નેપાળની ભારતીય મીડિયા પર 'કાર્યવાહી'ની ચેતવણી - TOP NEWS

નેપાળ સરકારે કહ્યું છે કે તેઓ 'ખોટા અને મનઘડંત' સમાચાર પ્રસારિત કરવા બદલ ભારતીય મીડિયા ચેનલો સામે 'રાજકીય અને કાયદાકીય કાર્યવાહી' કરી શકે છે.

નેપાળમાંના ચીનના રાજદૂતે કૉમ્યુનિસ્ટ પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેના સમાચારો આ ચેનલ્સ પર દર્શાવાયા હતા.

નેપાળ મુજબ તેમાં રાજકીય સ્તરે તેમની વાતચીતની મજાક ઉડાવવામાં આવી છે.

ગુરુવારે સાંજે નેપાળના કૅબલ ઑપરેટરોએ એમ કહીને ભારતીય ચેનલોનું પ્રસારણ રોકી દીધું હતું કે "આમાં નેપાળના વડા પ્રધાન અંગે વાંધાજનક સમાચારો દર્શાવવામાં આવી રહ્યા છે."

નેપાળ સરકારના પ્રવક્તા ડૉ. યુવરાજ ખતિવાડાએ પણ આ અંગે ચેતવણી આપી છે.

નેપાળના રાજકીય અને વરિષ્ઠ પત્રકારોએ પણ આ મામલે ચિંતા વ્યકત કરી છે.

સુરતમાંથી રત્નકલાકારોની ફરીથી હિજરત

સુરતના રત્નકલાકારો ફરી એક વખત મોટી સંખ્યામાં શહેર છોડીને વતન પરત જઈ રહ્યા છે.

'ધ હિંદુ'ના એક અહેવાલ પ્રમાણે અંદાજે 1500 પરિવાર દરરોજ સુરતથી વતન પરત ફરી રહ્યા છે.

માર્ચમાં મહામારીના લીધે કામકાજ બંધ કરાયા બાદ જૂનના બીજા સપ્તાહમાં ફરી હીરાયુનિટ શરૂ થયાં હતાં.

અહેવાલમાં નોંધ્યું છે કે 600 રત્નકલાકારો અને તેમના પરિવારજનો કોરોન વાઇરસથી સંક્રમિત થયા હોવાથી સુરત મહાનગર પાલિકાએ પોલિશિંગ અને કટિંગ યુનિટ્સ 13મી જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

સુરતની અંદાજે 9000 હીરાકંપનીઓમાં છ લાખ કરતાં વધુ લોકો રોજગારી ધરાવે છે.

આજે ICSE અને ISCના ધો.10 અને 12નાં પરિણામ

કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ ઍક્ઝામિનેશનની વેબસાઇટ પર જાહેરત મુજબ ICSE અને ISCના અનુક્રમે 10માં અને 12માં ધોરણનાં પરિણામ આજે બપોરે 3.00 કલાકે જાહેર થશે.

NDTV ના અહેવાલ મુજબ પરિણામ, cisce.org અને results.cisce.org વેબસાઇટ પર તેમજ તેમના CAREERS પોર્ટલ અથવા SMS મારફતે જાણી શકાશે.

શાળાઓ તેમના વિદ્યાર્થીનું પરિણામ CAREERS પોર્ટલ પર પ્રિન્સિપાલના લૉગઇન આઈડી અને પાસવર્ડની મદદથી જાણી શકશે.

ICSE અને ISCએ 19થી 31 માર્ચ વચ્ચે યોજાનારી બધી જ પરીક્ષાઓ કોરોના વાઇરસના સંક્રમણને લીધે રદ કરી હતી.

જૂનમાં તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ પરીક્ષાઓ રદ કરવા તૈયાર છે અને વિદ્યાર્થીઓને ઇન્ટરનલ ઍસેસમૅન્ટના આધારે ગ્રેડ આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો