નરેન્દ્ર મોદીનો તુર્કીનો પ્રવાસ રદ, બંને દેશના સંબંધોમાં તણાવ વધ્યો

મોદી અર્દોઆન

ઇમેજ સ્રોત, Getty Images

ધ હિંદુમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીનો પ્રવાસ રદ કરી દીધો છે.

આ રિપોર્ટ મુજબ હાલના સમયમાં કાશ્મીર મામલે તુર્કીના વલણને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા મહિને 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ધ હિંદુ અનુસાર મોદીના તુર્કી પ્રવાસની વાત આ વર્ષે જૂન મહિનામાં વડા પ્રધાન મોદી અને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન થઈ હતી.

અખબાર અનુસાર મોદી આ મહિનાના અંતમાં તુર્કી જવાના હતા.

તુર્કીએ કાશ્મીર અને એફએટીએફ મામલે પાકિસ્તાનને સમર્થન આપતા બંને દેશોના સંબંધોમાં બગડ્યા છે.

ધ હિંદુ અખબાર અનુસાર આ સાથે જ ભારતે તુર્કીના અનાદોલુ શિપયાર્ડથી ભારતમાં નેવી સપોર્ટ શિપ બનાવવાની ડીલને પણ રદ કરી દીધી છે.

line

ભારતમાં હિંમત હોય તો કરતારપુર રોકી બતાવે : પાકિસ્તાન

કુરૈશી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે જો ભાજપ સરકારમાં હિંમત હોય તો કરતારપુર કૉરિડોરને શરૂ થવાથી રોકી બતાવે.

તેમણે જિયો ટીવીના માધ્યમથી કહ્યું હતું કે ભારત ઇચ્છે કે ન ઇચ્છે કરતારપુર કૉરિડોર ખૂલવા જઈ રહ્યો છે.

પાકિસ્તાનના વિદેશમંત્રીએ એવું પણ કહ્યું, "પંજાબમાં કરતારપુર કૉરિડોર ખૂલે છે એ વાતથી લોકો ખુશ છે."

"ભારતમાં ગુપ્તચર સંસ્થાઓએ કરતારપુર અંગે ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન શીખ લોકોની ધાર્મિક ભાવના ભડકાવવાના પ્રયાસો કરી શકે છે."

કુરૈશીએ એવું પણ કહ્યું હતું કે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ સ્વીકાર્યું છે.

line

ઉઝ્બેકિસ્તાનમાં સરદારની પ્રતિમાનું અનાવરણ

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Twitter/@vijayrupanibjp

શનિવારથી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની પાંચ દિવસની ઉઝ્બેકિસ્તાનયાત્રાનો પ્રારંભ થયો.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે યાત્રાના પ્રથમ દિવસે રૂપાણીએ અંદિજાનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે એ માર્ગને 'સરદાર પટેલ માર્ગ' નામ આપવામાં આવ્યું છે.

આ યાત્રા દરમિયાન મુખ્ય મંત્રી ત્યાંના વેપારી સમુદાય અને રોકાણકારો સાથે મુલાકાત કરશે.

સંબોધન કરતી વખતે રૂપાણીએ ઉઝ્બેકિસ્તાન અને ભારત વચ્ચે સહકારી ભાગીદારીની દિશામાં આગળ વધવાની પણ વાત કરી હતી.

line

મોદી સાથે દેખાયા શાહરુખ અને આમિર ખાન

નરેન્દ્ર મોદી સાથે શાહરુખ અને આમિર ખાન

ઇમેજ સ્રોત, PMO

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે શાહરુખ ખાન અને આમિર ખાન સહિતના ફિલ્મી કલાકારો સાથે મુલાકાત કરી હતી.

વડા પ્રધાને કલાકારો સાથે સિનેમા થકી મહાત્મા ગાંધીનાં વિચારો અને જીવનમૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાની અપીલ કરી હતી.

વડા પ્રધાને કહ્યું હતું કે લોકો અને સમાજ સાથે જોડાણ માટે ફિલ્મો, સંગીત અને નૃત્યો એ સારાં માધ્યમો બની ગયાં છે.

આ કાર્યક્રમમાં શાહરુખ ખાન, આમિર ખાન, કંગના રનૌત, જૅકલિન ફર્નાન્ડિસ, ઇમ્તિયાઝ અલી, એકતા કપૂર, અનુરાગ બસુ, બોની કપૂર સહિતનાં દિગ્ગજો હાજર રહ્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ કલાકારોને દાંડી સ્થિત મ્યુઝિયમ ખાતે જવાની અપીલ પણ કરી હતી.

તેમણે કહ્યું હતું, 'તમારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પણ જવું જોઈએ, જ્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવે છે.'

line

તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું, કુર્દ લડાકુઓનાં 'માથાં વાઢી નાખશું'

અર્દોઆન

ઇમેજ સ્રોત, Reuters

તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને કહ્યું છે કે ઉત્તર સીરિયાની સીમા પર પ્રસ્તાવિત 'સેફ ઝોન'થી કુર્દ લડાકુઓ નહીં હઠે તો તેમના 'માથાં વાઢી નાખશું.'

આ પ્રદેશમાં કુર્દો સામે પોતાનું સૈન્ય અભિયાન રોકવા માટે તુર્કી ગુરુવારે સંમત થયું હતું, જોકે આ યુદ્ધવિરામ માત્ર પાંચ દિવસ માટે છે.

જોકે શનિવારે બન્ને પક્ષો વચ્ચે સંઘર્ષ-વિરામના ઉલ્લંઘનના આક્ષેપો પણ થયા હતા.

અર્દોઆને કહ્યું કે સંઘર્ષ-વિરામની સંમતિ છતાં મંગળવાર સાંજ સુધીમાં કુર્દ લડાકુઓ પીછેહઠ નહીં કરે તો 'અમે ત્યાંથી જ શરૂઆત કરીશું જ્યાં અમે અભિયાનને અધૂરું છોડ્યું હતું અને આંતકીઓનાં માથાં વાઢી નાખશું.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો