ઉત્તર કોરિયાએ દરિયામાંથી નવી સબમરીન મિસાઇલનું પરીક્ષણ કર્યું

ઇમેજ સ્રોત, KCNA VIA REUTERS
ઉત્તર કોરિયા દ્વારા પોતે બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યાની જાહેરાત કરાઈ છે. મે મહિનામાં કરાયેલા શૉર્ટ-રેન્જ પરીક્ષણ બાદ આ મિસાઇલ પરીક્ષણ ઉત્તર કોરિયાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ આગેકૂચ છે.
અણુશસ્ત્ર લઈ જવા માટે સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ ઉત્તર કોરિયા દ્વારા આ વર્ષે કરાયેલું 11મું પરીક્ષણ હતું.
આ મિસાઇલની ખાસિયત એ હતી કે તેને સબમરીનમાંથી પણ લૉન્ચ કરી શકાય છે.
ઉત્તર કોરિયાના અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ મિસાઇલ દ્વારા 450 કિમી (280 માઇલ)નું અંતર કાપી શકાયું હતું. તેમજ પરીક્ષણ દરમિયાન તે સમુદ્ર સપાટીથી 910 કિમીની ઊંચાઈ સુધી પહોંચી ગઈ હતી.
આનો અર્થ એ થયો કે આ મિસાઇલ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન કરતાં પણ બમણી ઊંચાઈ પર પહોંચી ગઈ હતી.
જોકે, ઉત્તર કોરિયા દ્વારા અગાઉનાં પરીક્ષણોમાં આના કરતાં પણ વધારે ઊંચાઈ હાંસલ કર્યાનો દાવો કરાઈ ચૂક્યો છે.
આ મિસાઇલ પરીક્ષણ બાદ પૂર્વી સમુદ્ર તરીકે ઓળખાતા જાપાનના સમુદ્રના વિસ્તારમાં લૅન્ડ થઈ હતી.
જાપાન દ્વારા માહિતી અપાઈ હતી કે આ મિસાઇલ તેમના એક્સક્લુસિવ ઇકૉનૉમિક ઝોનમાં લૅન્ડ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા સાથે પરમાણુ વાર્તા ફરી શરૂ કરવાની જાહેરાત કરાયાના બે કલાક બાદ જ આ પરીક્ષણ કરાયું હતું.

મિસાઇલ લૉન્ચ વિશે વધુ માહિતી

ઇમેજ સ્રોત, KCNA
ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સી કેસીએનએ દ્વારા માહિતી અપાઈ હતી કે ગુરુવારે સવારે આ મિસાઇલને હાઇ-ઍંગલ પર ટેસ્ટ ફાયર કરાઈ હતી.
આ મિસાઇલ "બાહ્ય જોખમો સામે રક્ષણ આપવાની સાથે આંતરિક સુરક્ષા મજબૂત બનાવશે. આ મિસાઇલ પરીક્ષણના કારણે પાડોશી દેશોની સુરક્ષા પર કોઈ અસર નહીં થાય."
જોકે, અગાઉનાં પરીક્ષણોની જેમ આ લૉન્ચ દરમિયાન ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનની હાજરી દર્શાવતી કોઈ તસવીરો સામે આવી નહોતી.

મિસાઇલની ખાસિયતો
જો આ મિસાઇલ વર્ટિકલના સ્થાને સ્ટાન્ડર્ડ ટ્રૅજેક્ટરી પર લૉન્ચ કરાઈ હોત તો તે 1,900 કિમીનું અંતર કાપી શકી હોત.
તેની આ ક્ષમતા સમગ્ર દક્ષિણ કોરિયા અને જાપાનને તેની રેન્જમાં લાવી દીધું હોત. તેમજ સબમરિન દ્વારા લૉન્ચ કરાતી મિસાઇલો સરળતાથી ડિટેક્ટ થઈ શકતી નથી.
ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર ઉત્તર કોરિયા પાસે 7,000 કિમીની રેન્જવાળી રોમિયો-ક્લાસ સબમરીન છે.
જોકે, આ સબમરીન ડીઝલ સંચાલિત હોવાથી તે વધારે ઘોંઘાટ સર્જે છે જેથી તે સરળતાથી ડિટેક્ટ થઈ શકે છે.
ઉત્તર કોરિયા ઍનાલિસ્ટ અંકિત પાંડાએ સબમરીન દ્વારા પ્રક્ષેપિત કરી શકાતી બેલેસ્ટિક મિસાઇલના આ પરીક્ષણને ઉત્તર-પૂર્વ એશિયાની પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર બાબત ગણાવી હતી.
આ મિસાઇલ પરીક્ષણ, સંયુક્ત રાષ્ટ્રે ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણો પર નિયંત્રણો લાદવા માટે સુનિયોજિત પગલાં લેવાં જોઈએ એ જરૂરિયાત પણ તેઓ ભાર મૂકે છે.

અમેરિકા સાથેની વાતચીત પર અસર

ઇમેજ સ્રોત, KEVIN LIM/THE STRAITS TIMES/HANDOUT
આ પરીક્ષણ પહેલાં જ ઉત્તર કોરિયા અને અમેરિકા તરફથી જાહેરાત કરાઈ હતી કે બંને દેશો વચ્ચે આવતા અઠવાડિયાથી પરમાણુ વાર્તા ફરીથી શરૂ થશે.
હવે આ પરીક્ષણ બાદ શું થશે એ નક્કી નથી.
આ ટેસ્ટ અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "ઉત્તર કોરિયાએ ઉશ્કેરણીજનક કૃત્યો કરવાથી દૂર રહેવું જોઈએ અને ડિન્યૂક્લિયરાઇઝેશનની દિશામાં વાતચીતને આગળ વધારવી જોઈએ."
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાતચીતની શરૂઆત હાનોઈ સમિટથી થઈ હતી. આ વાતચીતનો અંત ફેબ્રુઆરીમાં કોઈ પણ જાતના કરાર વગર થયો હતો.
નિષ્ણાતો ટેસ્ટનો સમય વાતચીત ફરી શરૂ થવાની જાહેરાતને જોઈને નક્કી કરાયો હોવાનું માને છે.
વૉશિંગ્ટન ડીસીના સેન્ટર ફોર ધ નેશનલ ઇન્ટરસ્ટના હેરી કાઝિઆનીઝે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "ઉત્તર કોરિયાએ વાતચીતમાં પોતાનું સ્થાન વધારે મજબૂત બનાવવા માટે આ પરીક્ષણ કર્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












