અમેરિકા : જો બાઇડનના આગમન અને ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય પૂર્વે વ્હાઇટ હાઉસમાં શું-શું થશે?

અમેરિકાની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તારા મૅકલેવ
    • પદ, બીબીસી વ્હાઇટ હાઉસ રિપોર્ટર

બુધવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ સમાપ્ત થશે. નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા નિયુક્ત પ્રધાનો તથા અધિકારીઓ પદભાર સંભાળે તે પહેલાં 'અમેરિકાની સરકારનાં હૃદય' સમાન વ્હાઇટ હાઉસમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.

નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખની ટીમનું આગમન થાય તે પહેલાં બધાં ડેસ્ક સાફ કરી દેવાયા છે અને સફાઈ થઈ ગઈ છે.

કોરોનાને કારણે આ વખતની સફાઈ અગાઉ કરતાં વધુ સઘન તથા સજ્જડ છે. આ પરિવર્તનને કારણે વ્હાઇટમાં નોકરીની લગભગ ચાર હજાર જેટલી તકો ઊભી થશે.

line

'વેરાન' વેસ્ટ વિંગ

ટ્રમ્પ અને ઓબામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓબામા જેમની શપથવિધિમાં હાજર હતા એ ટ્રમ્પ બાઇડનની શપથવિધિ સમયે હાજર નહીં રહે

ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ અધિકારીઓમાં છટણીઓના દોરની વચ્ચે તેમના નીતિગત બાબતોના સલાહકાર સ્ટિફન મિલર વ્હાઇટ હાઉસની વેસ્ટ વિંગમાં જોવા મળ્યા હતા. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન પ્રારંભથી છેવટ સુધી તેમણે રાષ્ટ્રપ્રમુખના ભાષણ લખ્યા છે.

સામાન્ય રીતે પ્રવૃત્તિઓથી ધમધમતી વેસ્ટ વિંગ સૂમસામ ભાસતી હતી. ફોન શાંત હતા. અનેક ખાલી ડેસ્ક ઉપર જેમ-તેમ કાગળ વિખેરાયેલા પડ્યા હતા તથા સીલબંધ કવર જોવા મળ્યા. જાણે લોકો ઉતાવળે છોડી ગયા અને પરત જ ન ફર્યા હોય.

તા. છઠ્ઠી જાન્યુઆરીના કૅપિટલ હિલ હુલ્લડો બાદ ટ્રમ્પ સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ તથા સાથીઓએ રાજીનામાં ધરી દીધા હતા. જોકે મિલરે તેમનું પદ છોડ્યું ન હતું.

line

પરિવર્તન, પરંપરા અને પેચ

વ્હાઇટ હાઉસમાંથી વિદાય પૂર્વે પ્રાંગણમાં બે પુત્રોની તસવીર લઈ રહેલ પૂર્વ કર્મચારી
ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસમાંથી વિદાય પૂર્વે પ્રાંગણમાં બે પુત્રોની તસવીર લઈ રહેલ પૂર્વ કર્મચારી

ઇનૉગ્યુરેશન ડે પૂર્વે મિલરની ઓફિસની સાફસફાઈ થઈ જશે અને તેઓ તથા અન્ય સાથીઓની તમામ નિશાનીઓને દૂર કરી દેવામાં આવશે, જાણે કે તેઓ અહીં આવ્યા જ ન હોય. બાદમાં બાઇડનની ટીમ આ કચેરીઓનો કબજો સંભાળશે.

વર્તમાન રાષ્ટ્રપ્રમુખની વિદાય તથા નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખના આગમન પૂર્વેના સંક્રાન્તિકાળ દરમિયાન વેસ્ટ વિંગની કચેરીઓની સફાઈની પરંપરા સદીઓ પુરાણી છે.

સામાન્ય રીતે આ કામગીરી ચૂંટણીપરિણામ પછી તરત જ હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પરિણામોને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો, જેના કારણે આ પ્રક્રિયામાં કડવાશ આવી અને નિર્ધારિત સમયે આ કામગીરી શરૂ ન થઈ.

જોકે હવે ભૂતકાળની જેમ જ હસ્તાંતરણની કામગીરી ચાલી રહી છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અમેરિકન ઇતિહાસના પ્રાધ્યાપક સિન વિલેન્તઝના કહેવા પ્રમાણે, "હસ્તાંતરણ સરળ ન હતું, છતાં આ કામગીરી થઈ રહી છે. વ્યવસ્થા પોતાનું કામ કરી રહી છે."

line

નોકરી અને બેકારી

વ્હાઇટ હાઉસમાંથી સામાન હઠાવી રહેલા કર્મચારી
ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસમાંથી સામાન હઠાવી રહેલા કર્મચારી

ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન મિલર સહિત લગભગ ચાર હજાર લોકોની વ્હાઇટ હાઉસ ખાતે રાજકીય નિમણૂકો કરવામાં આવી હતી. 20મી જાન્યુઆરી પછી તેઓ બેકાર બની જશે અને બાઇડન દ્વારા નિયુક્ત લોકો તેમનું સ્થાન લેશે.

વૉશિંગ્ટન સ્થિત સ્વૈચ્છિક સંસ્થા 'સેન્ટર ફૉર પોલિટિકલ ટ્રાન્ઝિશન'ના મતે આ નોકરીઓ માટે લગભગ દોઢ લાખથી ત્રણ લાખની વચ્ચે ઉમેદવારો અરજી કરતા હોય છે.

આમાંથી લગભગ 1100 જેટલી નિમણૂકો ઉપર સૅનેટ મંજૂરીની મહોર મારે છે. આ પ્રક્રિયા બાદ પદો ઉપર નિમણૂકની પ્રક્રિયામાં મહિના અને કેટલીક વખત વર્ષો લાગી જતા હોય છે.

ચાર વર્ષ દરમિયાનના નીતિવિષયક કાગળિયા, રાષ્ટ્રપ્રમુખને કરવામાં આવેલા બ્રિફિંગ તથા રાષ્ટ્રપ્રમુખને લગતી અન્ય સામગ્રીને નેશનલ આર્કાઇવ્ઝ માટે મોકલી દેવામાં આવશે. જ્યાં 12 વર્ષ સુધી તેને ગુપ્ત રાખવામાં આવશે.

જો રાષ્ટ્રપ્રમુખ ખુદ ઇચ્છે તો તેમાંથી અમુક ભાગને નિર્ધારિત સમય પહેલાં જાહેર કરી શકાય છે.

વ્હાઇટ હાઉસ ઉપર પુસ્તક લખનાર કેટ ઍન્ડરસન બ્રાઉનરના કહેવા પ્રમાણે, સરકારના છેલ્લા અમુક દિવસો 'નિયંત્રિત અંધાધૂંધી' ભરેલા હોય છે.

વ્હાઇટ હાઉસની ઑવલ ઓફિસમાં આવેલી ડેસ્ક, કળાકૃત્તિઓ, ચિનાઈ માટીના વાસણો તથા અન્ય રાચરચીલું સરકારનું હોય છે, તેથી તે અહીં જ રહેશે. જોકે, રાષ્ટ્રપ્રમુખની તસવીરો જેવી ચીજો હઠાવી દેવામાં આવશે.

તસવીરો તથા અન્ય ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ચીજોને નેશનલ આર્કાઇવ્ઝ ખાતે ખસેડવામાં આવશે, જ્યાં તેમનો સંગ્રહ કરાશે.

ટ્રમ્પ પરિવારની વ્યક્તિગત માલિકીની ચીજો જેમ કે, કપડાં, દાગીના તથા અન્ય ચીજોને તેમના નવા નિવાસસ્થાને મોકલી દેવામાં આવશે.

પદ છોડ્યા બાદ ટ્રમ્પ ફ્લૉરિડા સ્થિત તેમના નિવાસસ્થાન 'માર-અ-લાગો'માં રહેવા જાય તેવી શક્યતા છે. બાઇડનની શપથવિધિના કાર્યક્રમ દરમિયાન પણ તેઓ ત્યાં જ હશે.

line

સ્ટાફ, સંક્રમણ અને સફાઈ

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

સામાન્ય રીતે એક રાષ્ટ્રપ્રમુખના સ્ટાફના નિર્ગમન તથા આંગતુક રાષ્ટ્રપ્રમુખની ટીમના આગમન પૂર્વે ગહન સફાઈ હાથ ધરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

ગત અમુક મહિના દરમિયાન રાષ્ટ્રપ્રમુખ, મિલર સહિત ટ્રમ્પની ટીમના અનેક સભ્ય કોરોનાવાઇરસની ઝપેટમાં આવ્યા હતા. આથી કર્મચારીઓ દ્વારા વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી છે. ઇમારતની સફાઈનું કામ સંઘીય સંસ્થા જનરલ સર્વિસ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે.

વિભાગનાં પ્રવક્તાનાં કહેવા પ્રમાણે, છઠ્ઠા માળે આવેલાં તમામ 132 કક્ષ, તેની હૅન્ડરેલિંગ, લિફ્ટના બટન તથા રાચરચીલાંની સફાઈ હાથ ધરવામાં આવી છે અને તેનું સૅનિટાઇઝેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખનો પરિવાર વ્હાઇટહાઉસમાં આગમનના અમુક દિવસોમાં જ અમુક સુધારા કરાવતો હોય છે. જેમકે ટ્રમ્પે ઑવલ ઓફિસમાં રાષ્ટ્રપ્રમુખ ઍન્ડ્રુ જેક્સનની તસવીર મૂકાવી હતી. તેમણે ઓફિસના પડદાં અને સોફાં બદલાવડાવીને સોનેરી રંગના મૂકાવડાવ્યા હતા.

ઇનૉગ્યુરેશન ડેના દિવસે ઉપ-રાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સ તથા તેમનાં પત્ની આગામી ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૅરિસ તથા તેમના પતિ માટે માર્ગ પ્રશસ્ત કરશે. પેન્સ દંપતી વ્હાઇટ હાઉસથી થોડે દૂર આવેલ નેવલ ઑબ્ઝર્વેટરી ગ્રાઉન્ડ ખાતે રહેવાં જશે.

જોકે, આ પહેલાં અનેક કમર્ચારીઓ પોતાનો સામાન સમેટીને વ્હાઇટ હાઉસ ખાતેના એક પ્રકરણને પૂર્ણ કરીને નવા અધ્યાયની શરૂઆત માટે ઉત્સાહિત જણાયા હતા.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો