આર્મેનિયા-અઝરબૈજાન સંઘર્ષ : અહીં રહેતા ભારતીયો શું કહી રહ્યા છે?

    • લેેખક, તારેન્દ્ર કિશોર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારબાખને લઈને દશકો જૂનો સીમાવિવાદ ફરી એક વાર ભડકી ઊઠ્યો છે અને તેણે યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. બંને તરફથી ગોળીબાર, બૉમ્બમારો અને આરોપ-પ્રત્યારોપ ચાલુ છે.

તેને લઈને હવે દુનિયાભરના દેશોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાન, ઈરાન અને તુર્કીએ ખૂલીને અઝરબૈજાનનું સમર્થન કર્યું છે, પરંતુ ભારતે પોતાની પ્રતિક્રિયામાં હાલત પર ચિંતા વ્યક્ત કરતા શાંતિ અને વાતચીતથી મામલો હલ કરવા પર ભાર આપ્યો છે.

વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પોતાની પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "અમે આર્મેનિયા-અઝરબૈજાનની સીમા પર નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં ફરીથી તણાવ થયાનો રિપોર્ટ જોઈ રહ્યા છીએ, જેની 27 સપ્ટેમ્બરે સવારે શરૂઆત થઈ હતી."

"બંને પક્ષો તરફથી જાનમાલના નુકસાનના સમાચાર આવી રહ્યા છે. ભારત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે ચિંતિત છે. અમે તત્કાળ આ તણાવને દૂર કરવાની વાત બીજી વાર કહી રહ્યા છે અને એ વાત પર ભાર આપી રહ્યા છીએ કે સીમા પર શાંતિ માટેના શક્ય એટલા તમામ પગલાં ભરવાં જોઈએ."

જોકે તુર્કી અને પાકિસ્તાને જે રીતે અઝરબૈજાનને સાથ આપવાની વાત કરી છે, તેના પર ભારતે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી હજુ સુધી કરી નથી.

ભારત સાથેનો સંબંધ

અઝરબૈજાનમાં મોજૂદ ભારતીય દૂતાવાસના અનુસાર ત્યાં હાલમાં 1300 ભારતીય રહે છે. તો આર્મેનિયાના સરકારી અપ્રવાસન સેવા અનુસાર અંદાજે 3000 ભારતીય હાલમાં આર્મેનિયામાં રહે છે.

બંને દેશોના ભારત સાથે સારા સંબંધ રહ્યા છે, પરંતુ અઝરબૈજાનના મુકાબલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આર્મેનિયા અને ભારતના સંબંધોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1991માં સોવિયત સંઘના વિભાજન સુધી આર્મેનિયા તેનો હિસ્સો હતું. બાદમાં પણ ભારત સાથે આર્મેનિયાનાં સંબંધોમાં સતત તાજગી રહી છે.

વિદેશમંત્રાલય અનુસાર, 1991 બાદ અત્યાર સુધીમાં આર્મેનિયાના રાષ્ટ્રપતિ ત્રણ વાર ભારતની યાત્રાએ આવી ચૂક્યા છે. આર્મેનિયાના રાષ્ટ્રપતિની છેલ્લી ભારતયાત્રા વર્ષ 2017માં થઈ હતી.

તો અઝરબૈજાનની વાત કરીએ તો તે તુર્કીની જેમ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના પક્ષનું સમર્થન કરે છે. એવામાં અઝરબૈજાનને લઈને વર્તમાન સ્થિતિમાં ભારતની કૂટનીતિક સ્થિતિમાં કોઈ અસર પડી શકે છે?

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં સેન્ટર ફૉર વેસ્ટ એશિયન સ્ટડીઝના ચૅરપર્સન પ્રોફેસર અશ્વિનીકુમાર મહાપાત્રા કહે છે, "ભારતની સત્તાવાર સ્થિતિ તો જૂથ નિરપેક્ષતાની રહેશે. જોકે અઝરબૈજાનને તો સાથ આપવાનો સવાલ જ પેદા નથી થતો, કેમ કે અઝરબૈજાનનું મુખ્ય રીતે સમર્થક તુર્કી છે."

"તુર્કી અને અઝેરી (અઝરબૈજાનના રહેવાસી) એકબીજાને ભાઈ-ભાઈ સમજે છે. અઝેરી પોતાને મૂળ રીતે તુર્ક જ માને છે. વંશીય અને ભાષીય રીતે તેઓ એક જ છે. આથી બંને દેશ વચ્ચેના સંબંધો મિત્રતાથી વધુ ભાઈ જેવા છે."

તેઓ આગળ જણાવે છે, "અને જે રીતે તુર્કી દરેક જગ્યાએ કાશ્મીર મુદ્દે ભારતની આલોચના કરે છે, તો આ સ્થિતિમાં કદાચ જ ભારત અઝરબૈજાનનો કોઈ પણ રીતે સાથે આપે."

અઝરબૈજાનમાં રહેતા ભારતીયો પર અસર

ભારતના વલણથી શું ત્યાં રહેતા ભારતીયો પર કોઈ પ્રતિકૂળ અસર થઈ શકે છે?

પ્રોફેસર મહાપાત્રા કહે છે કે હાલમાં તો એવું કંઈ નહીં થાય, કેમ કે ભારત સીધી રીતે હજુ સુધી આ મામલામાં સામેલ થયું નથી. સામાન્ય રીતે ત્યાં ભારતની એક મિલનસાર છબિ પણ છે. હિન્દી ફિલ્મો પણ ત્યાં લોકપ્રિય છે.

અઝરબૈજાનમાં રહેતા મોટા ભાગના ભારતીયો રાજધાની બાકુમાં રહે છે. અઝરબૈજાનમાં રહેતા ભારતીય ડૉક્ટર, ટીચર તરીકે અથવા તો મોટા પાયે ગૅસ અને તેલકંપનીઓમાં કામ કરે છે.

ડૉક્ટર રજનીચંદ્ર ડિમેલોનું રાજધાની બાકુમાં પોતાનું ક્લિનિક છે. તેઓ આંધ્રપ્રદેશના વિજયવાડાનાં રહેવાસી છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "ભારતીય માટે વધુ ચિંતાની વાત નથી. જ્યાં લડાઈ થઈ રહી છે, એ જગ્યા રાજધાની બાકુથી અંદાજે 400 કિમી દૂર છે અને મોટા ભાગના ભારતીય બાકુમાં રહે છે. જોકે હાલમાં બે દિવસ પહેલાં બાકુથી અંદાજે 60-70 કિલોમીટર દૂર નાગરિક વિસ્તારમાં આર્મેનિયા તરફથી હુમલો કરવામાં આવ્યો હતો."

ડૉક્ટર રજની કહે છે કે ભારતીય સમુદાયના લોકો ત્યાં મદદ માટે બલ્ક ડૉનેશન કૅમ્પ ચલાવી રહ્યા છે. તેઓ પૈસાથી પણ મદદની કોશિશ કરી રહ્યા છે.

ડૉક્ટર રજની કહે છે કે આર્મેનિયા તરફથી નાગરિક વિસ્તારમાં પણ હુમલો થયો છે, પરંતુ અઝરબૈજાન તરફથી નાગરિક વિસ્તારમાં હુમલા નથી થઈ રહ્યા.

તેઓ એમ પણ કહે છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અનુસાર, નાગોર્નો-કારાબાખ ક્ષેત્ર અઝરબૈજાનનું છે અને પોતાના ક્ષેત્ર માટે અઝરબૈજાન આ લડાઈ લડી રહ્યું છે.

ડૉક્ટર રજની કહે છે કે 18 વર્ષની વય બાદ દરેક પુરુષ અઝરબૈજાનમાં બે વર્ષ માટે સેનામાં ભરતી થાય છે. હાલમાં યુદ્ધના સમયે તો સામાન્ય નાગરિક પણ સેનામાં ભરતી થઈ રહ્યા છે.

તેમના પડોશમાં રહેતા એક છોકરાનું તાજેતરની લડાઈમાં મૃત્યુ થયું હતું, તેને લઈને તેઓ ઘણા ભાવુક છે.

વિવાદનું કારણ

નાગોર્નો-કારાભાખ 4,400 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે, જ્યાં આર્મેનિયન ખ્રિસ્તી અને મુસ્લિમ તુર્ક રહે છે.

સોવિયેટ સંઘના સમયે અહીં અઝરબૈજાનમાં એક સ્વાયત્ત ક્ષેત્ર બની ગયું હતું.

આંતરરાષ્ટ્રીયસ્તરે તેને અઝરબૈજાનના ભાગ તરીકે જ જોવામાં આવે છે, પરંતુ અહીંની મોટા ભાગની વસતી આર્મેનિયન છે.

1980ના દશકના અંતમાં શરૂ થઈને 1990ના દશક સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન 30 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 10 લાખથી વધુ લોકો અહીંથી વિસ્થાપિત થયા હતા.

એ દરમિયાન અલગાવવાદી તાકાતોએ નાગોર્નો-કારાબાખના કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો.

1994માં અહીં યુદ્ધવિરામની જાહેરાત થઈ, બાદમાં પણ અહીં પ્રતિકાર ચાલુ છે અને ઘણી વાર આ વિસ્તારમાં તણાવ પેદા થઈ જાય છે.

તાજા વિવાદની શરૂઆત પણ બંને દેશો તરફથી એકબીજા પર હુમલા કરવાના દાવાથી થઈ હતી.

વર્તમાન લડાઈમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો