પાકિસ્તાનને કોરોનાની રસી વહેલી નહીં મળે એવી ચિંતા કેમ?

    • લેેખક, સ્ટેફની હૅગર્ટી
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

કોરોનાની રસી મેળવનારા પ્રથમ વ્યક્તિઓની તસવીરોથી કેટલાક દેશના લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે. પરંતુ કેટલાક દેશોના લોકોને તેનાથી કોઈ જ રાહત નથી મળી. તેમાં ઝિમ્બબ્વે, મૅક્સિકો અને પાકિસ્તાન પણ સામેલ છે. કેમ કે તેમના માટે કોરોનાની રસી મેળવવાની બાબત લાંબો સમય માગી લેનારી અને ખૂબ જ મુશ્કેલ જણાઈ રહી છે.

યૂકેમાં રસીકરણ થયું ત્યારે લૂઇસ ચિન્ગાન્દુ વધુ ઉત્સુક નહોતાં. તેમને ચિંતા હતી.

આપણી જેમ જ તેમને પણ રસી લઈને સામાન્ય જીવન શાંતિથી ફરી શરૂ કરવાની ઇચ્છા છે. પણ જે રીતે અન્ય લોકોને આશાનુ કિરણ દેખાય છે, તેઓ તેને એ રીતે નથી જોઈ રહ્યા.

કેમ કે તેમને નથી ખબર કે ક્યારે તેમના દેશ ઝિમ્બાબ્વેને રસી મળશે.

તેઓ કહે છે, "અમારે માત્ર બેસી રહેવાનું છે અને રાહ જોવાની છે. વિચારીએ છીએ કે શું અમને જીવનમાં ક્યારેય રસી મળશે કે નહીં? મને ડર છે કે મને

કોવિડ બીમારી થઈ જશે અને હું અહી બેઠીબેઠી આ જ રીતે મરી જઈશ."

તમને આ વાત કંઈક અતિશયોક્તિ જેવી લાગશે પરંતુ લૂઇસે તેમની આસપાસ આવી જ એક ઘટના જોઈ હતી.

ચિન્ગાન્દુ એચઆઈવી પ્રિવેન્શન ક્ષેત્રમાં કાર્ય કરે છે અને 1990માં હરારેમાં તેમણે જોયું છે કે ત્યારે હજારો લોકો એચઆઈવીથી મર્યાં હતા.

એ સમયે દવા ઉપલબ્ધ હતી પણ તે માત્ર કેટલાકને જ પરવડી શકે તેમ હતી.

"આખરે જ્યારે શ્રીમંતોએ નક્કી કર્યુ કે ગરીબોને બચાવીએ ત્યારે જ અમને રસી મળશે."

ચિન્ગાન્દુ પિપલ્સ વૅક્સિન અલાયન્સ નામના અભિયાનનાં સભ્ય છે. તેમણે ધનિક દેશો જેવા કે યુએસ, યૂકે અને યુરોપના દેશો તથા કૅનેડા પર રસીનો સંગ્રહ કરવા મામલે કડક વલણ અપનાવ્યું છે.

સરકારો અને કંપનીઓ વચ્ચે રસીની ડીલ પર નજર રાખતી ડ્યૂક યુનિવર્સિટીના સંશોધન અનુસાર કેટલાક દેશોને તેની વસ્તી કરતાં પણ વધુ રસીના ડોઝ મળવાના છે. કૅનેડાએ તેની વસ્તીને પાંચ વખત રસીકરણ કરી શકાય તેટલી રસીના સ્ટૉકની ખાત્રી કરી લીધી છે.

આ દેશોએ રસી સફળ પુરવાર થાય તે પહેલાં જ તેના વિકાસ માટે નાણાં આપવાનું શરૂ કરી દીધું હતું.

લૂઇસ ચિન્ગાન્દુ અને તેમની સંસ્થા માને છે કે આ એક અન્યાયપૂર્ણ અને અયોગ્ય પ્રક્રિયા છે. વધારાની રસી જે દેશોને નથી મળી રહી તેમને વહેંચવી જોઈએ.

અત્યાર સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમર્થિત કૉવેક્સ અભિયાન માટે 189 દેશોએ હસ્તાક્ષર કર્યા છે.

તેમાં આંતરરાષ્ટ્રીય વૅક્સિન ઍડવોકસી જૂથ પણ સામેલ છે. તેમનો હેતુ વિશ્વના દેશોને એક જ મંચ પર લાવી તેમને એક કરવાનો છે જેથી તેઓ દવા કંપનીઓ સાથે વાટાઘાટ કરી શકે.

આમાં 92 દેશો ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા દેશો છે. તેમના માટે રસી મેળવવા માટે કોઈ દાતાએ સ્પૉન્સરશીપ કરવી પડશે. આમાં યૂકેએ અડઘો અબજ દાન કર્યા છે.

તેમાં યૂએસ અને રશિયા યોગદાન નથી આપી રહ્યાં. બાકીના દેશો કૉવેક્સ દ્વારા રસી ખરીદશે પરંતુ તેમને હજુ સારી ડીલ મળી શકી હોત જો તેમણે પોતાની રીતે જ કંપની સાથે વાટાઘાટ કરી ડીલ કરી હોત.

કૉવેક્સ અભિયાને કોવિડ-19ની ત્રણ રસી માટે ડીલ સુરક્ષિત કરી છે. પણ જેટલા ડોઝ મળશે તે માત્ર કુલ દેશોની 20 ટકા વસ્તીને જ મળી શકશે.

નિર્ણાયક સમય

આ સ્કીમમાં મૅક્સિકો પણ મોટું સમર્થક છે અને તે કૉવેક્સ અભિયાન દ્વારા રસીના ડોઝ ખરીદશે. પરંતુ વૅક્સિન ખરીદી મામલે સંબંધિત વિભાગનાં વડા માર્થા ડેલગાડો અનુસાર 20 ટકા રસી મેળવીને મૅક્સિકોમાં વાઇરસના ફેલાવાનો રોકી નહીં શકાય.

તેઓ અન્ય રીતે પણ રસી મેળવવા માટે કમર કસી રહ્યાં છે. વિલંબનો અર્થ જીવન અને મૃત્યુ વચ્ચેના તફાવત જેટલો છે. તેમનું કહેવું છે કે,"ત્રણ મહિના ઘણા નિર્ણાયક છે."

13 ઑક્ટોબરને તેઓ ખૂબ જ મહત્ત્વનો દિવસ ગણાવે છે કેમ કે આ દિવસે તેમણે ત્રણ રસી માટે કંપનીઓ સાથે જાતે ડીલ સુરક્ષિત કરી હતી.

તેમની ટીમને ફાઇઝરની રસીના કેટલાક ડોઝ પ્રાપ્ત કરવાની ડીલમાં સફળતા મળી હતી. જેના ટ્રાયલનું સંચાલન દેશની બહાર થયું છે.

મૅક્સિકોના નિયામકે તેને આપાતકાલીન ઉપયોગ તરીકે મંજૂરી આપી દીધી છે અને આ મહિને રસીકરણ શરૂ થઈ જશે.

તેમણે કહ્યું,"મેક્સિકો પાસે રસી ખરીદવાનાં નાણાં છે. પરંતુ લૅટિન અમેરિકામાં કેટલાક દેશો પાસે પૂરતી રસી ખરીદવા માટે ભંડોળ નથી અને તેમની પાસે કોઈ સુરક્ષિત ડીલ નથી."

ઑક્સફૉર્ડ અને ઍસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસિત થઈ રહેલી રસી મામલે રસી બનાવતા સંયુક્ત સાહસે કહ્યું કે તેઓ વિકાશસીલ દેશોને રસી વેચીને નફો કમાશે નહીં.

કૉવેક્સનો મુખ્ય હેતુ જ એ છે. પણ તેને હજુ સુધી મંજૂરી નથી મળી. વળી એક જ કંપની માત્ર ગણતરીના મહિનામાં 7.8 અબજ લોકો માટે પૂરતા રસીના ડોઝ તૈયાર નહીં કરી શકે.

મૅક્સિકોની જેમ પાકિસ્તાન પણ રસીની મૅન્યુફૅક્ચર કંપની સાથે વાટાઘાટ કરી રહ્યું છે.

"અમને ધનિક દેશો તરફથી તીવ્ર સ્પર્ધા મળી રહી છે. આ સ્વાભાવિક હતું." આ વાત આરોગ્ય મામલે પાકિસ્તાનના વડા પ્રધાનના ખાસ સલાહકાર ફૈસલ સુલતાને કહી છે. તેઓ આ વાટાઘાટમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી રહ્યા છે.

"બધા જ એક નિશ્ચિત વસ્તુ પાછળ લાગ્યા છે અને તેની કિંમત નક્કી છે. એટલે બધાને તેમાંથી એક એક ટુકડો જોઈએ છે. એટલે તેમાં ઘણી સ્પર્ધા અને બાબતો અસર કરશે."

તેમનું કહેવું છે કે વાતચીત સારી ચાલી રહી હતી પણ હજુ સુધી કોઈ ડીલ નથી થઈ શકી. રસી કામ કરે છે કે નહીં એ જાણ્યા પહેલાં નાણાં ખર્ચવાં પાકિસ્તાનને પોસાય તેમ નથી.

"આ એક લક્ઝરીની બાબત છે. માત્ર ગણતરીના દેશો જ આવું કરી શકે છે. જો અમને યોગ્ય રસી મળે તો અમે લઈશું. પણ અમે બંધમાં બાજી ન લગાવી શકીએ."

ચીનની કંપની 'કૅનસીનોબાયૉ'ની રસીની ક્લિનિકલ ટ્રાયલ માટે પાકિસ્તાનની અગ્રણી યુનિવર્સિટીઓએ મદદ કરી હતી. તેનાથી રસી મેળવવામાં મદદ મળી શકે છે પણ હજુ કોઈ ખાસ સફળતા નથી મળી. વળી અહીં વાત નાણાંની પણ નથી.

માર્થા ડેલગાડો કહે છે,"કંપનીઓ દેશોની અંદર કામ કરે છે. અને જ્યારે તમે દેશની વાત કરો એટલે તમારે રાજકીય અને સહયોગીઓ સહિતનાં પરિબળો ધ્યાને લેવા પડે છે. પણ હાલ અમે આ બધી બાબતોથી દૂર રહીને માત્ર રસી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ."

લૂઇસ ચિન્ગાન્દુ અને તેમના પિપલ્સ વૅક્સિન અભિયાને કૉવેક્સ અથવા રાજદ્વારી બાબતોથી પણ વધુ સંવેદનશીલ બાબત પર ભાર મૂક્યો છે.

તેઓ ઇચ્છે છે કે રસી બનાવતી કંપનીઓ તેમની ઇન્ટેલૅક્ચ્યુઅલ પ્રૉપર્ટી બધા સાથે શૅર કરે. જેથી રસીનું એક જૅનરિક સ્વરૂપ મળી શકે.

વળી વિશ્વ વેપારસંસ્થાએ આ મામલે તેનો નિર્ણય મુલતવી રાખ્યો છે કે શું રસીના ઇન્ટેલૅક્ચ્યુઅલ રાઇટ્સને છુટ આપવી કે નહીં.

પિપલ્સ વૅક્સિન અભિયાનની આ વાતને ઘણા દેશો તરફથી ટેકો મળ્યો છે પરંતુ પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો છે.

એનો અર્થ કે ઘણા દેશોએ કોરોનાની રસી મેળવવા માટે રાહ જોવી પડી શકે છે.

લૂઇસ આખરમાં કહે છે,"લોકો કોવિડ-19ના કારણે મરતા જ રહેશે, જ્યારે વિશ્વના અન્ય ભાગમાં બીજા લોકો રસી મળતાં સામાન્ય જીવતા થઈ જશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો