You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આફ્રિકામાં ગાયની પાછળ આંખો કેમ દોરી રહ્યા છે વૈજ્ઞાનિકો?
આ સાંભળવામાં કોઈ અટકચાળા કે ટિખળ જેવું લાગે પણ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ગાયોની પાછળના ભાગે બે મોટી આખો ચીતરી દેવાથી તેને સિંહ અને બીજા શિકારી પશુઓથી બચાવવામાં મદદ મળી શકે છે.
'બીબીસી ન્યૂઝ રાઉન્ડ'ના અહેવાલ પ્રમાણે સંશોધકોએ આફ્રિકાના બોત્સ્વાનામાં પશુપાલકો સાથે મળીને આના ઉપર કામ કર્યું.
તેમણે જેમના ઉપર સિંહોના વારંવાર હુમલા થતા હોય તેવી ગાયોનાં 14 ઝૂંડોમાંની ગાયોની પાછળ આ પ્રકારે આંખો ચીતરી.
વૈજ્ઞાનિકોએ દરેક ધણમાંની ત્રીજા ભાગની ગાયોના પાછળના ભાગે આ રીતે એક આંખનું ચિત્ર દોર્યું.
અન્ય ત્રીજા ભાગની ગાયોની પાછળ સામાન્ય ક્રૉસ માર્કનું ચિહ્ન કર્યું અને બાકીની ગાયોને કોઈ પણ ચિહ્ન વિના રહેવા દીધી.
તેમને ચાર વર્ષના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે જે ગાયોની પાછળ આંખો ચીતરી હતી તેમના બચવાની શક્યતા કંઈ પણ ચીતર્યા વગરની કે ક્રોસના ચિહ્નવાળી એ જ ઝુંડની ગાયોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે હતી.
આ પહેલાં અહીંના પશુપાલકો તેમની ગાયોને દિવસ દરમિયાન આમતેમ ફરવા અને ચરવા માટે છૂટી મૂકી દેતા હતા.
પરંતુ એમાં સિંહ, દીપડા અને અન્ય શિકારી પશુઓના હુમલાનો ખતરો સતત રહેતો હતો.અને જ્યારે કોઈ પશુપાલક આ રીતે તેમની ગાય ગુમાવે તો ગામ લોકો ઘણીવાર તેના શિકારીઓનો પીછો કરી તેને ઠાર મારતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પણ પાછલા કેટલાક દાયકાઓમાં આફ્રિકામાં સિંહોની વસતી થયેલા ઘટાડા પાછળનાં અનેક કારણોમાંનું એક કારણ છે.
ગાયના પાછળના ભાગે આંખો ચિતરવી એ ગાયો અને સિંહે બંનેને બચાવવાનો એક વધુ સંવેદનશીલ વિકલ્પ બની શકે.
અભ્યાસના અગ્રણી વૈજ્ઞાનિકોમાંના એક એવા ઑસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઑફ ન્યૂ સાઉથ વૅલ્સના નીલ જોર્ડને કહ્યું, "સિંહો એવાં શિકારી પશુઓ છે જે પીછો કરીને શિકાર કરવા પર આધાર રાખે છે અને આથી આવું કોઈ આશ્ચર્યકારક તત્ત્વ તેમને શિકાર પડતો મૂકી દેવા વિશે વિચારવા તરફ દોરી જઈ શકે,"
પતંગિયાં, માછલી અને પક્ષીની ઘણી પ્રજાતિઓમાં શરીર ઉપર ખોટી આંખો જેવા આકાર હોવાનું જાણીતું છે.
આવા આકારને કારણે તેઓને શિકારી પશુઓને મૂંઝવણમાં મૂકી પીછો છોડાવવામાં મદદ મળે છે.પરંતુ ગાયો જેવાં સસ્તન પ્રાણીઓમાં કુદરતી રીતે તેમનાં શરીર ઉપર આવી આંખોનો આકાર હોતો નથી કે જે તેને અન્ય હુમલાખોર પ્રાણીઓથી રક્ષણ આપી શકે.
અભ્યાસ સાથે જોડાયેલા કેમેરોન રેડફોર્ડે કહ્યું, "અમારી જાણ પ્રમાણે અમારું સંશોધન મોટાં સસ્તન પ્રાણીઓનો શિકાર કરતાં પશુઓને શિકાર કરતા રોકવા માટેની દિશામાં થયેલું પહેલું સંશોધન છે"
"અમારું માનવું છે કે તે આંખો સામે જન્મજાત પ્રતિક્રિયાની હાજરી બાબતે સૂચન કરી શકે, જેના ઉપર વ્યવહારની પરિસ્થિતિઓ જેવી કે માણસ અને વન્યસૃષ્ટિ વચ્ચેના ઘર્ષણ અને માણસો દ્વારા થતી ગુનાહિત પ્રવૃત્તિઓ વગેરેમાં વર્તણૂકના સુધારાના વિષયમાં વધુ કામ કરી શકાય. "
યુનિવર્સિટી ઑફ ન્યૂ સાઉથ વૅલ્સ, સિડની, તોરંગા કન્ઝર્વેશન સોસાયટી ઑસ્ટ્રેલિયા અને બોત્સ્વાના પ્રિડેટર કન્ઝર્વેશન દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસને કૉમ્યુનિકેશન્સ બાયોલૉજીની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો