ઇરાકમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો, ટ્રમ્પે કહ્યું પરિણામ ભોગવવું પડશે

તાજેતરમાં અમેરિકાએ ઇરાકમાં ઈરાન સમર્થિત ચરમપંથી સમૂહોનાં ઠેકાણાંઓ પર હવાઈહુમલો કર્યો હતો.

આ હુમલાના વિરોધમાં ઇરાકની રાજધાની બગદાદસ્થિત અમેરિકન દૂતાવાસના પરિસરમાં હુમલો થયો છે.

અમેરિકાની સેનાએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો.

પ્રદર્શનકારીઓ પરિસરની એક દીવાલ કૂદીને અંદર ઘૂસી ગયા હતા અને દૂતાવાસની એક સુરક્ષા ચોકીમાં આગ લગાવી દીધી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ મૂક્યો છે કે આ હુમલા પાછળ ઈરાનનો હાથ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ માટે સમગ્ર રીતે ઈરાન જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ ઇરાક અને પૂર્વી સીરિયામાં રવિવારે અમેરિકાએ હવાઈહુમલા કર્યા હતા, જેમાં હિજ્બુલ્લાહ ઉગ્રવાદી સંગઠનના ઓછામાં ઓછા 25 લડવૈયાઓ માર્યા ગયા હતા.

અમેરિકાએ કહ્યું હતું કે શુક્રવારે ઇરાકના કિરકૂકમાં એમનાં સૈન્યમથકો પર થયેલા હુમલાના જવાબમાં તેમણે કાર્યવાહી કરી હતી.

અમેરિકન સૈન્યમથકો પર શુક્રવારે થયેલા હુમલામાં એક અમેરિકન કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થયું હતું.

ઇરાકના વડા પ્રધાન અદેલ અબ્દુલ મહદીએ કહ્યું કે અમેરિકાનો હવાઈહુમલો એમના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.

બીજી તરફ કતાઇબ હિજ્બુલ્લાહ નેતા અબુ મહજી અલ-મુહાંદિસે ચેતવણી આપી છે કે અમેરિકાએ આ હુમલાનું ખરાબ પરિણામ ભોગવવું પડશે.

બગદાદમાં શું થયું?

મંગળવારે અમેરિકાના હવાઈહુમલામાં માર્યા ગયેલા લડવૈયાઓની અંતિમવિધિ પછી વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

હજારોની સંખ્યામાં લોકો બગદાદના ગ્રીન ઝોન વિસ્તાર તરફ આગળ વધવા લાગ્યા હતા.

આ વિરોધ રેલીમાં મહદી અલ-મુહાંદિસ ઉપરાંત હિજ્બુલ્લાહના અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ સામેલ હતા.

બગદાદનો ગ્રીન ચોક એ વિસ્તાર છે જ્યાં ઇરાકની મહત્ત્વની સરકારી સંસ્થાઓની ઑફિસો તેમજ વિદેશી દૂતાવાસ પણ છે.

ઇરાકી સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓને ગ્રીન ઝોનમાં આવવાની પરવાનગી ન આપી અને થોડી જ વારમાં તમામ પ્રદર્શનકારીઓ અમરિકન દૂતાવાસની બહાર ભેગા થઈ ગયા.

અસાઇબ અહ અલ-હક સમૂહના પ્રમુખ કાઇસ અલ-ખજાલીએ કહ્યું કે આ દૂતાવાસે એ સાબિત કર્યું છે કે તે ઇરાકની વિરુદ્ધ કામ કરે છે. આ દૂતાવાસ ઇરાકની જાસૂસી કરે છે અને અહીં તોડફોડને પ્રોત્સાહન આપે છે.

પ્રદર્શનકારીઓએ કતાઇબ હિજ્બુલ્લાહ અને અન્ય સમૂહોના ઝંડા ફરકાવી અમેરિકાના વિરોધમાં નારેબાજી કરી. પ્રદર્શનકારીઓએ અમેરિકન દૂતાવાસના મુખ્ય દ્વાર પર પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું.

સુરક્ષા કૅમેરાઓ તોડી નાખ્યા અને ખાલી સુરક્ષા ચોકીઓમાં આગ લગાવી દીધી.

જોકે પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે પ્રદર્શનકારીઓએ દીવાલ કૂદી પરિસરની અંદર જવા લાગ્યા.

સમાચાર સંસ્થા એપી મુજબ એક દરવાજો તોડીને ડઝનેક લોકો પરિસરની અંદર ઘૂસી ગયા. તેઓ મુખ્ય ઇમારતની તરફ જવા લાગ્યા. આ પછી અમેરિકન સેનાએ ટિયરગેસનો મારો શરૂ કર્યો.

સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ પ્રદર્શનકારીઓ ઉપર સ્ટન ગ્રૅનેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

મીડિયા અહેવાલો મુજબ અમેરિકન રાજદૂત મૈથ્યુ ટ્યૂલરને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા હતા.

જોકે દૂતાવાસના નજીકના સૂત્રોએ બીબીસીને કહ્યું કે મૈથ્યુ રવિવારે અમેરિકન બૉમ્બિંગ અગાઉ ક્રિસમસની રજાઓ ગાળવા અમેરિકા જતા રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો