You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુવૈતનો આ નિયમ જો લાગુ થયો તો આઠ લાખ ભારતીયોને દેશમાં પાછા ફરવું પડશે
- લેેખક, ફૈઝલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
કુવૈતમાં પરપ્રાંતીયો અંગે બનાવાયેલા કાયદાને લીધે ખાડીમાં વસતા ભારતીયોના મગજમાં તે 'ચિંતાઓ ફરી ઉભી થઈ' છે, જેમાં બે વર્ષ પહેલાં નિયમોમાં ફેરફારને કારણે સેંકડો ભારતીય એન્જિનિયરોએ નોકરી ગુમાવવી પડી હતી.
અંગ્રેજી અખબાર 'અરબ ન્યૂઝ' અનુસાર કુવૈતની રાષ્ટ્રીય સંસદની કાયદાકીય સમિતીએ પ્રવાસીઓ પર તૈયાર કરાયેલા બિલના પ્રાવધાનને કાયદેસર ગણાવ્યું છે.
સમાચાર અનુસાર આ પ્રસ્તાવ અન્ય સમિતિઓને મંજૂરી માટે મોકલવામાં આવશે. આ કાયદાના મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે કુવૈતમાં વસતા ભારતીયોની સંખ્યા દેશની કુલ વસતીના 15 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ બિલ પસાર થાય તો, ત્યાં રહેતા અંદાજે 10 લાખ પ્રવાસી ભારતીયોમાંથી આઠ કે સાડા આઠ લાખ લોકોને પરત ફરવું પડી શકે છે.
કુવૈતમાં સૌથી વધુ ભારતીયો
સાઉદી અરેબિયાના ઉત્તરમાં અને ઇરાકના દક્ષિણમાં આવેલા નાના દેશની કુલ વસતી આશરે 45 લાખ જેટલી છે. જેમાંથી મૂળ કુવૈતની વસતી ફક્ત તેર-સાડા સાત લાખની જ છે.
ઇજિપ્ત, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય દેશોના પ્રવાસીઓ સહિત અહીં સૌથી વધુ લોકો ભારતીય પ્રવાસીઓ છે.
સમાચારો અનુસાર, સૂચિત કાયદામાં કુવૈતમાં વસતા બીજા દેશોના લોકોની સંખ્યા પણ ઘટાડવાની વાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓની સંખ્યા વર્તમાન સ્તરથી ઘટાડીને કુલ વસ્તીના 30 ટકા કરવામાં આવશે.
કુવૈતની એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા નાસીર મોહમ્મદે (નામ બદલ્યું છે) એન્જિનિયરિંગની ડિગ્રી હોવા છતાં પણ "મજબૂરી હેઠળ સુપરવાઇઝર તરીકે કામ કરવું" પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "અહીં રહેતા ભારતીયો વિચારી રહ્યા છે કે જો આ કાયદો બની જશે તો શું થશે?"
નાસિર મોહમ્મદ હજી પણ પોતાને નસીબદાર ગણે છે કેમ કે તેમને જૂની કંપનીને બદલે નવી કંપનીમાં નોકરી મળી ગઈ , નહીતર 2018 માં આવેલા નવા કુવૈતી નિયમોને લીધે અનેક એન્જીનિયરોની નોકરી જોત જોતામાં જતી રહી હતી.
ભૂતપૂર્વ વિદેશ પ્રધાન દિવંગત સુષ્મા સ્વરાજે કુવૈતની સરકાર સાથે એન્જિનિયરોની બાબત અંગે ચર્ચા પણ કરી હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો.
નાસિર મોહમ્મદ કહે છે કે, "પરિસ્થિતિ એવી છે કે ઘણાં ભારતીયો જેમણે એન્જિયરિંગની ડિગ્રી મેળવી છે,તેઓ કુવૈતમાં સુપરવાઇઝર, ફૉરમૅન, વગેરેના પગાર અને રૅન્ક પર કામ કરી રહ્યા છે, તેમ છતા તેમણે ફરજ એક ઇજનેર તરીકેની નિભાવવાની હોય છે."
કુવૈતમાં ભારતથી નારાજગી
કુવૈતમાં રહેતા હૈદરાબાદના રહેવાસી, મોહમ્મદ ઇલિયાસ કહે છે કે નવા કાયદા જેવા નિયમ, વર્ષ 2008ની આર્થિક મંદી પછીથી બનતા રહ્યા છે. 2016માં તે મુદ્દો વધુ પેચીદો બન્યો જયારે સાઉદી અરેબિયાએ 'નીતાકટ કાયદો' લાગુ કર્યો હતો.
નીતાકટ કાયદા મુજબ સાઉદી અરેબિયાના સરકારી વિભાગો અને કંપનીઓમાં સ્થાનિક લોકોના રોજગાર દરમાં વધારો કરવાનો હતો.
ગત વર્ષે કુવૈતના એક સાંસદ ખાલિદ અલ-સાલેહે એક નિવેદન બહાર પાડીને સરકાર પાસેથી માગણી કરી હતી કે "સરકાર દ્વારા અપાયેલી નોકરીઓ અને સેવાઓ પર કબજે કરેલા પ્રવાસીઓના તોફાનને અટકાવવું જોઇએ ."
બીજા એક સાંસદ, સફા અલ-હાશેમે, થોડા વર્ષો પહેલા કહ્યું હતું કે "પ્રવાસીઓને એક વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં આપવાનો અને માત્ર એક જ કાર રાખવાની પરવાનગી હોવાનો કાયદો લાવવો જોઈએ." કેટલાક વર્ગે સફા અલ-હાશેમના આ નિવેદનની નિંદા પણ કરી હતી.
કુવૈતની નેશનલ અસેમ્બલી એટલે કે રાષ્ટ્રીય સંસદમાં, 50 સાંસદ ચૂંટાઈને આવે છે. જો કે, એવું માનવામાં આવે છે કે અંહી શ્રીમંતો જ નિર્ણય લેવાની ભૂમિકામાં હોય છે.
તાજેતરમાં, જ્યારે નવા કાયદાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક સ્થાનિક લોકો પણ તેની વિરુદ્ધ નિવેદનો આપતા જોવા મળ્યા છે.
19મી સદીના અંતથી 1961 સુધી, બ્રિટનના 'સંરક્ષણ' હેઠળ રહેલા કુવૈતમાં ભારતીયોનો પ્રવાસ લાંબા સમયથી થઈ રહ્યો છે.
હાલ ત્યાં વ્યવસાયથી માંડીને લગભગ તમામ ક્ષેત્રોમાં ભારતીયોની હાજરી છે, કુવૈતના નાગરિકના ઘરમાં ડ્રાઇવરોથી લઈને આયા સુધીનું કામ કરનારા લોકોની સંખ્યા સાડા ત્રણ લાખ હોવાનું માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે ઉતાવળમાં તેમના બદલે અન્ય લોકોથી જગ્યા ભરવી સરળ નહીં હોય.
રીવન ડિસોઝાનો પરિવાર 1950ના દાયકામાં ભારતથી કુવૈત ગયો હતો અને તેમનો જન્મ પણ ત્યાં જ થયો છે.
રીવન ડિસોઝા, સ્થાનિક અંગ્રેજી અખબાર ટાઇમ્સ કુવૈતના સંપાદક છે.
બીબીસી સાથે વાતચીત કરતા તેઓ કહે છે કે, "પ્રવાસીઓ અંગેનું બિલ ફક્ત બંધારણ સાથે સુસંગત હોવાને લીધે કાયદાકીય સમિતિએ સ્વીકાર્યું છે. હજુ તો માનવ સંસાધન સમિતિ તેમજ બીજા ઘણી તબક્કાવાર સમિતિઓમાંથી પસાર થવું પડશે. ત્યારબાદ જ તેને રજૂ કરી શકાશે. એટલે તે કાયદો બનવાની વાત તે પછી જ શક્ય બનશે."
રીવન ડીસુઝા આ બાબતને એક બીજા દૃષ્ટિકોણથી પણ જુએ છે.
તેમનું કહેવું છે કે કોરોના વાઇરસને લીધે ઉદ્ભવેલા સંકટ અને ત્યાં ગેરકાયદે રહેતા લોકોને પાછા લઈ જવાની કુવૈત સરકારની માગની ભારત સરકાર દ્વારા અવગણનાથી કુવૈત સરકારનો કેટલોક વર્ગ નારાજ છે અને હવે તેમને કોઈને કોઈ એક દેશના શ્રમિકો પર નિર્ભર નથી રહેવું .
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો