શું દયાળુ સ્વભાવવાળી વ્યક્તિ વધુ જીવે છે?

    • લેેખક, લોરેન ટર્નર
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

કરુણા તમારા માટે શું કરી શકે છે? કદાચ તમારા ચહેરા પર હૂંફની ચમક છવાઈ જાય, કે પછી તમે જીવનમાં સારા પડાવમાં છો એવી અનુભૂતિ થાય?

જોકે, વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદ્દોએ એક નવા તારણ પર આવ્યા છે, તેઓ કહે છે કે કરુણાની અસર આનાથી પણ આગળ વધીને વ્યક્તિની ઉંમર પણ વધારી શકે છે.

બેડરી કાઇન્ડનેસ ઇન્સ્ટિટ્યુટના સ્ટાફે આવો અભ્યાસ કર્યો છે.

બેડરી ફાઉન્ડેશનની 20 મિલિયન ડૉલરની મદદથી જેનિફર અને મેથ્યુ હેરિસે આ ઇન્સ્ટિટ્યુટની શરુઆત કરી છે.

યૂસીએલએના સામાજિક વિજ્ઞાન વિભાગમાં ચાલતું આ કેન્દ્ર તેના સભ્યોને તો મદદ કરે જે છે અને અન્ય આગેવાનોને પણ પ્રેરણા પૂરી પાડે છે.

આ ઇન્સ્ટિટ્યુટના સ્થાપક ડાયરેક્ટર નિયલ ફેસલર કહે છે, "અમે વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ છીએ. અમે કોઈ ગોળ કુંડાળું કરીને હાથ પકડીને બેઠાં નથી. અમે માનસશાસ્ત્ર, શરીર વિજ્ઞાનની હકારાત્મક સામાજિક ચર્ચાઓના આધારે વાત કરીએ છીએ."

કરુણાવૃત્તિ કે દયાળુ વલણ અંગે તાજેતરમાં ઘણી ચર્ચાઓ ચાલી છે.

યૂએસના પૂર્વ ડેમોક્રેટ એલિજે કમિંગ્ઝના અવસાન બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ લખેલી પ્રશસ્તિમાં દયાની વાત મુખ્ય હતી.

તેમણે લખ્યું, "એક મજબૂત વ્યક્તિ હોવા માટે તમારે દયાળું પણ બનવું પડે છે. દયા અને કરુણામાં નબળાઈ જેવું કંઈ જ નથી. કોઈની મદદ લેવામાં તમે કમજોર નહીં લાગો."

ત્યારબાદ એલેન ડી જેનરે પણ તેમની જ્યોર્જ ડબલ્યુ બુશ સાથેની વાત સાથે તેમના દયાળુ સ્વભાવની વાત કરી.

તેમણે કહ્યું, "જ્યારે હું કહું છું, એકબીજા પ્રત્યે કરુણા દાખવો, ત્યારે મારો એવો અર્થ નથી કે બીજા લોકો પણ તમારા જેવું જ વિચારશે. મારો અર્થ છે, દરેક સાથે કરુણા દાખવો, સામે કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી."

આજે જ્યારે કાઇન્ડનેસ ડે છે, ત્યારે જાણો લોકો પ્રત્યે કરુણા દાખવવાનો ખરો અર્થ શું છે અને તેનું શું મહત્ત્વ છે?

કરુણાની અસર અંગે આ નિષ્ણાતો જે ચકાસવા માગે છે તે અંગે તેઓ બહુ ગંભીર છે. તેમના મતે આ એક જીવન-મરણનો પ્રશ્ન છે.

કઈ રીતે લોકો માત્ર કરુણાસભર પ્રવૃત્તિથી અન્યને કરુણા વિકસાવવા માટે પ્રોત્સાહન આપી શકે છે અને આ પરસ્પરની કરુણા લોકો પર કેવી અસર કરી શકે છે તે ફેસલરે જોયું.

તેઓ કહે છે, "એવું કહી શકાય કે આપણે હાલ એક ક્રૂર વિશ્વમાં જીવીએ છીએ. યૂએસમાં અને સમગ્ર વિશ્વમાં પણ આપણે અલગ રાજકીય વિચારધારા અને અલગ ધર્મના લોકો વચ્ચે વધતાં મતભેદો અને ઘર્ષણ જોઈ શકીએ છીએ."

તેઓ કહે છે, "કરુણા વિચાર છે, અનુભૂતિ છે અને તમારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી એક માન્યતા છે, જેનાથી અન્યને ફાયદો થાય છે, આમાં અન્યનો ફાયદો એ જ અંત છે, તેમાં અંત નથી લાવવાનો હોતો."

જ્યારે તેના સામા છેડે "કઠોરવૃત્તિ એટલે સહન નહીં કરવાની માનસિકતા, અન્યની કદર ન કરવાની ભાવના."

આ કોઈને સોશિયલ મીડિયા પર ટ્રૉલ કરવાની આદત જેવું છે. આ પ્રવૃત્તિ કોઈ નવી નથી.

ફેસલર કહે છે, "લોકો સહજ રીતે ઉગ્ર થઈ જાય છે. જલદી કોઈની કદર કરતા નથી. કોઈ પ્રત્યેની કાળજી અને જતું કરવાની ભાવનાથી તેઓ અજાણ છે."

હેરિસ કહે છે, "આજના આધુનિક સમયમાં કરુણાની અછત છે ત્યારે વિજ્ઞાન તેમજ આધ્યાત્મિકતા વચ્ચેનો એક પુલ બાંધવા માટે અમારા માટે આ અભ્યાસ, કરવો જરૂરી છે."

ઇન્સ્ટિટ્યુટના પ્રોજેક્ટમાં આવી બાબતોનો સમાવેશ થયો છે

  • માનવશાસ્ત્રીઓ ચકાસે કે લોકો વચ્ચે કરુણાનો પ્રસાર કઈ રીતે થાય છે.
  • સમાજશાસ્ત્રીઓ વિશ્લેષણ કરે કે જે લોકો કઠોર વર્તન કરે છે તેમને કરુણાસભર કઈ રીતે બનાવી શકાય.
  • માનસશાસ્ત્રીઓ સંશોધન કરે કે કરુણાથી કઈ રીતે માણસ તરોતાજા રહે અને માનસિક તણાવમાં તે મદદ કરે.

આ સંસ્થા વિદ્યાર્થીઓને પણ તાલીમ આપે છે અને લૉસ એન્જેલેસના વિવિધ મુદાયમાં તેઓ કામ કરે છે.

ફેઝલર કહે છે કે જેમ કે ખરાબ માનસિક તણાવ એવી સ્થિતિ છે જેમાંથી બહાર નીકળવા તમે કશું જ કરી શકતા નથી એ તમારા માટે ખરાબ છે.

જ્યારે સારો માનસિક તણાવ એટલે એવી સ્થિતિ કે જેમાંથી બહાર નીકળવું એ એક મોટો પડકાર છે, છતાં તમે તેમાંથી બહાર નીકળી શકો છો, જેમ કે, પર્વતારોહણ.

તેઓ કહે છે, "જે લોકો તમારી સાથે શ્રેષ્ઠ વર્તન કરતાં હોય તેમની સાથે ખરાબ વર્તન કરીને તેમને તમે છોડી દો તો એ તમારા માટે ખરાબ છે અને તમારું જીવન ટૂંકાવી શકે છે."

"સામે કોઈ પાસેથી કરુણા મેળવવી અને કોઈને કરુણા આપવી એ આ તણાવભર્યા જીવનમાં એક રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે અને એ તમારા માટે સારું છે."

કોઈ એક કૉફી શોપમાં તમે કોઈને સ્મિત સાથે પૂછો કે તમે કેમ છો? એ પણ તમારું જીવન લંબાવી શકે છે.

તેઓ કહે છે, "કરુણાસભર પ્રવૃત્તિઓમાં જોડાવાથી કે કરુણાસભર વર્તન કરવાથી લોહીનું દબાણ ઘટે છે. તણાવ અને બેચેનીના સારવારના આ પણ વિકલ્પો છે."

ત્વરિત સંદેશ

કોલંબો યૂનિવર્સિટીના ડૉક્ટર કેલી હોર્ડિંગ તેમના તાજેતરના પુસ્તકમાં ઘ રેબિટ ઇફેક્ટ વિશે વાત કરે છે.

તેઓ કહે છે, "તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, લોહીનું દબાણ ઘટે છે, તેનાથી લોકો લાંબુ અને સારું જીવન જીવી શકે છે. આ વિશિષ્ટ વાત છે કે તેનો ખજાનો ક્યારેય ખૂટતો નથી કે કરુણા તમને ક્યારેય અબખે પડતી નથી. આ પુરવઠો મફતમાં અને જોઈએ તેટલો મળે છે."

તેમના પુસ્તકના શીર્ષક અંગે તેઓ કહે છે, "મેં 1970માં સસલાંઓ પરના એક અભ્યાસ વિશે સાંભળ્યું હતું. આ અભ્યાસમાં સસલાંઓનાં એક જૂથના પરિણામો સારા હતા. શું થઈ રહ્યું તે જાણવાની કોશિશ પરથી મને ખ્યાલ આવ્યો કે એ સસલાંઓનું એ જૂથના એક દયાળુ સંશોધકની કામગીરી હેઠળ હતું."

"એક ડૉક્ટર તરીકે હું આશ્ચર્યચકિત હતી. મને આ એક ત્વરિત સંદેશ જેવું લાગ્યું."

તેઓ કહે છે, "કરુણાથી ઘણો ફરક પડે છે અને લોકોને અને તેમની દુનિયાને કોઈ યોગ્ય દિશામાં વાળવામાં મદદ કરે છે."

તેઓ કહે છે આપણી જાત કરતાં બીજાઓ સાથે કરુણા રાખવી વધુ સરળ છે.

તેઓ કહે છે, "આપણી સાથે અને બીજા સાથે કરુણા દાખવવાના ઘણાં વિકલ્પો છે. કાર્યના સ્થળે, શાળાએ અને ઘરમાં કરુણાવૃત્તિથી સારા પરિણામો મળી શકે છે."

" આપણ કલ્પના પણ ન કરી શકીએ એ હદે આરોગ્ય ક્ષેત્રે ટેક્નૉલૉજી એટલી વિકસી રહી છે કે પણ એક કરુણાસભર કૅરટેકરનું સ્થાન કોઈ લઈ શકશે નહીં. માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ બહુ અલગ છે."

કરુણાસભર જીવનના નિષ્ણાત ગેબ્રેલા વઍન વિજ પાસેથી કરુણાસભર જીવન જીવવાની કેટલીક ટિપ્સઃ

  • અન્યોને સાંભળવાની આદત પાડો
  • કઠોર વાતનો કરુણાથી જવાબ આપો
  • અવગણના પામતા વ્યક્તિને તમારા કામમાં સામેલ કરો, આવુ કરવાથી તમે તેમની કદર કરો છો કારણ કે કોઈની અવગણના કરવી એ અમાનવીય છે
  • ક્રિયા-પ્રતિક્રિયામાં જ્યારે તમે કઠોર કે ઉગ્ર બનો ત્યારે અટકો અને એક ઊંડો શ્વાસ લો

યૂસીએલએ સોશિયલ સાયન્સ વિભાગના ડીન ડેર્નેલ હંટ કહે છે કે "મને લાગે છે કે આપણે આજે એવા વિશ્વમાં પહોંચી ગયા છીએ જ્યાંથી આપણે પાછાં ડગલાં ભરીને વધુ માનવીય કઈ રીતે બની શકીએ અને માણસાઈભર્યો સમાજ કેવી રીતે બનાવી શકીએ તે જાણવું જોઈએ."

"વધતાં શહેરીકરણ અને રાજકીય ધ્રુવીકરણ સાથે લોકોનો એકબીજા સાથેનો સંવાદ ઘટી રહ્યો છે. જ્યારે લોકો કોઈ કરુણાસભર પ્રવૃત્તિ જુએ છે તો તેનું અનુકરણ કરવા પ્રેરાય છે. છતાં આપણે કરુણાનું તંત્ર સમજવામાં પડીએ છીએ."

"આ માત્ર આપણી જ વાત નથી. આ પ્રવૃત્તિને આપણી નીતિઓ અને દુનિયાના નિયમોમાં વણવાની જરૂર છે."

તેઓ કહે છે, "આ ઐતિહાસિક કામ કરવાનો માટેનો હવે યોગ્ય સમય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો