ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં પરમાણુ બૉમ્બનું બટન ચિંતાનો વિષય કેમ બન્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
7 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભીડે કૅપિટલ હિલ્સમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આ ઘટનાથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું. અમેરિકામાં સત્તા હસ્તાંતરણ, ટ્રમ્પ સામે મહાઅભિયોગ ઉપરાંત એક મોટી ચિંતા ટ્રમ્પના હાથમાં રહેલું પરમાણુ હથિયારોનું બટન પણ બન્યું છે.
કૅપિટલમાં હિંસા જેવી ઘટના અમેરિકાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય નહોતી બની.
હિંસા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ વ્યવસ્થિત સત્તા હસ્તાંતરણ માટે તૈયાર છે અને હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, પછી તેમણે કહ્યું કે તેઓ શપથવિધિમાં ભાગ નહીં લે.
ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને ટ્રમ્પે કૅપિટલ હુમલાની ઘટના પર અફસોસ વ્યક્ત કરી તેની ટીકા કરી હતી.
બુધવારની ઘટના બાદ અમેરિકાની સંસદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ લાવવા માટેની તૈયારી કરી રહી છે. અમેરિકન સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીએ આ માટે સંસદસભ્યો સાથે એક યોજના પણ બનાવી છે.
આ સમગ્ર રાજકીય હલચલ દરમિયાન સ્પીકર નેન્સી પેલોસીએ એક મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત કરી. પેલોસીએ જાણવાનો પ્રયાસ કર્યો કે ટ્રમ્પના હાથમાં અમેરિકાના પરમાણુ બૉમ્બ કેટલાં સુરક્ષિત છે.

કોની સાથે કરી મુલાકાત?

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે નેન્સી પેલોસીએ અમેરિકાના ચીફ ઑફ સ્ટાફ જનરલ માર્ક એ મિલીની મુલાકાત લીધી હતી.
તેમણે માર્ક મિલીને જરૂરી પગલાં લેવા કહ્યું જેથી સત્તા હસ્તાંતરણ પહેલાં ટ્રમ્પ કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ન કરી શકે અથવા પરમાણુ હુમલા માટેનો આદેશ ન આપી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉયટર્સના અહેવાલ અનુસાર ડૅમોક્રેટિક પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને લખેલા એક પત્રમાં નેન્સી પેલોસીએ જણાવ્યું કે મિટિંગમાં તેમણે માર્ક મિલીને પૂછ્યું કે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિને સૈન્ય ઑપરેશન માટેના આદેશ આપતા અથવા પરમાણુ હુમલા માટેના લૉંચ કોડ મેળવતા અટકાવવા કયાં-કયાં પગલાં લઈ શકાય છે.
અહેવાલ અનુસાર પેલોસીએ ચૂંટાયેલા સભ્યોને જણાવ્યું કે, હાલની સ્થિતિથી વધુ જોખમી કંઈ ન હોઈ શકે અને આપણા દેશ અને બંધારણ પર ટ્રમ્પના અસંતુલિત હુમલાથી અમેરિકન લોકોને બચાવવા માટે દરેક પગલાં લેવાં જોઈએ.
માર્ક મિલીની ઑફિસે જણાવ્યું કે પેલોસીએ આ મિટિંગ બોલોવી હતી અને ચીફ ઑફ સ્ટાફ દ્વારા ન્યુક્લિયર કમાન્ડ ઑથૉરિટીની પ્રક્રિયા વિશેના તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.
ધ વોશિંગટન પોસ્ટના એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થકોને કૅપિટલ બિલ્ડિંગમાં હુમલા કરવા માટે ઉશ્કેરતા પેલોસીએ ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે ટ્રમ્પ કોઈ અજુગતું પગલું ન ભરે તે માટે માર્ક મિલી સાથે મિટિંગ કરી હતી.
માર્ક એ મિલી અમેરિકાના 20મા જૉઈન્ટ ચીફ ઑફ સ્ટાફના ચૅરમૅન છે, જે અમેરિકાનો સર્વોચ્ચ સૈન્ય હોદ્દો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ, સેક્રેટરી ઑફ ડિફેન્સ અને નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલના મુખ્ય સુરક્ષા સલાહકાર તરીકે જૉઈન્ટ ચીફ ઑફ સ્ટાફ સેવા આપે છે.

ખતરો કેટલો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ટ્રમ્પ હજુ પણ આઠ દિવસ સુધી રાષ્ટ્રપતિપદે રહેવાના છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટેની સત્તા છે.
કૅલિફૉર્નિયા સ્થિત મિડલબરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝના પ્રોફેસર જેફેરી લેવીસ રૉયટર્સને કહે છે, આ કરવા માટે (ટ્રમ્પને પરમાણુ હથિયારનો ઉપયોગ કરતા અટકાવવા) કોઈ કાયદાકીય રસ્તો નથી.
પરમાણુ હથિયારનો ઉપયોગ કરવા માટે રાષ્ટ્રપતિ પાસે એકહથ્થુ અને નિરંકુશ અધિકાર છે અને તેમને બીજા કોઈના મતની જરૂર નથી. આ વિશે એવું કહેવાય છે કે તમે જો રાષ્ટ્રપતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતાં રોકવા માગો છો તો એક જ રસ્તો છે - એમને ન ચૂંટો.
સ્ટિવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં ડિરેકટર ઑફ સાયન્સ અને ટૅક્નૉલૉજીના ડિરેક્ટર એલેક્સ વેલેરસ્ટીન કહે છે, યુ.એસ ન્યુક્લિયર કંટ્રોલ પ્રોગ્રામનો હેતુ એ ખાતરી કરવાનો છે કે રાષ્ટ્રપતિ-માત્ર રાષ્ટ્રપતિ- તેનો ઉપયોગ કરી શકે અને તેઓ ઇચ્છે ત્યારે.
ધ વોશિંગટન પોસ્ટના અહેવાલ અનુસાર રૉન રોસેનબુમ પોતાના પુસ્તક હાઉ ધ ઍન્ડ બિગીન્સમાં લખે છે કે, 1970ના દાયકામાં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન પર ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું કારણ કે સલાહકારને ચિંતા હતી કે રાષ્ટ્રપતિ માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે.
પુસ્તક અનુસાર ડિફેન્સ સેક્રેટરી જેમ્સ સ્લીસિંગરે એક મૂક સંદેશો આપ્યો હતો કે જો નિક્સન કોઈ અજુગતો આદેશ આપે તો તરત જ તેમનો સંપર્ક કરવામાં આવે.
અહેવાલ અનુસાર વૉટરગેટ કૌભાંડની કોર્ટમાં સુનાવણીના સમયે તેમણે એક કૉંગ્રેસના સભ્યને જણાવ્યું હતું કે હું રૂમમાંથી બહાર જઈ શકું છું અને 25 મિનિટની અંદર 70 મિલિયન લોકો મૃત્યુ પામશે.

અમેરિકાપાસે 6800 પરમાણુ હથિયાર

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ મૅગેઝિનના અહેવાલ અનુસાર જુલાઈ 2017 સુધી અમેરિકા પાસે 6800 પરમાણુ હથિયાર છે.
આમાં 2800 હથિયાર નિવૃત્ત થઈ ગયાં છે જ્યારે 4000 સ્ટૉકમાં છે અને 1800 વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવ્યાં છે.
રશિયા બાદ સૌથી વધુ ન્યુક્લિયર હથિયાર અમેરિકા પાસે છે. રશિયા પાસે 7000 પરમાણુ હથિયાર છે.
અહેવાલ અનુસાર અમેરિકાની ઇન્ટરકોટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ 10000 કિલોમિટર એટલે કે 6213 માઈલ સુધી પ્રહાર કરી શકે છે.
અમેરિકન બેલેસ્ટિક મિસાઈલ બહુ ભરોસાપાત્ર છે, એકદમ સટીક છે અને અમુક હથિયારોને મિનિટોમાં લોન્ચ કરી શકાય છે.
દરમિયાન અમેરિકાની સુરક્ષા સંસ્થા એફબીઆઈના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો બાઇડન રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તેના પહેલાં સમગ્ર દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસક વિરોધપ્રદર્શન થઈ શકે છે.
અહેવાલ છે 20 જાન્યુઆરીએ જો બાઇડનની શપથવિધિ અગાઉ હથિયારો સાથે લોકોનું જૂથ 50 રાજ્ય કૅપિટલ અને વૉશિંગટન ડીસીમાં ભેગા થવાની યોજના બનાવી રહ્યું છે. શપથવિધિ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જો બાઇડન 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે.
એ અગાઉ અમેરિકામાં 25મા બંધારણીય સંશોધનનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પને પદ પરથી હઠાવવા અને તેમની સામે મહાઅભિયોગની કાર્યવાહી કરવા પ્રક્રિયાઓ ચાલી રહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












