ભારત-ચીન તણાવ : શું ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી મામલે જૂઠું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત-ચીનના સરહદ અંગેના વિવાદ મામલે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી',
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટિપ્પણી કરી એના થોડા જ કલાકોમાં આ મામલે વિવાદ સર્જાયો છે.
ભારત સરકારના સ્રોતને ટાંકીને સમાચાર સંસ્થાઓ નોંધે છે કે તાજેતરમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાત થઈ જ નથી.
જ્યારે થોડા કલાકો પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી ભારત-ચીન સીમાવિવાદ અંગે વાત થઈ છે.
પરસ્પર વિપરિત દાવાઓને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી અંગે વિવાદ સર્જાયો છે.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, TWITTER/@NARENDRAMODI
ભારત અને ચીન વચ્ચે સરહદ મામલે સર્જાયેલા વિવાદ બાદ મધ્યસ્થી કરાવવાની તૈયારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી.
બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવાની તૈયારી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને વ્યક્ત કરી હતી.
મધ્યસ્થી કરાવવા મામલે ટ્રમ્પે કહ્યું, "હું આ (મધ્યસ્થી) માટે તૈયાર છું. જો તેમને (ભારત અને ચીનને) લાગતું હોય કે આથી કોઈ મદદ મળશે તો હું આ કરી શકું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરુવારે ઓવલ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી અને એક ભારતીય પત્રકારે પૂછેલા પ્રશ્નમાં જવાબ આપતાં ટ્રમ્પે અંગે વાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હું તમારા વડા પ્રધાનને પસંદ કરું છું, તેઓ સજ્જન છે. ભારત અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે. બંને દેશોની એક અબજ 40 કરોડની વસતી છે. બંને દેશોની સેના પણ મજબૂત છે."
"ભારત ખુશ નથી અને કદાચ ચીન પણ ખુશ નથી. વડા પ્રધાન નરેન્દ્ર સાથે મારે વાત થઈ હતી અને ચીન મામલે જે કંઈ પણ થઈ રહ્યું છે એ અંગે તેમનો મૂડ ઠીક નથી."
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ બાદ વિમાસણ ઊભી થઈ છે.
સરકારી સૂત્રોને ટાંકતા પીટીઆઈ લખે છે, "છેલ્લે 4 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પ તથા નરેન્દ્ર મોદીની વચ્ચે વાતચીત થઈ હતી. તે પછી બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ."
"તે સમયે બંને નેતાઓએ હાઇડ્રોક્સિનક્લોરોક્વિન (કોરોનાની સારવાર માટે વપરાતી દવા, જેનો ઉપયોગ હાલ નહીં કરવાની WHOએ સલાહ આપી છે.) મુદ્દે વાત થઈ હતી."
આ પછી ડોનાલ્ડ ટ્રમ્પના નરેન્દ્ર મોદી સાથે વાત કર્યાના દાવા અંગે સવાલ ઊઠી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી અંગેના પ્રસ્તાવ મામલે ગુરુવારે ભારતે કહ્યું હતું કે સરહદ પર ચાલી રહેલા ગતિરોધ મામલે શાંતિપૂર્ણ સમાધાન માટે ચીન સાથે વાતચીત ચાલી રહી છે.
ભારતે ટ્રમ્પના મધ્યસ્થીના પ્રસ્તાવ અંગે સતર્કતાથી જવાબ આપ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું, "અમે લોકો શાંતિપૂર્ણ સમાધાન માટે ચીનના સંપર્કમાં છીએ."
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના પ્રસ્તાવ અંગે ચીન તરફથી અધિકૃત પ્રતિક્રિયા આવી નથી. જોકે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે બંને દેશોને આ પ્રકારની મદદની જરૂર નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે બુધવારે ચીને કહ્યું હતું કે ભારત સાથે સીમા પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાઓ લિઝિયાને એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે બંને દેશો પાસે વાતચીત થકી મુદ્દાનું સમાધાન શોધવા માટે જરૂરી તંત્ર છે.


શું છે ભારત-ચીનનો સીમાવિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિસ્તારમાં ભારતે શરૂ કરેલાં વિકાસકાર્યોને લઈને તણાવની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.
ધારચૂકથી દૌલત બેગ ઑલ્ડી (જ્યાં દુનિયામાં સૌથી ઊંચાઈ ઍડવાન્સ લૅન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે) માર્ગ બનાવવાના કામનો ચીન વિરોધ કરી રહ્યું છે.
ભારત અને ચીન વચ્ચે અક્સાઈ ચીનમાં સ્થિત ગલવાન ઘાટીને લઈને તણાવ શરૂ થયો હતો. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભારતે આરોપ લગાવ્યો કે ગલવાન ઘાટીના કિનારે ચીની સેના ટેન્ટ લગાવી રહી છે.
ગલવાન ઘાટી લદ્દાખ અને અકસાઈ ચીન વચ્ચેની ભારત-ચીન સીમા પાસે છે. અહીં જ વાસ્તવિક નિયંત્રણ રેખા ચીન અને ભારતને અલગ કરે છે.
આ પછી ભારતે કહ્યું હતું કે ત્યાં સેનાની તહેનાતી વધારી દેવામાં આવી છે. બીજી તરફ ચીને આરોપ લગાવ્યો છે કે ભારત ગલવાન ઘાટીમાં સુરક્ષા સંબંધિત ગેરકાનૂની નિર્માણકામ કરી રહ્યું છે.
આ અગાઉ નવમી મેના રોજ ઉત્તર સિક્કિમના નાથૂલા સેક્ટરમાં ભારતીય અને ચીની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. એ વખતે લદ્દાખમાં એલએસી પાસે ચીની સેનાના હેલિક઼ૉપ્ટર જોવા મળ્યાં હતાં.
આ પછી ભારતીય વાયુ સેનાએ પણ સુખોઈ અને અન્ય લડાકુ વિમાનોથી પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












