You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : આ મહિલા આપી શકે છે પ્રથમ રસી
કોરોના વૅક્સિન બનાવવાની દિશામાં કેટલીક કંપનીઓ કામ કરી રહી છે.
અનેક દેશો પણ વૅક્સિન તૈયાર કરવાની હોડમાં સામેલ છે, પરંતુ આ બધા વચ્ચે ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૅક્સિનટેસ્ટની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે.
દાવો છે કે ઑક્સફર્ડની રસીનું પ્રથમ માનવપરીક્ષણ સફળ રહ્યું છે. જો આગળ પણ બધું બરાબર રહ્યું તો શક્ય છે કે બહુ જલદી કોરોના વાઇરસની એક કારગત વૅક્સિન તૈયાર થઈ જશે.
ઑક્સફર્ડ યુનિવર્સિટી, 'ઍસ્ટ્રાઝેનેકા' નામની દવાકંપની સાથે મળીને આ રસી તૈયાર કરવાની દિશામાં કામ કરી રહી છે.
યુનિવર્સિટીની એક ટીમ સારા ગિલબર્ટના નેતૃત્વમાં કોરોના વાઇરસની રસી પર કામ કરી રહી છે.
કોણ છે સારા ગિલબર્ટ?
સારા ઑક્સફૉર્ડ યુનિવર્સિટીની એ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે કોરોના વાઇરસ બનાવવાની હોડમાં હાલ સૌથી આગળ દેખાય છે.
પ્રોફેસર સારા ગિલબર્ટને પોતાના વિશે એટલી હંમેશાંથી ખબર હતી કે તેઓ એક મેડિકલ-રિસર્ચર બનવા માગે છે પરંતુ 17 વર્ષની ઉંમરે સારાને એ નહોતી ખબર કે શરૂઆત ક્યાંથી કરવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટી ઑફ ઍન્જલિયાથી જીવવિજ્ઞાનમાં ડિગ્રી મેળવ્યા પછી સારાએ બાયૉકૅમિસ્ટ્રીમાં પીએચડી કર્યુ.
તેમણે બ્રુઇંગ રિસર્ચ ફાઉન્ડેશનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમણે અન્ય કેટલીક કંપનીઓ સાથે કામ કર્યું અને ડ્રગ મૅન્યુફૅક્ચરિંગનો અભ્યાસ કર્યો.
ત્યાર પછી તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીની પ્રોફેસર ઍડ્રિયન હિલ્સ લૅબમાં જોડાયાં. અહીં તેમણે જૅનેટિક્સ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. મલેરિયાના રોગની બાબત પર પણ તેમણે ઘણું કામ કર્યું અને બાદમાં રસીની શોધમાં જોડાઈ ગયાં.
ટ્રાયલમાં બાળકોની મદદ
સારા ત્રણ બાળકો (ટ્રિપલેટ્સ)નાં માતા છે. બાળકોના જન્મના એક વર્ષ પછી તેઓ યુનિવર્સિટીમાં લેક્ચરર બની ગયાં અને પછી 2004માં યુનિવર્સિટીમાં રીડર.
2007માં સારાને 'વૅલકમ ટ્રસ્ટ' તરફથી એક ફ્લૂની વૅક્સિન બનાવવાનું કામ મળી ગયું હતું અને ત્યાંથી તેમના પોતાના રિસર્ચ ગ્રુપના નેતૃત્વની શરૂઆત થઈ.
સારાના ત્રણે સંતાનો હવે 21 વર્ષનાં છે અને ત્રણેય બાયૉ-કૅમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહ્યાં છે. સારાનાં ત્રણે સંતાનોએ કોરોના વાઇરસ માટે પ્રયોગાત્મક વૅક્સિનના ટ્રાયલમાં પણ ભાગ લીધો હતો.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે આ ટ્રાયલ તેમનાં માતા એટલે કે સારાએ તૈયાર કરી હતી.
મુશ્કેલ હતી સફર
સારા કહે છે, "કામ અને અંગત જીવનમાં સંતુલન રાખવું ઘણું મુશ્કેલ હોય છે. જ્યારે કોઈ સાથ આપવાવાળું ન હોય તો આ અશક્ય લાગે છે. મારા ટ્રિપલેટ્સ હતા. મારો આખો પગાર નર્સરી ફીસમાં જતો હતો. મારા પાર્ટનરે પોતાની કારકિર્દી છોડીને બાળકોને સંભાળ્યાં હતાં. "
તેઓ કહે છે, " વર્ષ 1998માં બાળકો થયાં અને તે સમયે માત્ર 18 અઠવાડિયાંની મૅટરનિટી લીવ મળતી હતી. ત્યારે બહુ મુશ્કેલી ભરેલો સમય હતો કારણ કે મારી પાસે ત્રણ પ્રીમૅચ્યોર બાળકો હતાં, જેમની સાર સંભાળ મારે લેવાની હતી. હવે ભલે હું એક લૅબની હેડ બની ગઈ હોઉ પણ સિક્કાની બીજી બાજુ પણ મેં જોયેલી છે. "
તેઓ કહે છે કે વૈજ્ઞાનિક હોવા બાબતેની સૌથી સારી વાત એ છે કે તમારા માટે કામનો સમય નક્કી નથી હોતો. એટલે માતા માટે કામ કરવું સહેલું થઈ જાય છે.
પરંતુ સારા એ વાતથી ઇન્કાર નથી કરતાં કે 'ઘણી વખત ગૂંચવણની ઊભી થઈ જાય અને તમારે ત્યાગ કરવો પડે છે.'
જે મહિલાઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરવા માગે છે અને પરિવારની સાથે પણ રહેવા માગે છે, તેમને સારા સલાહ આપે છે :
"પહેલાં તો તમારે સમજવાની જરૂર છે કે આ મુશ્કેલ કામ છે. જરૂરી છે કે તમારી પાસે દરેક વસ્તુ માટે એક યોજના હોવી જોઈએ. એ પણ જરૂરી છે કે જ્યારે તમે કામ પર હો ત્યારે ઘરે રહેવાવાળું પણ કોઈ હોય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો