ભારત-અમેરિકા વેપાર : ટ્રમ્પ દાવો કરે છે તેમ ભારતનો અમેરિકા પરનો ટેરિફ દર ખરેખર વધારે છે?

    • લેેખક, રિયાલિટી ચૅક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

દાવોઃ ભારતે આયાત પર બહુ ઊંચા દર લગાવ્યા છે- ડોનાલ્ડ ટ્રમ્પના મતે દુનિયામાં આ અત્યાર સુધીના સૌથી ઊંચા દર છે.

તારણઃ એ સત્ય છે કે ભારતમાં દુનિયાની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓથી સરેરાશ ઊંચા દરો છે અને તે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ સૌથી વધુ છે. પરંતુ અન્ય દેશોએ પણ વિશેષ ઉત્પાદનો પર ઊંચા કર લગાવ્યા છે અને અમેરિકાએ ચીન સાથે વેપાર યુદ્ધ દરમિયાન ચીનના ઉત્પાદનો પર 360 અબજ ડૉલરથી વધુ દર લગાવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની મુલાકાતો થઈ રહી છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર એક મહત્ત્વનો મુદ્દો હશે તેવી અપેક્ષા છે.

બંને દેશો વચ્ચે આ મુદ્દે તણાવની સ્થિતિ સર્જાતી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે ભારતના કરના દરો (આયાત પર લગાવેલો કર) 'અસ્વીકાર્ય' છે. તેમણે ભારતને દરોનો 'રાજા' પણ કહ્યો હતો.

તેમણે એક વખત કહેલું, "ભારતે અમેરિકા પર ઘણા વર્ષમાં અત્યારે સૌથી વધુ કર લાદ્યો છે. ભારત ટેરિફનો રાજા છે. જે બિલકુલ સ્વીકાર્ય નથી."

વરિષ્ઠ અમેરિકન રિપબ્લિકન સૅનેટર લિંડસે ગ્રાહમે તાજેતરમાં જ કહેલું કે, જ્યારે અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ લગાવાની વાત આવે ત્યારે ભારત પોતાના સૌથી ખરાબ સ્વરૂપમાં હોય છે.

આ વર્ષે આવેલો એક અધિકૃત અહેવાલ જણાવે છે કે વિશ્વ વેપાર સંગઠન(ડબલ્યૂટીઓ)ના અન્ય સભ્યો દેશો પર ભારતના જકાત દરો કોઈ પણ મોટી અર્થવ્યવસ્થામાં સૌથી વધુ છે.

વર્ષ 2018માં ભારતના અર્થવ્યવસ્થાનો સરેરાશ જકાત કરનો દર 17.1 ટકા હતો. જે અમેરિકા, જાપાન અને યુરોપિયન સંઘો કરતાં બહુ ઊંચો હતો. આ દેશોમાં દર 3.4 ટકાથી 5.2 ટકા સુધી છે.

ભારતના ટેરિફની સરખામણી

ભારતમાં લાગતો ટેરિફ અન્ય દેશોની સરખામણીએ વધુ છે. 2018માં દક્ષિણ કોરિયાનો સરેરાશ દર 13.7 ટકા અને બ્રાઝિલનો 13.4ટકા હતો. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું યોગ્ય છે કે જો આ દર જોઈએ તો પણ વૈશ્વિક સ્તરે ભારત સૌથી વધુ દર લગાવી રહ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા વેપાર યુદ્ધના કારણે ગયા વર્ષે બંને દેશો એક-બીજા પર ટેરિફના દર વધારી રહ્યા છે.

જોકે, તે હજુ ડબલ્યુટીઓના વાર્ષિક આંકડાઓમાં જોવા મળ્યું નથી પરંતુ વૈશ્વિક વેપાર નીતિમાં ટેરિફનો ઉપયોગ બંને દેશોના સરેરાશ ટેરિફ સ્તરને વધારી શકે છે.

ભારત શું કહે છે?

ભારત કહે છે કે તેનો સરેરાશ ટેરિફ દર ડબલ્યૂટીઓના નિયમોની મર્યાદા અનુસાર જ છે.

ભારતીય અધિકારીઓ એવું પણ કહે છે કે ટેરિફના દરો વઘુ એક માપ, એટલે કે વ્યાપાર ભારિત સરેરાશમાં પર પણ ભારત ખરું ઊતરે છે.

આ વ્યાપાર ભારિત માપ આયાતના પ્રમાણની સાથે તમામ કરોની સરેરાશની ગણતરી કરે છે.

વર્ષ 2017માં ભારતમાં વ્યાપાર ભારિત સરેરાશ ટેરિફ 11.7ટકા હતો, બ્રાઝિલનો 10 ટકા અને દક્ષિણ કોરિયાનો 8.1ટકા હતો.

પરંતુ અમેરિકા, યુરોપિયન સંઘ અને જાપાન માટે વ્યાપાર ભારિત સરેરાશ ટેરિફ ક્રમશઃ 2.3ટકા, 3ટકા અને 2.4 ટકા સાથે બહુ ઓછો હતો.

ઊંચા દરો લગાવનારા દેશોમાં ભારત એકલું નથી. જાપાન, દક્ષિણ કોરિયા અને ઑસ્ટ્રેલિયા પણ ખાસ આયાતો પર વધુ દર લગાવે છે.

અમેરિકા તમાકુના કેટલાક પ્રકારો પર 350 ટકા અને યુરોપિયન પનીર તેમજ ચૉકલેટના કેટલાક પ્રકારો પર 100 ટકા કે તેથી પણ વધુ ટેરિફ લગાવે છે.

પરંતુ અમેરિકાના સરેરાશ ટેરિફના દર ઐતિહાસિક રીતે ઓછા રહ્યા છે. એક રિપોર્ટ મુજબ 2018માં અમેરિકાના દરો દુનિયામાં સૌથી ઓછા દરોમાંના એક હતા.

ભારતે અમેરિકા પર કયા ટેરિફ લગાવ્ચા?

જૂનમાં ભારતે અમેરિકાના 28 ઉત્પાદનો પર ટેરિફ વધાર્યો છે, જેમાં બદામ, અખરોટ, સફજન અને સ્ટીલનો સમાવેશ થાય છે.

અમેરિકાના અખરોટ પરનો દર 120 ટકા સુધી પહોંચી ગયો છે જ્યારે છોલે અને અમુક પ્રકારની દાળ પરનો દર વધીને 70 ટકા થઈ ગયો છે.

અમેરિકાએ ભારતને વેપાર પર મળતાં કેટલાંક વિશેષ અધિકારો પાછા ખેંચી લીધા તેથી ભારતે આ પગલું લીધું છે.

તેનાથી અમેરિકાની 5 અબજ ડૉલરથી વધુ કિંમતોની આયાતને અસર થઈ છે.

ભારત એ વાતથી પણ નારાજ હતું કે ગયા વર્ષે અમેરિકાએ ભારતને સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફમાં છૂટ આપવાથી ઇનકાર કરી દીધો.

ભારત અમેરિકાને મોટા ભાગે રત્નો, ફાર્માસ્યૂટિકલ્સસ મશીનરી, ખનિજ ઇંધણ અને વાહનોની નિકાસ કરે છે.

જ્યારે અમેરિકા ભારતને કૃષિ ઉત્પાદનો ઉપરાંત કિંમતી ધાતુ અને પત્થર, વિમાન અને ઑપટિકસ અને મેડિકલના સાધનોની નિકાસ કરે છે.

અમેરિકા અને ભારતમાં વધતો વેપાર

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં હાર્લે ડેવિસન બાઇક પર લાગતા ટેરિફ પર ખાસ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે આ ટેરિફનો દર 100 ટકા હતો. જેને અમેરિકાની ફરિયાદ બાદ અડધો કરી દેવાયો હતો.

અમેરિકાએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ઉત્પાદનો પર લાગતા દરને લઈને પણ ફરિયાદ કરી હતી.

સાથે જ મેડિકલના સાધનોની કિંમત પર નિયંત્રણ, ઘરેલુ ઇ-કોમર્સ કંપનીઓને ફાયદો અપાવતા નિયમો અને ડિજિટલ સેવાઓ આપતી કંપનીઓ પર સ્થાનિક સ્તરે ડેટા સ્ટોર કરવાના નિયમો અંગે પણ ફરિયાદ કરી હતી.

તેના ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર વધ્યો છે. અમેરિકાના અધિકૃત આંકડાઓ મુજબ 2018માં ભારતના 24.2 અબજ ડૉલરના વધારા સાથે આ ટેરિફ 142.1 ડૉલર પર પહોંચી ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો