બહેરીનમાં ગણેશની મૂર્તિ તોડનાર મહિલા સામે શું કાર્યવાહી કરાઈ?

ગણેશમૂર્તિ

ઇમેજ સ્રોત, Getty Images

બહેરીનની પોલીસનું કહેવું છે કે એક દુકાનમાં હિંદુ મૂર્તિઓ તોડનાર મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા દુકાનમાં ઘૂસીને ગણેશ ભગવાનની મૂર્તિઓ તોડતાં દેખાય છે. આ વીડિયો ઝુફૈરના માનમા વિસ્તારનો હોવાનું મનાય છે.

એ વીડિયોમાં 'બહેરીન મુસલમાનોનું છે', એવું મહિલા કહી રહી હોવાનું સંભળાય છે.

પોલીસે ટ્વિટર પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે 54 વર્ષનાં આ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને હવે તેમને પ્રૉસિક્યૂટર પાસે મોકલવામાં આવ્યાં છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતની આ યુવતીઓ ગણેશોત્સવમાં 30 કિલોના ઢોલ સાથે મચાવે છે ધૂમ

બહેરીનના એક ટોચના અધિકારીએ આને 'નફરતપ્રેરિત કૃત્ય' ગણાવતાં નિંદા કરી છે.

શાહી પરિવારના સલાહકાર ખાલિદ બિન અહમદ અલ ખલીફાએ એક ટ્વીટમાં કહ્યું, "ધાર્મિક પ્રતીકોને તોડવાં એ બહેરીનના લોકોની પ્રકૃતિમાં નથી. આ એક ગુનો છે, જે નફરતનું પ્રતીક છે, જેનો અમે અસ્વીકાર કરી ચૂક્યા છીએ."

તેમણે કહ્યું કે બહેરીનમાં અંદાજે 17 લાખ લોકો રહે છે, જેમાંથી અડધાથી વધારે લોકો બહારથી આવ્યા છે.

બહેરીનના ગૃહમંત્રાલય દ્વારા પણ આ અંગે ટ્વીટ કરવામાં આવ્યું છે.

કૅપિટલ પોલીસે 54 વર્ષીય મહિલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. આ મહિલા પર ઝુફૈરમાં તોડફોડ કરવાનો અને ચોક્કસ સંપ્રદાયને હાનિ પહોંચાડવાનો આરોપ છે.

સોશિયલ મીડિયામાં આ ઘટના અંગે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ વિદેશમંત્રી અને બહેરીનના રાજપરિવારના રાજાના સલાહકાર રહી ચૂકેલા શેખ ખાલિદ અલ ખલીફાએ કહ્યું છે કે આ પ્રકારની કોઈ પણ ઘટનાનું સમર્થન કરી ન શકાય.

બહેરીનમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રહે છે અને એ પૈકી મોટાભાગના એશિયા મૂળના છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો