પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે યુદ્ધની સંભાવના વ્યક્ત કરી

ઇમેજ સ્રોત, Getty Images
ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આર્થિક મોરચે પાકિસ્તાન ડિફોલ્ટર થતાંથતાં બચ્યું છે અને હજુ પણ સંકટનાં વાદળો સંપૂર્ણ રીતે હઠ્યાં નથી.
બીજી તરફ ભારત સાથે કશ્મીર મુદ્દે તણાવ ચરમ પર છે અને દેશની અંદર પણ કરાચીમાં રાજકીય માહોલ ગરમ છે.
ભારતે જમ્મુ-કશ્મીરની સ્વાયત્તતા ખતમ કરી તો પાકિસ્તાને આ મુદ્દો દુનિયાના દરેક મંચ પર ઉઠાવવા પ્રયાસ કર્યો પણ તેને સફળતા મળી નહીં.
ઇમરાન ખાનને પાકિસ્તાનમાં તેમના વિરોધીઓ 'યૂ-ટર્ન પીએમ' કહે છે. ઇમરાન ખાને નવું પાકિસ્તાન બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિવર્તન દેખાતું નથી.
ઇમરાન ખાને 'અલ-જઝિરા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત સાથે કાશ્મીર મુદ્દે યુદ્ધની સંભાવના છે.
શુ બંને અણુશસ્ત્રોથી સજ્જ દેશો વચ્ચે કોઈ મોટા સંઘર્ષની શક્યતા છે?
આ પ્રશ્નના જવાબમાં ઇમરાન ખાને કહ્યું કે 'હા બંને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ છે.'
પાકિસ્તાની પીએમે કહ્યું કે ભારત સાથે યુદ્ધ શક્ય છે. પાકિસ્તાનનો પાડોશના ચીન સાથેનો સંબંધ ઐતિહાસિક રીતે ઘણો ઘનિષ્ઠ રહ્યો છે પરંતુ ભારત સાથે તેને બિલકુલ બનતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન ખાને આ ઇન્ટરવ્યૂમાં કાશ્મીર મુદ્દે કહ્યું, "કાશ્મીરમાંમાં 80 લાખ મુસ્લિમો છેલ્લાં 6 અઠવાડિયાથી કેદ છે."
"ભારત પાકિસ્તાન પર આતંકવાદનો આરોપ લગાવી દુનિયાનું ધ્યાન આ મુદ્દા પરથી હઠાવવા માગે છે. પાકિસ્તાન ક્યારેય યુદ્ધનો આરંભ નહીં કરે અને એ બાબતે હું બિલકુલ સ્પષ્ટ છું."
"હું શાંતિપ્રિય વ્યક્તિ છું. હું યુદ્ધવિરોધી છું. હું માનું છું કે યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન નથી."

'ભારત અમને દેવામાં ડુબાડવા માગે છે'

ઇમેજ સ્રોત, Getty Images
ઇમરાન ખાને કહ્યું, "જ્યારે બે અણુસજ્જ દેશો ટકરાય ત્યારે પરિણામ શું આવે તેની કલ્પના પણ થઈ શકે નહીં."
"એથી જ અમે સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક સાધ્યો. અમે દુનિયાના તમામ મંચ પર આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. અમે તેનું રાજકીય સમાધાન ઇચ્છીએ છીએ."
"જો મામલો યુદ્ધ સુધી પહોંચ્યો તો તે માત્ર ભારત સુધી સીમિત નહીં રહે. તે તેનાથી પણ આગળ જશે અને સમગ્ર દુનિયા પર તેની અસર થશે."
ઇમરાન ખાને કહ્યું, "અમે ભારત સાથે સંવાદ કરવાની કોશિશ કરી અને ભારતે અમને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સની બ્લૅક લિસ્ટમાં નાખવાની કોશિશ કરી. જો પાકિસ્તાન બ્લૅક લિસ્ટમાં ગયું હોત તો અમારા પર ઘણા પ્રતિબંધ લાગી ગયા હોત. ભારત અમને દેવાળિયું જાહેર કરવા માગે છે."
તેમણે કહ્યું, "ભારત સરકારે પોતાના જ બંધારણની કલમ 370 ખતમ કરી નાખી. એટલે અત્યારે તો સંવાદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી."
"સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જનમત લેવાની ગૅરંટી આપવામાં આવી હતી તેની વિરુદ્ધ જઈને ભારતે ગેરકાયદેસર રીતે આ નિર્ણય લીઘો છે. આ રીતે તેમણે માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું પણ પોતાના સંવિધાનનું પણ ઉલ્લંઘન કર્યું છે."
નોંધનીય છે કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ-કશ્મીર તેમનો આંતરિક મુદ્દો છે અને તેમાં તે કોઈ હસ્તક્ષેપ સ્વીકારશે નહીં.
જ્યારે ઇમરાન ખાનને તેમના કાર્યકાળની ઉપલબ્ધિઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ હતો, "અમે પહેલાંથી જ એક નવા પાકિસ્તાનમાં છીએ. આ સરકારે કેટલીક એવી વસ્તુ કરી છે જે પહેલાંની કોઈ સરકારે કરી નથી."
"રોમ એક દિવસમાં નથી બન્યું એ કહેવતની જેમ કોઈ સરકારનાં કામકાજનું આંકલન પણ પાંચ વર્ષ પછી જ થઈ શકે છે. પહેલું વર્ષ સૌથી મુશ્કેલ સમય હતો. તેથી હવે લોકોને ફેર વર્તાવા લાગ્યો છે. આ દેશની સાચી દિશા છે."

'મૂર્ખ લોકો યૂ-ટર્ન નથી લેતા'

ઇમેજ સ્રોત, Getty Images
ઇમરાન ખાને 'અલ જઝિરા'ને કહ્યું, "મને તેઓ જ્યારે યૂ-ટર્નવાળા વડા પ્રધાન કહે છે તો ખુશી થાય છે. માત્ર મૂર્ખ લોકો જ યૂ-ટર્ન લેતા નથી. માત્ર એક મૂરખ જ રસ્તામાં આવતી દીવાલ સાથે માથું અથડાવી શકે. એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની યોજના તરત બદલી નાખે છે."
પરંતુ શું તેમના યૂ-ટર્નથી દેશ પર હકારાત્મક અસર પડી?
ઇમરાન ખાનને જ્યારે પૂછવામાં આવ્યું અણુશસ્ત્રોથી સજ્જ બે પાડોશી દેશ વચ્ચે કોઈ મોટા સંઘર્ષનો ખતરો છે તો તેમનું કહેવું હતું કે તેઓ ચોક્કસ માને છે કે ભારત સાથે યુદ્ધની સંભાવના છે.
ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવાયા બાદ વાતચીતની કોઈ શક્યતા નથી. જો ભારત પાકિસ્તાન સાથે વાત ન કરે તો પાકિસ્તાન શું કરે?
આ સવાલના જવાબમાં ખાને કહ્યું, "બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ અને ત્યાં જ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે અને આશા છે કે કોઈ સમાધાન નીકળશે."
"અમે દુનિયાના બધા જ શક્તિશાળી દેશોનો સંપર્ક કરી રહ્યા છીએ. જો કાશ્મીર મુદ્દાનું સમાધાન ન થયું તો સમગ્ર વિશ્વ પર તેની અસર થશે. જે દેશોને ભારતમાં મોટું બજાર દેખાય છે અને વેપારની દૃષ્ટિએ જુએ છે તેમને એ વાતનો અહેસાસ નથી કે જો તેઓ હસ્તક્ષેપ નહીં કરે તો યુદ્ધની અસર માત્ર ભારત પર નહીં સમગ્ર વિશ્વ પર થશે."

અફઘાન યુદ્ધમાં ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અમેરિકા વચ્ચે શાંતિવાર્તા તૂટી એ અંગેના સવાલ પર એક દિવસ પહેલા 'રશિયા ટુડે' સાથે ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને પશ્ચિમના દેશોમાંથી ફંડ મેળવવા માટે પાકિસ્તાન ઉગ્રવાદી જૂથોને આશરો આપતું હોવાના આરોપનું ખંડન કર્યું હતું.
તેમણે કહ્યું, "જ્યારે અમેરિકાની આગેવાનીમાં પાકિસ્તાને ઉગ્રવાદ વિરુદ્ધ લડાઈમાં ભાગ લીધો તો તેના 70 હજાર લોકો માર્યા ગયા. આ દરમિયાન લગભગ 100 અબજ ડૉલરનું નુકસાન થયું જ્યારે મદદ માત્ર 20 થી 30 અબજ ડૉલરની જ મળી."
તેમણે કહ્યું, "આ યુદ્ધમાં પાકિસ્તાનને જાનમાલનું જેટલું નુકસાન થયું એટલું કોઈને થયું નથી. જ્યાં સુધી તાલિબાનની વાત છે તો પાકિસ્તાનની ભૂમિકા અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની છે. કમનસીબ છે કે અમારી સરકારોએ એ અફઘાન યુદ્ધમાં ભાગ લીધો, જે અમારું યુદ્ધ જ નહોતું. હું તેનો વિરોધ કરું છું કે જો 9/11માં અમારી કોઈ ભૂમિકા જ ન હોય તો અમે યુદ્ધ કેમ લડી રહ્યા છીએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














