પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના સવાલ બાદ ચર્ચામાં આવેલા જય શાહ કોણ છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ સવાલ કર્યો હતો કે જય શાહ પાસે કઈ મોટી ડિગ્રી છે કે તેઓ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સુધી પહોંચી ગયા?

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપે એક નિયમ બનાવ્યો છે કે ભાજપ નેતાઓ-કાર્યકરોનાં સગાંઓને ટિકિટ નહીં આપે.

પ્રહલાદ મોદીનાં દીકરી સોનલ મોદીએ અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માગી હતી પણ ભાજપના ઉમેદવારોની યાદીમાં તેમનું નામ આવ્યું નથી.

ઉમેદવાર જાહેર થતા પહેલાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે પાર્ટી જે કંઈ નિયમો બનાવે, એ પૂરા હિન્દુસ્તાનના બધા જ કાર્યકરો-નેતાઓને લાગુ પડતા હોવા જોઈએ.

તેમણે અમિત શાહના પુત્ર જય શાહ અંગે કહ્યું હતું કે "ગુજરાતના અમિતભાઈ શાહ (ગૃહમંત્રી)નો દીકરો જય, જેણે કદી ક્રિકેટમાં સ્થાન નથી લીધું, ક્રિકેટ રમ્યા છે કે કેમ એ મને ખબર નથી, કેમ કે પેપરમાં તો કદી આવ્યું નથી. મીડિયા દ્વારા મેં જાણ્યું પણ નથી. અને અચાનક આટલો મોટો ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો વહીવટ તેમને સોંપાય?"

"એવી તો શું એમની પાસે ડિગ્રી આવી ગઈ કે સરકાર એમનો ઉપયોગ કરી રહી છે?"

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી છે અને તાજેતરમાં તેમની એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે વરણી થઈ છે.

જય શાહ કોણ છે?

ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહનું નામ BCCIની ચૂંટણી સમયે ચર્ચામાં આવ્યું હતું.

એ ચૂંટણી બિનહરીફ થતાં BCCIના પ્રમુખપદે સૌરવ ગાંગુલી, સેક્રેટરી તરીકે જય શાહની વરણી થઈ ગઈ અને ટ્રેઝરર તરીકે અરુણ ધુમલની વરણી થઈ હતી.

એ બાદ જય શાહે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના જૉઇન્ટ-સેક્રેટરીપદેથી રાજીનામું આપ્યું હતું.

પુત્ર જય શાહની સંપત્તિમાં ઉછાળા અંગે ન્યૂઝ પોર્ટલ 'The Wire'એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેના કારણે તેમનું નામ સોશિયલ મીડિયામાં ચર્ચાયું હતું.

'The Wire'ના અહેવાલમાં જય શાહની સંપત્તિમાં 16,000 ગણા ઉછાળાની વાત લખાઈ હતી. લેખમાં અમિત શાહના પુત્રને સરકારી સંસ્થાઓમાંથી લૉન મળવાની વાત પણ હતી.

આ વિવાદે રાજકીય રૂપ ધારણ કરી લીધું હતું અને વિરોધી પક્ષોએ આ મુદ્દો ઉપાડી લીધો હતો.

એ વખતે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વડા પ્રધાનને 'અમિત શાહ બિઝનેસ મૉડલ' અંગે ખુલાસો આપવાનું કહ્યું હતું.

તો જય શાહે તેમની સામેના આરોપો 'ખોટા' અને 'બદનક્ષીભર્યા' હોવાનું જણાવ્યું હતું અને સમાચાર સંસ્થા સામે 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો.

2010માં પ્રથમ વખત જાહેરમાં દેખાયા

2010માં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે દેશના ખ્યાતનામ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી સાથે એક યુવાન આવતો. ત્યારે તેમની ઉંમર આશરે વીસ વર્ષની હશે.

કોર્ટ શરૂ થાય ત્યારે તેઓ કોર્ટમાં વકીલોની પાછળની બીજી હરોળમાં આવીને બેસી જતા.

એક તરફ રામ જેઠમલાણી દલીલો કરતા હતા, બીજી તરફ કે. ટી. એસ. તુલસી દલીલો કરતા હતા.

આ યુવાનનું ધ્યાન દલીલો કરતાં વધુ જજના ચહેરા પર દલીલોની થતી અસર પર રહેતું હતું.

જોકે 2010 સુધી બહુ ઓછા લોકો આ યુવાનને ઓળખતા હતા, તેમનું નામ જય શાહ હતું અને અમિત શાહનું એકમાત્ર સંતાન.

અમિત શાહની 2010માં સીબીઆઈ દ્વારા સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

અમિત શાહ અમદાવાદની સાબરમતી જેલમાં હતા અને તેમની જામીનઅરજીની સુનાવણી દરમિયાન જય શાહને લોકોએ પહેલી વખત જાહેરમાં જોયા હતા.

ગુજરાત હાઈકોર્ટે જામીન તો આપ્યા હતા પણ તે જ દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અમિત શાહને ગુજરાતમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને શાહ રહેવા માટે દિલ્હી જતા રહ્યા હતા.

અમિત શાહ એ સમયે અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ હતા.

નવી 'ઇનિંગ'ની શરૂઆત

અમિત શાહની ગુજરાતમાં ગેરહાજરીને કારણે વીસ વર્ષના જય શાહને પોતાના પિતાના વિસ્તારના મતદારોની અને પિતાના શૅરબજારના ધંધામાં ધ્યાન આપવાની ફરજ પડી હતી.

જય શાહ પિતાના પગલે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનમાં પણ આવ્યા હતા.

2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન થતાં ખાલી પડેલા જીસીએના ચૅરમૅનપદે અમિત શાહની વરણી કરવામાં આવી હતી.

અમિત શાહને પણ રાષ્ટ્રીય પ્રમુખનું પદ મળતા તેમણે જીસીએનો વહીવટ પોતાના કોઈ વિશ્વાસુને સોંપવાને બદલે પુત્ર જય શાહને જ સોંપ્યો હતો અને જય શાહને જીસીએના જૉઇન્ટ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સોંપાયો હતો.

અંગત જીવનમાં કોઈને પ્રવેશ નહીં

જય શાહે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

જોકે અમિત શાહ અને જય શાહની ખાસિયત એ છે કે તેઓ પોતાની વ્યક્તિગત-પારિવારિક બાબતોની જાણકારી જાહેર ન થાય તેની તકેદારી રાખે છે.

અમિત શાહના નજીકના સાથી કમલેશ ત્રિપાઠીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "જય ખૂબ જ નાનો હતો ત્યારથી તેનો ઉછેર મેં જોયો છે."

તેઓ તેમના પારિવારિક મિત્રવર્તુળમાં જલદી કોઈને સામેલ કરતા નથી.

અમિત શાહની તાકીદ છે કે રાજ્ય અથવા કેન્દ્રના કોઈ સરકારી અધિકારી સાથે જયે સીધી વાત કરવી નહીં.

(આ સ્ટોરી માટે પ્રશાંત દયાળના અહેવાલમાંથી ઇનપુટ્સ લેવામાં આવ્યા છે અને લેખ પુન:પ્રકાશિત કરવામાં આવ્યો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો