ઇશરતનાં જહાંના માતાએ કહ્યું, 'ન્યાય મેળવવાની લડતમાં થાકી ગઈ, કોર્ટમાં હાજર નહીં રહું'

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, સંવાદદાતા, બીબીસી ગુજરાતી

પોતાનાં પુત્રી ઇશરત જહાંના કથિત નકલી ઍન્કાઉન્ટરની તપાસ અને ટ્રાયલ છેલ્લાં 15 વર્ષથી જે રીતે ચાલી રહી છે, એ જોતાં થાકીહારીને શમીમા કૌશરે સીબીઆઈ કોર્ટને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ કોર્ટમાં નહીં આવે.

પહેલી ઑક્ટોબરના રોજ અમદાવાદની સીબીઆઈની ખાસ કોર્ટમાં રજૂ કરાયેલા આ પત્રની નકલમાં જણાવાયું છે કે 'તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને હવે તેઓ થાકી ગયાં છે.'

આ પત્ર સીબીઆઈને ઉદ્દેશીને લખાયો છે અને પત્રની નકલ શમીમાના વકીલ શમશાદ પઠાણે કોર્ટમાં રજૂ કરી હતી.

પત્રમાં શમીમાએ જણાવ્યું છે કે આરોપીઓને સજા અપાવવાનું કામ માત્ર તેમનું જ નહીં, સીબીઆઈનું પણ છે.

ઇશરતને ન્યાય અપાવવા માટે પડેલી વિપતની પણ વાત તેમણે પત્રમાં લખી છે.

પંદર વર્ષથી ચાલી રહેલી ન્યાયની આ લડાઈમાં થાકી ગયાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

'માના હૃદય પર શું વીતે?'

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં શમીમા કૌસર જણાવે છે, "આટલાં વર્ષોની લડાઈ બાદ પણ જો દીકરીની હત્યાના મામલે કોઈ નિકાલ ન આવે તો એક માના હૃદય પર શું વીતે?"

પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે શમીમા કૌશર વર્ષ 2004થી સતત કોર્ટમાં હાજર રહ્યાં છે, પણ હવે તેઓ હિંમત હારી ગયાં હોવાનું જણાવે છે.

શમીમા કૌસર બીબીસી ગુજરાતીને જણાવે છે, "ઇશરત જહાં આતંકવાદી નહોતી અને તેનું ઍન્કાઉન્ટર બનાવટી હતું. એ વાત સાબીત થઈ ગઈ હોવા છતાં એક બાદ એક આરોપીઓ સહેલાઈથી છૂટી રહ્યા છે. એટલે હું ધીરેધીરે હિંમત હારી ગઈ છું."

શમીમાના આ પત્ર અંગે સીબીઆઈના ખાસ વકીલ આર. સી. કોડેકર એવું કહે છે, "સીબીઆઈ પર ખોટું કરવાના શમીમા કૌસરના આરોપ પાયાવિહોણા છે."

શમીમા હાલમાં પોતાનાં સંતાનો સાથે મુંબઈના મુમરામાં રહે છે.

કુટુંબની કપરી હાલત

ભારે જદોજહદ બાદ તેઓ પોતાનું ઘર બનાવી શક્યાં છે પણ પુત્રી પર લાગેલા આતંકવાદીના ડાઘને કારણે તેમણે ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી છે.

આ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "કાયદેસર મકાન ભાડે લીધા બાદ પણ મકાનમાલિકે અમને બળજબરાઈથી ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં હતાં. કારણ માત્ર મારી દીકરી પર લાગેલો આરોપ હતો અને તે પણ ખોટો."

તેમના જણાવ્યા અનુસાર ઇશરતનાં બે ભાઈઓ અને ચાર બહેનો છે.

ઇશરતના મોટા ભાઈ ખાનગી ટૅક્સીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, જ્યારે નાના ભાઈ પાસે કોઈ કામ નથી.

શમીમાના મતે ઇશરત પર લાગેલા કથિત આતંકવાદીના આરોપોને કારણે તેમના ભાઈઓને નોકરી મળતી નથી.

જો કામ મળી પણ જાય તો પણ બહું લાંબો સમય સુધી તેમને કોઈ કામે રાખતું નથી.

ઘર ચલાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો હોવાનું શમીમા કૌસરનું જણાવવું છે.

મહત્ત્વપૂર્ણ છે કે ઇશરત ખાનગી ટ્યુશન કરીને ઘરને આર્થિક મદદ કરતાં હતાં.

હવે શું?

ન્યાયની વાત પર પરત ફરતાં શમીમા જણાવે છે, "ભલે વકીલો મારી પાસેથી પૈસા ન લે, કોર્ટના ધક્કા તો ખાવા પડે. હું વારંવાર કોર્ટમાં જતી હતી. સુપ્રીમ કોર્ટ જતી હતી. એ તમામ ખર્ચા બહું મોઘા પડે."

જોકે, શમીમા કૌસરે હજુ પણ ન્યાય મેળવવાની ઉમેદ ત્યજી નથી. તેઓ જણાવે છે, "મારી લડાઈ તો ચાલુ રહેશે જ પણ હવે હું કોર્ટમાં નહીં જ આવું."

આ અંગે વાત કરતા શમીમાના વકીલ શમશાદ પઠાણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ પત્ર પછી અમારે એ જોવાનુ રહેશે કે સીબીઆઈ પોતાનું કામ યોગ્ય રીતે કરે છે કે કેમ?"

નોંધનીય છે કે આ મામલે સીબીઆઈએ કુલ સાત આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરી હતી, જેમાંથી 3 પોલીસ અધિકારીઓ ડિસ્ચાર્જ કરી દેવાયા છે. ડી. જી. વણઝારા, એન. કે. અમીન તથા પી. પી. પાંડેયનો આમાં સમાવેશ થાય છે.

બીજા ચાર પોલીસ અધિકારીઓએ ડિસ્ચાર્જ માટેની અરજી કરી છે, જે માટેની આગામી તારીખ આ મહિનાના અંતમાં છે.

આ અધિકારીઓમાં જે. જી. પરમાર (રિટાયર્ડ. ડી.વાય.એસ.પી), જી.એલ.સિંઘલ (એસ.પી. ગુજરાત પોલીસ), તરુણ બારોટ (રિટાયર્ડ ડી.વાય.એસ.પી), અનુજ ચૌધરી (કૉન્સ્ટેબલ), રાજિન્દર કુમાર (ભૂતપૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર, સબસીડરી ઇન્ટેલિજન્સ બ્યૂરો), એમ. કે. સિંહા (એસઆઈબી), રાજીવ વાનખેડે (એસઆઇબી), ટી.મિત્તલ (એસઆઇબી) નો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો