ઇશરત જહાં નકલી ઍન્કાઉન્ટર કેસ: કઈ રીતે છૂટી ગયા વણજારા અને અમીન?

સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં ગુજરાત પૂર્વ પોલીસના અધિકરી ડી. જી. વણજારા તથા એન. કે. અમીનને આરોપ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા બંને પોલીસ અધિકારીઓ સામે ખટલો ચલાવવાને મંજૂરી આપવામાં આવી ન હતી. સમગ્ર દલીલમાં CrPCની કલમ 197ની ઉપર દલીલો કેન્દ્રીત રહી હતી.

ગુજરાતમાં 2002થી 2006 સુધીમાં 23 જેટલાં ઍન્કાઉન્ટર થયાં હતાં. ગુજરાત પોલીસના પ્રારંભિક તપાસ અહેવાલોમાં એવું જ જણાવાયું હતું કે આ વાસ્તવિક ઍન્કાઉન્ટર હતાં.

કોર્ટે નીમેલી તપાસમાં અને અહેવાલોમાં એવો આક્ષેપ કરાયો હતો કે તેમાંથી 6 ઍન્કાઉન્ટર નકલી હતાં.

ગુજરાત પોલીસના અધિકારીઓનું કહેવું થતું હતું કે માર્યા ગયેલા લોકો ત્રાસવાદીઓ હતા અને તેઓ નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પક્ષના અન્ય કોઈ નેતાની હત્યા કરવા માટે આવ્યા હતા અથવા તો રાજ્યના જુદાજુદા ભાગોમાં બૉમ્બધડાકા કરવાનો ઇરાદો ધરાવતા હતા.

ઇશરત ઍન્કાઉન્ટર : ગુજરાત પોલીસની નજરે

ઇશરત જહાં (ઉં.વ.19), પ્રનેશ પિલ્લઈ, અમજદ અલી અને જીશન જોહરનું તા. 15 જૂન, 2004ના રોજ અમદાવાદમાં કોતરપુર નજીક થયેલા ઍન્કાઉન્ટરમાં તેમનું મૃત્યુ થયું હતું.

મુંબઈની ગુરુનાનક ખાલસા કૉલેજમાં બીએસસીના બીજા વર્ષમાં ભણતાં ઇશરત જહાં નાનાંમોટાં કામ કરીને પોતાનાં માતાને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં.

જોકે, સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે અમજદ તથા જીશનના મૃતદેહો લેવા માટે કોઈ આવ્યું નહોતું અને સરકારે પોતાની રીતે અંતિમવિધિ કરી હતી.

ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન લશ્કર-એ-તોઈબાના સભ્યો હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના મિશન માટે આવ્યા હતા.

કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે અમેરિકામાં ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન સમક્ષ ડેવિડ હેડલીએ આપેલાં નિવેદનમાં સ્વીકાર્યું હતું કે ઇશરત તોઈબાની આત્મઘાતી બૉમ્બર હતી. આ સિવાય તોઈબાના મુખપત્રમાં ઇશરત તેની સભ્ય હોવાનું સ્વીકાર્યું હતું.

ઇશરત ઍન્કાઉન્ટર : સીબીઆઈની નજરે

સીબીઆઈની ચાર્જશિટ પ્રમાણે, 12/06/2004ના ઇશરત તથા જાવેદને આણંદ પાસે વાસદ ટોલ બૂથ ખાતેથી 'ઉઠાવવા'માં આવ્યા હતા અને અમદાવાદ પાસે ખોડિયાર ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા.

અમજદને મે-2004માં અમદાવાદના ગોતા સર્કલ પાસેથી 'ઉઠાવવા'માં આવ્યા હતા અને અમદાવાદ પાસે અર્હમ ફાર્મ ખાતે ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યારે જીશન જોહરને ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તે અસ્પષ્ટ છે.

ચારેયને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા તે ગાળામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અલગ-અલગ સ્થળોએ બેઠક થઈ હતી.

ઍન્કાઉન્ટરના દિવસે આંખે પાટા બાંધીને તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને પછી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

સીબીઆઈએ તેની તપાસ દરમિયાન ગુજરાત પોલીસના સાત તથા આઈબીના ચાર અધિકારીઓ સામે આરોપનામું દાખલ કર્યું હતું.

ઇન્ટેલિજન્સ બ્યૂરોની ભૂમિકા

7મી જુલાઈ, 2013ના દિવસે દાખલ કરેલી ચાર્જશીટમાં સીબીઆઈએ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના ચાર અધિકારીઓ આઈબીના જોઇન્ટ ડાયરેક્ટર (અમદાવાદ) રાજિન્દર કુમાર, મુકુલ સિંહા, રાજીવ વાનખેડે તથા તુષાર મિત્તલ સામે કાવતરું ઘડવું, હત્યા, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા તથા અપહરણના આરોપોની તપાસનો ઉલ્લેખ કર્યો.

ચાર્જશીટ પ્રમાણે, 9મી જૂન, 2004ના દિવસે ગુજરાત પોલીસના અધિકારીઓ અને રાજિન્દર કુમાર વચ્ચે બેઠક થઈ હતી.

સીબીઆઈના આરોપ મુજબ, ઇશરત જહાં ઍન્કાઉન્ટર દરમિયાન ઉપયોગમાં લેવાયેલાં હથિયારો રાજિન્દર કુમારે ગુજરાત પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ જી. એલ. સિંઘલને આપ્યાં હતાં.

શું છે સેક્સન 197?

ક્રિમિનલ પ્રોસિજર કોડની (CrPC), 1973ની કલમ 197 મુજબ કોઈ પણ સરકારી કર્મચારી સામે ખટલો માંડવા માટે જે-તે વિભાગની લેખિત મંજૂરી લેવી જરૂરી હોય છે.

સરકારી અધિકારી કોઈપણ ભાતના ભય કે પક્ષપાત વિના મુક્ત રીતે તેની ફરજ બજાવી શકે અને તેને કોઈ કનડગત ન થાય તે માટે આ કલમ દાખલ કરવામાં આવી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ચુકાદાઓમાં નોંધ્યું છે કે જો અધિકારી કોઈ એવું કૃત્ય આચરે જે તેની ફરજ બજાવવા માટે જરૂરી ન હોય અથવા તો હત્યા જેવો 'જઘન્ય અપરાધ' આચરે તો તેની સામે ખટલો દાખલ કરવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી.

ગુજરાત સરકારે વણજારા તથા અમીનની સામે ખટલો આપવા માટેની મંજૂરી ન આપવા પાછળ બંનેએ 'ફરજની બજવણી' તથા 'આરોપીમાંથી સાહેદ' બનેલાંઓના નિવેદનને આધારરૂપ ગણ્યા હતા.

અગાઉ વર્ષ 2013માં ગૃહ મંત્રાલયે ગુપ્તચર ખાતાના અધિકારીઓની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી, જેને સીબીઆઈએ પડકારી ન હતી. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.

હવે શું?

ઇશરત જહાંનાં માતા શમીમા કૌસર પાસે 90 દિવસ તથા સીબીઆઈ પાસે 60 દિવસમાં ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવાની તક રહેશે.

દરમિયાન અન્ય આરોપીઓ પણ વણજારા તથા અમીનની રાહે કેસમાંથી દોષમુક્ત જાહેર થવા માટેની દાદ માગી શકે છે.

હવે આ કેસમાં ગુજરાત પોલીસના ચાર અધિકારીઓ દોષિત રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો