You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇરાક વિરોધ પ્રદર્શન : સંયુક્ત રાષ્ટ્રની હિંસા રોકવા અપીલ, 100 લોકોનાં મૃત્યુ, 4000 ઘાયલ
સંયુક્ત રાષ્ટ્રએ ઇરાકમાં થઈ રહેલા હિંસાને રોકવા માટે અપીલ કરી છે. ઇરાકમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં મૃતાંક 100 નજીક પહોંચી ગયો છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ બેરોજગારી, અપૂરતી સુવિધાઓ અને દેશમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રના ઇરાકના આસિસ્ટન્ટ મિશન જેની હેનિસ પ્લાસચાર્ટે કહ્યું કે પાંચ દિવસથી હિંસા થઈ રહી છે, લોકો મરી રહ્યા છે અને ઘાયલ થઈ રહ્યા એને અટકવું જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે આને માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે ન્યાયિક પગલાં લેવાવા જોઈએ.
ઇરાકની સંસદના માનવાધિકાર પંચ મુજબ મંગળવારથી શરૂ થયેલા વિરોધ-પ્રદર્શનો દરમિયાન હિંસામાં 99 લોકોનાં મૃત્યુ થયાં છે અને 4000 લોકો ઘાયલ થયાં છે.
ગઈ કાલ સુધી મૃતાંક 60 કહેવામાં આવતો હતો પરંતુ શનિવારે બગદાદમાં થયેલા વિરોધ-પ્રદર્શન પછી મૃતાંક વધ્યો છે.
સતત વિરોધ-પ્રદર્શન અને હિંસાને પગલે ઇરાક વડા પ્રધાન આદિલ અબ્દેલ મહાદીએ ટેલિવિઝન સંબોધન કર્યું અને કહ્યું હતું કે લોકોની વાજબી માગણીઓ સ્વીકારવામાં આવશે.
એમણે પરિસ્થિતિનું કોઈ 'જાદુઈ નિરાકરણ' નથી એવી ચેતવણી પણ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બગદાદ સહિત અનેક સ્થળોએ સુરક્ષાકર્મીઓ અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું છે.
2017માં કથિત ઇસ્લામિક સ્ટેટને ઇરાકમાં પરાસ્ત કરાયા પછીની આ સૌથી મોટી હિંસાની ઘટના છે.
લશ્કરી અધિકારીઓનું કહેવું છે કે બગદાદમાં અજાણ્યા નિશાનેબાજ દ્વારા 4 લોકોની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. આ 4 લોકોમાં 2 પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.
સમાચાર સંસ્થા રૉઇટર્સના જણાવ્યા મુજબ રાજધાની બગદાદના તાહિર સ્કૅવર પર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો અને સુરક્ષાકર્મીઓને એમની પર ગોળીબાર કરતા દેખાયા.
મોટા ભાગની હિંસાની ઘટના બગદાદમાં અને અમરા, દિવાનિયા અને હિલા જેવા શિયા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં બની છે. શુક્રવારે નાસિરિયામાં પણ કેટલાક લોકોનાં મૃત્યુ થયાં.
અત્યારે વિરોધ કેમ થઈ રહ્યો છે?
ઇરાકના યુવાવર્ગમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીને લઈને આક્રોશ છે અને તેને લીધે કોઈ પણ નેતૃત્વ વિના આ વિરોધ-પ્રદર્શનો થયાં અને ખૂબ જ ઝડપથી દક્ષિણ ઇરાકમાં શિયા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ફેલાયાં હતાં.
ઇરાક વિશ્વમાં સૌથી વધારે તેલ રિઝર્વ ધરાવતો ચોથા ક્રમનો દેશ છે અને તેમ છતાં 2014ના વિશ્વ બૅન્કના અભ્યાસ મુજબ 4 કરોડ લોકોની દૈનિક આવક દોઢસો રૂપિયાથી પણ ઓછી છે.
દર છ પૈકી એક ઘર ખોરાકની અસુરક્ષાનો સામનો કરે છે.
ગત વર્ષે ઇરાકમાં બેરોજગારીનો દર 7.9 ટકા હતો, પરંતુ યુવાવર્ગમાં તેનું પ્રમાણ ડબલ હતું. ઇરાકમાં 17 ટકા યુવાનો બેરોજગારીનો ભોગ બનેલા છે.
ઇરાક ઇસ્લામિક સ્ટેટ સામેના 2014ના યુદ્ધના ઓછાયામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સંઘર્ષરત વિસ્તારોમાં અપૂરતી સુવિધાઓને પગલે લોકો અનેક હાલાકી ભોગવે છે.
વિરોધ-પ્રદર્શનો અને હિંસાને પગલે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ તથા ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ઇમરજન્સી સિક્યૉરિટી મિટિંગ બોલાવાઈ
ઇરાકમાં થઇ રહેલાં આ પ્રદર્શનનો હેતુ ઇરાકના વડા પ્રધાન આદિલ અબ્દેલ મહાદીની સરકારમાં થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર, અસુવિધાઓ અને બેરોજગારીનો વિરોધ કરવાનો હતો.
આ તમામ સમસ્યાઓના કારણે સામાન્ય ઇરાકીઓના રોજિંદા જીવન પર માઠી અસર પડી છે.
વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વડા પ્રધાન આદિલ અબ્દેલ મહાદીએ આ "દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ" વિશે ચર્ચાવિચારણા કરવા માટે ઇમરજન્સી સિક્યૉરિટી મિટિંગ બોલાવી હતી.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિવેદન અનુસાર આ મિટિંગમાં નાગરિકો તેમજ જાહેર-ખાનગી મિલકતોની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવાની વાત પર ભાર મુકાયો હતો.
તેમજ સરકાર નાગરિકોની વાજબી માગણીઓને સંતોષવાનો પણ પ્રયત્ન કરશે એવું કહેવાયું હતું.
બગદાદમાં પ્રદર્શન દરમિયાન મોટા ભાગના પ્રદર્શનકારીઓ હાથમાં ઇરાકના વૉર-હીરો લે. જનરલ અબ્દુલ વહાબ અલ-સાદીની તસવીરો સાથે દેખાયા હતા.
નોંધનીય છે કે તેઓ ઇરાકના કાઉન્ટરટેરરિઝ્મ ફોર્સના ભૂતપૂર્વ વડા હતા, તેમણે ઇસ્લામિક સ્ટેટને પરાજય આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ગયા અઠવાડિયે જ સાદીને તેમના પદ પરથી હઠાવી દેવાયા હતા. તેથી પાડોશી દેશ ઈરાન તરફી વલણ ધરાવતા સૈનિકસમૂહોના દબાણના કારણે આ પગલું લેવાયું હોવાની ચર્ચાએ ઇરાકમાં જોર પકડ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરવી પડી
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇરાકના પાટનગર બગદાદ અને અન્ય વિસ્તારોમાં થઈ રહેલાં સરકારવિરોધી પ્રદર્શનો પર કાબૂ મેળવવા માટે અપીલ કરી છે.
શીન્હુઆ ન્યૂઝ એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા યુ.એન. આસિસ્ટન્સ મિશન ફોર ઇરાક (ઉનામી)ના એક નિવેદન અનુસાર, "યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલના ઇરાક ખાતેના ખાસ પ્રતિનિધિ જીનીન હેનિસ-પ્લાસકર્ટે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે."
તેમજ હેનિસ પ્લાસકર્ટે ઇરાકી વહીવટી તંત્રને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓની સલામતીનું ધ્યાન રાખવા વિનંતી કરી છે.
તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની, નાગરિકો અને જાહેર-ખાનગી મિલકતોના રક્ષણ કરવાની સૂચના આપી છે.
આ મુદ્દે હેનિસ પ્લાસકર્ટે કહ્યું કે, "કાયદાને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિને પોતાની વાત સ્વતંત્ર રીતે કહેવાનો પૂરો અધિકાર છે."
વડા પ્રધાને શું કહ્યું?
સંસદસભ્યોના સાથની માગણી કરતાં ઇરાકના વડા પ્રધાન મહાદીએ લોકોને વાયદો કર્યો કે તેઓ ગરીબ પરિવારોને બેઝિક આવક મળે તે માટે નવું બિલ પાસ કરાવશે.
તેમણે કહ્યું કે, "હું ફરીથી કહું છું કે તમે પ્રદર્શનો કરવાનું શરૂ કર્યું એની પહેલાં જ તમારો અવાજ અમે સાંભળી લીધો હતો, પરંતુ આ પરિવર્તન લાવવામાં થોડો સમય લાગી શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો