UK Election: બૉરિસ જૉન્સન ફરી PM બનશે, રેકર્ડ સંખ્યામાં ભારતીયો ચૂંટાયા

બૉરિસ જૉન્સન

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે અને બૉરિસ જૉન્સન ફરી વડા પ્રધાન બનશે.

હજી મતગણતરી ચાલુ છે પણ બે-તૃતીયાંશ જેટલી મતગણતરી થઈ ગઈ છે અને વિપક્ષ લેબર પાર્ટીએ તેના પ્રભુત્વવાળા વિસ્તારમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.

બ્રિટનના વડા પ્રધાન જૉન્સને કહ્યું હતું કે યુરોપીય સંઘથી અલગ થવા અને બ્રેક્ઝિટ ડીલ લાગુ કરવા તેમને નવેસરથી જનાદેશ મળ્યો છે.

આ વખતે રેકર્ડ સંખ્યામાં ભારતીય મૂળના સંસદસભ્યો બ્રિટનમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયા છે.

હાલ સંસદમાં ભારતીય મૂળના 12 સંસદસભ્યો હતા અને આ વખતે 15 ભારતીય મૂળના સંસદસભ્યો ચૂંટાયા છે.

1987 પછી પ્રથમ વખત કન્ઝર્વેટિવ પાર્ટીને આટલી મોટી બહુમતી મળી છે.

ત્યારે બૉરિસ જૉન્સને કહ્યું કે "અમે કરી દેખાડ્યું".

તેમણે કહ્યું કે બ્રેક્ઝિટને લઈને મડાગાંઠ તૂટશે અને તેમણે લેબર પાર્ટીના એ ભૂતપૂર્વ વોટરોનો આભાર માન્યો જેમણે આ વખતે સમર્થન આપ્યું છે.

ત્યારે લેબર પાર્ટીના નેતા જેરેમી કૉર્બિને કહ્યું કે તેઓ આવનારા સમયમાં પાર્ટીનું નેતૃત્વ નહીં કરે.

લેબર નેતા કૉર્બિને કહ્યું હતું કે 'લેબર પાર્ટી માટે હતાશ કરનારી રાત છે.'

650 સંસદસભ્યના ગૃહમાં બહુમત માટે 326 સંસદસભ્યોની જરૂર હતી, અત્યારસુધીના વલણ મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીને 363 બેઠક મળે તેવી શક્યતા છે.

એક અંદાજ મુજબ લેબર પાર્ટીનો આંકડો 200થી ઓછો રહશે અને 2017ની સરખામણીએ 65 બેઠક ઓછી મળશે.

line

બ્રેક્ઝિટ ઉપર અસર

મતગણતરીની તસવીર

ઇમેજ સ્રોત, AFP

બૉરિસ જૉન્સને તેમનો સમગ્ર ચૂંટણીપ્રચાર યુરોપીય સંઘથી અલગ થવા ઉપર કેન્દ્રીત રાખ્યો હતો.

યુરોપીય સંઘે બ્રેક્ઝિટ માટે 31 જાન્યુઆરી 2020 સુધીની સમયમર્યાદા રાખી હતી.

જો એ પહેલાં બ્રિટનની સંસદ કોઈ કરારને મંજૂરી આપી દે, તો તે ઈ.યુ.થી અલગ થઈ શકશે.

જો ઍક્ઝિટ પોલ મુજબ તારણ આવ્યા તો વડા પ્રધાન બૉરિસ જૉન્સન પોતાની શરતો મુજબ ઈ.યુ.થી અલગ થશે.

જૉન્સન સરકારમાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ અગાઉ જ કહી ચૂક્યાં છે કે નવી સરકાર વહેલામાં વહેલી તકે બ્રેક્ઝિટ લાગુ કરવા પ્રયાસ કરશે અને નાતાલ પહેલાં જ સંસદમાં બિલ રજૂ કરી દેવાશે.

2016માં બ્રિટનમાં જનમત સંગ્રહ થયો હતો, જેમાં 52 ટકા લોકોએ યુરોપિયન યુનિયનથી અલગ થવા માટે અને 48 ટકા લોકોએ સાથે રહેવા માટે મતદાન કર્યું હતું.

line

#CorbynOut ટ્રૅન્ડમાં

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઍક્ઝિટ પોલના તારણની સાથે જ ટ્વિટર ઉપર #CorbynOut ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.

લેબર પાર્ટીના ઉમેદવાર સિયોભાન મૈકડોનાએ કોર્બિન ઉપર નિશાન સાધતા ટ્વિટર ઉપર લખ્યું: "એક માણસની ભૂલને કારણે આમ થયું છે."

"જર્મિ કૉર્બિનનો ચૂંટણીપ્રચાર, તેમનો ચૂંટણીઢંઢેરો અને તેમનું નેતૃત્વ."

બ્રિટનનના વડા પ્રધાન બૉરિસ જૉન્સને ટ્વીટ કરીને લખ્યું, "મહાન દેશના આપ સર્વેએ મતદાન કર્યું. પાર્ટી માટે મતદાન કરનાર, પાર્ટી માટે કામ કરનાર તથા પાર્ટીના ઉમેદવાર બનનાર તમામનો આભાર."

"આપણે વિશ્વના મહાન લોકતંત્રમાં રહીએ છીએ."

લેબર પાર્ટીના શૅડો ચાન્સેલર જૉન મૈકડૉનલે કહ્યું કે જો ઍક્ઝિટ પોલ મુજબ પરિણામ આવશે, તો તે ખૂબ જ નિરાશાજનક હશે. તેમણે કહ્યું, "મને લાગતું હતું કે બંને પાર્ટી વચ્ચે સઘન મુકાબલો થશે."

"મોટાભાગના લોકોને લાગતું હતું કે બંને પક્ષ વચ્ચે બહુ થોડો ફરક હશે."

line

બ્રિટનની ચૂંટણી

મતદાન મથકની તસવીર

ઇમેજ સ્રોત, EPA

બ્રિટનમાં ગુરુવારે ચૂંટણી યોજાઈ, પાંચ વર્ષથી ઓછા સમયમાં ત્રીજી ચૂંટણી હતી. ગત બે ચૂંટણી વર્ષ 2015માં અને વર્ષ 2017માં યોજાઈ હતી..

સામાન્ય રીતે બ્રિટનમાં દર ચાર કે પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે.

ગત 100 વર્ષમાં પહેલી વખત ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1974 બાદ પ્રથમ વખત શિયાળામાં ચૂંટણી યોજાઈ રહી છે.

ઇંગ્લૅન્ડ, વૅલ્સ, સ્કૉટલૅન્ડ અને નૉર્ધન આયર્લૅન્ડની 650 બેઠકો પર સ્થાનિક સમયાનુસાર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.

આ મતદાન રાતના 10 વાગ્યા સુધી ચાલ્યું અને એ બાદ તત્કાલ મતોની ગણતરી શરૂ થઈ અને ગણતરીના કલાકોમાં વલણ મળવા લાગ્યું હતું.

બ્રિટન, કૉમનવેલ્થ કે આયર્લૅન્ડના 18 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના નાગરિકો મતદાન કરી આગામી સરકારનું ભાવિ ઘડ્યું હતું.

ભારતીય સમય પ્રમાણે, શુક્રવારની સવાર સુધી મોટા ભાગનાં પરિણામો આવી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો