એ દેશ જ્યાં સેક્સવર્કરોને કરવો પડી રહ્યો છે રેઇનકોટનો ઉપયોગ

લૅટિન અમેરિકન દેશ બોલિવિયામાં કેટલાંક સેક્સવર્કરોનું કહેવું છે કે તેઓ કામ પર પાછાં ફરી રહ્યાં છે પરંતુ સુરક્ષા માટે ગ્લવ્ઝ, બ્લિચ અને પારદર્શી રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યાં છે.

તેઓ કહે છે કે સેક્સવર્કર્સ માટે કામ કરનારી સંસ્થા 'ઑર્ગેનાઇઝેશન ઑફ નાઇટ વર્કર્સ ઑફ બોલિવિયા' (ઓટીએન-બી)ના સૂચન પર તેઓ આવું કરી રહ્યાં છે અને તેનાથી તેમને સુરક્ષિત રહેવામાં મદદ મળશે.

બોલિવિયામાં દેહવેપાર કાયદેસર છે પરંતુ ત્યાં માત્ર લાઇસન્સ ધરાવતાં વેશ્યાલયોમાં જ કેટલાક નિયમોની સાથે તેની અનુમતિ છે.

કોરોના મહામારીને કારણે માર્ચમાં અહીં પણ લૉકડાઉન લાગુ કરી દેવાયું હતું પરંતુ હવે તેમાં છૂટ આપી દેવામાં આવી છે.

પરંતુ અત્યારે સેક્સવર્કરો પર દિવસ દરમિયાન કેટલાંક નિયંત્રણો લદાયેલા છે અને રાત્રે કર્ફ્યુનો અમલ કરવો પડે છે.

વૅનેસા એક સેક્સવર્કર છે, તેમને બે બાળકો છે. તેઓ કહે છે કે બાળકોના શિક્ષણ માટે કામ કરવું જરૂરી છે.

તેઓ કહે છે, "અમારા ગ્રાહક સુરક્ષાની બાબતમાં સાવચેતી રાખે છે. તેઓ સમજે છે કે અમે જે સાવચેતી વર્તી રહ્યાં છીએ એ અમારી અને તેમની સુરક્ષા માટે છે."

એક અન્ય યૌનકર્મી ઍન્ટોનિએટા કહે છે કે તેઓ પેપર ફેસ માસ્ક, પ્લાસ્ટિકનો પડદો, ગ્લવ્ઝ અને રેઇનકોટ વાપરી રહ્યાં છે. તેઓ વેશ્યાલયમાં પોતાના ગ્રાહકો સામે ડાન્સ કરતાં સૅનિટાઇઝેશન માટે તેમના ખભા ઉપર બ્લિચ પણ છાંટે છે.

તેઓ કહે છે, "બાયૉ-સૅફટી સૂટથી અમે પોતાનું કામ પણ કરી શકીશું અને સુરક્ષિત પણ રહીશું."

ઓટીએન-બીના લોકોએ ગત મહિને સ્વાસ્થ્યમંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને યૌનકર્મીઓને સુરક્ષિત રહેવા સંબંધી 30 પાનાનું એક મૅન્યુઅલ પણ આપ્યું હતું.

બોલિવિયામાં ઓછાં પરીક્ષણોને લીધે ચિંતા

બોલિવિયામાં અત્યાર સુધી 50 હજાર કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની પુષ્ટિ થઈ છે અને મરણાંક 1900 નોંધાયો છે.

છેલ્લા અઠવાડિયે બોલિવિયાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ જીનિન આનેઝ શાવેઝે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ પણ કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે.

પરંતુ બોલિવિયામાં કોરોના વાઇરસનાં પરીક્ષણો મર્યાદિત પ્રમાણમાં કરાઈ રહ્યાં હોવાનો આરોપ છે. બોલિવિયા લૅટિન અમેરિકાના સૌથી ગરીબ દેશોમાંથી એક છે. આંકડા પ્રમાણે અહીં દર દસ લાખની વસતી સૌથી ઓછાં પરીક્ષણો કરાયાં છે.

પરંતુ પાડોશી દેશ બ્રાઝિલથી બોલિવિયાની સરખામણી ન થઈ શકે, જે કોરોના મહામારીની સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે.

અત્યાર સુધી બ્રાઝિલમાં 20 લાખ લોકો ચેપગ્રસ્ત થયા છે અને મરણાંક 75 હજારથી વધારે છે.

બોલિવિયામાં સેકસવર્કરોના સંઘનાં એક સભ્ય લિલી કૉર્ટ્સ કહે છે કે બધા માટે આ મુશ્કેલ સમય છે પરંતુ મહિલાઓ માટે પ્રતિબંધોને લીધે મુશ્કેલી બહુ વધી ગઈ છે.

તેઓ કહે છે, "અમે લોકો બોલિવિયાના સમાજનો ભાગ છીએ. અમે લોકો સેક્સવર્કર છીએ, મહિલા છીએ, માતા-કાકી અને દાદી-નાની છીએ. અમને પણ અમારા કામના સમયને લઈને ચિંતા છે પરંતુ બદનસીબે સેક્સકર્મીને કામ માટે બહાર નીકળવું જ પડશે અને તેનું પરિણામ ખરાબ હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો