ચીનમાં હવે અનાજની ભયંકર તંગી સર્જાવા જઈ રહી છે?

ચીનનું બાળક

ઇમેજ સ્રોત, GUANG NIU

    • લેેખક, સુરભી કૌલ
    • પદ, બીબીસી મૉનિટરિંગ

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મહિને 2013ના 'કલીન યૉર પ્લેટ્સ કૅમ્પેન'નો નવો તબક્કો શરૂ કરાવ્યો છે અને લોકોને ભોજનનો વ્યય ન કરવા કહ્યું છે.

આ ઉપરાંત તેમણે ઓછા ખર્ચને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી છે.

ચીનના સરકારી સમાચારપત્ર 'ધ ગ્લોબલ ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર જિનપિંગે ભોજનના વ્યયને 'આશ્ચર્યમાં મૂકનારો અને નિરાશાજનક' ગણાવતા આ મુદ્દા ઉપર જાગૃતિ ફેલાવવા કહ્યું છે.

એમણે કહ્યું કે એવું સામાજિક વાતાવરણ તૈયાર કરવામાં આવે, જેમાં ભોજનનો વ્યય કરવો એ 'શરમજનક બાબત' ગણાય.

ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN)એ જિનપિંગના હવાલાથી કહ્યું છે, "ચીને અનેક વર્ષોથી બમ્પર ઉત્પાદન કર્યું છે, પરંતુ હજુ પણ ખાદ્યસુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. કોવિડ-19ની અસર આપણા માટે ચેતવણી જેવી છે."

શી જિનપિંગના નિવેદન પછી એમને અનુસરતા અલગ-અલગ મંચો ભોજનનો વ્યય ન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા લાગ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ અંગે સરકારી મીડિયાએ આંકડાઓનો હવાલો પણ આપ્યો. આંકડા અનુસાર ચીનના મોટા શહેરોના લોકોએ વર્ષ 2015માં 17થી 18 ટન જેટલાં ભોજનનો વ્યય કર્યો છે.

ચીનના એક અન્ય સરકારી મીડિયા સીસીટીવીએ એવા લોકોની ટીકા કરી કે જેઓ પોતાના લાઇવ સ્ટ્રીમિંગ કરીને ઘણું બધું ખાવાનું ખાય છે અને પછી ઊલટી કરી દે છે.

સરકારી મીડિયાના આ અભિયાનો બાદ વિશ્લેષકોનાં મનમાં આશંકા ઊભી થઈ છે કે શું આની આડમાં ચીનમાં ખાદ્યસંકટની વાતને છુપાવવામાં આવી રહી છે?

line

સરકારી મીડિયા માટે બધું 'લીલું જ લીલું'

ચીનમાં શાકભાજીની દુકાન

ઇમેજ સ્રોત, NICOLAS ASFOURI

કોવિડ-19 અથવા અનેક પ્રાંતોમાં કુદરતી આપત્તિઓને કારણે પાક નાશ પામવાથી ખાદ્ય સંકટ સર્જાયું છે કે કેમ, તે વાતને સરકારી મીડિયાએ મહત્ત્વ આપ્યું નથી.

મીડિયાએ એ વાત પર પણ ભાર આપ્યો છે કે ચીને ખાદ્યઉત્પાદન, તીડના પ્રકોપ અને મહામારીની અસરને યોગ્ય રીતે કાબૂમાં રાખી છે.

સરકારી મીડિયાએ એ વાત પર ભાર આપ્યો છે કે વરસાદને કારણે દેશના દક્ષિણ ભાગમાં આવેલા પૂરમાં પાક બરબાદ થવા છતાં ખાદ્યસુરક્ષાના મોરચે ચીન પૂરી રીતે તૈયાર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

સરકારી સમાચાર એજન્સી 'શિન્હુઆ'નું કહેવું છે કે ચીન તીડના પ્રકોપ અને પૂર છતાં 'વસંતમાં શાનદાર પાકઉત્પાદન' થવાને લઈને આશ્વસ્ત છે.

ચીની મીડિયાએ એમ પણ દાવો કર્યો છે કે દેશમાં ધાન, ઘઉં અને અન્ય અનાજનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે.

મીડિયાએ ત્યાં સુધી કહ્યું છે કે આ વર્ષે તો ધાનની વધુ ઊપજ થઈ છે. ચીની કૃષિ મંત્રાલયના આંકડાના હવાલેથી જણાવાયું છે કે ચીનમાં 2019માં કુલ અનાજનું ઉત્પાદન 664 મિલિયન ટન થયું છે.

ચીનની ટીવી ચેનલ CGTN અનુસાર તેમાં 210 મિલિયન ટન ચોખા અને 125 મિલિયન ટન ઘઉં છે, જ્યારે કે હાલ દેશમાં ચોખાની ખપત 143 મિલિયન ટન અને ઘઉંની ખપત 125 મિલિયન ટન છે.

ગ્લોબલ ટાઇમ્સે એક રિપોર્ટમાં લખ્યું છે કે ચીન માટે મહામારી અથવા પૂરને કારણે ખાદ્યાન્નની અછત થવાથી વધુ મોટું સંકટ ખાવાની ચીજોનો વ્યય કરવાથી પેદા થઈ શકે છે.

line

ચીને ગણાવ્યા 'ફેક ન્યૂઝ'

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિન

ઇમેજ સ્રોત, POOL

ચીની મીડિયા અને કડક નિયંત્રણવાળા 'વીબો' જેવા ચીની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર અહેવાલ જોવા મળી રહ્યા છે, જેમાં લોકોને અનાજ ભેગું ન કરવા માટે કહેવાઈ રહ્યું છે.

સાથે-સાથે અનાજની અછતને લઈને ચલાવાઈ રહેલા 'ફેક ન્યૂઝ પર ભરોસો ન કરવા' માટે કહેવાઈ રહ્યું છે.

સરકારી મીડિયામાં આને લઈને સંપાદકીય, અહેવાલો અને ટિપ્પણીઓ પ્રકાશિત થઈ રહ્યાં છે કે પશ્ચિમનું મીડિયા દેશની ખાદ્યાન્નસુરક્ષા અને ભોજનના વ્યયને રોકવાના અભિયાનને ખોટી રીતે સમજી રહ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં કોરોના વાઇરસની મહામારી વખતે પણ આવા જ અહેવાલ આવ્યા હતા.

ચીની મીડિયા અને વિશ્લેષકોએ સરકારી થિન્ક ટૅન્કના એ અહેવાલ પર લોકોની ચિંતાને ગેરવાજબી ઠેરવવાનો પ્રયત્ન કર્યો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે 2025 સુધીમાં ચીનમાં ખાદ્યપુરવઠામાં 123 મિલિયન ટનનો તફાવત આવી શકે છે.

આની પાછળ શહેરીકરણ, ગ્રામીણ વિસ્તારોમાં શ્રમ કરતા લોકોની ઉંમરમાં વધારો અને વ્યક્તિદીઠ ભોજનની ખપત વધવાને જવાબદાર ગણાવવામાં આવ્યું છે.

ચાઇનીઝ ઍકેડમી ઑફ સોશિયલ સાયન્સ(CASS)ની રૂરલ ડેવલપમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ચાઇના સોશિયલ સાયન્સ તરફથી 17 ઑગસ્ટે સંયુક્તરૂપે જાહેર કરાયેલા 'ધ રૂરલ ડેવલપમૅન્ટ રિપોર્ટ 2020'માં એમ પણ કહેવાયું છે કે ઘઉં, ચોખા અને મકાઈનો ઘરેલુ પુરવઠો પણ 2025 સુધી માંગથી 25 મિલિયન ટન ઓછો રહેશે.

જોકે આ રિપોર્ટ તૈયાર કરવામાં સામેલ સંશોધક લી ગૂશિયાંગે કહ્યું કે કેટલીક મીડિયા સંસ્થાઓએ અહેવાલનો ખોટો અર્થ કાઢ્યો.

એમણે 19 ઑગસ્ટે ચીનના સરકારી સમાચારપત્ર 'ધ ગ્લોબલ ટાઇમ્સ'માં લખ્યું હતું, "હકીકતમાં ઘરેલુ પુરવઠામાં જે અછત થાય એને આયાત કરીને પૂરી કરી શકાય, એવામાં ચીનની ખાદ્યસુરક્ષા સામે કોઈ મુશ્કેલી નહીં આવે."

શાંઘાઈથી સંચાલિત થતી ખાનગી બિઝનેસ ન્યૂઝ વેબસાઇટ 'યીસાઈ'ના રિપોર્ટર ચેન હુઈ અને હૂ જુનહુઆએ 16 ઑગસ્ટે લખ્યું હતું કે સીએએસએસના અહેવાલમાં જે ફૂડ સપ્લાય ગૅપની વાત કરવામાં આવી છે, તે ચીનના અનાજના ઉત્પાદનની વિશાળ ક્ષમતાની સરખામણીમાં કંઈ જ નથી.

જોકે એમણે એ વાત પર પણ ભાર આપ્યો હતો કે આયાત પર નિર્ભર થવું ચીનની રાષ્ટ્રીય સુરક્ષા માટે બરાબર નહીં હોય.

એમણે લખ્યું હતું, "ચીન નીતિગતરૂપે આયાત પર નિર્ભર ન રહી શકે. 1.4 અબજ લોકોનું પેટ ભરવા માટે આયાત ઉપર નિર્ભર રહેવું વ્યવહારિક નથી લાગતું."

line

પશ્ચિમી મીડિયા પર દોષારોપણ

ચીનની દુકાન

ઇમેજ સ્રોત, FREDERIC J. BROWN

અંગ્રેજીમાં છપાતા સરકારી મીડિયા, ખાસ કરીને 'ધ ગ્લોબલ ટાઇમ્સ'એ ચીનની ખાદ્યસુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાને લઈને પશ્ચિમના મીડિયા ઉપર નિશાન સાધ્યું છે.

17 ઑગસ્ટે છપાયેલા એક લેખ અનુસાર કેટલાક પશ્ચિમી મીડિયાએ ખોટી ખબરો છાપી છે કે દક્ષિણ ચીનમાં ભારે પૂર અને અમેરિકા સાથે વધતા તણાવને કારણે ખાદ્યસંકટનું જોખમ મંડરાય છે.

જોકે ચીની ભાષાના સ્થાનિક મીડિયાએ આ મુદ્દે વિદેશી મીડિયા પર આરોપ મૂકવાની જગ્યાએ દેશની અંદર 'ઑનલાઇન ફેલાયેલી અફવાઓ' પર નિશાન સાધ્યું છે.

ચોથી ઑગસ્ટે સરકારી સમાચારપત્ર 'ઇકૉનૉમિક ડેઇલી'એ અનાજના સંકટને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ચીનના મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર સરકારના ભોજનનો વ્યય ન કરવાના અભિયાનના પક્ષમાં છે.

ખાવાની ચીજોના વ્યયને રોકવા માટે ચલાવાઈ રહેલા અભિયાન હેઠળ રેસ્ટોરાંના ગ્રાહકોને વધુ ખાવાનું ઑર્ડર કરવા દેતા નથી.

જો ખાવાનું વધે તો એને ઘરે લઈ જવા માટે કહેવામાં આવે છે. કેટલાક લોકો અનાજની બરબાદી બચાવવા માટે વધુ કડક પગલાં ઉઠાવી રહ્યા છે.

કેટલાકે અનાજમાંથી બનતા દારૂના ઉત્પાદનને રોકવાની સલાહ આપી છે.

'મોટા પેટવાળા સ્ટાર્સ' એટલે કે લાઇવ સ્ટ્રીમિંગ કરીને ઘણું બધું ખાવાનું ખાતા લોકો વિરુદ્ધ અભિયાન ચલાવવાનું ચલણ પણ ચીની સોશિયલ મીડિયા યૂઝર્સ વચ્ચે વધ્યું છે. તેઓ આવા વીડિયોને 'વાહિયાત' અને 'વિનાશ કરનારા' ગણાવવા લાગ્યા છે.

જોકે કેટલાક લોકોએ આ વ્યવહારનો વિરોધ પણ કર્યો છે. જેમ કે એક વીબો યૂઝરે 13 ઑગસ્ટે લખ્યું, "લોકોને ખાવાની સ્વતંત્રતા છે અને બાકી લોકોને જોવાની. જે સમાજમાં બધી ચીજો ઉપર રોક હોય તે ઘણો ખરાબ હોય છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો