You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : બન્ને દેશના સૈનિકો વચ્ચે ફરી 'સામાન્ય' ઘર્ષણ, કોણે શું કહ્યું?
સિક્કિમમાં નાકુલામાં ભારત-ચીન સરહદ નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ખરાઈ ભારતીય સેનાએ કરી છે.
સેનાએ આ સમગ્ર મામલામાં નિવેદન જાહેર કરીને કહ્યું છે કે "ઉત્તર સિક્કિમના નાકુલામાં 20 જાન્યુઆરીએ ભારતીય સેના અને પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું અને મામલો સ્થાનિક કમાન્ડરોના નિયમ પ્રમાણે ઉકેલી દેવાયો છે."
ભારત સરકારે મીડિયાને કહ્યું છે કે આ સંદર્ભમાં તથ્યોને તોડીમરોડીને રજૂ ન કરે.
આ પહેલાં સમાચાર એજન્સી એએફપીએ ભારતીય મીડિયામાં છપાયેલા રિપોર્ટના હવાલાથી કહ્યું છે કે બંને પક્ષોના સૈનિક ઘાયલ થયા છે.
કથિત રીતે આ ઘટના ત્રણ દિવસ પહેલાંની છે, જ્યારે ઉત્તર સિક્કિમની નાકુલા સીમા પર કેટલાક ચીની સૈનિક સરહદ ઓળંગીને ભારત તરફ આવી ગયા હતા, જેના પગલે આ વિવાદ સર્જાયો હતો.
સિક્કિમમાં ભારત અને ચીન વચ્ચે થયેલા ઘર્ષણથી રાજકરણ ગરમાયું
સિક્કિમમાં ભારત-ચીનના સેનિકો વચ્ચે ઘર્ષણ થતાં રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યો છે.
ટ્વિટ કરીને તેમણે જણાવ્યું કે, "ચીન ભારતીય વિસ્તારમાં પોતાનો કબજો વધારી રહ્યું છે. મિસ્ટર 56એ મહિના સુધી ચીન શબ્દ કહ્યો નથી. તેઓ ચીન શબ્દ બોલવાની શરૂઆત કરી શકે છે."
કૉંગ્રેસ પાર્ટીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર હુમલો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટમાં પાર્ટીએ કહ્યું કે, "માદી સરકાર દ્વારા કડક જવાબ ન આપવાના કારણે ચીનીઓની હિંમત દિવસે-દિવસે વધી રહી છે."
રાજ્યસભાનાં સાસંદ અને શિવ સેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ સિક્કિમની ઘટના પર મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.
ટ્વિટમાં તેઓ ગલવાન વખતે સરકારે આપેલા નિવેદનને ટાંકીને કહે છે, ભારતની માગણી છે કે ચીન સંપૂર્ણ રીતે પાછું જાય. વાર્તા અટકી ગઈ છે. "પરતું, ત્યાં આપણી સરહદમાં કોઈએ પ્રવેશ કર્યો નથી અને ન તો કોઈ ત્યાં ઘૂસી આવ્યા છે. ન આપણી કોઈ પૉસ્ટ તેમના કબજામાં છે."
એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે પત્રકાર સુશાંત સિંહના ટ્વિટને રીટ્વિટ કર્યો છે.
ટ્વિટમાં સુશાંત સિંહ કહે છે, ડેમચોક, નાકુલા, અરુણાચલ અને લદ્દાખના બીજા વિસ્તારો. આ એકદમ ઠંડીમાં થઈ રહ્યું છે જ્યારે આપણા સેનિકો સરહદ પર તહેનાત છે. જ્યારે મેં આ વિશે શુક્રવારે @TheIndiaCable માં લખ્યો છે, શાંતિ અને સ્પીન એ જવાબ નથી.
આ પહેલાં સમાચાર એજન્સી એએફપીએ ભારતીય મીડિયામાં છપાયેલા રિપોર્ટના હવાલાથી કહ્યું છે કે બંને પક્ષોના સૈનિક ઘાયલ થયા છે. આ ઘટના ત્રણ દિવસ પહેલાંની છે, જ્યારે ઉત્તર સિક્કિમની નાકુલા સીમા પર કેટલાક ચીની સૈનિક સરહદ ઓળંગીને ભારત તરફ આવી ગયા હતા, જેના પગલે આ વિવાદ સર્જાયો હતો.
'ચીનના સૈનિકો ઘાયલ થયા હોવાનો દાવો ખોટો'
ભારતીય મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર આ ઘર્ષણમાં ચીનના 20 સૈનિકોને ઈજા પહોંચી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બીજી તરફ ચાર ભારતીય સૈનિકો પણ ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
ચીનની સરકાર-સમર્થિત ન્યૂઝ વેબસાઇટ 'ગ્લોબલ ટાઇમ્સ'માં ભારતીય મીડિયાના આવી રહેલા ચીનના સૈનિકોને ઈજા પહોંચી હોવાના અહેવાલોને નકારી દેવાયા છે.
વેબસાઇટે લખ્યું છે કે ભારત-ચીન સીમા પર થયેલા ઘર્ષણમાં ચીનના 20 સૈનિકોને ઈજા પહોંચી હોવાના સમાચાર ખોટા છે.
ગત વર્ષે જૂન મહિનામાં દેશના ઉત્તરમાં લદ્દાખ નજીક ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણરેખા પાસે બન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેનાથી તણાવની સ્થિતિ સર્જાઈ હતી. 15 જૂને થયેલા આ ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતનું કહેવું હતું કે ગલવાન ખીણના વિસ્તારને લઈને ચીન વાસ્તવિક નિયંત્રણરેખા મુદ્દે બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીનું સન્માન નથી કરી શક્યું અને તેણે નિયંત્રણરેખા નજીક નિર્માણકામો શરૂ કરી દીધાં છે. જ્યારે એને આવું કરતાં અકાવાયું ત્યારે તેણે હિંસક પગલાં ભર્યાં. જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં.
આ ઘર્ષણ બાદ ચીને ભારતના ચાર અધિકારી અને છ જવાનોને પોતાના કબજામાં લઈ લીધા હતા, જેને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.
જોકે, ચીને આ મામલે દાવો કર્યો હતો કે સમગ્ર ગલવાન ખીણ તેના અધિકારક્ષેત્રમાં છે. ચીને કહ્યું હતું કે ભારતીય સૈનિકોએ જાણીજોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરતાં પ્રબંધન અને નિયંત્રણની યથાસ્થિતિને બદલી નાખી હતી.
જોકે, આ મામલા બાદ ભારતે પ્રતિક્રિયા આપતાં ચીનની 100થી વધુ મોબાઇલ ઍપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો