You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંસ્કૃત ખરેખર કમ્પ્યૂટર માટે સૌથી યોગ્ય ભાષા છે?
- લેેખક, વિગ્નેશ એ
- પદ, બીબીસી તમિલ
ફોન અને ઇન્ટરનેટની પહોંચ વધતા ફેક ન્યૂઝની સંખ્યા પણ વધી ગઈ છે.
ઇન્ટનેટ પર ઘણા ખોટા અને અસ્પષ્ટ સમાચારો ચલાવવામાં આવે છે અને લોકો તપાસ કર્યા વગર માની લે છે કે તે સમાચાર સાચા છે.
આવી એક સમાચાર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 'સંસ્કૃત કમ્પ્યૂટર માટે સૌથી યોગ્ય ભાષા છે.' કદાચ તમે પણ આ સમાચાર ઇન્ટરનેટ પર જોઈ હશે.
કમ્પ્યૂટરમાં સંસ્કૃતના ઉપયોગ અંગેનું પ્રમાણ આપવાની વાત તો બહુ દુર છે, આ ફેક ન્યૂઝમાં હજુ સુધી એ પણ જણાવવામાં આવ્યું નથી કે સંસ્કૃત ભાષા કમ્પ્યૂટર કોડિંગ અને પ્રોગામિંગ માટે કઈ રીતે યોગ્ય છે.
ઍપ્લિકેશન સૉફ્ટવેયર બનાવવા માટે કમ્પ્યૂટરની ભાષામાં કોડિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કારણોસર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સંસ્કૃત ભાષા કોડિંગ માટે અથવા તો કમ્પ્યૂટરને કમાન્ડ આપવા માટે સૌથી યોગ્ય ભાષા છે.
સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યું નથી કે સંસ્કૃતનો કોડિંગમાં કઈ રીતે ઉપયોગ કરવો. સાથે કોઈ પણ એવી સૉફ્ટવેયરની માહિતી આપવામાં આવી નથી, જે સંસ્કૃતના કોડિંગથી બન્યું હોય.
આની પાછળનું કારણ એકદમ સ્પષ્ટ છે. કોડિંગ માત્ર તે ભાષાઓમાં શક્ય છે, જેમાં કમ્પ્યૂટર સિસ્ટમનો કમાન્ડ પૂર્ણ થવા પહેલા મશીનની ભાષામાં રૂપાંતર થઈ શકે.
આ ફેક ન્યૂઝ આવ્યા ક્યાંથી?
વર્લ્ડ વાઇડ વેબની શોધ પહેલાં આ ફેક ન્યૂઝની શરૂઆત થઈ ગઈ હતી. વર્લ્ડ વાઇડ વેબના કારણે ઇન્ટરનેટના વપરાશમાં તેજી આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1985ની સાલમાં નાસાના સંશોધક રિક બ્રિગ્સએ એઆઈ મૅગઝિનમાં એક સંશોધનપત્ર પ્રકાશિત કર્યું હતું. સંશોધનપત્રનું શીર્ષક હતું, "નૉલેજ રેપ્રિઝેન્ટેશન ઇન સંસ્કૃત એન્ડ આર્ટિફિશલ લૅંગ્વિજ જેનો ગુજરાતીમાં અર્થ થાય છે "સંસ્કૃત અને આર્ટિફિશલ લૅંગ્વિજમાં જ્ઞાનનું પ્રતિનિધત્વ."
કમ્પ્યૂટર સાથે વાત કરવા માટે કુદરતી ભાષાઓના ઉપયોગ વિશે આ સંશોધનપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.
બ્રિગ્સે સંશોધનપત્રમાં જે માહિતી આપી, તેનું ખોટું અર્થઘટન કરીને એવા ફેક ન્યૂઝ ચલાવવામાં આવ્યા કે સંસ્કૃત ભાષા કમ્પ્યૂટર માટે સૌથી યોગ્ય છે.
બ્રિગ્સનું કહેવું હતું, "મોટા પાયે એવું માનવામાં આવે છે કુદરતી ભાષા ઘણા વિચારોના પ્રસારણ (ટ્રાન્સમિશન) માટે યોગ્ય નથી અને આર્ટિફિશલ લૅંગ્વિજ આ કામ બહુ સારી રીતે કરી શકે છે. પરતું ખરેખર આવું નથી. સંસ્કૃત એવી ભાષા છે, જે 1000 વર્ષો સુધી બોલચાલની ભાષા તરીકે ઉપયોગમાં લેવાતી હતું અને તેનું વ્યાપક સાહિત્ય પણ છે.
સંસ્કૃત ભાષા આટલા વર્ષોથી ચાલી આવી છે અને વિપુલ માત્રામાં સાહિત્ય ઉપલ્બધ છે તેના વિશે રિક બ્રિગસે પોતાના સંશોધનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો.
સર્ચ એન્જિન અને આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની પહેલાં
કમ્પ્યૂટરમાં ઇનપુટ આપવા માટે કુદરતી ભાષાના ઉપયોગ વિશે પ્રકાશ પાડતો આ લેખ સર્ચ એન્જિનની શોધ પહેલાં લખવામાં આવ્યો હતો.
દાખલા તરીકે જો યુઝર કુદરતી ભાષામાં લખે, 'ભારતના વડા પ્રધાનનું નામ શું છે?' તો કમ્પ્યૂટર આ ઇનપુટને સમજવા અને જવાબ આપવા માટે સક્ષમ હોવું જોઈએ.
અત્યારે જે સિસ્ટમ છે, તેમાં મશીનની ભાષામાં બનાવવામાં આવેલ કોડ કમ્પ્યૂટરને જણાવે છે કે યુઝર તેને ક્યા કાર્ય કરવા માટે કહેશે. આ કોડ કમ્પ્યૂટરની જે ભાષા છે તેની વાક્યરચના અનુસાર તૈયાર કરવામાં આવે છે.
પોતાના સંશોધન પત્રમાં બ્રિગ્સે સંસ્કૃત ભાષા માટે કહ્યુ હતું કે આ ભાષા વર્ષોથી ચલણમાં છે અને વિપુલ માત્રામાં સાહિત્ય ઉપલ્બધ છે. તેમણે એવું નથી કહ્યું કે આ વિશિષ્ટ ગુણો ધરાવતી સંસ્કૃત એકમાત્ર ભાષા છે.
પરતું સંશોધનપત્રનો ઉપયોગ ફેક ન્યૂઝ અને અસ્પષ્ટ દાવાઓ કરવા માટે થઈ રહ્યો છે.
આ લેખ ત્યારે લખવામાં આવ્યો હતો જ્યારે વ્યક્તિ સાથે કુદરતી ભાષામાં વાત કરી શકે તેવા આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ ધરાવતા રૉબોટની શોધ થઈ ન હતી.
સાથેસાથે મનુષ્યો દ્વારા બોલાતી કોઈ પણ ભાષામાં ઇનપુટ લઈને આઉટપુટ આપનાર સર્ચ એન્જિની પણ શોધ થઈ નહોતી.
કુદરતી ભાષામાં કોડિંગ
કમ્પ્યૂટર કમાન્ડને પૂર્ણ કરતાં પહેલા કોડિંગને મશીનની ભાષામાં બદલી નાખે છે. આજે અંગ્રેજીની સાથે બીજી કમ્પ્યૂટર ભાષાઓની શોધ થઈ ગઈ છે.
દાખલા તરીકે, તમિલમાં 'યેલિલ' એક પ્રોગ્રામિંગ ભાષા છે, જેના બધા કી-વર્ડ તમિલ ભાષામાં છે. યેલિલમાં બનેલા કોડ પણ તામિલ કી-વર્ડમાં હશે, જેમ અંગ્રેજી ભાષામાં સી, અને સી++ હોય છે. ઘણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓની પોતાની આવી પ્રોગ્રામિંગ ભાષા છે પરંતુ તેનો બહુ ઉપયોગ થતો નથી.
આવી રીતે સંસ્કૃત ભાષાના કી-વર્ડનો ઉપયોગ કરીને એક પ્રોગ્રામિંગ ભાષા બનાવી શકાય છે. પરતું સંસ્કૃત અથવા બીજી વિશેષ ભાષા કમ્પ્યૂટર અથવા કોડિંગ માટે સૌથી યોગ્ય હોવાનું પુરવાર થયું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો