બૈરુત વિસ્ફોટ : 'અહીં ચારે બાજુ કાં તો મૃતદેહો પડ્યા છે કાં તો ઘાયલ લોકો'

લેબનનની રાજધાની બૈરુતમાં થયેલા જીવલેણ વિસ્ફોટ બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ છે.

રાહતકાર્યમાં જોતરાયેલા લોકો એ 100થી વધુ લોકોની શોધખોળ ચલાવી રહ્યા છે, વિસ્ફોટ બાદ જેમની કોઈ ભાળ મળી નથી.

મંગળવારે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મૃત્યુ થયાં અને ચાર હજારથી વધુ લોકોને ઈજા પહોંચી.

બૈરુતના બંદર વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં સમગ્ર શહેર ધ્રૂજી ગયું હતું.

રાષ્ટ્રપતિ માઇકલ ઇયોને જણાવ્યું છે કે અસુરક્ષિત ગોદામોમાં રખાયેલા 2750 ટન ઍમોનિયમ નાઇટ્રેડને લીધે આ વિસ્ફોટ થયો હતો.

આ રસાયણનો ઉપયોગ ખેતીકામમાં ખાતર તરીકે અથવા તો વિસ્ફોટક તરીકે કરવામાં આવે છે.

તેમણે બુધવારે કૅબિનેટની આપાતકાલીન બેઠક પણ બોલાવી છે અને કહ્યું કે દેશમાં બે સપ્તાહ માટે કટોકટી લાદી દેવી જોઈએ.

બુધવારે દેશમાં ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

મૃતદેહો અને ઘાયલ લોકો

સ્થાનિક મીડિયામાં કાટમાળમાં દબાયેલા લોકો, વિસ્ફોટને પગલે બરબાદ થઈ ગયેલી ઇમરાતો અને ગાડીઓના વીડિયો ફૂટેજ બતાવવામાં આવી રહ્યાં છે.

એવા અહેવાલો છે કે હૉસ્પિટલોમાં ક્ષમતા કરતાં વધુ ઈજાગ્રસ્ત લોકોને દાખલ કરાયા હતા. લેબનન રેડ ક્રૉસના વડા જ્યૉર્જ કૅટ્ટાનીએ આ ઘટનાને 'બહુ મોટી ત્રાસદીનાં દૃશ્યો' ગણાવી છે.

તેમણે કહ્યું, "અહીં ચારે બાજુ ઘાયલ લોકો છે કાં તો મૃતદેહો."

તેમના સંગઠને જણાવ્યું કે રાહત અને બચાવકાર્ય ચાલુ છે અને 100થી વધુ લોકોનો શોધખોળ કરાઈ રહી છે.

બીજા દેશમાં સંભળાયો અવાજ

બીબીસીનાં લીના સિન્જાબનું ઘર બંદરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે છે. તેમણે જણાવ્યું કે તેમણે વિસ્ફોટનો અનુભવ્યો હતો.

તેમણે જણાવ્યું, "માર ઘરની ઇમારત ધ્રૂજી રહી હતી. લાગી રહ્યું હતું કે તૂટી પડશે. તમામ બારીઓ પોતાની મેળે ખૂલી ગઈ હતી."

બૈરુતમાં જે જગ્યાએ વિસ્ફોટ થયો ત્યાંથી 150 માઇલના અંતરે આવેલા ટાપુરાષ્ટ્ર સાઇપ્રસમાં પણ તેનો અવાજ સંભળાયો હતો.

કોઈ ભૂકંપ આવ્યો હોય એવું ત્યાંના લોકોને લાગ્યું હતું.

અહીં શું થયું?

મંગળવારે સ્થાનિક સમયાનુસાર સાંજે છ વાગ્યે બંદર પર આગ લાગ્યા બાદ વિસ્ફોટો થયા હતા.

ઘટનાના સાક્ષી હાદી નસરાલ્લાહે જણાવ્યું કે તેમણે આગ લાગતી તો જોઈ હતી પણ એમને અંદાજ નહોતો કે આટલો પ્રંચડ વિસ્ફોટ થશે.

બીબીસીને તેમણે જણાવ્યું, "થોડી ક્ષણો પૂરતું તો લાગ્યું કે મેં મારી સાંભળવાની શક્તિ ગુમાવી દીધી છે. મને ખબર હતી કે કંઈક તો ખોટું થયું છે પણ ત્યાં જ મારી ગાડી, આજુબાજુની ગાડીઓ, દુકાનો ઉપર ચારેતરફથી કાંચના ટુકડા અચાનક આવી પડ્યા. આખી ઇમારતમાંથી કાચ તૂટીને નીચે પડી રહ્યા હતા."

બીબીસીની અરબી સેવાનાં સંવાદદાતા મરિયમ તાઉમી ઘટનાસમયે બૈરુતમાં 'મોરક્કન એજન્સી ફૉર સસ્ટેનેબલ ઍનર્જી'નામની એક સંસ્થાના સભ્યનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વિસ્ફોટને લીધે મરિયત પોતાની ખુરશીમાંથી નીચે પડી ગયાં. હવે તેઓ સુરક્ષિત છે.

રાષ્ટ્રીય શોકની જાહેરાત

લેબનનના વડા પ્રધાન હસન દિયાબે આ આ ઘટના માટે એક ખતરનાક વૅરહાઉસને જવાબદાર ગણાવ્યું, જે ત્યાં વર્ષ 2014માં બન્યું હતું. તેમણે આને એક પ્રલયકારી ઘટના ગણાવી છે અને કહ્યું છે કે જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે.

તો લેબનનના રાષ્ટ્રપતિ મિશેલ આઉને કહ્યું છે કે આ વાતને કોઈ પણ કાળે સ્વીકારી શકાય નહીં કે આખરે કઈ રીતે 2,750 ટન ઍમોનિયમ નાઇટ્રેડ ત્યાં અસુરક્ષિત રીતે રાખવામાં આવ્યો હતો.

આ વિસ્ફોટ એટલો જબદસ્ત હતો કે એનો અવાજ 240 કિલોમિટર દૂર સાઇપ્રસ સુધી સાંભળી શકાયો હતો.

લેબનનના વડા પ્રધાન હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે.

લેબનનની સ્થિતિ

લેબનનમાં આ વિસ્ફોટ એક અત્યંત સંવેદનશીલ સમયમાં થયો છે. દેશમાં કોરોના વાઇરસના ચેપનો ફેલાવો વધી રહ્યો છે. હૉસ્પિટલોમાં પહેલાંથી જ જગ્યાની ઘટ છે.

એવામાં હવે હજારો ઘાયલ લોકોની સારવાર કરવાની પણ જવાબદારી આવી પડી છે. બીજી બાજુ, દેશ મોટા આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યો છે.

લેબનન પોતાની જરૂરિયાતનું સીધુંસામાન વિદેશોમાંથી આયાત કરે છે અને તેને બંદર નજીક ગોદામોમાં રાખવામાં આવ્યું હતું, જે વિસ્ફોટને લીધે નષ્ટ થઈ ગયું છે.

આ ઘટનાને પગલે દેશમાં અન્નની અછત સર્જાવાના પણ અણસાર છે. બૈરુતના બંદરના ભવિષ્યને લઈને પણ શંકા સેવાઈ રહી છે.

વિસ્તારની કેટલીય ઇમારતો બરબાદ થઈ ગઈ છે અથવા તો રહેવા લાયક નથી રહી. કેટલાય લોકો બેઘર થઈ ગયા છે.

રાષ્ટ્રપતિએ 66 મિલિયન ડૉલરની રકમ ઇમરજન્સી ફંડમાંથી જાહેર કરવાની વાત કરી છે. જોકે, આ વિસ્ફોટને લીધે અર્થતંત્ર પર લાંબા ગાળાની અસર પડવાની છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો