અઝરબૈજાન અને આર્મેનિયાની લડાઈમાં તુર્કી 'ડ્રોન સુપર પાવર' કેવી રીતે બની ગયું?

ઇમેજ સ્રોત, SEAN GALLUP
નાગોર્નો-કારાબાખમાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધે તુર્કીમાં નિર્મિત લડાયક ડ્રોન વિમાનોને દુનિયાના નજરે ચડાવ્યાં છે. તુર્કી પાસેથી ખરીદેલાં ડ્રોનને કારણે અઝરબૈજાનને આ યુદ્ધમાં સરસાઈ હાંસલ થઈ હોવાનું કહેવાય છે.
નાગોર્નો-કારાબાખમાં યુદ્ધ શરૂ થયા પહેલાં જ તુર્કીના ડ્રોન વિમાનોને કારણે અનેક લશ્કરી વિશ્લેષકો તેને વૈશ્વિક સંરક્ષણ ઉદ્યોગના અગ્રણી દેશોમાં સામેલ કરવા લાગ્યા હતા.
અદ્યતન કૉમ્બેટ ડ્રોનનું ઉત્પાદન કરતું તુર્કી ખુદને ઇઝરાયલ કે અમેરિકા સાથે જોડાયેલું જોવા ઇચ્છતું નથી. આધુનિક ટેકનૉલૉજીવાળાં નવાં વિમાન એ જાતે જ બનાવી રહ્યું છે.
માનવરહિત વિમાનોના અમેરિકન સૈન્ય નિષ્ણાત ડેનિયલ ગુંતે સિમસેક માને છે કે તુર્કી અનેક વર્ષોથી ઉડ્ડયનક્ષેત્રે પોતાને થયેલા નુકસાનની ભરપાઈ કરી રહ્યું છે.
ડેનિયલ ગુંતે સિમસેકના જણાવ્યા મુજબ, વિમાન ઉત્પાદક તુર્કી 1940માં જ સિવિલ ઍવિએશન ઑર્ગેનાઇઝેશનનું સભ્ય બની ગયું હતું.
જોકે એ પછીનાં વર્ષોમાં તુર્કીની હાલત નબળી થતી ગઈ હતી, પણ હવે માનવરહિત વિમાન બનાવીને તુર્કીએ તેની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

તુર્કીની ટીકા

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં ડ્રોન હુમલા અને તેમાં સામાન્ય નાગરિકોનાં મૃત્યુને કારણે તુર્કીએ ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે.
અમેરિકાની મિશેલ ઍરોસ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા ડેનિયલ ગેટિંગરે જણાવ્યું હતું કે માનવરહિત વિમાન (યુએવી)ના મામલામાં ઇઝરાયલ તથા અમેરિકા વિશ્વમાં સૌથી આગળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલ અને અમેરિકાએ સૈન્યના ઉપયોગ માટે ડ્રોન બનાવવાની શરૂઆત 1970 અને 80ના દાયકામાં કરી હતી. તુર્કી આ ક્ષેત્રમાં નવું ઉત્પાદક છે. એ ઉપરાંત ચીન તથા ફ્રાન્સ પણ ડ્રોનના મોટા ઉત્પાદક દેશો છે.
ગેટિંગરના જણાવ્યા મુજબ, હાલ દુનિયામાં કમસે કમ 95 દેશો ડ્રોન બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે અને કમસે કમ 60થી 267 દેશ આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરે છે.

સૌથી વધુ ડ્રોન ખરીદતો દેશ ચીન

ઇમેજ સ્રોત, Getty Images
ગુંતે સિમસેકના જણાવ્યા મુજબ, ડ્રોન ડિઝાઇન, સૉફ્ટવેર અને વપરાશના મામલામાં તુર્કીનો સમાવેશ દુનિયાના ટોચના પાંચ દેશોમાં થાય છે.
બ્રિટનસ્થિત બિનસરકારી સંગઠન ડ્રોન વોર્સના જણાવ્યા મુજબ, ડ્રોનના ઉત્પાદનના ક્ષેત્રમાં સામેલ થયેલો તુર્કી નવી પેઢીનો દેશ છે. તેમાં સામેલ અન્ય દેશોમાં ચીન, ઈરાન તથા પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, ચીન દ્વારા ડ્રોનની નિકાસમાં ગયા વર્ષે 1430 ટકાની વૃદ્ધિ થઈ હતી અને આ મામલે ચીન સૌથી આગળ નીકળી ગયું હતું.
ઍરોસ્પેસ તથા સંરક્ષણક્ષેત્રે કાર્યરત રિસર્ચ ફર્મ ટીલ ગ્રૂપના જણાવ્યા મુજબ, વર્ષ 2019માં ડ્રોનનો કારોબાર વધીને 7.3 અબજ ડૉલરનો થઈ ગયો હતો.
આગામી 10 વર્ષમાં એ વધીને 98.9 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
અલગતાવાદી સંગઠન પીકેકે વિરુદ્ધ તુર્કીનું સૈન્ય ડ્રોનનો ઉપયોગ મોટા પાયે કરે છે અને એ કારણે તુર્કીમાં તેનું ઉત્પાદન વધ્યું છે.
તુર્કી પીકેકેને આતંકવાદી સંગઠન માને છે. પીકેકે કુર્દ લોકોનું સંગઠન છે, જે તુર્કીમાં કુર્દો માટે અલગ દેશ બનાવવા સંઘર્ષ કરી રહ્યું છે.
તુર્કી વર્ષ 2000 પછી ઇઝરાયલ પાસેથી ડ્રોન ખરીદતું હતું, પણ હેરોન ટાઇવ યુએવીને ઉડાવવામાં તેને મુશ્કેલી નડતી હતી. એ યુએવી ક્યારેક તૂટી પડતાં હતાં તો ક્યારેક ટેકનિકલ કારણસર ઊડી શકતાં ન હતાં.
એ કારણસર કેટલાંક હેરોન ડ્રોન ઇઝરાયલ પરત મોકલી આપવામાં આવ્યાં હતાં.
અમેરિકાની સંસદે પણ પ્રીડેટર તથા રીપર ડ્રોનનું વેચાણ તુર્કીને કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો.
એ પછી પોતાની જરૂરિયાત સંતોષવા માટે તુર્કીએ પોતાનો ડ્રોન કાર્યક્રમ વિકસાવવો પડ્યો હતો.
બાયકાર કંપનીના બાયરક્તાર ટીબી2 ડ્રોનનો સમાવેશ વિશ્વના બહુચર્ચિત ડ્રોનમાં થાય છે.
આ મિસાઇલના વહનની ક્ષમતા ધરાવતું સૌથી નાનું ડ્રોન છે અને એ કારણસર તેના પ્રતિસ્પર્ધીઓથી બહેતર છે.
આ ડ્રોનનો ઉપયોગ હવાઈક્ષેત્ર પર નજર રાખવા અને જાસૂસી માટે પણ કરી શકાય છે. તેનું નિશાન પણ સટીક હોય છે.

કયા દેશો પાસે છે આ ડ્રોન?

ઇમેજ સ્રોત, Getty Images
તુર્કી અને અઝરબૈજાનના મીડિયામાં આ ડ્રોન ખરીદવાના સમાચાર ચાલુ વર્ષના ઉનાળામાં પ્રકાશિત થવા લાગ્યા હતા.
એ સિવાય સર્બિયા, કતાર, ટ્યુનીશિયા અને લીબિયા પણ તુર્કીમાં ઉત્પાદિત માનવરહિત વિમાન ખરીદી ચૂક્યા છે.
નાગોર્નો કારાબાખની લડાઈમાં બાયરક્તાર ટીબી2 ડ્રોન વિમાનોના સફળ ઉપયોગથી તેની માગમાં વધારો થયો હતો.
ગુંતે સિમસેકે જણાવ્યું હતું કે હવે આ ડ્રોનનું માર્કેટ બહુ મોટું થઈ ગયું છે.
ફ્રાન્સ 24 સાથેની એક મુલાકાતમાં અઝરબૈજાનના રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું હતું કે તેમણે તુર્કી પાસેથી કેટલાં ડ્રોન ખરીદ્યાં છે.
આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે "અમારી પાસે લક્ષ્યાંક હાંસલ કરવા માટે પૂરતાં ડ્રોન વિમાનો છે."
રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવે કહ્યું હતું કે "આ એ માહિતી છે, જે હું જાહેર કરવા ઇચ્છતો નથી."
અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ યુદ્ધ પર ડ્રોનના પ્રભાવ સંબંધી એક સવાલના જવાબમાં કહ્યું હતું કે "ડ્રોન દેખીતી રીતે નવા જમાનાનું આધુનિક હથિયાર છે."
"હું એ કહી શકું કે તુર્કી પાસેથી મળેલાં ડ્રોન વિમાનો વડે અમે આર્મેનિયાના એક અબજ ડૉલરથી વધુનો લશ્કરી માલસામાન બરબાદ કરી નાખ્યો છે."
તુર્કીએ સીરિયામાં હાથ ધરેલા ઑપરેશન સ્પ્રિંગ ફિલ્ડ દરમિયાન પણ પોતાના ડ્રોન વિમાનનો ઉપયોગ કર્યો હતો.
તુર્કીનાં ડ્રોન વિમાનોની મદદથી જ લીબિયાની આંતરરાષ્ટ્રીય સ્વીકૃત સરકાર વિદ્રોહી લશ્કરી નેતા ખલીફા હફ્તારના સૈન્ય વિરુદ્ધ પ્રભાવશાળી કાર્યવાહી કરી શકી હતી.
વર્ષ 2019માં તુર્કીએ 2.74 અબજ ડૉલરનાં હથિયારો વેચ્યાં હતાં. ગયા વર્ષની સરખામણીએ તુર્કી 34 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 સુધીમાં તુર્કીનો ડ્રોનનો બિઝનેસ વધીને 10 અબજ ડૉલરનો થઈ જશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્ટોકહોમ પીસ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, વર્ષ 2014થી 2018 દરમિયાન તુર્કીએ હથિયારોના વેચાણમાં 170 ટકા વધારો કર્યો હતો, જ્યારે 2015થી 2019 દરમિયાન તુર્કીની હથિયારોની આયાતમાં 48 ટકા ઘટાડો નોંધાયો હતો.
તેના કારણોમાં તુર્કી દ્વારા સ્થાનિક સ્તરે ટેકનૉલૉજીનો વિકાસ અને વિદેશથી શસ્ત્રો ખરીદવામાં નડતી સમસ્યાઓનો સમાવેશ થાય છે.
ડેનિયલ ગેટિંગરે જણાવ્યું હતું કે તુર્કી માત્ર હથિયાર વેચવામાં જ રસ લેતું નથી. તેને અન્ય દેશો સાથે સંબંધ વિકસાવવામાં પણ રસ છે.
તેમના જણાવ્યા અનુસાર, તુર્કી ડ્રોનના ઉત્પાદનના મામલામાં અન્ય દેશોને સહકાર પણ આપી રહ્યો છે.
ગેટિંગરે ઉમેર્યું હતું કે બાયરક્તાર ડ્રોન ટીબી-2 વર્ઝન થોડું સસ્તું છે અને તુર્કીએ તેના વેચાણ માટે ઘણો પ્રચાર પણ કર્યો છે.
તુર્કીના ડ્રોન વિમાનોની ખાસ વાત એ પણ છે કે આ ડ્રોનનું ઉત્પાદન સંપૂર્ણપણે સ્થાનિક રીતે કરવામાં આવ્યું છે.
ડ્રોન ઉત્પાદક કંપની બાયકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની સમગ્ર સિસ્ટમ સ્થાનિક તથા ઘરેલુ ઉત્પાદન પર જ આધારિત છે.
જોકે નિષ્ણાતોનું મંતવ્ય અલગ છે. ડેનિયલ ગેટિંગરે જણાવ્યું હતું કે તુર્કી સેન્સર ડિવાઈસ અને ટાર્ગેટ ડિવાઈસ જર્મની તથા કૅનેડા પાસેથી મેળવે છે.
સંરક્ષણ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, તુર્કીના ડ્રોન કાર્યક્રમની નબળી કડી એ છે કે તે આયાત પર નિર્ભર છે.
બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને 2019માં પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે તુર્કીનું બાયરક્તાર ટીબી-2 ડ્રોન હોર્નેટ ટાઈપના મિસાઇલ લૉન્ચરનો ઉપયોગ કરે છે અને તેનું નિર્માણ બ્રિટિશ કંપની ઈડીઓ એમબીએમ ટેકનૉલૉજીએ કર્યું છે.
જોકે, બાયકારે તે આરોપને ફગાવી દીધો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, જર્મનીની કંપનીઓએ તુર્કીને 1.28 કરોડ યુરોનાં સૈન્ય ઉપકરણ વેચ્યાં હતાં અને તેનો ઉપયોગ ડ્રોન બનાવવામાં થઈ શકે છે.
ગુંતે સિમસેકના જણાવ્યા મુજબ, તુર્કીએ ડ્રોન વિમાનનું એન્જિન બનાવવામાં પ્રગતિ કરી છે અને તે અત્યંત વિવાદાસ્પદ મુદ્દો છે.
ડ્રોન વોર્સ સાથે જોડાયેલા સેમ્યુઅલ બ્રાઉનસોર્ડના જણાવ્યા અનુસાર, તુર્કી પાસે તેના ડ્રોન વિમાનોને વિકસાવવાની અને તેની નિકાસની પૂરતી તક છે.
આ ક્ષેત્રમાં તુર્કીને મળેલી સફળતાનું સૌથી મોટું કારણ એ છે કે પોતાની જ જમીન પર ડ્રોન વિમાનોથી હુમલા કરતા વિશ્વના જૂજ દેશોમાં તુર્કીનો સમાવેશ થાય છે.
સેમ્યુઅલ બ્રાઉનસોર્ડે એક લેખમાં એવું પણ જણાવ્યું હતું કે તુર્કી તેની સીમાની અંદર આવાં ડ્રોન વિમાનોનો ઉપયોગ નિયમિત રીતે કરે છે.
તુર્કી પોતાના દેશમાં જ ડ્રોન વિમાનોનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવતું હોવાનો આક્ષેપ માનવાધિકાર સંગઠન અને કાર્યકર્તાઓ કરતા રહે છે.
તુર્કીએ ઉત્તર સીરિયામાં પણ ડ્રોન વિમાનનો ઉપયોગ કર્યો હોવાનો સંગઠનોનો આરોપ છે.
ડ્રોનના ઉપયોગનું એકમાત્ર પરિણામ માણસોનું મોત હોય છે. આ કારણસર પણ ડ્રોન વિમાનોની ટીકા થતી રહે છે.
સેમ્યુઅલ બ્રાઉનસોર્ડે કહ્યું હતું કે "ડ્રોન વિમાન વડે કોઈની ધરપકડ કરી શકાતી નથી. તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કોઈનું મોત નિશ્ચિત હોય છે. એ ગંભીર ચિંતાની વાત છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












