અનોખો લવ ટ્રાયેંગલ, હસીના પણ ચંદુની અને સુંદરી પણ ચંદુની

ઇમેજ સ્રોત, DEVENDRA SHUKLA/BBC
- લેેખક, આલોક પ્રકાશ પુતૂલ
- પદ, રાયપુરથી, બીબીસી ગુજરાતી માટે
છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત બસ્તર જિલ્લામાં થયેલા એક લગ્ન આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
આ લગ્ન ટિકરા લોહંગા ગામમાં થયા છે, જેમાં ગામના ચંદુ મૌર્યા એક જ મંડપમાં એક સાથે બે મહિલાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં છે. ચાર દિવસો સુધી ચાલેલો લગ્ન સમારોહ રવિવારનાં રોજ પૂર્ણ થયો હતો.
મુરિયા જનજાતિના ચંદુ કહે છે, મેં બંને મહિલાઓ સાથે પ્રેમ કર્યો છે અને બંનેને છેતરી શકતો નથી. મનમાં અમુક પ્રશ્નો હતા. પરતું જ્યારે બંને આ લગ્ન માટે તૈયાર થઈ ગયાં તો મેં પણ સંમતિ આપી દીધી.
તેમનાં પત્ની સુંદરી કશ્યમ અને હસીના બઘેલ પણ આ લગ્નથી બહુ ખુશ છે.
સુંદરી કહે છે, હું તેમને પસંદ કરતી હતી અને તેમની સાથે રહેવા માગતી હતી. બાદમાં હસીના આવ્યાં.
તેઓ પણ સાથે રહેવાં માગતાં હતાં. મને કોઈ સમસ્યા નહોતી. પછી જ્યારે લગ્નની વાત આવી ત્યારે નક્કી થયું કે અમે બંને ચંદુની દુલહન બનીશું.

પ્રથમ મુલાકાતમાં સુંદરી સાથે પ્રેમ

ઇમેજ સ્રોત, DEVENDRA SHUKLA/BBC
ટિકરા લોહંગા ગામમા રહેતા નવમું પાસ ચંદુ મૌર્યા ખેતી કરે છે. કુલ બે એકર ખેતીની સાથે-સાથે વનઉપજ સંગ્રહ પરિવારની આવકનો મોટો સ્રોત છે.
ચંદુ કહે છે, ત્રણ વર્ષ પહેલાં તેમની મુલાકાત સુંદરી કશ્યપ સાથે ત્યારે થઈ જ્યારે તેઓ સુંદરીનાં ગામ તોકાપાલ એ એરંડવાલમાં એક કામ માટે ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ મુલાકાતમાં જ દસ ધોરણ પાસ સુંદરીએ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો અને 24 વર્ષના ચંદુને 21 વર્ષનાં સુંદરી ગમી ગયાં હતાં.
ચંદૂ પોતાના ગામ પાછા આવી ગયા પરતું મોબાઇલ ફોન વડે તેઓ એકબીજાના સંપર્કમાં રહ્યાં અને સમય જતા બંનેનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો.

અને હસીનાને ચંદુ સાથે થઈ ગયો પ્રેમ

ઇમેજ સ્રોત, DEVENDRA SHUKLA/BBC
આ દરમિયાન બે વર્ષ બાદ પોતાના ગામમાં ચંદુની મુલાકાત હસીના બઘેલ સાથે થઈ.
કરંજી ગામમાં રહેતાં નવ ધોરણ પાસ હસીના બઘેલ, ટિકરા લોહંગા ગામમાં એક લગ્નમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં.
ચંદુ કહે છે, ગામમાં એક લગ્નમાં હસીના આવ્યાં હતાં. તેમણે વાત કરવા માટે કહ્યું, મેં કહ્યું, ચાલો બરાબર છે. મને એમ હતું કે આ રીતે મિત્રતા ચાલતી રહેશે, પરતું વાત માત્ર એટલી નહોતી.
ચંદુ અને 20 વર્ષનાં હસીના વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો અને એક દિવસ હસીનાએ ચંદુને કહ્યું કે તેઓ તેમને પ્રેમ કરે છે.
ચંદુએ હસીનાને સુંદરી વિશે જણાવ્યું તો હસીનાએ સૂચન કર્યું કે જે પહેલાં તેમની પાસે પહેલાં રહેવા આવી જશે, એ તેમની સાથે રહેશે.
ચંદુ કહે છે કે સુંદરી પાસે તેઓ પોતાનો સંબંધ છુપાવવા માગતા નહોતા અને એટલા માટે તેમને સુંદરીને બધુ સ્પષ્ટ જણાવી દીધું.
ચંદુ કહે છે કે તેમણે સુંદરી અને હસીનાની એક-બીજા સાથે મુલાકાત કરાવી અને તે બાદ ત્રણેય મહિનાઓ સુધી એકબીજા સાથે મોબાઇલ પર વાત કરતાં રહ્યાં.
થોડાં દિવસો બાદ હસીના બઘેલ પોતાનું ગામ છોડીને ચંદુ પાસે રહેવા માટે આવી ગયાં. છત્તીસગઢની ઘણી જનજાતિઓમાં આ બહુ સામાન્ય વાત છે અને અમુક સામાન્ય રીતિ-રિવાજો સાથે લગ્ન વગર યુવક અને યુવતી એકબીજાને ઘરે રહેવું શરૂ કરી દે છે.
જ્યારે હસીનાનાં આવવાની માહિતી ઈંદરમાળનાં સુંદરી કશ્યપને મળી તો તેઓ પણ ચંદુના ઘરે પહોંચી ગયાં.
પરતું સુંદરીના પરિવારને તેઓ ચંદુ અને હસીના સાથે રહે એ મંજૂર નહોતું. પરિવારના સભ્યો સુંદરીને લઈને ગામ પાછાં આવી ગયા.
ચંદુ કહે છે, પછી એક દિવસ સુંદરી પોતાના ગામથી ભાગીને મારા ઘરે આવી ગયાં અને અમે ત્રણેય સાથે રહેવાં લાગ્યાં.
તેઓ વધુમાં ઉમેરે છે કે સાથે રહેતા આશરે એક વર્ષ થઈ ગયું ત્યારે સમાજના લોકોએ લગ્ન કરવા માટે કહ્યું.
સુંદરી અને હસીના એ વાત પર અડગ હતાં કે તેઓ ચંદુ સાથે લગ્ન કરીને એક સાથે રહેશે.
લગ્ન માટે જે કાર્ડ છાપવામાં આવ્યું હતું, તેમાં બંને દુલહનોનાં નામ પણ લખવામાં આવ્યાં હતાં.
સુંદરી કહે છે, હું આ લગ્નથી બહુ ખુશ છું. અમે બંને સાથે-સાથે ઘરનું કામ કરીએ છીએ. હસીના સાથે કોઈ પણ વાત પર વિવાદ થતો નથી.
સુંદરી અને હસીના હવે જાતે બજાર જાય છે અને પોતાનાં પસંદના કપડાંની ખરીદી કરે છે પરતું જ્યારે ચંદુને ભેટ આપવાની હોય છે ત્યારે તે પ્રયાસ કરે છે કે બંને પત્ની માટે એક સરખી સાડી ખરીદે છે.
સુંદરી, હસીના અને ચંદુને ખાતરી છે કે આવનારા દિવસોમાં તેમની વચ્ચે કોઈ પણ સમસ્યા નહી હોય અને તેઓ ખેતી કરીને પોતાનો નિર્વાહ કરી લેશે.

કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સર્વ આદિવાસી સમાજના નેતા પ્રકાશ ઠાકુર કહે છે કે ત્રણેય વ્યક્તિઓ પુખ્તવયની છે અને મુરિયા આદિવાસી સમાજની છે. સમાજમાં બહુપત્ની પ્રથા પર કોઈ રોક નથી. એવામાં આદિવાસી સમાજ પણ આ લગ્નથી ખુશ છે.
હાઈકોર્ટમાં ઍડવોકેટ પ્રિયંકા શુક્લા કહે છે કે હિંદુ લગ્ન કાયદા 1955 જેવા ઘણાં કાયદા અનુસૂચિત જનજાતિના નાગરિકો પર લાગુ થતા નથી. તેમને પોતાના રિવાજો અને માન્યતાઓના કારણે આ કાયદામાંથી મુક્તિ મળી છે.
તેઓ કહે છે કે સરકારી ગૅઝેટ છાપવાની સ્થિતિમાં આ એક ચર્ચાનો મુદ્દો હોઈ શકે છે.
પ્રિયંકા સૂરજમણી સ્ટેલો વિરુદ્ધ દુર્ગા ચરણ હાંસદાના કેસનો હવાલો આપીને તેઓ જણાવે છે કે બંને પક્ષ આદિવાસી સમાજના હતા પરતું સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે સંથાલ સમાજના રીતિરિવાજ પ્રમાણે ચાલશે અને તેમને એકથી વધુ લગ્ન કરવા બદલ ભારતીય ફોજદારી ઍક્ટ 1860ની કલમ 494 મુજબ દોષી ગણી શકાય નહીં.
પ્રિયંકા શુક્લા કહે છે, અનુસૂચિત જનજાતિના લોકો પોતાના રિવાજોથી ચાલશે અને હિંદુ મેરેજ ઍક્ટ તેમના પર લાગુ પડતો નથી. આ સ્થિતિમાં ચંદુ, સુંદરી અને હસીનાનાં લગ્ન ગેરકાયદે ઠેરવી શકાય નહીં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












