અનિલ અંબાણીએ UK ની કોર્ટમાં કહ્યું, 'મારી પાસે કંઈજ નથી' - TOP NEWS

અનિલ અંબાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનિલ અંબાણી

એક સમયે ભારતની સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક અનિલ અંબાણીએ યુ.કે. (યુનાઇટેડ કિંગ્ડમ)ની કોર્ટમાં કહ્યું છે કે 'મારી પાસે કોઈ સંપત્તિ નથી.'

ઇકૉનૉમિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ચીનની ત્રણ બૅન્કે બાકી નીકળેલી 700 મિલિયન ડૉલરથી વધુની (રૂ. પાંચ હજાર કરોડથી વધુ) લૉન સંદર્ભે યુ.કે.ની હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

બૅન્કોનું કહેવું છે કે તેમણે રિલાયન્સ કૉમ્યુનિકેશનને લૉન આપી ત્યારે અનિલ અંબાણી વ્યક્તિગત રીતે જામીન થયા હતા.

News image

જસ્ટિસ વૉક્સમૅને અંબાણીના વકીલની દલીલો પ્રત્યે શંકા પ્રગટ કરી હતી. કોર્ટે છ અઠવાડિયામાં અંબાણીને 100 મિલિયન ડૉલર (રૂ. 715 કરોડ) જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

અનિલ અંબાણીના પ્રવક્તાના કહેવા પ્રમાણે, આ વ્યક્તિગત કેસ છે, આથી અન્ય કંપનીઓ ઉપર તેની કોઈ અસર નહીં હોય. ચુકાદાના અભ્યાસ બાદ અન્ય વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવશે.

કેટલાક અહેવાલો મુજબ, આ સુનાવણી દરમિયાન અનિલના દીકરા અનમોલ પણ હાજર હતા.

line

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે SI ઠાર

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ અહલાવત પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.

પ્રીતિને શુક્રવારની મોડી રાત્રે રોહિણી-ઈસ્ટ મેટ્રો સ્ટેશનની બહાર ગોળી મારવામાં આવી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસે સી.સી.ટીવી. (ક્લૉઝ્ડ-સર્કિટ ટેલિવિઝન)ના ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

line

નિર્ભયાના ગુનેગારોને ફાંસી મુદ્દે અરજી ફગાવાઈ

રેપવિરોધી દેખાવકારની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નિર્ભયા ગૅંગરેપ તથા મર્ડરકેસમાં ચાર ગુનેગારોને ફાંસી આપવા મુદ્દે તિહાર જેલના સત્તાવાળાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, હાઈકોર્ટે નોંધ્યું હતું કે ચારેય આરોપીઓને તેમના કાયદાકીય વિકલ્પો વાપરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, ત્યારે હાલના તબક્કે ફાંસીની તારીખ જાહેર કરવી યોગ્ય નહીં હોય અને અરજી કાઢી નાખી હતી.

બીજી બાજુ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરી છે કે ચારેય આરોપીઓને અલગ-અલગ ફાંસી આપવાની છૂટ આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે આ અંગે મંગળવાર ઉપર સુનાવણી મોકૂફ રાખી છે.

line

કોરોના : 10 કરોડ ડૉલરની સહાય

મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાએ કોરોના વાઇરસથી પીડિત ચીન તથા અન્ય દેશોને 10 કરોડ ડૉલર ખર્ચવાની તૈયારી દાખવી છે.

આ જાહેરાત અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પૉમ્પિયોએ કરી હતી. ચીન સિવાય વિશ્વના લગભગ 25 દેશમાં કોરોના વાઇરસે દેખા દીધી છે.

આ પહેલાં બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને કોરોના વાઇરસની રસી શોધવા તથા તેની સામે લડવા માટે 100 મિલિયન ડૉલરની જાહેરાત કરી હતી.

બીજી બાજુ, ચીનમાં 717 નાગરિકોના કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયાં હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય 31,200થી વધુ લોકોને તેની અસર જોવા મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો