You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે અને કઈ રીતે યોજાશે?
- લેેખક, વિઝ્યુઅલ અને ડેટા જર્નલિઝ્મ ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
યુદ્ધ, વૈશ્વિક રોગચાળો અને જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ સામે વિશ્વ કેવી રીતે લડશે, તે નક્કી કરવામાં અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી ભૂમિકા હોય છે. દર ચાર વર્ષ બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે અને સમગ્ર વિશ્વની નજર તેના પર હોય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આ ચૂંટણી કઇ રીતે થાય છે.
3 નવેમ્બરે યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો તમને રસ છે તો અહીં જે માહિતી આપવામાં આવી છે એ તમને મદદરૂપ થઈ શકે છે.
ચૂંટણી કઈ તારીખે છે અને ઉમેદવારો કોણ છે?
અમેરિકના રાષ્ટ્રપતિની ચૂંટણી કાયમ નવેમ્બર મહિનાના પ્રથમ મંગળવારે યોજાય છે. આ વર્ષે ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે.
અન્ય દેશોની વિપરીત, અમેરિકાની રાજકીય વ્યવસ્થામાં મુખ્યત્વે બે પક્ષોનું જ વર્ચસ્વ છે. બેમાંથી એક પક્ષનો ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે.
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સૌથી જૂના પક્ષ તરીકે જાણીતી છે. આ વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પક્ષના ઉમેદવાર છે અને તેઓ બીજીવાર રાષ્ટ્રપતિ બનવા માટે પ્રયાસ કરી રહયા છે.
ટેક્સમાં ઘટાડો કરવા બદલ અને બંદૂક રાખવાનો અધિકાર આપવાના કારણે પક્ષ ચર્ચામાં આવ્યો હતો. રિપબ્લિકન પાર્ટીએ અમેરિકા આવતા પ્રવાસીઓ પર પણ કડક પ્રતિબંધ લાદ્યા હતા
દેશના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં આ પક્ષનો પાયો બહુ મજબૂત છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ જ્યોર્જ ડબલ્યુ. બુશ, રોનાલ્ડ રીગન અને રિચાર્ડ નિક્સન રિપબ્લિકન પાર્ટીના નેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાનો બીજો મોટો પક્ષ છે ડેમૉક્રેટ્સ લિબરલ પાર્ટી. આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં જો બાઇડન આ પક્ષમાંથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે.
તેઓ એક અનુભવી નેતા છે. બરાક ઓબામા બે વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમના કાર્યકાળમાં જો બાઇડને દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીના બંને ઉમેદવારોએ તેમની ઉંમરના સાત દાયકા પૂર્ણ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 74 વર્ષના છે અને જો બાઇડન 78 વર્ષના છે.
બાઇડન જો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તો પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રપતિ બનનારા તેઓ સૌથી વૃદ્ધ વ્યક્તિ હશે.
વિજેતા કઈ રીતે નક્કી થાય છે?
એવું નથી કે રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર જ કાયમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવે.
2016ની સાલમાં હિલેરી ક્લિન્ટનના કિસ્સામાં આવું બન્યું હતું. સમગ્ર દેશમાંથી સૌથી વધુ મત મળ્યા હોવા છતાં તેઓ ચૂંટણી હારી ગયાં હતાં.
ઉમેદવારોએ ઇલેક્ટોરલ કૉલેજ વોટમાં જીત મેળવવી પડે છે. દરેક રાજ્યની અંદર ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટોરલ કૉલેજ વોટ હોય છે. આ વોટ રાજ્યની વસ્તી પર આધારિત હોય છે. કુલ 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે, જેમાંથી 270 કે તેથી વધુ મત મેળવનારની જીત થાય છે.
સરળ શબ્દોમાં કહીએ તો અમેરિકાનો રાષ્ટ્રપતિ ચૂંટવા માટે વોટરને રાષ્ટ્રીય સ્તરે નહીં પણ રાજ્ય કક્ષાએ થતાં મુકાબલામાં પોતાનો મત આપવાનો હોય છે.
જો કોઈ ઉમેદવારને સૌથી વધુ મતો મળે તો એનો અર્થ એવો થયો કે તેમને રાજ્યનાં બધા ઇલેક્ટોરલ કૉલેજ વોટ મળ્યા છે.
મોટા ભાગનાં રાજ્યોમાં કોઈ પણ એક પક્ષ તરફ વધુ ઝુકાવ હોય છે. મતલબ કે જે રાજ્યમાં તેમની જીતવાની સંભાવના છે, તેમાં ઉમેદવારો વધુ ધ્યાન આપે છે. આવા રાજ્યોને યુદ્ધ રાજ્ય કહેવામાં આવે છે.
કોણ મત આપી શકે અને મતદાન કેવી રીતે થાય?
જો તમે અમેરિકાના નાગરિક છો અને તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકો છો. જો કે ઘણાં રાજ્યોમાં નિયમ છે કે ઓળખપત્ર વગર મત નહીં આપી શકો.
રિપબ્લિકન પાર્ટીએ આ કાયદા પર વિશેષ ભાર મૂક્યો છે. પક્ષનું માનવું છે કે મતદાનમાં થતી ગેરરીતિ અટકાવવા માટે આ જરૂરી છે.
પરંતુ ડેમૉક્રેટ્સનો આરોપ છે કે આ કાયદાનો દુરૂપયોગ કાયમ ગરીબ અને લઘુમતી મતદારોને દબાવવા માટે કરવામાં આવે છે. આવા મતદારો ડ્રાઇવિંગ લાઇસન્સ જેવાં ઓળખકાર્ડ બતાવવામાં અસમર્થ હોય છે.
દરેક રાજ્યમાં કેદીઓના મતદાન માટે જુદા-જુદા નિયમો છે. મોટાભાગના કેસોમાં, દોષી સાબિત થયા પછી વ્યક્તિ મત આપવાનો અધિકાર ગુમાવી બેસે છે. પરંતુ સજા કાપી લીધા બાદ તેમને ફરીથી મત આપવાનો અધિકાર મળી જાય છે.
ચૂંટણીના દિવસે લોકો મતદાનમથક પર મતદાન કરે છે. હાલનાં વર્ષોમાં વૈકલ્પિક વ્યવસ્થા પણ શરૂ થઈ ગઈ છે. વર્ષ 2016માં 21 ટકા મતદારોએ પોસ્ટથી પોતાનો મત આપ્યો હતો.
કોરોના વાઇરસના કારણે મતદાન મથક પર લોકોને મતદાન કરવા દેવું જોઈએ કે નહીં એ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક નેતાઓ પોસ્ટલ મતદાનની તરફેણ કરી રહ્યા છે પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને લાગે છે કે આનાથી મતદાનમાં ગડબડ થઈ શકે છે.
શું આ ચૂંટણી ફક્ત રાષ્ટ્રપતિની પસંદગી માટે છે?
ના. આ ચૂંટણીમાં બધાનું ધ્યાન ભલે ટ્રમ્પ અને બાઇડન પર છે, પરંતુ મતદારો સંસદના નવા સભ્યોની પણ પસંદગી કરશે.
કૉંગ્રેસમાં પહેલાંથી જ ડેમૉક્રેટ્સની બહુમતી છે. તેઓ આ બહુમતી જાળવી રાખવા અને સેનેટમાં બહુમતી મેળવવાનો પ્રયાસ કરશે.
જો ડેમૉક્રેટ્સને બંને ગૃહોમાં બહુમતી મળી જાય છે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની યોજનાઓ લાગુ કરવાની સ્થિતિમાં રહેશે નહીં.
આ વર્ષે ગૃહની તમામ 435 બેઠકો અને 33 સેનેટ માટે ચૂંટણી યોજાઈ રહી છે.
પરિણામ ક્યારે આવશે?
આમાં ઘણા દિવસો લાગી શકે છે કારણ કે બધા મતોની ગણતરી કરવી પડે છે. મતગણતરીના પહેલા કલાકોમાં જે વલણ આવે તેનાથી અંદાજ લગાવી શકાય છે કે કોણ જીતી રહ્યું છે.
2016માં ડોનાલ્ડ ટ્રમ્પે સવારે ત્રણ વાગ્યે ન્યૂયૉર્કમાં પોતાનું વિજય ભાષણ આપ્યું હતું.
પરંતુ તમે હજી અલાર્મ સેટ નહીં કરો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે પોસ્ટલ બૅલેટમાં જે પ્રકારે વધારો થયો છે, તેને જો ધ્યાને લઈએ તો મત ગણતરીમાં ઘણા દિવસો અથવા તો અઠવાડિયાં લાગી શકે છે.
વિજેતા ઉમેદવાર કાર્યભાર ક્યારે સંભાળશે?
જો બાઇડન જીતી પણ જાય તો પણ તરત રાષ્ટ્રપતિ નહીં બને. કૅબિનેટ પ્રધાનોની પસંદગી માટેની અને યોજનાઓ બનાવવા માટેની એક નિશ્ચિત સમયમર્યાદા છે.
નવા રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરીએ સત્તાવાર શપથ લે છે. આ શપથગ્રહણ સમારોહ વૉશિંગ્ટન ડીસીસ્થિત કૅપિટલ બિલ્ડિંગનાં પગથિયાં પર યોજાય છે.
સમારોહ પછી, ચાર વર્ષ માટે પોતાનો કાર્યભાર સંભાળવા માટે નવા પ્રમુખ વ્હાઇટ હાઉસ તરફ આગળ વધે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો