાનું હોય છે. ત્યાં સુધીમાં તમે જાતીય સંબંધ બાંધી ચૂક્યા હો છો અને ત્યાં આ પ્રક્રિયાનો અંત આવે છે."

line

તેઓ અગાઉની માફક સેક્સ માણવા અસમર્થ બની ગયા હતા

સેક્સ માણવા અસમર્થ થઈ ગયેલા સૈનિકો માટે આ થેરપીનો ખર્ચ સરકાર ચૂકવે છે.

ઇમેજ સ્રોત, રેખાંકનઃ કેટી હોર્વિચ

ઇમેજ કૅપ્શન, સેક્સ માણવા અસમર્થ થઈ ગયેલા સૈનિકો માટે આ થેરપીનો ખર્ચ સરકાર ચૂકવે છે.

મિસ્ટર એના નામથી પોતાને ઓળખ આપવા ઇચ્છતા એક સૈનિક 30 વર્ષ પહેલાં અનામત લશ્કરી દળમાં કાર્યરત્ હતા ત્યારે એક અકસ્માતે તેમની જિંદગી બદલી નાખી હતી.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલય દ્વારા ગોઠવી અપાતી પેઇડ સેક્સ સરોગેટ થેરપી મેળવનારા દેશના પ્રથમ સૈનિકો પૈકી એક તેઓ હતા.

ઉંચાઈ પરથી પટકાવાને કારણે તેમના શરીરના કમરથી નીચેના ભાગમાં લકવો થઈ ગયો હતો અને તેઓ અગાઉની માફક સેક્સ માણવા માટે અસમર્થ બની ગયા હતા.

મિસ્ટર એ કહે છે, "હું ઘાયલ થયો ત્યારે મેં જાતે કરવાનાં કામોની યાદી બનાવી હતી. એ મુજબ જાતે સ્નાન કરવું, ભોજન કરવું, જાતે કપડાં પહેરવાં, જાતે ડ્રાઇવિંગ કરવું અને સ્વતંત્ર રીતે સેક્સ માણવા મારે સમર્થ થવાનું હતું."

મિસ્ટર એ પરણેલા છે અને તેમને સંતાનો છે, પણ તેમનાં પત્નીને સેક્સ બાબતે ડૉક્ટર્સ અને થેરપિસ્ટ્સ સાથે વાત કરવામાં અકળામણ થતી હતી. તેથી તેમનાં પત્નીએ મિસ્ટર એને ડૉ. અલોનીની મદદ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

અલોનીએ તેમને તથા તેમના સરોગેટ પાર્ટનરને પ્રત્યેક સત્ર પછી કઈ રીતે દિશાનિર્દેશ અને માર્ગદર્શન આપ્યું હતું તેની વિગતવાર વાત મિસ્ટર એ કરે છે.

મિસ્ટર એ કહે છે, "પ્રારંભે તમે અહીં સ્પર્શ કરો છો, ત્યાં સ્પર્શ કરો છો. પછી તબક્કાવાર આગળ વધો છો અને પરમ સંતુષ્ટિને સ્તરે પહોંચો છો."

વીડિયો કૅપ્શન, યુવાનો સેક્સ ચૅટ વિશે શું વિચારે છે?

મિસ્ટર એ એવી દલીલ કરે છે કે તેમના પુનર્વસનના અન્ય ખર્ચની માફક તેમના સાપ્તાહિક સેક્સ સત્ર માટે પણ સરકાર નાણાં ચૂકવે તે યોગ્ય છે. આજે ત્રણ મહિનાના સારવાર કાર્યક્રમની કિંમત 5,400 ડોલર (અંદાજે ચાર લાખ રૂપિયા) થાય છે.

ટ્રેક સૂટમાં સજ્જ થઈ વ્હિલચૅરમાં બેઠેલા મિસ્ટર એ ટેનિસ રમવા જઈ રહ્યા છે.

તેઓ કહે છે, "સરોગેટની સેવા લેવાનું મારા જીવનનું લક્ષ્ય ન હતું. હું ઘાયલ થયો અને મારા જીવનના દરેક પાસાંને પૂર્વવત કરવા ઇચ્છતો હતો."

મિસ્ટર એ ઉમેરે છે, "હું મારી સરોગેટના પ્રેમમાં પડ્યો નથી. હું પરણિત છું. મેં સરોગેટ થેરપીનો સહારો લક્ષ્યાંક સુધી પહોંચવાની ટેકનિકના અભ્યાસ માટે જ લીધો છે. મેં એક અનિવાર્ય તાર્કિક ઉપાય તરીકે તે અજમાવી હતી."

સેક્સ વિશેની ગેરસમજણો માટે મિસ્ટર એ પશ્ચિમી માન્યતાઓને જવાબદાર ઠરાવે છે અને કહે છે, "સેક્સ તો જીવનનો એક ભાગ છે. એ જીવનનો સંતોષ છે. હું અનેક પ્રેમિકાઓ ધરાવતો પુરુષ નથી. મુદ્દો એ છે જ નહીં."

line

પ્રારંભથી શારીરિક રીતે અક્ષમ લોકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું

પ્રારંભથી જ ખાસ કરીને શારીરિક રીતે અક્ષમ લોકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું

ઇમેજ સ્રોત, રેખાંકનઃ કેટી હોર્વિચ

ઇમેજ કૅપ્શન, પ્રારંભથી જ ખાસ કરીને શારીરિક રીતે અક્ષમ લોકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું

ડૉ. અલોનીના ક્લિનિક પર વિવિધ વય અને પશ્ચાદભૂ ધરાવતા લોકો એકધારા આવતા રહે છે.

ઘણા લોકો આત્મીયતા અને ચિંતાને કારણે અથવા જાતીય સતામણીનો ભોગ બન્યા હોવાથી રોમૅન્ટિક સંબંધ બાંધવામાં સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. બીજા લોકોને શારીરિક કે માનસિક આરોગ્યની સમસ્યા છે.

ડૉ. અલોનીએ તેમની કારકિર્દીના પ્રારંભથી જ ખાસ કરીને શારીરિક રીતે અક્ષમ લોકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમના પાઇલટ પિતા સહિતનાં નજીકનાં ઘણાં સગાં શારીરિક રીતે અક્ષમ હતાં. વિમાન તૂટી પડવાની દુર્ઘટનામાં અલોનીના પિતાના મગજમાં ઈજા થઈ હતી.

ડૉ. અલોની કહે છે, "હું જીવનભર અલગ-અલગ શારીરિક અક્ષમતા ધરાવતા અને તેનો સામનો કરતા લોકોની પડખે રહી છું. એ બધા લોકોનું સારી રીતે પુનર્વસન થઈ શક્યું છે અને તેથી મારો અભિગમ હંમેશાં આશાવાદી રહ્યો છે."

અલોની ન્યૂ યોર્કમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે તેઓ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટે કામ કરતાં સરોગેટ્સની નજીક આવ્યાં હતાં.

તેઓ 1980ના દાયકાના અંત ભાગમાં ઇઝરાયલ પાછા ફર્યાં પછી તેમણે સેક્સ્યુઅલ સરોગેટ્સના ઉપયોગ માટે યહૂદીઓના અગ્રણી ધર્મગુરુ(રબ્બી)ની મંજૂરી મેળવી હતી અને ધાર્મિક કિબુત્ઝ (ગ્રામીણ સમુદાય) ખાતેના એક રિહેબિલિટેશન સેન્ટરમાં થેરપી આપવાનું શરૂ કર્યું હતું.

વીડિયો કૅપ્શન, BBC Investigation : દિલ્હીના સેક્સ રૅકેટમાં આફ્રિકાથી મહિલાઓને કેવી રીતે લવાય છે?

રબ્બીઓનો એક નિયમ હતોઃ કોઈ પરણેલાં પુરુષ કે સ્ત્રી સરોગેટ્સ તરીકે કામ કરી શકશે નહીં. અલોનીએ તે નિયમનું શરૂથી જ પાલન કર્યું છે.

સમય જતાં અલોનીને ઇઝરાયલના સત્તાવાળાઓનો ટેકો પણ મળ્યો છે. અલોનીના ક્લિનિકમાં સરોગેટ સેક્સ થેરપી લઈ ચૂકેલા આશરે 1,000 લોકોમાં સંખ્યાબંધ વરિષ્ઠ ઘાયલ સૈનિકોનો સમાવેશ થાય છે.

એમાંના ઘણાને મગજમાં કે કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. એ બધાની સારવારનો ખર્ચ સરકારે ચૂકવ્યો હતો.

ઇઝરાયલની પરિવાર કેન્દ્રીત સંસ્કૃતિ અને લશ્કરી દળો પ્રત્યેનો તેમનો અભિગમ પોતાના માટે ઉપકારક બન્યો હોવાનું અલોની માને છે.

મોટાભાગના ઇઝરાયલી નાગરિકો 18 વર્ષના થાય એટલે તેમને સૈન્યમાં સેવા આપવા માટે બોલાવવામાં આવે છે અને તેઓ મધ્યમ વયના થાય ત્યાં સુધી અનામત સૈનિક તરીકે કાર્યરત રહી શકે છે.

ડૉ. અલોની કહે છે, "અમારા દેશની સ્થાપના થઈ ત્યારથી અમે હંમેશાં યુદ્ધની પરિસ્થિતિમાં રહ્યા છીએ."

"કોણ ઘાયલ થયું અને કોનું મોત થયું એ ઇઝરાયલમાં બધા જાણતા હોય છે અને એ લોકોનું સ્થાન પૂરવા બાબત બધાનો અભિગમ હકારાત્મક હોય છે. અમે ખુદને તેમના ઋણી માનીએ છીએ."

ડેવિડ વાતચીત કે હલનચલન કરી શકતો નથી.

ઇમેજ સ્રોત, રેખાંકનઃ કેટી હોર્વિચ

ઇમેજ કૅપ્શન, ડેવિડ વાતચીત કે હલનચલન કરી શકતો નથી.

આશરે 40 વર્ષના એક પુરુષ મધ્ય ઇઝરાયલના એક બગીચામાં ધાબળો લપેટીને બેઠા છે. એ પૂર્વ સૈનિક છે, જેમની જિંદગી 2006ના લેબનન યુદ્ધમાં બરબાદ થઈ ગઈ હતી.

અમે તેમને ડેવિડ નામે ઓળખીએ છીએ. ડેવિડ વાતચીત કે હલનચલન કરી શકતા નથી.

ડેવિડ ઑક્યુપેશનલ થેરપિસ્ટની મદદ વડે જ વાતચીત કરી શકે છે. ઑક્યુપેશનલ થેરપિસ્ટ તેના હાથને ટેકો આપે અને તેના હાથમાં પેન પકડેલી રાખે તો જ ડેવિડ વાઇટ બોર્ડ પર લખી શકે છે.

ડેવિડ કહે છે, "હું તો એક સામાન્ય માણસ હતો. દૂર પૂર્વના દેશોની સફરેથી પાછો ફર્યો હતો. હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને બારમૅન તરીકે નોકરી કરતો હતો. મને રમતગમત અને દોસ્તો સાથે રહેવું પસંદ હતું."

ડેવિડના મિલિટરી યુનિટ પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે ડેવિડના પગમાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને હૉસ્પિટલમાં ત્રણ વર્ષ સારવાર લેવી પડી હતી.

ડેવિડ કહે છે તેમ એ સમયગાળામાં તેની જીવવાની ઇચ્છા મરી પરવારી હતી. તેની ઑક્યુપેશનલ થેરપિસ્ટે સરોગેટ સેક્સ થેરપી અજમાવવાની સલાહ આપી ત્યાર બાદ ડેવિડની હાલત સુધરવા લાગી હતી.

ડેવિડ કહે છે, "સરોગેટ થેરપીની શરૂઆત કરી ત્યારે હું જાણે કે પરાજિત હોઉં એવો અનુભવ થતો હતો. થેરપી આગળ વધી તેમ મને પુરુષ હોવાની, યુવાન હોવાની અને હેન્ડસમ હોવાની અનુભૂતિ થવા લાગી હતી."

વીડિયો કૅપ્શન, સેક્સ વિષે વિચારતી વેળા વ્યક્તિ જુઠ્ઠું કેમ બોલે છે?

"હું ઘાયલ થયો પછી પહેલીવાર આવી અનુભૂતિ થઈ હતી. થેરપીએ મને શક્તિ આપી અને આશા આપી."

આ ઘનિષ્ઠ સંબંધનો અંત આવવાનો જ છે, એમ જાણીને ડેવિડે તેની શરૂઆત કરી હતી. તેથી તેમાં ડેવિડ ભાવનાત્મક રીતે ઘવાય તેવું જોખમ હતું ખરું?

ડેવિડ કહે છે, "મારા માટે પ્રારંભે એ મુશ્કેલ હતું, કારણ કે સરોગેટ સંપૂર્ણપણે મારા માટે જ હોય એવું હું ઇચ્છતો હતો, પણ પછી મને સમજાયું હતું કે અમે પાર્ટનર્સ ન હોઈએ તો પણ સારા મિત્રો તો છીએ જ."

"તે સૌથી વધુ મૂલ્યવાન છે. તેનાથી તમારી જાતના સંપૂર્ણ પુનઃનિર્માણમાં મદદ મળે છે."

સામાન્ય નિયમ એવો છે કે સરોગેટ્સ અને ક્લાયન્ટ્સ થેરપી સિવાય બહાર બીજે ક્યાંય એકમેકના સંપર્કમાં રહી શકતા નથી, પરંતુ ડેવિડ અને ખુદને સેરાફિના નામે ઓળખાવતાં તેમનાં સરોગેટને, તેમનાં થેરપી સત્રો પૂરાં થાય પછી પણ એકમેકના સંપર્કમાં રહેવાની પરવાનગી ડૉ. અલોનીના ક્લિનિકે આપી હતી.

ડેવિડની નજીકના લોકો કહે છે કે સારવાર લેવાનું શરૂ કર્યું ત્યારથી ડેવિડમાં પરિવર્તન જોવા મળ્યું છે. હવે એ તેની ભાવિ યોજના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.

સેક્સ લાઇફ માણવાનું તેમના માટે આજેય મુશ્કેલ છે, પણ ડેવિડે તેમની કારકિર્દીમાં મદદ મળે એ માટે વધુ લોકોને હળવા-મળવાનું અને બહાર જવાનું કોવિડ-19 ત્રાટક્યો એ પહેલાંથી જ શરૂ કરી દીધું હતું.

line

પરોપકારના હેતુસર સરોગેટ પાર્ટનર બન્યાં

તેલ અવિવના ક્લિનિક ખાતેના તમામ સરોગેટ પાર્ટનર્સની માફક સેરેફિના પણ બીજું કામ કરે છે.

ઇમેજ સ્રોત, રેખાંકનઃ કેટી હોર્વિચ

ઇમેજ કૅપ્શન, તેલ અવિવના ક્લિનિક ખાતેના તમામ સરોગેટ પાર્ટનર્સની માફક સેરેફિના પણ બીજું કામ કરે છે.

સેરેફિના ડૉ. રોનિત અલોની સાથે એક દાયકાથી વધુ સમયથી સરોગેટ તરીકે કામ કરે છે. પાતળો દેહ અને બોબ્ડ કટ વાળ ધરાવતાં સેરેફિના ઉષ્માભર્યાં અને વાક્પટુ છે.

તેમણે તેમના અનુભવો વિશેનું એક પુસ્તક તાજેતરમાં પ્રકાશિત કર્યું છે.

પુસ્તકનું નામ છેઃ મોર ધેન અ સેક્સ સરોગેટ. પ્રકાશક આ પુસ્તકને "આત્મીયતા, રહસ્યો અને પ્રણયરીતિની અનન્ય સંસ્મરણકથા" ગણાવે છે.

તેલ અવિવના ક્લિનિક ખાતેના તમામ સરોગેટ પાર્ટનર્સની માફક સેરેફિના પણ બીજું કામ કરે છે. તેઓ કળાજગત સાથે સંકળાયેલાં છે.

સેરેફિના જણાવે છે કે તેઓ પરોપકારના હેતુસર સરોગેટ પાર્ટનર તરીકે કામ કરી રહ્યાં છે.

વીડિયો કૅપ્શન, કોરોનાકાળ અને લૉકડાઉન વચ્ચે સેક્સવર્કર્સ કેવી રીતે જિંદગી ગુજારી રહી છે?

સેરેફિના વાત સમજાવતાં કહે છે, "કોઈને કહી ન શકાય તેવી સમસ્યાઓનો સામનો કરતા અને ગુપ્ત રહસ્યો છાતીમાં ભંડારીને જીવતા લોકોને હું ખરેખર મદદ કરવા ઇચ્છતી હતી, કારણ મારામાં એ ક્ષમતા છે, તે હું જાણું છું."

સેરેફિના ઉમેરે છે, "થેરપીની પ્રક્રિયામાં મારી સેક્સ્યુઆલિટી કે મારા શરીર કે સ્પર્શનો ઉપયોગ કરવાના વિચાર સામે મને કોઈ વાંધો નથી. આ વિષય જ મારા માટે ચિતાકર્ષક છે, સેક્સ્યુઆલિટી મને આકર્ષક લાગે છે."

ખુદને "એક ટૂર ગાઇડ" ગણાવતાં સેરેફિના જણાવે છે કે તેઓ તેમના ક્લાયન્ટ્સને એવા પ્રવાસ પર લઈ જાય છે, જ્યાંનો માર્ગ તેઓ બરાબર જાણે છે.

તેમણે સૈનિકો સહિતના આશરે 40 ક્લાયન્ટ્સ સાથે કામ કર્યું છે.

તેમના જણાવ્યા મુજબ, ડેવિડની ઈજાની ગંભીરતાએ મોટો પડકાર સર્જ્યો હતો. ડેવિડને લખતાં શીખવામાં મદદ કરવાના પાઠ તેઓ ભણ્યા હતા, જેથી બંને વચ્ચે પ્રાઇવેટ ચેટ થઈ શકે.

સરોગેટ તરીકે કામ કરતાં સેરેફિનાને બોયફ્રેન્ડ્ઝ પણ છે અને સેરેફિનાના જે કામ કરે છે એ તેના બોયફ્રેન્ડ્ઝને સ્વીકાર્ય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરોગેટ તરીકે કામ કરતાં સેરેફિનાને બોયફ્રેન્ડ્ઝ પણ છે અને સેરેફિનાના જે કામ કરે છે એ તેના બોયફ્રેન્ડ્ઝને સ્વીકાર્ય છે.

સેરેફિના કહે છે, "ડેવિડ અત્યાર સુધીનો સૌથી અઘરો કેસ હતો. એ તો કોઈ દિશાનિર્દેશ વિના રણમાં ચાલવા જેવું હતું."

"ડેવિડ જરાય હલનચલન કરતો ન હતો તેથી મારે બહુ રચનાત્મક રીતે કામ કરવું પડતું હતું. જો તે હલનચલન કરી શકતો હોત તો તેણે આમ કર્યું હોત એમ ધારીને હું તેના શરીરને હલનચલન કરાવતી હતી. એ તેના શરીરને અનુભવી શકતો હતો, પણ હલનચલન કરી શકતો ન હતો."

"ડેવિડ હંમેશા કહેતોઃ હું કશું ન કહું તો પણ હું શું ઇચ્છું છું, તેની સેરેફિનાને બરાબર ખબર હોય છે. એ ખરેખર ખુશામતસભર હતું."

સરોગેટ તરીકે કામ કરતાં સેરેફિનાને બોયફ્રેન્ડ્ઝ પણ છે અને સેરેફિનાના કહેવા મુજબ, તે જે કામ કરે છે એ તેના બૉયફ્રૅન્ડ્ઝને સ્વીકાર્ય છે.

વીડિયો કૅપ્શન, મુંબઈની સેક્સ વર્કર્સની દીકરીઓએ બ્રિટનમાં પરફોર્મ કર્યું

પોતાના પર્સનલ પાર્ટનર્સ ખાતર કે પરણ્યા પછી સરોગેટ તરીકેનું કામ છોડી ચૂકેલાં અન્ય સ્ત્રી-પુરુષોને સેરેફિના ઓળખે છે.

સેરેફિનાના જણાવ્યા મુજબ, આત્મીય સંબંધ પછી ક્લાયન્ટ્સને ગૂડબાય કહેવું જરૂરી હોય છે, પરંતુ એ મુશ્કેલ હોય છે.

સેરેફિના કહે છે, "હું તેને વેકેશન પર જવા જેવું ગણું છું. અમને ટૂંકા ગાળા માટે સુંદર સબંધ બાંધવાની તક મળે છે. તેને આગળ વધારવો કે તેના પર પૂર્ણવિરામ મૂકવું?"

"આ સૌથી વધુ ખુશખુશાલ બ્રેક-અપ હોય છે. સારા કારણસર છૂટા પડવાનું હોય છે. હું થોડા સમય માટે રડું તેની સાથે બહુ ખુશ પણ થાઉં."

"કોઈ રિલેશનશીપમાં છે કે તેમને ત્યાં સંતાનનો જન્મ થયો છે કે કોઈએ લગ્ન કર્યાં છે એવું સાંભળું ત્યારે મને હું જે કામ કરું છું તેના માટે મને કલ્પનાતીત ખુશી થાય છે."

વધારે ગંભીર રીતે ઘવાયેલા સૈનિકોને જીવતા રહેવામાં સરોગસી ટ્રીટમેન્ટ મદદરૂપ થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વધારે ગંભીર રીતે ઘવાયેલા સૈનિકોને જીવતા રહેવામાં સરોગસી ટ્રીટમેન્ટ મદદરૂપ થાય છે

મોડી સાંજ થઈ. રોનિત અલોની હજુ કામ કરી રહ્યાં છે. યુરોપના અને દક્ષિણ આફ્રિકા જેવા દૂર આવેલા પ્રદેશોના સેક્સોલૉજિસ્ટ્સના એક ગ્રૂપને તેઓ ઓનલાઇન લૅક્ચર આપી રહ્યાં છે.

તેઓ કિસ્સાઓ અને અભ્યાસોનો હવાલો આપીને જણાવે છે કે સેક્સ્યુઅલ સમસ્યાઓની સારવાર માટે સાઇકૉલૉજિકલ થેરપીને બદલે સરોગસી વધારે અસરકારક છે.

ડૉ. અલોની એ સેક્સોલૉજિસ્ટ્સને કહે છે, "આ વધારે રસપ્રદ છે. સરોગેટ્સ સાથે કામ કરી ચૂકેલા તમામ થેરપિસ્ટ્સ કહે છે કે તેઓ સરોગેટ થેરપીનો વધારેને વધારે ઉપયોગ કરશે."

વધારે ગંભીર રીતે ઘવાયેલા સૈનિકોને જીવતા રહેવામાં આધુનિક સર્જરી મદદરૂપ થાય છે તેમ સરોગસી ટ્રીટમેન્ટનો ઉપયોગ પણ વ્યાપક રીતે કરી શકાય એવું ડૉ. અલોની માને છે.

ડૉ. અલોની કહે છે, "વ્યક્તિના આત્મસન્માનની, પુરુષ કે સ્ત્રી હોવાની તેમની ધારણાની પુનઃપ્રતિષ્ઠા વિના તેનું પુનર્વસન કરી શકાય નહીં."

"આપણા જીવનના આ હિસ્સાની અવગણના કરી શકાય નહીં. એ બહુ જ મહત્ત્વનો છે, શક્તિશાળી છે. એ આપણા વ્યક્તિત્વનું કેન્દ્ર છે અને તમે તેના વિશે વાત કરી શકતા નથી. સેક્સ્યુઆલિટી કંઈક એવું ગતિશીલ છે, જે આપણે અને અન્ય લોકોની વચ્ચે હોવું જોઈએ."

ડૉ. અલોની માને છે કે આધુનિક સમાજનો સેક્સ પ્રત્યેનો અભિગમ સ્વસ્થતાભર્યો નથી.

ડૉ. અલોની કહે છે, "સેક્સ્યુઆલિટી વિશે મજાક કઈ રીતે કરવી એ આપણે જાણીએ છીએ, લોકોને કેવી રીતે અપમાનિત કરવા એ જાણીએ છીએ, સેક્સ્યુઆલિટી બાબતે અત્યંત રૂઢિચુસ્ત અને અત્યંત જડ બનવાનું પણ આપણે જાણીએ છીએ."

"એ ક્યારેય સંતુલિત હોતું નથી. એ આપણી જાત સાથે જે રીતે વણાઈ જવું જોઈએ, એ રીતે વણાયું નથી. સેક્સ્યૂએલિટી છે આપણું જીવન. એ કુદરતી છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો