કોરોના વાઇરસ: ચીનનું અર્થતંત્ર ફરી પાટે કેવી રીતે આવી ગયું?

ચીન દ્વારા જાહેર કરાયેલા અધિકૃત આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે તેનું અર્થતંત્ર કોરોના વાઇરસની મહામારીમાંથી ઊગરી રહ્યું છે.

દુનિયાની બીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રનો જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાનો વૃદ્ધિદર દર 4.9 ટકા રહ્યો છે. જે ગત વર્ષના એ ક્વાર્ટર જેટલો જ છે.

અગાઉ અર્થશાસ્ત્રીઓએ વૃદ્ધિદર 5.2 ટકાથી નીચો રહેવાનું અનુમાન કર્યું હતું.

જીડીપીના ડેટાના આધારે ચીનનો રિક્વરી રેટ હાલ દુનિયામાં સૌથી ઉંચો છે.

કોરોના વાઇરસની મહામારી શરૂઆત થઈ ત્યારે ચીનનો વૃદ્ધિ દર ગગડીને -5 ટકાએ પહોંચ્યો હતો.

જ્યારે ચીનમાં આ વર્ષના પહેલાં ત્રણ મહિના ફૅક્ટરીઓ અને મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ બંધ હતા ત્યારે અર્થતંત્રમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

1992થી ચીને ત્રિમાસિક આંકડાઓને નોંધવાનું શરૂ કર્યું છે ત્યારથી પહેલીવાર ચીનની અર્થવ્યવસ્થામાં આવો ઘટાડો નોંધાયો હતો.

ચીનની ગાડી ઝડપ પકડી રહી છે

સોમવારે જાહેર થયેલાં આંકડાઓ ચીનની આર્થિક વૃદ્ધિની ગાડી ફરીથી ઝડપ પકડી હોય તેવું સૂચવે છે. જોકે, પરંતુ નિષ્ણાંતો ચીનના આર્થિક આંકડાઓની ચોકસાઈ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ત્રિમાસિક ગાળાના આંકડાની તુલના 2019ના એ જ ક્વાર્ટર સાથે કરવામાં આવે છે.

આઈએનજી હૉંગકૉંગના મુખ્ય આર્થિક સલાહકાર આઇરિસ પૅંગનું કહેવું છે કે હું માનતો નથી કે હેડલાઇનના નંબર ખોટા હોય. તેઓ વધુમાં કહે છે કે ચીનમાં નવી નોકરીઓ ઉભી થવાની પ્રક્રિયા સ્થિર છે જેનાથી લોકોની ખર્ચશક્તિમાં વધારો થાય છે.

ચીનના વેપારના આંકડા પણ સપ્ટેમ્બર મહિનામાં થયેલી આકરી રિકવરીને દર્શાવે છે, નિકાસમાં ગત સપ્ટેમ્બરની સરખામણીએ 9.9 ટકાનો અને આયાતમાં 13.2 ટકાનો વધારો જોવા મળ્યો છે.

છેલ્લાં બે દાયકામાં, ચીનનો સરેરાશ વૃદ્ધિદર 9 ટકાનો રહ્યો છે જોકે ગતિ ધીમે ધીમે ઘટવા લાગી છે.

કોરોના વાઇરસની મહામારીની અસર આ વર્ષના વૃદ્ધિદર પર થઈ છે, ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે જે હાલના મહિનાઓમાં વધી રહ્યું છે.

સરકારનું પ્રોત્સાહન

કોરોના વાઇરસથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને રોજગારી ઊભી કરવા માટે ચીનની સરકારે આ વર્ષે પગલાંઓ ભરવાના શરૂ કર્યું છે.

ચીનમાં લાગુ કરાયેલાં મુસાફરીના પ્રતિબંધોને કારણે આર્થિક ગતિવિધિઓ અટકી પડી હતી, આ પ્રતિબંધોને હઠાવી લીધા પછી સેન્ટ્રલ બૅન્કે નીતિગત મદદ જાહેર કરી હતી,

પ્રીમિયર લી કેકિયાંગે આ મહિનાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે ચીને તેના આખા વર્ષના આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત પ્રયાસો કરવાની જરૂર છે.

ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાનથી જ ચીનનું અર્થતંત્ર પાટા પર આવવા લાગ્યું હતું.

ટોકિયોની દાઇ-લ્ચી લાઇફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય અર્થશાસ્ત્રી યોશિકિયો શિમામિને કહે છે, "ચીનની નિકાસમાં સુધારો થતાં ચીનનું અર્થતંત્ર વૃદ્ધિના માર્ગે છે. પરંતુ કોરોના વાઇરસના કારણે ચીનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે હચમચી ગઈ હતી અને તેમાંથી બહાર આવી ગઈ છે એમ કહી ન શકાય."

કોરોના વાઇરસનો ભોગ બનેલા બીજા દેશોની સરખામણીમાં ચીનનું અર્થતંત્ર સતત વૃદ્ધિ પામી રહ્યું છે.

કોરોના વાઇરસને ડામવા માટે કઠોર લૉકડાઉન જેવા પગલાં ઉપરાંત સરકારે આપેલાં પ્રોત્સાહને પણ સારું કામ કર્યું છે.

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના શાસકો પુરવઠો વધતો જોવા માગતા હતા, પરંતુ છૂટક વેચાણ આગાહી કરતા ઓછું રહ્યું છે. તેમ છતાં, સૌથી મહત્ત્વનું સર્વિસ સેક્ટર ફરી સારી રીતે વિકસિત થઈ રહ્યું છે.

સ્થાનિક પ્રવાસીઓ અને મુસાફરોએ અર્થતંત્રને ઊભું કરવામાં મોટી મદદ કરી છે. દુનિયામાં પ્રતિબંધોને કારણે દેશની બહાર જઈ શકતા નથી માટે ત્યાં જ મુસાફરી કરે છે.

પ્રવાસનના કારણે લાભ

આ વર્ષે ઑક્ટોબર મહિનામાં આવેલી વાર્ષિક રજા જે "ગોલ્ડન વીક" તરીકે ઓળખાય છે તેમાં લાખો લોકોએ મુસાફરી કરી જેનાથી ચીનની અર્થવ્યવસ્થાને ફાયદો થયો છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો પર કડક પ્રતિબંધિત હોવાને કારણે, ચીનના જ લાખો લોકોએ તેમનું સ્થાન લીધું અને સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં ખર્ચ કર્યો.

ચીનના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલયના અહેવાલ અનુસાર, ચીનમાં આઠ દિવસની રજાઓ દરમિયાન 637 મિલિયન મુસાફરીઓ થઈ, જેનાથી અંદાજે 466.6 બિલિયન આરએમબી (69.6 બિલિયન ડૉલર, 53.8 બિલિયન પાઉન્ડ)ની આવક થઈ છે.

સ્થાનિક કસ્ટમના અહેવાલ અનુસાર, હીનાન પ્રાંતમાં ડ્યૂટી-ફ્રી વસ્તુઓનું વેચાણ ગત વર્ષ કરતા બમણું થયું છે, જે સ્થાનિક કસ્ટમ ડેટા અનુસાર લગભગ 150% જેટલું વધ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો