You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાને લાદેનને ‘શહીદ’ કહ્યો, એ વિવાદ શો છે?
પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો. જોકે, આ મામલે ઇમરાન ખાન પાકિસ્તાનની સંસદમાં જ ઘેરાઈ ગયા છે.
ઇમરાન ખાનનું આ અંગેનું ભાષણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.
પાકિસ્તાનના વિપક્ષ પીએમએલ-એનના નેતા ખ્વાજા આસિફે નેશનલ ઍસેમ્બલીમાં કહ્યું, "ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો. લાદેન આપણી ભૂમિ પર આતંકવાદ લાવ્યો હતો."
"એ આતંકવાદી હતો અને તમે એને શહીદ કહી રહ્યા છો."
ખ્વાજાએ ઉમેર્યું, "એ અવલ આતંકવાદી હતો. એણે મારા વતનને બરબાદ કર્યું અને તમે એને શહીદ કરી રહ્યા છો. ઝિયા ઉલ હક લાવ્યો હતો અને તમે શહીદ કહી રહ્યા છો."
"જે રીતે મેં ઇમરાન ખાનનું ભાષણ સાંભળ્યું એ રીતે તેઓ પણ મારું અને બિલાવલ ભુટ્ટોનું ભાષણ સાંભળવાની હામ રાખે. પોતાની ટીકા સાંભળવા માટે જિગર જોઈએ."
"પાકિસ્તાનની સંસદને સૌથી ઓછો વખત ફાળવનારા વડા પ્રધાન ઇમરાન ખાન છે. તેઓ માત્ર પોતાની વાત જ સાંભળે છે પણ બીજાની નથી સાંભળતા."
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની આ ટિપ્પણી બાદ વિવાદ સર્જાતાં મોડી રાતે વડા પ્રધાનના વિશેષ સચિવ ડૉ. શાહબાઝ ગિલે ટ્વીટ કરીને ખાનનો બચાવ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, "અયોગ્ય રીતે વડા પ્રધાનના નિવેદનને વિવાદિત બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. વડા પ્રધાન ઇમરાન ખાન આતંકવાદ વિરુદ્ધ કટિબદ્ધ છે."
"ઇમરાન ખાને પોતાના ભાષણમાં બે વખત 'ઓસામા કિલ્ડ' શબ્દનો ઉપયોગ કર્યો હતો."
ઇમરાન ખાને નેશનલ ઍસેમ્બલીમાં પોતાના ભાષણમાં કહ્યું હતું, "આપણે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકાનું સમર્થન કર્યું હોવા છતાં અપમાન વેઠ્યું છે."
"અમેરિકા અફઘાનિસ્તાનમાં નિષ્ફળ નીવડ્યું તો દોષ આપણા પર ઢોળાયો."
"અમેરિકા ઍબોટાબાદમાં આવ્યું અને તેણે ઓસામા બિલ લાદેનને મારી નાખ્યો. શહીદ કરી દીધો. એ બાદ વિશ્વઆખામાં આપણી શી વલે થઈ? દરેક આપણી સાથે ઘૃણા કરવા લાગ્યા."
પાકિસ્તાનના વિપક્ષ પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે ઇમરાન ખાનની ટિપ્પણી હિંસક અતિવાદના તૃષ્ટિકરણ માટે છે.
પાકિસ્તાનના સાંસદ મુસ્તફા નવાઝ ખોખર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રવક્તા છે. તેમણે પણ આ મુદ્દે ઇમરાન ખાનની નિંદા કરી અને આને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવ્યું.
નવાઝે કહ્યું, "ઇમરાન ખાનના નિવેદનથી ભારે અફસોસ થયો. એવું થાય છે કે આ દેશ કોના હાથમાં સોંપી દીધો. તેમના નિવેદનથી એવું લાગે છે કે તેઓ જાતે જ દેશની સુરક્ષા માટે જોખમ બની ચૂક્યા છે."
તેમણે ઉમેર્યું, "આજે તેમને ઓસામા બિન લાદેન શહીદ લાગી રહ્યો છે પણ જેઓ અલ કાયદાના હુમલામાં શહીદ થયા છે એમને આપણે શું જવાબ આપીશું? "
"આપણા દેશની યુવાપેઢીને આપણે શું એ રસ્તો અપનાવવા કહીશું જે લાદેને અપનાવ્યો હતો. શું આપણે યુવાનો માટે લાદેનને રૉલમૉડલ બનાવવા માગીએ છીએ?"
"ઇમરાન ખાન તાલિબાન ખાનના નામે પહેલાંથી જ પ્રસિદ્ધ હતા. તેઓ તાલિબાનનાં કાર્યાલયો ખોલવાની વાતો કરતા હતા."
"આજે તેમણે પોતાની મંશા જાહેર કરી દીધી છે. આપણે આના પર અફસોસ જ વ્યક્ત કરી શકીએ કે આપણે દેશને કોના હાથમાં સોંપી દીધો."
ઓસામા બિન લાદેનને અમેરિકાએ પાકિસ્તાનમાં વર્ષ 2011માં એક વિશેષ અભિયાનમાં ઠાર કર્યો હતો.
ગત વર્ષે ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને જ અમેરિકાને ગુપ્ત માહિતી આપી હતી અને અમેરિકાએ આખા અભિયાનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
જોકે, ઇમરાન ખાન હંમેશાં પોતાના ઇન્ટર્વ્યૂમાં લાદેનને આતંકવાદી ગણાવતાં અચકાતા હતા.
વર્ષ 2016માં પાકિસ્તાનની એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે પત્રકાર વસીમ બાદામીએ તેમને પૂછ્યું કે શું તેઓ લાદેનને આતંકવાદી ગણે છે?
તો જવાબમાં ખાને કહ્યું હતું, "જ્યૉર્જ વૉશિંગ્ટન અંગ્રેજો માટે આતંકવાદી હતો અને અમેરિકનો માટે સ્વતંત્રતાસેનાની. હું ઓસામા બિન લાદેન પર ટિપ્પ્પણી કરવા નથી માગતો. કેમ કે આ મુદ્દો બહુ પાછળ છૂટી ગયો છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો