You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND Vs AUS : ઋષભ પંત, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજે કેવી રીતે જીતી મૅચ?
ભારતે બ્રિસબેનના ગાબા મેદાનમાં ઇતિહાસ રચી દીધી છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર કૅપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને શિખર ધવન જેવા ખેલાડીની અનુપસ્થિતિમાં રોમાંચક મૅચમાં જીત મેળવીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.
આમ તો જીતનું શ્રેય બધા 11 ખેલાડીઓને જાય છે, પણ આ સિરીઝમાં ઋષભ પંત, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓએ નિર્ણાયક ભૂમિકા નિભાવી અને એ કરી બતાવ્યું જે કેટલાક દિવસો પહેલાં લગભગ અશક્ય લાગતું હતું.
ભારતની આ ઐતિહાસિક જીતમાં આ પાંચ ટર્નિંગ પૉઇન્ટે ભૂમિકા નિભાવી છે.
પહેલી ઇનિંગ : શાર્દૂલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરની ભાગીદારી
ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે પહેલી ઇનિંગમાં ઋષભ પંત જ્યારે 23 રન બનાવીને આઉટ થયા ત્યારે ટીમનો સ્કોર 186 રન હતો અને ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાતી હતી.
પણ પોતાની પહેલી મૅચ રમી રહેલા શાર્દૂલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરે કમાલ કર્યો.
બંનેએ ન માત્ર વિકેટ ટકાવી રાખી પણ સંભાળીને બેટિંગ કરીને રન પણ કર્યા. આ જોડીએ 123 રનની ભાગદારી કરી, જેણે મૅચ બચાવી.
આ જોડીના દમ પર જ ઑસ્ટ્રેલિયા પહેલી ઇનિંગના 369 રન સામે ભારતે પણ 336 રન બનાવ્યા અને મૅચમાં વાપસી કરી.
બીજી ઇનિંગમાં સિરાજે પાંચ વિકેટ ખેરવી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિસબેનના ગાબા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ખેલાતી ચોથી મૅચમાં ઇન્ડિયાને જીત માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો હતો, કારણ કે ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાએ 294 રન કર્યા હતા.
જોકે ઑસ્ટ્રેલિયન ટીમ આનાથી વધુ રન પણ કરી શકતી હતી.
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રન આપીને 5 વિકેટ ખેરવી અને શાર્દૂલ ઠાકુરે 61 રન આપીને 4 વિકેટ લીધી.
સિરાજ પહેલી વાર ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવામાં સફળ થયા.
આ મૅચ બાદ સિરાજે પોતાના પિતાને યાદ કર્યા. તેઓએ કહ્યું, "આજે તેઓ જીવિત હોત તો તેમને ગર્વ થાય. તેમની દુવાઓને કારણે જ હું મારું બેસ્ટ પર્ફૉર્મન્સ આપી શક્યો છું."
ઋષભ પંતની ધમાકેદાર ઇનિંગ
પોતાના ચોગ્ગા સાથે સિરીઝને 2-1થી ભારતની ઝોળી નાખનારા ઋષભ પંતને ચોથી ટેસ્ટ મૅચના હીરો માનવામાં આવે છે, જેમણે મૅચને ડ્રૉ તરફથી જીત બાજુ વાળી દીધી.
ત્રીજી ટેસ્ટમાં પણ પંતે ટીમને જિતાડવાની કોશિશ કરી હતી, પણ તેઓ 97 રન પર આઉટ થઈ ગયા હતા.
પણ આ વખતે તેઓ ટીમને જીત અપાવીને જ રહ્યા. વિકેટકીપર ઋષભ પંતે 89 રનને અણનમ ઇનિંગ રમી, તેઓએ નવ ચોગ્ગા અને એક છગ્ગો માર્યો.
પૂજારાનું ક્રિઝ પર ટકી રહેવું
બીજી ઇનિંગમાં જ્યારે ઑસ્ટ્રેલિયન બૉલર તેજ બૉલિંગ કરી રહ્યા હતા ત્યારે પૂજારાએ બૅટ અને શરીર- બંનેથી તેમનો સામનો કર્યો.
તેઓએ બીજી ઇનિંગમાં કુલ 211 બૉલમાં 56 રન બનાવ્યા. આ ઇનિંગે નક્કી કર્યું કે ટીમ ઇન્ડિયા ઑલઆઉટ ન થઈ જાય.
ક્રિઝ પર ટકીને રમવું એ સમયે ભારત માટે વધુ જરૂરી હતું અને એવા સમયે પૂજારા પિચ પર દીવાલની જેમ અડીખમ રહ્યા.
બીજી તરફ શુભમન ગિલે રન કરવાનું ચાલુ રાખ્યું.
શુભમન ગિલની આક્રમક બેટિંગ
ચોથી ટેસ્ટની બીજી ઇનિંગમાં શુભમન ગિલે 146 બૉલની મદદથી 91ની ધમાકેદાર ઇનિંગ ખેલી અને રન બનાવતા રહ્યા.
આ સાથે જ ગિલ આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ગયા.
આ સિરીઝમાં દરેક મૅચમાં શુભમન ગિલે સારા રન બનાવ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો