You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની ચૂંટણી : ટ્રમ્પ અને બાઇડનના કયા મુદ્દા અમેરિકનોને આકર્ષશે?
ત્રણ નવેમ્બરે અમેરિકન મતદારો અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં હાલના રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રેટિક નેતા જૉ બાઇડનમાંથી એકને નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટશે.
પરંતુ જે આઠ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મતદારો ડોનાલ્ડ ટ્રમ્પ અથવા જૉ બાઇડનને મત આપશે એ અંગે બંને નેતાઓની નીતિઓ શું છે?
કોરોના વાઇરસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી મહિનાના અંતે કોરોના વાઇરસ ટાસ્કફોર્સ બનાવી હતી. જોકે, હવે ટ્રમ્પનું કહેવું છે કે આ ટાસ્કફોર્સ લૉકડાઉન ખોલવા પર ધ્યાન કેંદ્રીત કરી રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના વાઇરસની સારવાર અને રસીના વિકાસને પ્રાથમિકતા આપી રહ્યા છે, જે માટે દસ અબજ ડૉલર ફાળવવામાં આવ્યા છે.
બીજુ બાજુ, બાઇડન 'રાષ્ટ્રીય કૉન્ટૅક્ટ ટ્રેસિંગ પ્રોગ્રામ' અંતર્ગત દરેક રાજ્યમાં 10 ટેસ્ટિંગ સેંટરની સ્થાપના અને બધાને કોરોના વાઇરસ સંક્રમણના મફત પરીક્ષણની સુવિધા પર ભાર મૂકી રહ્યા છે.
તેમણે રાષ્ટ્રીય સ્તરે માસ્કને ફરજિયાત બનાવવાનું સમર્થન કર્યું છે, જેમાં કોઈ પણ સરકારના નિયંત્રણ હેઠળના સ્થળે માસ્ક પહેરવો ફરજિયાત રહેશે.
ક્લાઇમૅટ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશ્વમાં ક્લાઇમૅટ ચેન્જ વિશે પોતાના વલણને લઈને ચર્ચામાં રહ્યા છે. ટ્રમ્પ ક્લાઇમૅટ ચેન્જને લઈને શંકાસ્પદ પણ રહ્યા છે અને તેઓ 'નૉન-રિન્યૂએબલ ઍનર્જી' ક્ષેત્રના વિસ્તારના પક્ષમાં રહ્યા છે. તેઓ ઑઇલ અને ગૅસનું ડ્રિલિંગ વધારવા માગે છે તથા પર્યાવરણની સુરક્ષા માટેનાં વધારે પગલાં લેવાના પક્ષમાં નથી.
તેમણે પેરિસ ક્લાઇમૅટ સમજૂતીમાંથી પાછા હઠવાની વાત પણ કહી હતી. પેરિસ ક્લાઇમૅટ સમજૂતી આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણમાં આવનારા ફેરફારને રોકવા અંગેની સમજૂતી છે, અમેરિકા આ વર્ષે આ સમજૂતીમાંથી બહાર થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૉ બાઇડન કહે છે કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તેઓ પેરિસ ક્લાઇમૅટ સમજૂતીમાં પાછા જોડાઈ જશે.
તેઓ અમેરિકાને વર્ષ 2050 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જન કરતો દેશ બનાવવા માગે છે. તેઓ જાહેર સ્થળે ઑઇલ અને ગૅસ ડ્રિલિંગના પટ્ટા આપવા પર રોક લગાવવા માગે છે.
તેમણે ગ્રીન ઊર્જામાં બે ટ્રિલિયન ડૉલરના રોકાણનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
અર્થતંત્ર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે દસ મહિનામાં અમેરિકામાં એક કરોડ નોકરીઓના સર્જનનો વાયદો કર્યો છે અને તેમણે દસ લાખ જેટલા નાના ઉદ્યોગો શરૂ કરવાનું વચન પણ આપ્યું છે.
તેઓ કરવેરામાં ફેરફાર કરવા માગે છે, તેમણે ઇન્કમટૅક્સમાં કાપ મૂકવાનો ઇરાદો પણ દર્શાવ્યો છે તથા નોકરીઓ અમેરિકામાં રહે એ માટે કંપનીઓને ટૅક્સ-ક્રેડિટ આપવાની વાત પણ કરી છે.
જૉ બાઇડન ઉચ્ચ વેતન ધરાવતા લોકો માટે કરવેરો વધારવા માગે છે, જેનો ઉપયોગ સરકારી સેવાઓમાં રોકાણ માટે કરી શકાય. જોકે તેમણે કહ્યું છે કે કરવેરામાં વધારાથી માત્ર એ લોકો જ પ્રભાવિત થશે જેમની આવક વાર્ષિક ચાર લાખ ડૉલરથી વધારે છે.
એ સિવાય સરકારી લઘુતમ વેતન 7.5 ડૉલર પ્રતિકલાકથી વધારીને 15 ડૉલર પ્રતિકલાક કરવાનું સમર્થન પણ કર્યું છે.
સ્વાસ્થ્ય
રાષ્ટ્રપતિ ટ્રમ્પ 'ઍફોર્ડેબલ કૅર ઍક્ટ'ને હઠાવવા માગે છે જે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના કાર્યકાળમાં પસાર થયો હતો. આ કાયદાથી ખાનગી હૅલ્થ ઇન્સ્યૉરન્સ સિસ્ટમમાં સરકારી દખલગીરી વધી ગઈ હતી.
આમાં વીમાધારકના રોગોની સારવાર કવર ન કરવાને ગેરકાયદે ગણાવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કાયદાને બદલવા વિશે વાત તો કરતા આવ્યા છે પરંતુ આ અંગેની કોઈ યોજના તેઓ લાવ્યા નથી.
રાષ્ટ્રપતિ વિદેશથી સસ્તી દવાની આયાત વધારીને દવાઓના ભાવ ઘટાડવાના પક્ષમાં છે.
જૉ બાઇડન 'ઍફોર્ડેબલ કૅર ઍક્ટ'ને વ્યાપક બનાવવા માગે છે.
મેડિકૅરની વયમર્યાદા ઘટાડવા માગે છે, આ યોજના હેઠળ 60થી 65 વર્ષના લોકોને લાભ મળે છે.
તેઓ મેડિકૅર જેવા સરકારી ઇન્સ્યૉરન્સ પ્લાનમાં બઘા અમેરિકનોને રજિસ્ટર કરવવાની યોજના પણ લાવવા માગે છે.
વિદેશનીતિ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એક વખત વિદેશમાં તહેનાત અમેરિકન સૈનિક ટુકડીઓને પરત લાવવાનો વાયદો કર્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ગઠબંધનને તેઓ પડકારતા રહેશે અને ચીન પર લાદવામાં આવેલા ટ્રેડ ટૅરિફ યથાવત રખાશે.
ત્યારે જૉ બાઇડને દુનિયાના દેશો સાથે અમેરિકાના સંબંધોમાં સુધારનો વાયદો કર્યો છે.
તેઓ કહે છે કે તેઓ ચીન પર એકતરફી ટૅરિફને હઠાવશે તેમજ એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન તૈયાર કરીને ચીનની જવાબદારી નક્કી કરશે અને ચીન તેની અવગણના નહીં કરી શકે.
વંશીય ભેદભાવ અને પોલીસ
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકનાના પોલીસતંત્રમાં સંસ્થાગત રૂપે વંશીય ભેદભાવ અસ્તિત્વ ધરાવતો હોવાનું તેઓ માનતા નથી.
તેઓ કાયદોવ્યવસ્થા મજબૂતથી લાગુ કરવાનો પક્ષ લેતા આવ્યા છે પરંતુ 'ચૉકહોલ્ડ્સ' (ગળું દાબીને આરોપીઓને પકડી રાખવા)ની વિરુદ્ધ છે અને હાલની પ્રક્રિયામાં ફેરફારની વાત પણ કરે છે.
બાઇડનનું માનવું છે કે પોલીસતંત્રમાં સમસ્યાઓ છે અને ન્યાયપાલિકામાં સંસ્થાગત રૂપે વંશીય ભેદભાવ થાય છે.
તેમણે પોલીસફંડમાં ઘટાડો કરવાની માગને ફગાવી હતી અને કહ્યું કે યોગ્ય સ્તર જાળવી રાખવા માટે વધારે સંસાધનો ઉપલબ્ધ કરાવવાં જોઈએ.
હથિયાર
નાગરિકોને પોતાના રક્ષણ માટે હથિયાર રાખવાની મંજૂરી આપતા અમેરિકાના બંધારણની જોગવાઈ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પક્ષ ઘણો વિસ્તૃત રહ્યો છે.
તેમણે 2019માં શ્રેણીબદ્ધ ગોળીબારની ઘટનાઓ પછી બંદૂક ખરીદનારની પૃષ્ઠભૂમિની ચકાસણી કડકાઈથી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જોકે આ મામલે કોઈ ઠોસ યોજના કે કાયદો સામે આવ્યો નથી.
જૉ બાઇડને 'ઍસૉલ્ડ વેપન' પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
તેઓ વિસ્તૃત રીતે પૃષ્ઠભૂમિની ચકાસણી, દર મહિને વ્યક્તિદિઠ બંદૂક ખરીદવાની મર્યાદા નક્કી કરવી અને હથિયારોના ગેરજવાબદાર નિર્માતા અને વેપારીઓ પર કેસ ચલાવવાનું સરળ કરવાનાં પગલાં ભરવાના પક્ષમાં રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે બાકી બચેલા કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટના જજના ખાલી પદ પર નિમણૂક કરવાનો તેમને અધિકાર છે. તેમણે સુપ્રીમ કોર્ટ માટે રૂઢિચુસ્ત મનાતાં ઍમી કૉની બૅરેટને નામાંકિત કર્યાં છે.
સુપ્રીમ કોર્ટ આવનારા દિવસોમાં ગર્ભપાતનો અધિકાર કાયદેસર છે કે નહીં, એ વિશે નિર્ણય આપવાની છે. જજ બૅરેટ અને ડોનાલ્ડ ટ્રમ્પ એક સમયે 'રાઇટ ટુ ઍબૉર્શન'નો વિરોધ કરી ચૂક્યાં છે.
બાઇડન ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક રાષ્ટ્રપતિની ચૂંટણી પછી થાય.
તેઓ કહે છે કે જો સુપ્રીમ કોર્ટ ગર્ભપાતના અધિકારને ગેરકાયદે ઠેરવે તો તેઓ મહિલાઓના આ અધિકાર માટે તેઓ એક કાયદો પસાર કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો