You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ડોનેશિયામાં આકાશ લાલ થયું, મંગળ ગ્રહ જેવો નજારો સર્જાયો
ઇન્ડોનેશિયાના જામ્બીમાં આકાશ લાલ થઈ ગયું હતું. નજારો એવો સર્જાયો કે જોનારી વ્યક્તિને એવું જ લાગે કે કદાચ આ પૃથ્વી નહીં મંગળ છે.
જોકે, ઇન્ડોનેશિયામાં ઘટેલી આ વિચિત્ર ઘટના પાછળનું કારણ જંગલોમાં મોટાપાયે લાગેલી આગ છે.
ઇન્ડોનેશિયામાં અવારનવાર આગને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ જતું હોય છે.
ઇન્ડોનેશિયાના હવામાન વિભાગે બીબીસીને જણાવ્યું કે આવું દૃશ્ય રેયલી સ્કેટરિંગ કારણે સર્જાયું અને આવું જવલ્લે જ બને છે.
જામ્બીના મેકર સારી ગામમાં રહેતા એકા વુલન્ડરીએ લાલ આકાશની આ તસવીર લીધી હતી.
21 વર્ષીય આ યુવતીએ આ તસવીર ફેસબુક પર પોસ્ટ કરી એ પછી 35 હજારથી વધારે વખત શૅર થઈ.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમની તસવીરની સત્યતા અંગે શંકા કરતા હતા.
તેમણે કહ્યું કે આ સાચી તસવીર છે અને મેં મારા ફોનના કૅમેરાથી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય એક ટ્વિટર યૂઝરે પણ આવો જ વીડિયો ટ્વીટ કર્યો હતો.
@zunishofiyn હૅન્ડલ પરથી લખ્યું, 'આ મંગળ નથી, આ જામ્બી છે. અમને શુદ્ધ હવા જોઈએ, ધુમાડો નહીં.'
આવું કેમ થયું?
સિંગાપોર યુનિવર્સિટીના સોશિયલ સાયન્સના પ્રોફેસર કૉહ તિએહ યોંગ જણાવે છે કે 'રેયલી સ્કેટરિંગ' હવામાં ધુમાડાના પાર્ટિકલ ભળે એનાથી થાય છે.
તેઓ કહે છે, "જાણે કે ધુમાડાનું ધુમ્મસ સર્જાય છે. સામાન્ય રીતે 1 માઇક્રોમિટર જેટલાં પાર્ટિકલ્સ તેમાં હોય છે પણ તે પાર્ટિકલને કારણે પ્રકાશનો રંગ બદલાતો નથી."
"0.05 માઇક્રોમિટરથી નાનાં પાર્ટિકલ પણ હોય છે તેનાથી ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાતું નથી પણ તે લાલ પ્રકાશ જેવો આભાસ રચવાની ક્ષમતા ધરાવે છે."
તેમણે એવું પણ કહ્યું હતું કે શક્ય છે કે આ તસવીર બપોરના સમયે લીધી હોય એટલે વધારે લાલ દેખાય છે.
તેઓ આ વિશે સમજાવતા કહે છે, "જો સૂર્ય માથા પર હોય અને તમે સૂર્ય તરફ ઉપર જુઓ તો તમને આકાશ લાલ હોય એવું લાગશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો