પાકિસ્તાનમાં ખાંડમાં 'મોંઘવારી' : એક કિલો 100 રૂપિયાના ભાવે કેમ વેચાઈ રહી છે?

ઇમેજ સ્રોત, PA
- લેેખક, તનવીર મલિક
- પદ, પત્રકાર, કરાચી
હાલના મહિનાઓમાં પાકિસ્તાનમાં ખાંડની કિંમત વધીને 100 રૂપિયા પ્રતિ કિલોગ્રમને પાર કરી ગઈ છે.
હજુ પણ દેશના કેટલાક વિસ્તારોમાં ખાંડની કિંમત 95થી 100 રૂપિયા સુધી બોલાઈ રહી છે. જે ગત વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર માસમાં 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામે મળતી હતી.
ગૃહમામલાઓ પર વડા પ્રધાનના સલાહકાર શહેજાદ અકબરે એક પ્રેસ કૉન્ફરન્સમાં ખાંડની વધતી કિંમતોને 'સટ્ટાબાજોનું કામ' ગણાવ્યું છે અને કહ્યું છે કે સટ્ટાબાજો કૃત્રિમપણે ખાંડની કિંમત વધારી રહ્યા છે.
તેમણે કહ્યું કે સંઘીય તપાસ એજન્સી (FIA)એ આ સટ્ટાબાજો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કાર્યવાહીમાં મળેલા દસ્તાવેજોથી ખબર પડી છે કે સટોડિયાઓએ ખાંડની કિંમત કૃત્રિમપણે વધારી છે.
ખાદ્ય પદાર્થના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને વિશેષજ્ઞોએ ખાંડના વેપારમાં સટોડિયાઓના સામેલ હોવાની વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે ખાંડનો પુરવઠો, માગ અને કિંમતોમાં ઉતાર-ચઢાવ, સટ્ટાબાજીના કારણે થાય છે.
તેમણે કહ્યું કે તેમાં બે પ્રકારની બજારની તાકાતો ભૂમિકા ભજવે છે. એક માર્કેટ ફૉર્સ કે જે પુરવઠો અને માંગના આધારે કામ કરે છે.
બીજા પ્રકારની તાકાતો કૃત્રિમ સંકટ પેદા કરે છે, જે અનુમાનો અને અફવાઓના આધારે કૃત્રિમ સ્વરૂપે કિંમતોમાં વધારો કરીને અનુચિત લાભ કમાય છે.

ખાંડના વેપારમાં સટ્ટો કેવી રીતે રમાય છે?
વિશેષજ્ઞોનું માનવું છે કે સટ્ટાબાજો અટકળબાજીથી ખાંડના ભાવોને કૃત્રિમપણે વધારે છે. આ સટ્ટાબાજો નક્કી કરે છે કે જો આજે ખાંડની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, તો આવતા મહિને તેને 90 રૂપિયા સુધી લઈ જવાની છે, જે માટે તેઓ કૃત્રિમ સંકટ પેદા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનના વેપાર સાથે જોડાયેલા વહીદ મેમણે કહ્યું કે સટ્ટો બે પ્રકારે રમવામાં આવે છે. પ્રથમ રીતે એ છે જેમાં સટ્ટાબાજ સુગર મિલ સાથે એ નક્કી કરીને બાનું આપે છે કે તેઓ આવનારા સમયમાં ડિલિવરી ઉઠાવી લેશે.
બીજી રીત એ છે જેમાં ખાંડના વેપારી અંદરોઅંદર નક્કી કરીને ખાંડનો સોદો કરી લે છે, જેમાં ન બાનું સામેલ હોય છે ન ખાંડની કોઈ ફિઝિકલ ડિલિવરી કરવામાં આવે છે.
વહીદે કહ્યું કે જો બજારમાં ખાંડની હાલની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, તો સટ્ટાબાજો ઊંચી કિંમતે ભવિષ્યના સોદા કરવાનું શરૂ કરી દેતા હોય છે. ખાંડની મિલો પણ વધારે કિંમત પર આવા સોદા કરે છે, પરંતુ તેમાં ખાંડની ફિઝિકલી ડિલિવરી સામેલ હોતી નથી.
આ વિશે ખાદ્ય પદાર્થ વિભાગના વિશેષજ્ઞ શમ્સ-ઉલ-ઇસ્લામે કહ્યું કે સટ્ટાના કારોબારમાં ખાંડ ખરીદવામાં આવે છે અને તેનો ડિલિવરી ઑર્ડર પણ લેવામાં આવે છે, પરંતુ તેની ફિઝિકલ ડિલિવરી નથી કરાતી. આ ડિલિવરી ઑર્ડર એક હાથમાંથી બીજા હાથમાં વેચાતો રહે છે, જેનાથી કિંમતોમાં વધારો થયા કરે છે.
તેમણે કહ્યું કે આવી જ રીતે સટ્ટાબાજો અન્ય પ્રકારે પણ કામ કરે છે, જેમાં ડિલિવરી ઑર્ડર પણ નથી હોતો અને કોઈ ચૂકવણી પણ નથી કરાતી. માત્ર અટકળો વડે નકલી રીતે ખાંડનું ખરીદ-વેચાણ થાય છે.
ઉદાહરણ તરીકે જો ખાંડની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તો એવું અનુમાન કરવામાં આવે છે કે આવતા મહિને તેની કિંમત 90 રૂપિયા સુધી જઈ શકે છે. તેનાથી બજારમાં એક સંકટ પેદા થઈ જાય છે, જે કૃત્રિમપણે કિંમતોમાં વૃદ્ધિનું કારણ બને છે.
વહીદ મેમણે જણાવ્યું કે ખાંડની કોઈ ભૌતિક ડિલિવરી ન થવાના કારણે જ્યારે સોદા લખવામાં આવે છે, ત્યારે કૃત્રિમ ખરીદી શરૂ થઈ જાય છે, જેનાથી બજારમાં કિંમતોમાં વધારો થાય છે.

ખાંડ પર સટ્ટાબાજી ક્યાં થાય છે?
પાકિસ્તાનમાં ખાંડના વેપારમાં સટ્ટાબાજી વિશે વાત કરતાં વહીદ મેમણે કહ્યું કે તેનાં મુખ્ય બે કેન્દ્રો છે, એક કેન્દ્ર પંજાબ અને બીજું કરાચી છે. તેમણે જણાવ્યું કે પંજાબમાં ખાંડનું ઉત્પાદન વધુ થતું હોવાને કારણે લાહોરમાં આવી પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ચાલે છે અને ત્યાં સટ્ટાબાજો વધુ સક્રિય છે.
શમ્સ- ઉલ-ઇસ્લામે કહ્યું કે લાહોરમાં અકબરી મંડી સૌથી મોટી અનાજ મંડી છે અને ત્યાં ખાંડનો પણ વેપાર થાય છે. આ બજારમાં ખાંડના સટોડિયા કામ કરે છે. આવી જ રીતે કરાચીનો જોડિયા બજાર પણ સટોડિયાઓનો અડ્ડો છે.
વહીદ મેમણે કહ્યું કે લાહોરની અકબરી મંડીના બાબર સેન્ટરમાં આ પ્રકારનું કામ વધુ થાય છે. બાબર સેન્ટરમાં ખાંડના વેપારીઓનું કેન્દ્ર છે. આવી જ રીતે, કરાચીમાં જોડિયા બજારની 'કચ્ચી ગલી'માં મોટામોટા ખાંડના ડીલરોએ ડેરો છે.
શમ્સ-ઉલ-ઇસ્લામે કહ્યું કે સટ્ટાબાજીનું મોટા ભાગનું કામ ક્રશિંગ સિઝનમાં થાય છે. તેમણે કહ્યું કે ખાંડના ક્રશિંગની સિઝન માર્ચ માસમાં સમાપ્ત થાય છે. તે સમયે સપ્લાય વધુ હોવાના કારણે કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના હોય છે. પરંતુ સટ્ટાબાજી દ્વારા કિંમતોમાં ઘટાડો નથી થવા દેવાતો.
વહીદ મેમણે કહ્યું કે સટ્ટાબાજીનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ પાછલાં કેટલાંક વર્ષોમાં તેની ઝડપમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે મૂળ સ્વરૂપે તેમાં 40થી 50 મોટાં જૂથો સામેલ છે, જેઓ કૃત્રિમપણે કિંમતોમાં વધારો કરે છે.

સટ્ટાબાજીનો કોને ફાયદો અને કોને નુકસાન?
પાકિસ્તાનમાં ખાંડના વપરાશની સમીક્ષા કરવામાં આવે તો, 30 ટકા સુધી ખાંડનો ઉપયોગ ઘરેલુ સ્તરે કરવામાં આવે છે અને 70 ટકા વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવે છે, જેનો ઉપયોગ પેય પદાર્થો, મિઠાઈ અને દવામાં કરવામાં આવે છે.
ખાંડના આયાતકાર હારૂન આગરે કહ્યું કે સટોડિયાઓના કારોબારમા, ખાંડની કિંમત અંદાજના આધારે વધારવામાં આવે છે. અને આ વધેલી કિંંમતો ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. તેથી સૌથી મોટું નુકસાન ગ્રાહકને થાય છે. તેમણે કહ્યું કે ખાંડની મિલો અને સટોડિયાઓ ફાયદામાં રહે છે, કારણ કે વધેલી કિંમતોમાં તેમને વધુ આર્થિક લાભ થાય છે.
વહીદ મેમણે કહ્યું કે સટ્ટાબાજીના વેપારમાં સટ્ટો રમનારા જ વધુ ફાયદો મેળવી શકે છે. કારણ કે તેઓ નકલી સોદા કરે છે અને કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરતા નથી. તેમાં વધુ પ્રમાણમાં રોકાણ પણ કરવાનું હોતું નથી. બલકે ખાંડના નકલી સોદા થાય છે. કારણ કે સોદામાં, માત્ર દસ ટકા બાનું આપીને સોદો કરી લેવાય છે, પછી તેને આગળ વેચી દેવામાં આવે છે અને તેમાં કોઈ ટૅક્સની પણ ચૂકવણી થતી નથી.
વહીદે કહ્યું કે ખાંડના વેપારમાં સટ્ટાબાજી કાયદા વિરુદ્ધનું કામ છે, કારણ કે પુરવઠા અને માંગનાં વાસ્તવિક કારણોને સ્થાને કૃત્રિમપણે કિંમતો વધારવામાં આવે છે.
શમ્સ-ઉલ-ઇસ્લામે કહ્યું કે પાકિસ્તાનમાં કમોડિટી ઍક્સચેન્જની કોઈ અસરકારક પ્રણાલી નથી. જે કારણે ખાંડના વ્યવસાયમાં સટ્ટો રમાય છે. તેમણે કહ્યું કે ખાંડ પાકિસ્તાનમાં એક 'રાજકીય પાક' છે, કારણ કે તેમાં રાજનેતા સામેલ છે અને મોટા ભાગની ખાંડની મિલો રાજનેતાઓની જ છે. આ જ કારણ છે કે ખાંડ માફિયા અને સટ્ટાબાજો આ ક્ષેત્રમાં ખુલ્લેઆમ રમી રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ખાંડની મિલોના કારોબારમાં સામેલ સિંધ વિધાનસભાના સભ્ય હસનૈન મિર્ઝાએ આ વિશે કહ્યું કે ખાંડની કિંમતોમાં બજારનો પુરવઠો અને માંગનો હસ્તક્ષેપ હોય છે. સટ્ટાબાજી પર કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું કે, તેઓ આ વિશે કશું જ બોલવા નથી માગતા.
તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આવનારા સમય માટે સોદા કરવામાં આવે છે, પરંતુ તેઓ એ વાતે સંમત હતા કે તે તમામ સોદા એક વિશેષ રેગ્યુલેટરી ફ્રેમવર્ક અંતર્ગત થતા હોય છે.
ખાંડની કિંમત વધારવામાં સટોડિયાની ભૂમિકા વિશે પૂછતાં તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે આ વખત ખાંડના ઉત્પાદનનો ખર્ચ પણ વધુ હતો. કારણ કે ખાંડની મિલોએ સરકારી મૂલ્ય કરતાં વધુ મૂલ્ય પર ખેડૂતો પાસેથી શેરડી ખરીદી હતી.
સિંધ સરકારની તરફથી શેરડીનું સમર્થન મૂલ્ય 200 રૂપિયા પ્રતિ મણ (એક મણ 40 કિલો) હતું, પરંતુ ખાંડની મિલોએ શેરડીના ઓછા પુરવઠાના કારણે 400 રૂપિયા પ્રતિ મણના મૂલ્યે ખરીદી કરી હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












