ગુજરાતમાં થયેલી કિશોરની હત્યામાં બ્રિટનના દંપતી પર આરોપ

    • લેેખક, પૂનમ તનેજા
    • પદ, બીબીસી એશિયન નેટવર્ક

પોતાના દત્તક દીકરાની નાણાકીય લાભના હેતુસર હત્યા કરાવવાના આરોપસર લંડનમાં રહેતા એક દંપતીને ભારતીય સત્તાવાળાઓને હવાલે કરવામાં આવે એવી શક્યતા છે.

જોકે વેસ્ટ લંડનમાં રહેતા 55 વર્ષીય આરતી ધીર અને 30 વર્ષીય કેવલ રાયજાદાએ 2017માં ઇન્સ્યોરન્સનાં નાણાં મેળવવા માટે 11 વર્ષના ગોપાલ સેજાણીની હત્યા કરાવવાના આરોપનો ઇન્કાર કર્યો છે.

ભારતમાં આ હત્યા સંબંધી કેસમાં કાયદેસર કામ ચલાવવા માટે આ દંપતીને ભારતીય સત્તાવાળાઓને સોંપવાની વિનંતીનો બ્રિટન અત્યાર સુધી માનવાધિકારના કારણસર અસ્વીકાર કરતું રહ્યું છે.

જોકે ભારત સરકારને આ નિર્ણય સામે અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

હાનવેલમાં રહેતું આ દંપતી એક અનાથ બાળકને દત્તક લેવા 2015માં ગુજરાતના કેશોદ ગામે આવ્યું હતું.

અદાલતના દસ્તાવેજ અનુસાર, ભારતીય સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે દંપતીએ એક સ્થાનિક અખબારમાં જાહેરાત આપી હતી અને તેમાં વચન આપ્યું હતું કે તેઓ દત્તક બાળકને લંડન રહેવા લઈ જશે.

એ પછી દંપતીની મુલાકાત પોતાનાં મોટી બહેન તથા બનેવી હરસુખ કરદાણી સાથે રહેતા ખેડૂત પરિવારના બાળક ગોપાલ સાથે થઈ હતી.

ગોપાલને બ્રિટનમાં સારું જીવન મળશે એમ ધારીને ગોપાલનાં બહેન-બનેવી ગોપાલને દત્તક આપવા સહમત થયા હતા અને તેમણે એડોપ્શનની કાયકાદીય તૈયારી શરૂ કરી હતી.

અલબત્ત, ભારતીય પોલીસના દાવા મુજબ, નિઃસંતાન દંપતી આરતી ધીર અને કેવલ રાયજાદાની વાસ્તવિક યોજના અલગ હતી.

ભારતીય સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આરતી ધીરે ગોપાલના નામે ઇન્સ્યોરન્સ પૉલિસી લીધી હતી.

એ પૉલિસીનું અંદાજિત મૂલ્ય 1,50,000 પાઉન્ડ (અંદાજે 1.36 કરોડ રૂપિયા) હતું અને વીમાનાં નાણાંની ચુકવણી દસ વર્ષ બાદ અથવા ગોપાલનું અકાળે મૃત્યુ થાય તો થવાની હતી.

દસ્તાવેજો અનુસાર, આરતી ધીરે 15,000 પાઉન્ડનાં એવાં બે પ્રીમિયમ ભર્યાં હતાં.

આ કેસ મામલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખે સાથે હરસુખભાઈ કરદાણીના ફોઈના દીકરા જગદીશ હંસરાજભાઈ ખોડાસરા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "ગોપાલ સેજાણી 11 વર્ષનો છોકરો હતો ત્યારે તેને દત્તક લીધો હતો. એનું મોટું વીમા પ્રીમિયમ પણ લીધું હતું. તે વિઝાની રાહ જોતો હતો અને બહેન-બનેવી સાથે રહેતો."

"એક વાર ગોપાલ અને હરસુખભાઈ જતાં હતા ત્યારે એક ગાડીએ તેમનો પીછો કર્યો અને ગોપાલના અપહરણની કોશિશ થઈ, તેને માર મારવાનો પ્રયાસ કર્યો."

"ત્યારે તેના બનેવી હરસુખભાઈ બચાવવા માટે વચ્ચે પડ્યા અને તેમને છરીના ઘા માર્યા હતા. હરસુખભાઈને હૉસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમનું અવસાન થયું."

તેમણે વધુમાં કહ્યું, "8 ફેબ્રુઆરી, 2017માં આ ઘટના બની હતી. મારા ભાઈને શંકા હતી કે જે લોકો આ છોકરાને દત્તક લઈને લંડન લઈ જવાના હતા તેમના જ માણસોએ અપહરણ કરીને ગોપાલ સેજાણીનું ખૂન કરવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગે છે, કારણ કે મારા ભાઈ હરસુખ કરદાણીને કોઈની સાથે દુશ્મની નહોતી."

તેમણે કહ્યું કે મારા ભાઈએ ગોપાલના સારા ભવિષ્ય માટે એને દત્તક આપવાનો નિર્ણય કર્યો હતો પણ અમને ખબર નહોતી કે આ રીતે વીમાની મોટી રકમ હડપવા આ લોકો આવું કૃત્ય કરશે.

જૂનાગઢના પોલીસ વડા સૌરભ સિંહે બીબીસીને કહ્યું હતું કે "આરતી ધીરે ગોપાલના નામે પણ એક વીમા પૉલિસી લીધી હતી. વીમાની રકમ ઘણી મોટી હતી અને ગોપાલનું અકાળે મૃત્યુ થશે તો પોતાને ઇન્સ્યોર્ડ અમાઉન્ટના દસ ગણાં નાણાં મળશે એ સારી રીતે જાણતાં આરતી ધીરે બે પ્રીમિયમ પણ ભર્યાં હતાં"

આરતી ધીર અને કેવલ રાયજાદા લંડન પરત ફર્યાં હતાં પરંતુ ગોપાલ ક્યારેય બ્રિટન ગયો નહોતો. વિઝાના કાગળિયાં તૈયાર થાય ત્યાં સુધી ગોપાલને ગુજરાતમાં જ રાખવામાં આવ્યો હતો.

2017ની આઠમી ફેબ્રુઆરીએ ગુજરાતમાં બે બાઈકસવારોએ ગોપાલનું અપહરણ કર્યું હતું, તેમના શરીર પર છરીના ઘા માર્યા હતા અને તેમને રસ્તા પર ફેંકી દીધા હતા.

ગોપાલના બનેવી હરસુખ કરદાણીએ ગોપાલને બચાવવાનો પ્રયાસ કર્યો એટલે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગોપાલ અને તેમના બનેવી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિના પછી મૃત્યુ પામ્યા હતા.

ભારતીય સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ગોપાલનો જીવ લેવાના બે પ્રયાસ અગાઉ પણ કરવામાં આવ્યા હતા, પણ એ નિષ્ફળ રહ્યા હતા. વીમાની રકમની ચુકવણી ક્યારેય થઈ ન હતી.

અદાલતમાં સુનાવણી

ભારતીય અધિકારીઓએ એક શકમંદની ધરપકડ કરી હતી. એ શકમંદે જણાવ્યું હતું કે એ લંડનના દંપતીનો દોસ્ત હતો અને લંડનમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેમની સાથે કેટલોક સમય ગાળ્યો હતો.

આ ગુનામાં સંડોવણી સબબ ઉપરોક્ત શકમંદ સહિત કુલ ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી.

આરતી ધીર અને કેવલ રાયજાદા સામે ભારતમાં છ આરોપ છે, જેમાં હત્યા અને અપહરણનું કાવતરું ઘડવાના આરોપનો સમાવેશ થાય છે.

ભારત સરકારની વિનંતીને પગલે આરતી અને કેવલની 2017ના જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ વર્ષની બીજી જુલાઈએ વેસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટના એક ન્યાયમૂર્તિએ આરતી તથા કેવલનો કબજો ભારતીય સત્તાવાળાઓને સોંપવાનો માનવાધિકારના કારણસર ઇન્કાર કર્યો હતો.

જોકે, સિનિયર ડિસ્ટ્રિક્ટ જજ એમ્મા અર્બુથનોટે તેમના ચુકાદામાં નોંધ્યું હતું કે "આરતી ધીર અને કેવલ રાયજાદા અન્યો સાથે ગુનો આચરવામાં સામેલ હોવાના સાંયોગિક પ્રથમદર્શી પુરાવા છે તેથી તેમને ભારતને હવાલે કરવાનાં પૂરતાં કારણો છે."

ભારતમાં બેવડી હત્યાના આરોપીને આજીવન કારાવાસની સજાની અને તેમને પેરોલ પર મુક્ત નહીં કરવાની કાયદાકીય જોગવાઈ આરોપી દંપતીના માનવાધિકારથી વિપરીત હોવાથી તેમને ભારતને હવાલે કરવાનો મહિલા ન્યાયમૂર્તિએ ઇન્કાર કર્યો હતો.

મહિલા ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે આરોપી દંપતીને ભારતને હવાલે કરવામાં આવશે તો તેમને 'અત્યંત આકરી' સજા કરવામાં આવે એ શક્ય છે અને એ સજાની સમીક્ષાનો અભાવ 'અમાનવીય અને અપમાનજનક' હશે.

ભારતીય સત્તાવાળાઓને મહિલા ન્યાયમૂર્તિના આ ચુકાદા સામે અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને એ અપીલની સુનાવણી આગામી વર્ષે હાથ ધરાય એવી આશા છે.

આ કેસ બાબતે ટિપ્પણી કરતાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસની એક્સ્ટ્રાડિશન ટીમના ભૂતપૂર્વ વડા નીક વેમોસે જણાવ્યું હતું કે અસાધારણ ભાવનાત્મક સંજોગમાં પણ મુક્તિની કોઈ સંભાવના ન હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

દંપતીના વેસ્ટ લંડનસ્થિત નિવાસસ્થાનની બહાર બીબીસીએ આરતી ધીર પાસેથી આ કેસ બાબતે અને તેઓ આ કેસમાં ભારતમાં અદાલતી કાર્યવાહી માટે ઉપસ્થિત થવાનો ઇન્કાર શા માટે કરી રહ્યાં છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરતી ધીરે તેનો પ્રતિસાદ આપવાનો ઇન્કાર કર્યો હતો.

આરતી ધીર તથા કેવલ રાયજાદા બન્ને તેમના પરના આરોપોનો ઇન્કાર કરી રહ્યાં છે અને અદાલતના દસ્તાવેજો જણાવે છે કે તેમની સામે કોઈ પ્રથમદર્શી કેસ નથી. બન્ને હાલ જામીન પર મુક્ત છે.

પોલીસવડા સૌરભ સિંહે ઉમેર્યું હતું, "અમે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. આ ભારતમાં આચરવામાં આવેલો અત્યંત ગંભીર ગુનો છે."

"અમે ઈચ્છીએ છીએ કે બન્ને આરોપીને ભારતીય કાયદા અનુસાર ભારતીય કોર્ટમાં ખટલો ચલાવવા માટે ભારત લાવવામાં આવે. એ માટે અમે બ્રિટિશ કોર્ટને મદદના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ."

ચીફ મૅજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે ભારતની અપીલ નિષ્ફળ રહેશે તથા આરતી ધીર અને કેવલ રાયજાદા સામે હત્યામાં સામેલગીરીના પુરાવા હશે તો બ્રિટનમાં અદાલતી કાર્યવાહી ચલાવવામાં આવે એ શક્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો